100માં જન્મદિવસ પર માતાના પગ ધોઇ PM મોદીએ લીધા આશીર્વાદ, તસવીરોમાં જુઓ દીકરાનો માતા પ્રત્યેનો અનહદ પ્રેમ

દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનો આજે જન્મદિવસ છે. તેઓએ આજે 100માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ ખાસ અવસર પર PM મોદી આજે એટલે કે શનિવારે સવારે ગાંધીનગરમાં તેમના નાના ભાઈ પંકજ મોદીના ઘરે તેમની માતા હીરા બાને મળવા અને તેમના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. તેમણે માતાના ચરણ ધોયા અને પછી તેમનું મોં મીઠુ કરાવ્યું અને ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા. ત્યારબાદ થોડીવાર બેસી તેમની સાથે બેસી વાતો પણ કરી. તમને જણાવી દઈએ કે હીરા બા તેમના નાના પુત્ર સાથે રહે છે.

દર વખતે 17 સપ્ટેમ્બરે તેમના જન્મદિવસના અવસર પર પીએમ મોદી માતાને મળવા આવે છે. હીરા બાનો જન્મ 18 જૂન 1923ના રોજ થયો હતો. પીએમ મોદી માતાને મળ્યા બાદ પાવાગઢ કાલિકા મંદિર જવા રવાના થયા હતા. તેઓ અહીં ધ્વજ ફરકાવીને પુનઃવિકાસિત મંદિર અને સંકુલનું ઉદ્ઘાટન કરશે. આ પછી તેઓ વડોદરામાં રેલીને સંબોધશે.

PM મોદી સવારે 6.30 કલાકે માતાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. તેમણે અડધો કલાકથી વધારે સમય માતા સાથે વીતાવ્યો હતો અને તેઓ માતાના જન્મદિવસ પર ખાસ ભેટ લઈને પણ પહોંચ્યા હતા. પીએમ મોદીએ માતાને શીરો પણ ખવડાવ્યો હતો અને તેમના ચરણ ધોઇ તે પાણીને પોતાના માથે ચઢાવ્યુ હતુ. આ ઉપરાંત માતાને ગુલાબનો હાર પણ પહેરાવ્યો હતો. તેમણે માતાને લાડુ ખવડાવી શાલ પણ અર્પણ કરી હતી.

ગુજરાતના વડનગરમાં હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાના લાંબા આયુષ્ય અને આરોગ્ય માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિવ પૂજા અને સુંદરકાંડ પાઠ ભજન સંધ્યાનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે વડનગર પીએમ મોદીનું જન્મસ્થળ છે. તેમનો પરિવાર અહીં રહેતો હતો અને પીએમ મોદી તેમના પિતા સાથે વડનગર રેલવે સ્ટેશન પર ચા વેચતા હતા.

પતિના અકાળે અવસાન પછી હીરા બાએ વડનગરમાં રહીને પોતાના તમામ બાળકોનો ઉછેર કર્યો. પીએમ મોદીએ પોતે ઘણી વખત કહ્યું છે કે તેમના પિતાના અવસાન બાદ તેમણે તેમના નાના બાળકોની સંભાળ લઈને તેમનું જીવન બનાવવું પડ્યું હતું. હિરા બાએ ખૂબ મહેનત કરી. તે બીજાના ઘરે વાસણો સાફ કરવાનું કામ કરતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની માતાને સૌથી મોટી પ્રેરણા માને છે અને તેથી જ દર વર્ષે તેઓ માતાના જન્મદિવસ પર આશીર્વાદ લેવા ગાંધીનગર અચૂકથી પધારે છે.

જ્યારે પીએમ મોદીએ બીજી વખત પ્રધાનમંત્રી તરીકેના શપથ લીધા હતા ત્યારે તેઓ તેમની માતાને દિલ્હીમાં તેમના સત્તાવાર આવાસ ‘7 લોક કલ્યાણ માર્ગ’ પર લઈ આવ્યા હતા અને માતાને વ્હીલચેર પર બેસાડી વડાપ્રધાન નિવાસસ્થાનની મુલાકાત કરાવી હતી. હીરા બાની ઉંમર ભલે 100 વર્ષ છે. પરંતુ તેઓ ખૂબ જ સક્રિય છે. તેમણે 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં પોતાનો મત આપ્યો હતો.

પીએમ મોદીની માતા હોવા છતાં, તેઓ મતદાન કરવા માટે અન્ય લોકો સાથે લાઇનમાં ઉભેલા જોવા મળ્યા હતા. હીરા બાનો એક ફોટો પણ વાયરલ થયો હતો, જેમાં તે પોતાના પુત્રને ઘરે ટીવી પર ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેતા જોઈ રહ્યા હતા. પીએમ મોદીના અન્ય ભાઈઓએ પણ માતાના 100મા જન્મદિવસ નિમિત્તે અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભંડારાનું આયોજન કરવાની યોજના બનાવી છે.

Shah Jina