નવસારીમાં એક સાસુએ સમાજમાં બેસાડ્યો દાખલો, દીકરાના નિધન બાદ પુત્રવધુને વળાવી સાસરે

ગુજરાતમાંથી ઘણીવાર પુત્રવધુના પુન:લગ્નના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર પુત્રનુ કોઇ કારણસર અવસાન થઇ જતા સાસુ-સસરા પુત્રવધુને દીકરી માની તેના પુન:લગ્ન કરાવતા હોય છે અને તેને સાસરે વળાવતા હોય છે. હાલમાં જ આવો કિસ્સો નવસારીમાંથી સામે આવ્યો છે. જેમાં એક સાસુએ પોતાની પુત્રવધુ વિધવા થતા તેને દીકરી ગણી તેના લગ્ન કરાવ્યા હતા. આ અનોખી પહેલ અને સમાજમાં દાખલો બેસાડવા તેમણે પોતાની વહુનો સંસાર ફરીથી મંડાયો હતો. આજકાલ તો સાસુ અને વહુ વચ્ચેના ઘણા ઝઘડાઓ સામે આવતા રહે છે.

બંને એકબીજાની ભૂલો શોધતા હોય છે અને એકબીજા સાથે માનપૂર્વક વાતો કરતા ન હોવાના પણ કિસ્સાઓ સામે આવે છે, જે વચ્ચે આ કિસ્સો એક મિશાલ છે. સાસુ અને વહુના ઝઘડા અને ખેંચતાણ પર ઘણી સીરિયલો પણ બની ચૂકી છે. ત્યારે નવસારીમાંથી આ સાસુ-વહુનો એવો દાખલો સામે આવ્યો છે, જેણે સમાજમાં એક અલગ દાખલો બેસાડ્યો છે. આમ તો સામાન્ય રીતે એવું બનતુ હોય છે કે, પતિના નિધન બાદ પત્ની સાસરે વિધવાની જેમ રહેતી હોય છે, આવી રીતે ઘણી મહિલાઓ પોતાનું જીવન પૂરુ કરે છે.

પ્રતિકાત્મક તસવીર

પરંતુ ઘણા એવા કિસ્સાઓ પણ સામે આવે છે, જેમાં વિધવા વહુના સાસરિયા દ્વારા પુન:લગ્ન કરાવવામાં આવે છે અને તેને દીકરીને જેમ તેના સાસરે વળાવવામાં આવતી હોય છે. નવસારી ખાતે રહેતા જયાબેન ગાંધીના દીકરાનું હાર્ટ એટેકને નિધન થયુ હતુ અને તેના નિધન બાદ તેમની પુત્રવધુ સ્વીટી એક વિધવાની જેમ જીવન જીવતી હતી. ત્યારે તેને આ લગ્નથી એક દીકરો પણ હતો. જે 12 વર્ષનો છે. સ્વીટીએ પિયર જવાને બદલે સાસરે રહીને સાસુ-સસરાની સેવા કરવાનું નક્કી કર્યુ હતુ. ત્યારે જયાબેને પણ પોતાની વહુને દીકરીની જેમ રાખી અને તેને ઘરે બેસાડવા કરતા તેના પુન:લગ્ન કરવાનું પણ વિચાર્યુ.

પ્રતિકાત્મક તસવીર

જેના કારણે તે તેનું બાકીનું જીવન સારી રીતે જીવી શકે. આ વિચાર આવ્યા બાદ જયાબેને છોકરાની શોધ કરી અને ત્યારે તેમની આંખ સુરતના દિવ્યેશ પર પડી. જે બાદ સ્વીટી અને દિવ્યેશ વચ્ચે વાતચીત થઇ અને બંનેએ લગ્ન માટે હા પાડતા સાસુ જયાબેને તેમના લગ્ન કરાવી આપ્યા હતા. આ લગ્નની વિધિ નવસારીના વિષ્ણુ મંદિર ખાતે થઇ હતી. ઉલ્લેખનીય છે કે, દિવ્યેશના માતા-પિતા નથી, તેમનું કોરોનાને કારણે નિધન થયુ છે. તે સારી જગ્યાએ નોકરી કરે છે. જયાબેને પુત્રવધુને દીકરી માની તેના પુન:લગ્ન કરાવી સમાજમાં એક નવું ઉદાહરણ પૂરુ પાડ્યુ છે.

Shah Jina