અમદાવાદમાં નરોડામાં ગાયે બાઈક સવાર યુવકને અડફેટે લેતા સારવાર દરમિયાન નીપજ્યું મોત, તંત્ર ક્યારે જાગશે

બે-બે દિકરીઓએ પિતા ભાવિન પટેલનું રખડતા ઢોરને લીધે થયું મૃત્યુ, બે નાની દીકરીઓનું શું થશે- જુઓ CCTV વીડિયો

માલધારીઓના ઉગ્ર આંદોલન બાદ રખડતા ઢોરને લઈને લાદવામાં આવેલું બિલ રદ્દ કરવામાં આવ્યું, આ દરમિયાન ગુજરાતમાંથી ઠેર ઠેર રસ્તે રખડતા ઢોરના કારણે અકસ્માત થવાની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, તો ઘણીવાર આવા અકસ્માતમાં કોઈનો જીવ પણ ચાલ્યો જતો હોય છે. હાલ એવી જ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે, જ્યાં એક રોડ પર રખડતા ઢોરે બાઈક ચાલકને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના નરોડા વિસ્તારમાં ભાવિન પટેલ નામનો એક યુવક જયારે બાઈક લઈને પસાર થઇ રહ્યો હતો ત્યારે જ રસ્તા ઉપર રખડતા ઢોરે તેને અડફેટે લીધો હતો. જેના કારણે યુવકના માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે હોસ્પિટલમાં સારવાર કરી રહેલા ડોક્ટરોએ જણાવ્યું કે ભાવિનને બ્રેઈનમાં મલ્ટિપલ હેમરેજ થયું છે.

જેના બાદ તે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. તે દરમિયાન જ હવે તેનું સારવાર દરમિયાન મોત થયું હોવાની ખબર સામે આવી છે. ભાવિન પરિવારનો એક માત્ર સહારો હતો, તેના પર જ આખું ઘર નિર્ભર હતું, ત્યારે તેનું આ રીતે અચાનક નિધન થવાના કારણે પરિવાર માથે પણ આભ તૂટી પડ્યું છે. ભાવિનને બે નાની દીકરીઓ પણ છે, ત્યારે પતિના મોતનો આઘાત પત્ની પણ સહન કરી શકી નથી અને તે કઈ બોલવાની સ્થિતિમાં પણ નથી.

ભાવિનના પરિવાર દ્વારા જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ સામે કેસ દાખલ કરીને ત્વરિત કાર્યવાહી કરવા માટેની માંગ પણ કરવામાં આવી છે. ત્યારે હવે હાઇકોર્ટની ફટકાર છતાં પણ AMC ઘોર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં દેખાઈ રહ્યું છે કે ભાવિન પટેલ બાઈક લઈને શાંતિથી રોડ ઉપરથી પસાર થઇ રહ્યો છે, ત્યારે જ એક ગાય ડિવાઈડર કૂદીને સીધી જ ભાવિન પટેલની બાઈકને ટક્કર મારે છે. ભાવિન ઈજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યો, પરંતુ આખરે તે જિંદગી સામેનો જંગ હારી ગયો.

Niraj Patel