ઘણીવાર આપણે ટોળામાં બેસી અને ચર્ચાઓ કરતા હોઈએ છીએ કે આપણો દેશ વિદેશોની સરખામણીમાં ઘણો પાછળ છે. વિદેશોની તરક્કી જોઈને આપણને પણ એમ થાય કે એ લોકો કેટલા સુખી સંપન્ન છે, એમના દેશમાં કેવી શાંતિ છે, સુખ છે. પરંતુ આપણા દેશમાં એવું કઈ જ નહિ. ઘણીવાર તો આપણા જ ઘરની બહાર નીકળવું આપણને ભારે પડી જાય. ખરું ને?

ગઈકાલે જે અમદાવાદમાં થયું એ જાણીને જ સાચા ભારતીયને શરમથી માથું ઝુકાવી દેવાનું મન થાય અને અમદાવાદ જ ક્યાં આખા દેશભરમાં આવા વિરોધોના વંટોળો ચાલી રહ્યા છે. ઘણીવાર તો આ વિરોધો જોઈને હસવું પણ આવે કે જેને આ વિરોધ કઈ બાબતનો છે એ પણ ખબર નથી એવા લોકો પણ આ આંદોલનોમાં સામેલ થઇ જતા હોય છે. “એક ઘેટું કુવામાં પડે એટલે પાછળ બીજા ઘેટાં પડે જ.” આ તો એ કહેવતને આપણા દેશવાસીઓ જાણે સાર્થક કરતા હોય એમ લાગી રહ્યું છે.

વિરોધ કરો વાંધો નહિ, આંદોલનો કરો એનો પણ વાંધો નહિ, પરંતુ આપણી રાષ્ટ્રીય સંપત્તિને શું કામ નુકશાન પહોંચાડો છો? તમે એ બસ જ સળગાવો છો જે તમે જરૂરિયાતના સમયે ઉપયોગ કરો છો, તમારા પરિવારજનો એ જ બસની મુસાફરી કરે છે. તમે એવા લોકોના બાઈક અને બીજો સમાન સળગાવી રહ્યા છો જેને દર મહિને માંડ માંડ બેન્કના હપ્તા ભરી અને એક વાહન વસાવ્યું હશે. તમને નહિ ખબર હોય કે તમે જેની એક વસ્તુ સળગાવી છે એ વસ્તુ લેવા માટે એને કેટલો સંઘર્ષ કર્યો હશે, કેટલા મહિના, વર્ષો વિતાવ્યા હશે, અને તેમ?? એક જ ક્ષણમાં એને ફૂંકી માર્યું? આગ ચાંપી દીધી? સાચે કહું તો તમને હૃદય નથી મળ્યું હ્રુદના રૂપમાં અંદર પથ્થર જ ફિટ કરીને આપ્યો લાગે છે.

મને ઘણીવાર મનમાં પ્રશ્ન થાય કે આ વિરોધ કરનારા પોતાની સંપત્તિને કેમ નુકશાન નથી કરતા? જો તમારે વિરોધ જ કરવો હોય તો તમારા ઘરની કોઈ વસ્તુ કે તમારું પોતાનું વાહન રોડ ઉપર લાવીને સળગાવી જુઓ. પછી ખબર પડશે કે સાચી આગ ક્યાં લાગે છે? પરંતુ પોતાની વસ્તુ માટે કરેલો સંઘર્ષ સૌને દેખાય છે પરંતુ બીજાની વસ્તુ, તેનો સંઘર્ષ જોતા આંખો બંધ થઇ જાય છે.

તમે જયારે દેશની સંપત્તિને નુકશાન પહોંચાડો છો ત્યારે એમ કેમ વિચાર નથી કરતા કે દેશની સંપત્તિ એ આપણી જ સંપત્તિ છે. કારણ કે દેશ આપણાથી જ ચાલે છે, આપણા ટેક્સ અને વેરા દ્વારા જ દેશમાં નવી સંપત્તિ ઉભી થાય છે જો તમે તેને જ નુકશાન પહોંચાડશો તો દેશના નામે એક રીતે તમે પોતાને જ નુકશાન કરી રહ્યા છો.
કાલથી હું જોતો આવ્યો છું કે લોકો પોલીસ ઉપર પણ હાથ ઉઠાવી રહ્યા છે, તેમના ઉપર પણ પથ્થરમારો કરી રહ્યા છે, પરંતુ એ લોકો ભૂલી ગયા છે કે આ એજ પોલીસ છે જે તમને જયારે મુસીબત આવશે ત્યારે તમારું રક્ષણ કરશે, જયારે તમે પૂરના પાણીમાં ફસાઈ ગયા હશો ત્યારે તમને એ બહાર કાઢવા માટે આવશે, ફૂડ પેકેટ આપવા માટે આવશે. પરંતુ આવો કોઈ વિચાર તમને નહિ આવે તમને તો બસ વિરોધ જ કરવો છે, અને વિરોધ પણ કેવો? ભારતના ઝંડા લઈને લોહિયાળ વિરોધ..!! શું આજ આપણી સંસ્કૃતિ છે? શું આજ આપણી સભ્યતા છે? શું આજ આપણા તિરંગાનું સાચું સન્માન છે?

જો આમ જ થતું રહ્યું તો આવનાર હજારો વર્ષોમાં પણ આપણા દેશની પ્રગતિ કોઈપણ કાળે શક્ય નથી. ના દેશ બદલાશે ના દેશના લોકો. વિદેશોની જયારે તમે સરખામણી કરો છો ત્યારે ત્યાંના લોકોની પણ સરખામણી તમારી સાથે કરી જોજો. માલુમ પડશે કે આપણે કેટલા પાણીમાં છીએ. જો આટલો જુસ્સો અને આટલી જ હિંમત તમે દેશના વિકાસ માટે લગાવશો તો દુનિયાની સરખામણીમાં આપણો દેશ કેટલાય ઘણો તમને આગળ જોવા મળશે.

વિશ્વનું સૌથી શ્રેષ્ઠ યુવાધન આપણા દેશમાં છે એવું દુનિયા સ્વીકારે છે, પરંતુ આપણે જ જાણીએ છીએ કે આપણા દેશનું યુવાધન કયા માર્ગે જઈ રહ્યું છે, કઈ દિશામાં ગતિ કરી રહ્યું છે. જયારે આપણા દેશના યુવાનો જ સાચી દિશામાં ગતિ કરતા થશે ત્યારે આ દેશનો વિકાસ થશે બાકી તમે જો દેશના નેતાઓ પાસે અપેક્ષાઓ રાખીને બેસી રહેશો તો ક્યારેય તમારો વિકાસ થવાનો જ નથી. એક સાચા યુવાને પોતાની જાતે જાગૃત થવું પડશે. પોતાનો રસ્તો ટોળાઓની પાછળ નહિ, પરંતુ પોતાની રીતે શોધવો પડશે. વિરોધો માટે નહિ, પરંતુ વિકાસ માટે ઝઝુમવું પડશે. તોડફોડ માટે નહિ, પરંતુ એકતા માટે સંઘર્ષ કરવો પડશે. એવું પણ નથી કે આપણામાં એટલી સમજ નથી કે આપણે આ બધું ના કરી શકીએ. પરંતુ આપણી સમજને, આપણા દિમાગને કોઈ અવળી દિશામાં લઇ જાય છે અને આપણે પેલા ઘાંચીના બળદની જેમ પાછળ પાછળ ફર્યા કરીએ છીએ.

જો દેશનો વિકાસ કરવો હોય તો પોતે વિચારશીલ બનવું પડશે. પોતે કયું પગલું ભરી રહ્યા છે તે વિચારવું પડશે અને સૌ પ્રથમ તો દેશને અને દેશની સંપત્તિ તથા દેશમાં વસતા નાગરિકોને સમજવા પડશે ત્યારે જઈને કંઈક થશે નહિ તો વિરોધ અને આંદોલનો પાછળ કેટલું નુકશાન આપણે કરી રહ્યા છે એ ટીવીમાં સમાચાર જોઈને માત્ર ગણતરી કરજો. ખબર પડી જશે!!
Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.