હવે ઘરે જ બનાવો સ્વાદિષ્ટ અંજીર કોફ્તા કરી
દોસ્તો, પંજાબી વાનગી નું નામ એટલે મોં માં પાણી આવી જાય, સાચું ને, હા, આવી જ જાય, કારણ માત્ર એક જ કે પંજાબી વાનગી હોય જ એટલી મજેદાર અને ચટપટી. પંજાબી ડિશ સ્વાદ થી ભરપૂર, ખાવા માં મશૂર અને તંદુરસ્તી થી સંપૂર્ણ છે. આજે ઠેર-ઠેર, ગલી-ગલી બધે જ પંજાબી ધાબા જોવા મળે છે. મસાલેદાર પંજાબી વાનગીઓ માની એક વાનગી છે અંજીર કોફતા કરી ની, જે સ્વાદ માં મસ્ત, મજેદાર અને મસાલેદાર છે, ચાલો તો આજે આ નવીન પંજાબી વાનગી અંજીર કોફતા કરી ની રેસીપી શીખીશું.
અંજીર કોફ્તા કરી બનાવવા માટે ની સામગ્રી
- બાફેલા બટેટા – 2
- પનીર – 100 ગ્રામ
- અંજીર – 4 (પાણી માં પલાળેલા)
- કોર્ન ફ્લોર – 2 ટેબલ સ્પૂન
- મીઠું – ½ નાની ચમચી
- કાળા મરચાં નો પાઉડર – ¼ નાની ચમચી
- તેલ – તળવા માટે અને ગ્રેવી બનાવવા માટે
- ટામેટાં – 150 ગ્રામ
- લીલા મરચાં – 2
- કાજુ – 20-25
- કોથમીર – 2 ટેબલ સ્પૂન (ઝીણી સમારેલી)
- આદું – 1 નાની ચમચી
- જીરું – 1 નાની ચમચી
- હળદર નો પાઉડર – ¼ નાની ચમચી
- લાલ મરચાં નો પાઉડર – ¼ નાની ચમચી
- ગરમ મસાલો – ¼ નાની ચમચી
- ધાણાજીરું – 1 નાની ચમચી
- મીઠું – સ્વાદ અનુસાર
અંજીર કોફ્તા કરી બનાવવા માટે ની રીત
• સૌપ્રથમ બટેટા ને બાફી નાખો, ત્યાર બાદ બાફેલા બટેટા ની છાલ કાઢી નાખો. હવે એક વાસણ માં બટેટા અને પનીર નો છૂંદો કરી નાખો.
• હવે તેમાં મીઠું, કાળું મરચું, અને થોડીક કોથમીર અને કોર્ન ફ્લોર નાખી ને આ બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી નાખો. હવે પછી આ મિશ્રણ ને લોટ ની જેમ બાંધી લો. • આમ આ મિશ્રણ ને મસળતા-મસળતા એકદમ ચીકણું કરી નાખો. હવે અંજીર ને ઝીણા-ઝીણા ટુકડા કરી ને તૈયાર કરી નાખો.
• હવે એક મિશ્રણ માથી એક લૂઓ ઉઠાવો અને તેને હાથ પર મૂકો ત્યાર બાદ તેને આંગળી અને અંગૂઠા ની મદદ થી થોડું મોટું કરો. ત્યાર બાદ અંજીર ના 3 થી 4 ટુકડા આ ગોળ લૂઆ ની ઉપર મૂકો અને તેને ચારે બાજુ થી સ્ટફિંગ કરી ને બંધ કરી દો. • આ લૂઆ ને હાથ થી ખૂબ જ સારી રીતે ગોળ કરી ને એક પ્લેટ માં મૂકો દો. આવી રીતે બધા જ કોફ્તા ભરી ને તૈયાર કરી નાખો. • હવે એક વાસણ માં કે કઢાઈ માં તેલ કાઢો, તેને ગેસ પર ગરમ કરવા માટે મૂકો. તેલ જ્યારે પર્યાપ્ત ગરમ થઈ જાય ત્યારે 4 થી 5 કોફ્તા ગરમ તેલ ની અંદર નાખો અને તે ગોલ્ડન બ્રાઉન રંગ ના થાય ત્યાં સુધી તળી લો.
• હવે કોફ્તા તળાય જાય ત્યારે તેને એક પ્લેટ માં કાઢી લો. આમ બધા જ કોફતા તળી ને પ્લેટ માં કાઢી લો.
કોફતા માટે ની ગ્રેવી બનાવવા માટે ની રીત
• ટામેટાં, લીલા મરચાં અને કાજુ ને મિક્સર માં ખૂબ જ ઝીણું પીસી નાખો. કઢાઈ માં વધેલા તેલ ને કાઢી ને તેમાં માત્ર 2 ટેબલ સ્પૂન જેટલું તેલ રહેવા દો.
• હવે ગરમ તેલ ની અંદર જીરું નાખી તેને તળો, પછી તેમાં હળદર નો પાઉડર, ધાણાજીરું નાખી મસાલા ને સારી રીતે શેકી લો. હવે તેમાં આદું ની પેસ્ટ, અને ટામેટાં, કાજુ, લીલા મરચાં ની પેસ્ટ આ મસાલા માં નાખી તેને પણ શેકી લો, જ્યાં સુધી મસાલા માથી તેલ ના છૂટે ત્યાં સુધી તળો. હવે મસાલા માં લાલ મરચાં નો પાઉડર નાખી અને તેને વચ્ચે-વચ્ચે હલાવતા રહો.
• મસાલા માથી તેલ અલગ થાય એટલે આ મસાલો બની ને તૈયાર છે. હવે તેમાં 1 કપ પાણી નાખો, મીઠું, ગરમ મસાલો અને સમારેલી કોથમીર નાખી મિક્સ કરી નાખો. જ્યારે તે ઉકળવા લાગે ત્યાં સુધી ચડવા દો. ગ્રેવી માં ઊભરો આવે એટલે ગેસ ને ધીમો કરી નાખો. અને તેને ઢાંકી ને 3 થી 4 મિનિટ માટે ચડવા દો. • આમ ગ્રેવી બની ને તૈયાર છે, ગેસ ને બંધ કરી દો. ત્યાર પછી ગ્રેવી ને એક અલગ વાસણ માં કાઢી લો અને તેમાં કોફ્તા ને નાખો. ઉપર થી તેમાં કોથમીર નાખી તેને સજાવી લો.
• આમ અંજીર કોફ્તા કરી બની ને તૈયાર છે. તેને તમે રોટલી, પરાઠા, નાન, કે પૂરી કોઈપણ ની સાથે પીરસી ને ખાઈ શકો છો.
માધવી આશરા ‘ખત્રી’
Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ