Breaking : જુમ્માની નમાજ દરમિયાન મસ્જિદમાં 2 બોમ્બ ધડાકા, ધર્મગુરુ સહિત અત્યાર સુધી 14 લોકોના મોત

આજે એટલે કે 2 સપ્ટેમ્બક શુક્રવારના રોજ જુમ્માની નમાજ દરમિયાન મોટો ધમાકો થયો. જેમાં તાલિબાનના સૌથી મોટા ધર્મગુરુઓમાંના એક મુલ્લા મુજીબ ઉર રહેમાન અંસારી માર્યા ગયા. અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં આ ઘટના બની. છેલ્લા મહિને પણ તાલિબાનના એક મોટા નેતા માર્યા ગયા હતા.એવું માનવામાં આવી રહ્યુ છે કે, આ હુમલા પાછળ ISISના ખોરાસન ગ્રુપ (ISKP)નો હાથ છે. તાલિબાને હજુ સુધી આ અંગે કોઈ માહિતી આપી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગાજાઘરની મસ્જિદમાં કુલ 2 બ્લાસ્ટ થયા હતા.

આ દરમિયાન જુમ્માની નમાજ ચાલી રહી હતી. મુલ્લા મુજીબ આ મસ્જિદના મુખ્ય ઈમામ હતા. બ્લાસ્ટ તેની સામેની હરોળમાં થયો હતો. એવું માનવામાં આવે છે કે આ એક ફિદાયીન હુમલો હતો અને તેમાં બે લોકો સામેલ હતા. બીજો બ્લાસ્ટ ત્યારે થયો જ્યારે લોકો બહાર દોડી રહ્યા હતા. કેટલાક અહેવાલો અનુસાર, મુલ્લા મુજીબ થોડા કલાકો પહેલા હેરાતમાં આર્થિક પરિષદમાં ભાગ લીધા બાદ સીધા મસ્જિદ પહોંચ્યા હતા. તેમના સેક્રેટરીએ આ અંગે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.

મુલ્લા મુજીબ તાલિબાનના સૌથી ક્રૂર નેતાઓમાંના એક માનવામાં આવતા હતા. તેઓ છોકરીઓના શિક્ષણ અને ઘર છોડવાના સખત વિરોધમાં હતા. લગભગ બે મહિના પહેલા તેણે ફતવો બહાર પાડ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે – જો કોઈ તાલિબાન શાસનનો વિરોધ કરે છે અથવા આદેશોનું પાલન ન કરે તો તેની એકમાત્ર સજા એ હશે કે તેનું માથુ કલમ કરી નાખવામાં આવશે. ખાસ વાત એ છે કે આ ફરમાન કે ફતવાને તાલિબાનના પ્રવક્તાએ મુજીબનો અંગત અભિપ્રાય ગણાવીને ફગાવી દીધો હતો.

બુધવારે જ હેરાતમાં તાલિબાન અને ISISના ખોરાસાન ગ્રુપ એટલે કે ISKP વચ્ચે લોહિયાળ અથડામણ થઈ હતી. આ હુમલામાં 3 ISKP આતંકવાદીઓ માર્યા ગયા હતા. ઉલ્લેખનીય છે કે, ખોરાસાન જૂથ અનુસાર, તે ચોક્કસપણે આ મૃત્યુનો બદલો લેશે. ISKPએ તાલિબાન માટે સૌથી મોટો ખતરો માનવામાં આવે છે, જેમણે 15 ઓગસ્ટ 2021ના રોજ અફઘાનિસ્તાનની સરકાર પર કબજો કર્યો હતો. હેરાત સહિત દેશના ઘણા ભાગોમાં તાલિબાન અને ISKP વચ્ચે અથડામણ ચાલી રહી છે. અમેરિકી સેના જ્યારે અફઘાનિસ્તાનથી બહાર નીકળી ત્યારે કાબુલ એરપોર્ટ પર થયેલા વિસ્ફોટ પાછળ ISKPનો હાથ હતો.

Shah Jina