Navsari love Jihad: ગુજરાતમાંથી ઘણીવાર લવ જેહાદના મામલા સામે આવે છે, ત્યારે હાલ નવસારીના ખેરગામમાંથી લવજેહાદના લાલબત્તી સમાન કિસ્સાનો પર્દાફાશ થયો છે. પરણિત અને ત્રણ બાળકોના પિતાએ એક હિંદુ યુવતીને પહેલા પ્રેમજાળમાં ફસાવી અને પછી અનેકવાર દુષ્કર્મ આચર્યુ. તે પછી આરોપી પોતે લવ જેહાદમાં ન ફસાય એટલે હત્યાના આરોપી રોનક પટેલ સાથે તે યુવતીના લગ્ન કરાવી દીધા.
આ મામલે પીડિતાએ ખેરગામ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવ્યા બાદ નવસારી એલસીબી પોલીસે એક સપ્તાહ બાદ આરોપી અસીમ શેખની મુંબઇથી ધરપકડ કરી અને પછી તેને કોર્ટમાં રજૂ કર્યો.કોર્ટે આરોપીના 13 જુલાઇ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ખેરગામમાં આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યુ હતુ. આ કિસ્સો બહાર આવ્યા બાદ છોકરી અને તેના પરિવારજનોએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને ફરિયાદ કરી હતી અને તે પછી તેમણે આ મામલે કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા.
નવસારીના ખેરગામ ખાતે રહેતી હિન્દુ યુવતિને બુટલેગર અસિમ નિઝામ શેખે લગ્નની લાલચ આપી હતી અને બળાત્કાર પણ ગુજાર્યો હતો. જો કે, તે પોતે લવ જેહાદમાં ન ફસાઇ જાય એટલે તેના મિત્ર અને બિલીમોરા ખાતે થયેલા હત્યાના આરોપી રોનક પટેલ સાથે તેના લગ્ન કરાવી નાખ્યા.ત્યારે આ મામલે યુવતીએ ખેરગામ પોલીસમાં ફરિયાદ નોધાવ્યા બાદ ખેરગામ પોલીસે અસિમ શેખ અને તેના મિત્ર રોનક પટેલ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને વધુ તપાસ માટે નવસારી જિલ્લા પોલીસ વડાએ પોલીસ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી.
વર્ષ 2019માં યુવતી આરોપીના સંપર્કમાં આવી અને તે પછી વર્ષ 2021માં યુવતી સાથે વડોદરા ખાતે બળાત્કાર ગુજારવામાં આવ્યો. આ દરમિયાન યુવતીના અંગત પળોના ફોટા અને વીડિયો પણ લેવામાં આવ્યા હતા અને આના આધારે બ્લેકમેઇલ પણ કરાઇ હતી.જો કે, તપાસ ટીમ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા આ ઘટનામાં રાજયના ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીએ દરમ્યાનગીરી કરી હતી અને આરોપીઓને તત્કાલ ઝડપી પાડવા નવસારીના પોલીસ તંત્રને આદેશ કર્યો હતો.
ગૃહરાજ્ય મંત્રીના આદેશ બાદ પોલીસ તંત્રએ સમગ્ર ઘટનાની તપાસ નવસારી એલસીબી પીઆઈ દિપક કોરાટને સોંપી અને એલસીબીની ટીમે ગણતરીના દિવસોમાં જ ઘટનાના મુખ્ય સુત્રધાર આરોપી અસિમ નિઝામ શેખની મુંબઈથી ધરપકડ કરી. મંગળવારે જ આરોપીને કોર્ટમાં રજુ કરાયો હતો અને કોર્ટે 13 જુલાઈ સુધીના રીમાન્ડ તેના મંજુર કર્યા હતા.ત્યાં હજુ બીજા આરોપી રોનક પટેલની શોધખોળ એલસીબી પોલીસ કરી રહી છે.
અસીમ નવસારીનો માથાભારે લીસ્ટેડ બુટલેગર છે અને તેની સામે નવસારી, વલસાડ અને સુરતમાં પ્રોહીબીશન અલગ-અલગ 14 જેટલા ગુનાઓ તથા મારામારીના ત્રણ ગુનાઓ તેમજ વ્યાજખોરીનો એક ગુનો નોંધાયો છે. તેના પર 18 જેટલા ગુનાઓ નોંધાયેલ છે, જેમાં વલસાડના 5 ગુનામાં તે હાલમાં વોન્ટેડ છે. આરોપી જ નહિ પણ તેનો સમગ્ર પરીવાર ગુનાહિત માનસ ધરાવે છે. આરોપીના પિતા અને ભાઇઓ પર પણ ગુના નોંધાયેલા છે.