ધાર્મિક-દુનિયા

નવરાત્રીનો પહેલો દિવસ એટલે માતા શૈલપુત્રીનું નોરતું; જાણો નવદુર્ગાનાં પ્રથમ રૂપની જન્માંતરની કથા અને પૂજાની વાત

મહાપર્વ નવરાત્રીનો પ્રથમ દિવસ એટલે માતા ‘શૈલપુત્રી’નું નોરતું. શૈલપુત્રીને નવદુર્ગામાંનું પ્રથમ સ્વરૂપ માનવામાં આવે છે. આથી પ્રથમ દિવસે શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. વૃષભ (પોઠીયો) પર બિરાજમાન, એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં કમળથી શોભાયમાન, માથે ચંદ્રથી દેદિપ્યમાન માતા શૈલપુત્રી સ્થિરતા અધે દ્રઢતાનું ઉત્તમ પ્રતિક છે.

Image Source

શૈલપુત્રી એટલે કોણ? —

શૈલનો અર્થ થાય છે: પર્વત. હિમાલય પર્વત છે. આથી શૈલપુત્રી અર્થાત્ ‘હિમાલયની પુત્રી’. હિમાલયની પુત્રી એટલે માતા પાર્વતી, માતા ભવાની! આમ શૈલપુત્રી એ પાર્વતીનું જ નામ છે. શિવનાં અર્ધાંગિની તરીકે માતાજીનું મહત્ત્વ તો છે જ, પણ એમનું અલાયદું મહત્ત્વ પણ ઓછું નથી.

માર્કંડેયપુરાણમાં કહેવાયું છે કે:

“શૈલપુત્રી એટલે દેવીના નવદુર્ગા સ્વરૂપમાંનું પ્રથમ સ્વરૂપ.”

Image Source

પિયરમાં થયેલું શિવજીનું અપમાન સહન ન થયું —

શૈલપુત્રી પૂર્વજન્મમાં ‘સતી’ હતાં. સતિ દક્ષ પ્રજાપતિના પુત્રી હતાં અને શિવજી સાથે એમના વિવાહ થયેલા. દક્ષ પ્રજાપતિને શિવ પ્રત્યે બેહદ ઇર્ષ્યા હતી. એક વખત તેમણે વિશાળ યજ્ઞનું આયોજન કર્યું. ત્રિલોકમાં બધે જ આમંત્રણ મોકલાવ્યું પણ પોતાની દીકરી જેના ઘરમાં હતી એ જમાઈ ભગવાન શિવને ત્યાં કંકોત્રી આપી જ નહી! સતીને થયું, કે કદાચ તેમના પિતા આમંત્રણ આપવાનું ભૂલી ગયા હશે. આથી તેમણે તો પિયર જવાનું વિચારી લીધું.

શિવજીએ ઘણી ના પાડી પણ સતી તો ચાલી નીકળ્યાં. પણ પિયર પહોઁચીને તેમણે શું જોયું? અહીં તો તેમની માતા સિવાય બધાએ શિવજીની હાંસી ઉડાવી. એમની ખુદની બહેનો પણ આમાં બાકાત નહોતી! એ જટાળા, ભભૂતગર, સ્મશાનમાં રહેતા ને ભૂતડાં ભેગા નાચતા બાવાને વળી યજ્ઞમાં શું બોલાવવો? – આવાં વેણ ચોતરફથી સતીના કાને પડતા હતા. યજ્ઞને ટાણે દક્ષ પ્રજાપતિએ પણ શિવજી વિશે ભયંકર કટાક્ષો કર્યા. સતીને આ અપમાન હાડોહાડ વાગ્યું. એ જ વખતે યજ્ઞકુંડમાં પોતાની જાતને હોમી દીધી અને બળીને ભસ્મ થઈ ગયાં!

Image Source

અને શિવનો છપ્પરફાડ મિજાજ જાગૃત થયો! —

આ વાતની ખબર શિવજીને પડી. સતીનાં બલિદાનની ખબરથી શિવજીનો ગુસ્સો કાબૂ બહાર જતો રહ્યો. પલભરમાં ત્રીજું નેત્ર ખૂલ્યું અને નટરાજે તાંડવારંભ કર્યો. સૃષ્ટિ હલબલી ઉઠી. ગંજાવર જટા જોરથી ધરતી પર પટકી અને વીરભદ્ર નામનો વિકરાળ ગણ ઉત્પન્ન થયો. ગણોની સેના સાથે શિવજીએ દક્ષ પ્રજાપતિના યજ્ઞને પૂરી રીતે છિન્નભિન્ન કરી નાખ્યો. વીરભદ્રએ દક્ષ પ્રજાપતિનું માથું વાઢી લીધું. એ પછી વિષાદમાં શિવ સતીના મૃતદેહને માથે લઈ જે કરૂણ તાંડવ કરે છે એમાં ત્રિલોક ધણેણી ઉઠે છે. સતીના દેહના ટૂકડા જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠોનું નિર્માણ થયું. આજે ભારતમાં આવી ૫૧ શક્તિપીઠો છે.

Image Source

બીજા જન્મમાં શિવ કઈ રીતે મળ્યા? —

સતીનો બીજો જન્મ હિમાલયને ખોળે થયો. આ જન્મમાં તેનું નામ પાર્વતી હતું. પૂર્વ જન્મનો સબંધ કેમ અધૂરો રહે? એમાંયે આ તો જગતની બે સર્વશ્રેષ્ઠ શક્તિઓનો પરમપવિત્ર સબંધ હતો. પાર્વતીએ કઠોર તપ કરીને શિવને પ્રસન્ન કર્યા, શિવને મેળવ્યા. આમ, ફરી એકવાર અલગ નામે પણ એક જ શક્તિપૂંજે શિવ-સતીનું મિલન થયું. હવે એ શૈલપુત્રી-પાર્વતી હતાં!

Image Source

શૈલપુત્રીને વ્હાલી સફેદી —

માતા શૈલપુત્રીનાં સ્વરૂપનું વર્ણન તો આગળ કર્યું છે. શૈલપુત્રીને ધવલતા(સફેદી) પ્રિય છે. આથી પ્રથમ નોરતે સફેદ વસ્ત્રો પરિધાન કરવાં. માતાની પૂજા વખતે સફેદ ફૂલનો ઉપયોગ કરવો જોઈએ. અને ભોગમાં સફેદ બરફી જેવી વાનગીઓ ચડાવી શકાય. આ પ્રકારે અંતરાત્માથી માતાજીની પૂજા કરવાથી સાધકની દરેક મનોકામના પૂરી થાય છે. બ્રહ્મચર્ય અને પરીપૂર્ણતાની અપૂર્વ મૂર્તિ એટલે દેવી શૈલપુત્રી.

Image Source

મૂલાધાર ચક્રની જાગૃતિથી થાય છે અનેક લાભ —

ધ્યાન કરનારા યોગીઓ માટે નવરાત્રીનો આ પ્રથમ દિવસ મૂલાધાર ચક્રની જાગૃતિ માટેનો છે. યોગ પ્રક્રિયાનો તે આરંભ માનવામાં આવે છે. માતાજીની સાધના કરવાથી સાધકનું મન મૂલાધાર ચક્રમાં સ્થિત થાય છે. આ ચક્રથી અનેક પ્રકારના લાભો માણસને પ્રાપ્ત થાય છે.

અંતમાં માતા શૈલપુત્રીના આ મહામંત્રનો જાપ એકવાર કરવા જેવો:

वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखराम् |

वृषारूढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम् ||

જય માતા શૈલપુત્રી!

[નવરાત્રી વિશેનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ પડ્યો હોય તો આપના મિત્રો સાથે પણ લીંક શેર કરજો, ધન્યવાદ!]
Author: કૌશલ બારડ – GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.