નીરજ ચોપરાએ પાણીમાં ફેક્યો ભાલો, માલદીવ ટૂરનો વીડિયો વાયરલ

ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ નીરજ ચોપરા હવે વેકેશન મૂડમાં આવી ગયો છે. નીરજે થોડો બ્રેક લીધો છે અને હવે માલદીવમાં રજા માણી રહ્યો છે. નીરજને તેની રમત અને બરછી કેટલી પ્રિય છે તેની ઝલક માલદીવમાં પણ જોવા મળી છે. નીરજ રજાના સમયમાં પણ અહીં બરછી ફેંકવાનું જ વિચારી રહ્યો છે.

નીરજના માલદીવ પ્રવાસની શરૂઆત ફુરાવેરી રિસોર્ટથી થઈ. 23 વર્ષીય રમતવીરે શુક્રવારે તેની ઇન્સ્ટાગ્રામ વોલ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે સ્કુબા ડાઇવિંગની મજા માણી રહ્યો છે. વીડિયોમાં નીરજ પાણીના ઉંડાણમાં બરછી ફેંકવાની પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. પાણીની નીચે, નીરજે રનઅપ લીધો અને તેની બરછી ફેંકવાની સ્ટાઈલ બતાવી.

આ વીડિયો પોસ્ટ કરતાં નીરજે લખ્યું, ‘આકાશમાં કે જમીન પર કે પાણીની નીચે, હું હંમેશા માત્ર બરછીનો જ વિચાર કરું છું. આ પછી નીરજે લખ્યું, તાલીમ શરૂ થઈ ગઈ છે.’ એઆર રહેમાનનું ગીત ‘વંદે માતરમ’ પણ નીરજના આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં સાંભળવા મળી રહ્યું છે.

એથ્લેટિક્સમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ જીતાડ્યા બાદ નીરજનો શિડ્યુલ ઘણો વ્યસ્ત બની ગયો હતો. ટીવી કમર્શિયલથી માંડીને ટીવી શો, સન્માન સમારોહ અને ઇન્ટરવ્યુ હવે રમતવીરના જીવનનો મુખ્ય ભાગ બની ગયા છે. તેથી તેણે તાલીમ પહેલા થોડો વિરામ લીધો છે જેથી તે તેના મનને રિફ્રેશ કરી શકે.

નીરજ ચોપરા ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર બીજો ભારતીય ખેલાડી છે. આ અગાઉ આ પરાક્રમ વર્ષ 2008 માં અભિનવ બિન્દ્રાએ કર્યું હતું. નીરજે ટોક્યો ઓલિમ્પિકની ફાઇનલમાં 87.58 મીટર દૂર બરછી ફેંકીને ઇતિહાસ રચ્યો હતો.

YC