રસોઈ

સ્વાદિષ્ટ દૂધ પાઉડર અને નારિયેળ ની બરફી – અત્યારે ગૌરીવ્રત શરૂ છે તો 5 દિવસ મોળું જ ખાવાનું, રેસિપી વાંચો

જેમ તમે જાણો છો કે અત્યારે ગૌરીવ્રત શરૂ છે, એટલે કે પાંચ દિવસ મોળું જ ખાવાનું. ત્યારે આજે ચાલો આપણે નારિયેળ અને દૂધ ના પાઉડર ની બરફી બનાવીએ. આ વાનગી એવી છે કે તમે ગમે ત્યારે તેમજ કોઈ ખાસ પ્રસંગ કે તહેવાર માં પણ બનાવી શકો છો. અથવા ઘરે આવેલ મહેમાનો માટે પણ દૂધ નો પાઉડર અને નારિયેળ ની બરફી બનાવી શકો છો.
આ વાનગી ફટાફટ અને ખૂબ જ સહેલાઈ થી તૈયાર થઈ જાય છે. ખૂબ જ મજેદાર અને સ્વાદિષ્ટ મનભાવક વાનગી છે. તેમજ ફરાળી વાનગી છે. એટલે વાર તહેવાર માં પણ બનાવી શકાય છે.

આવશ્યક સામગ્રી

  • દૂધ નો પાઉડર – 1 કપ (135 ગ્રામ)
  • ખમણેલું નારિયેળ નું ચૂર્ણ – 1 કપ (80 ગ્રામ)
  • ખાંડ/ સાકર – ¾ કપ (125 ગ્રામ)
  • દૂધ – ¾ કપ
  • એલચી – 6-7
  • પિસ્તા – 10-12
  • માખણ – ¼ કપ (55 ગ્રામ)(મીઠા વગર નું)

બનાવવા ની રીત બધા જ પિસ્તા ના એકદમ પાતળા ટુકડાઓ કરી લો. એલચી ને ફોલી તેનો એકદમ ઝીણો પાઉડર બનાવી લો. આ ઉપરાંત તમે બીજા સૂકા મેવા જેવા કે બદામ, અંજીર, કિશમિશ વગેર નાખી શકો છો.બદામ અને અંજીર ને ઝીણા કરી ને નાખવા.
સૌપ્રથમ એક જાડું વાસણ લઈ તેમાં માખણ નાખી ઓગાળી નાખો, આ માખણ ઓગળી ગયા પછી તેમાં દૂધ નાખો અને ગેસ ને ધીમો રાખી તેને ખૂબ સારી રીતે હલાવી મિશ્ર કરી લો.

સારી રીતે બધુ મિશ્ર થઈ ગયા પછી તેમાં ધીમે-ધીમે દૂધ નો પાઉડર નાખો અને સતત તેને હલાવતા રહો જેથી કરી ને બધુ મિશ્ર થઈ જાય. મિશ્રણ ની અંદર ગોળીઓ ના થાય તેનું ધ્યાન રાખો. આથી સતત હલાવતા રહો. થોડી વાર પછી તમે જોશો કે દૂધ નો પાઉડર અને દૂધ નું મિશ્રણ નરમ થઈ ગયું હશે. આથી હવે ખાંડ કે સાકર નાખી તેને મસળતા રહો જેથી કરી ને આ મિશ્રણ એકદમ જાડું થઈ જાય. હવે જ્યારે મિશ્રણ ઘાટું થઈ જાય ત્યારે તેમાં નારિયેળ નું ખમણેલું ચૂર્ણ નાખો.ત્યારબાદ તેમાં એલચી નો પાઉડર નાખી દો. આ બધી વસ્તુ નાખ્યા બાદ તેને સારી રીતે મિશ્ર કરતાં રહો અને હલાવતા રહો. મિશ્રણ ઘાટું થાય ત્યાં સુધી સતત હલાવતા રહો. હવે ગેસ ને ધીમો કરી નાખો. અને મિશ્રણ ઘાટું અને ચીકણું થઈ જાય ત્યારે બરફી માટે આ મિશ્રણ તૈયાર છે. અને ગેસ ને બંધ કરી દો.

હવે એક પ્લેટ લો તેમાં થોડું ઘી નાખી ચારે બાજુ લગાવી ચીકણું કરી નાખો. તૈયાર કરેલું મિશ્રણ આ ઘી લગાવેલી પ્લેટ માં કાઢી દો. હવે એક ચમચી લઈ આ મિશ્રણ ને પ્લેટ માં ચારે બાજુ અને એક સરખું ફેલાવી દો. બધી બાજુ સરખું ફેલાવ્યા બાદ તેની ઉપર ઝીણા સમરેલા પિસ્તા, બદામ, અંજીર અને કિશમિશ નાખી તેને ચમચી થી દબાવી દો. હવે આ બરફી ને સેટ થવા કે કડક થવા માટે તેને ફ્રીઝ માં એક કલાક માટે મૂકી દો. એક કલાક પછી પ્લેટ ને બહાર કાઢી લો. હવે બરફી સેટ થઈ ને તૈયાર છે. હવે એક ચાકુ થી આ બરફી ના ચોસલા કે પછી તમારા મનપસંદ આકાર માં તેના ટુકડા કરી લો. ફ્રીઝ માં રાખેલી હોવાથી બરફી ના ચોસલા જો ના ઊખડે તો તેને ગેસ પર થોડી વાર રાખી ગરમ કરી લો, જેથી કરીને બરફી સહેલાઈ થી પ્લેટ માથી ઊખડી શકે. હવે એક અન્ય પ્લેટ લઈ તેની અંદર આ બરફી ના ટુકડા ને રાખી દો.

આમ તમારી દૂધ પાઉડર અને નારિયેળ ની બરફી તૈયાર છે. આ બરફી એ તમે ફ્રીઝ માં એક અઠવાડીયા સુધી રાખી શકો છો. જેમ પહેલા કહ્યું તેમ આ બરફી ને તમે વ્રત કે વાર અથવા તહેવાર માં પણ બનાવી ને ખાઈ શકો છો.

સલાહ
શરૂ ગેસે જો તમે દૂધ માં જ્યારે દુધ નો પાઉડર ભેળવતા હો અને તમને મિશ્રણ બળી કે બેસી જવા નો ભય લાગતો હોય તો તમે ગેસ ને બંધ કરી ને પણ દૂધ નો પાઉડર મિશ્ર કરી શકો છો. અને આ બધુ મિશ્ર થઈ ગયા પછી ગેસ ને શરૂ કરી શકો છો.
આ દૂધ પાઉડર અને નારિયેળ ની બરફી ને વધુ ટેસ્ટી બનાવવા માટે તમે તેમાં દૂધ ની જગ્યા એ મોળા માવા નો પણ ઉપયોગ કરી શકો છો. ઉપરાંત સૂકા મેવા ને ગેસ પર બનાવતી વખતે પણ અંદર નાખી શકો છો, જેથી કરી ને આ સૂકો મેવો મિશ્રણ ની સાથે ચડી જાય.
માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ