આપણા તહેવારો કૌશલ બારડ જ્યોતિષ શાસ્ત્ર

નાગપંચમીનો મહામૂલો તહેવાર સર્પદોષ અને પિતૃદોષમાંથી મુક્તિ કેમ મળે? નવ નાગ એટલે કોણ? નાગદેવતાને રીઝવતો મંત્ર

હિન્દુ સંસ્કૃતિની વિશેષતા એ છે કે, અહીં દેવતાઓનાં રૂપમાં માત્ર મનુષ્યો જ નહી, પરંતુ પ્રકૃતિનાં અનેક બીજા જીવોને પણ પૂજવામાં આવે છે. નાગ દેવતાની પૂજા એનું એક ઉત્તમ ઉદાહરણ છે. શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની પાચમના રોજ આવતી ‘નાગપંચમી’ના દિવસે સૌ કોઈ નાગ દેવતાનું પૂજન-અર્ચન કરે છે.

Image Source

શિવના ગણરૂપ નાગની પૂજા કરવાથી શું ફળ મળે?:
શિવનાં ગળામાં જેને સ્થાન મળ્યું છે એ નાગદેવનું પૂજન ખરા અર્થમાં ફળીભૂત થાય છે. નાગપંચમીના દિવસે શિવ અને નાગની એકસાથે પૂજા કરવાથી પિતૃદોષ અને કાલસર્પદોષમાંથી મુક્તિ મળે છે. નાગદેવતાને દૂધ ચડાવવાની પરંપરા ચાલી આવે છે તે પ્રમાણે પૂજન-અર્ચન કરી દૂધ ચડાવવું જોઈએ.

કહેવાય છે કે, ‘નાગની તો પૃથ્વી ભરી છે!’ વગર કારણે સર્પ કોઈને ડંશ ના મારે. લગભગ તે મુમુક્ષુ અવસ્થામાં જ રહે છે, અર્થાત્ એકલવાયું જીવન ગાળે છે. સંતોષી જીવ છે. શૂરાપૂરા, પિતૃઓ અને દેવતાઓને આપણે નાગ તરીકે વંદન કરીએ છીએ. ગુજરાતની જ વાત કરીએ તો વાછરા દાદા, ભાથીજી મહારાજ સહિત અનેક શૂરવીરોના દર્શનનું માધ્યમ નાગદેવતા જ છે.

Image Source

નવનાગ એટલે કોણ-કોણ?:
પુરાણોમાં અને હિન્દુ શાસ્ત્રોમાં નવ નાગની વાત કરવામાં આવે છે. (ક્યાંક અષ્ટનાગની પણ વાત છે.) નાગપંચમીના દિવસે પૃથ્વી પરના આ મહાન નવ નાગદેવતાનું એક વાર તો નામ સ્મરણ કરવું જ રહ્યું :

વાસુકિ, અનંત, શેષનાગ, તક્ષક, ધૃતરાષ્ટ્ર, કંબલ, કાલીયનાગ, પદ્મનાભ અને શંખમાલ.

Image Source

નવનાગનો આ મંત્ર પણ બોલવો:
અનંતમ્ વાસુકિ શેષ પદ્મનાભમ્ ચ કમ્બલમ્ | શંખમાલ ધાર્તરાષ્ટ્ર તક્ષકમ્ કાલિયમ્ તથા || એતાનિ નવ નામાન નાગાનામ્ ચ મહાત્મનામ્ | સાયંકાલે પઠેન્નિત્યમ્ પ્રાત: કાલે વિશેષત: | તસ્મે વિષતાયમ્ નાસ્તિ સર્વદા વિજયીમ્ ભવેત્ ||

ઉપરના મંત્રમાં નવનાગનાં નામ આપ્યાં છે. મંત્રનો મતલબ એ છે કે, આ નાગોનાં નામનું સ્મરણ કરવાથી સર્પદોષનું નિવારણ થાય છે અને સાધકનો સદાકાળ વિજય થાય છે.

વાસુકિ નાગને સર્પોના રાજા માનવામાં આવે છે. સમુદ્રમંથન વખતે તેઓ અપાર કષ્ટ વેઠીને પણ નોઝણું બન્યા હતા અને મંદરાચલ પર્વતરૂપી વલોણાથી સૂરાસૂરોએ સાથે મળીને અમૃત સહિતની અમૂલ્ય ચીજો મેળવી હતી. જાત ઘસાવીને પણ પરોપકાર કરવાનો ગુણ તેમની પાસેથી મળે છે.

Image Source

શેષનાગ તો લક્ષ્મણજીનું સ્વરૂપ છે. પૃથ્વીનો ભાર તે વેઠે છે. જાત ઘસીને પણ માનવમાત્રનું કલ્યાણ તે કરે છે. આવી જ રીતે બીજાં નાગોનું પણ છે. નાગપંચમીના દિવસે પિતૃઓ અને શૂરાપૂરાઓનું પણ સ્મરણ કરવું. કેમ કે, આપણે તેને આ રૂપે જ જોઈએ છીએ.

ખેડૂતો માટે તો નાગપંચમીનું વિશેષ મહત્ત્વ છે. ધોધમાર વરસાદમાં ઘાસ વાઢતા, અંધારી રાત્રે પાકમાં પાણી વાળતા કે જ્યાં-ત્યાં અગોચર જગ્યાઓમાં હાથ નાખતા ખેડૂતોને નાગનાં દર્શન અવારનવાર થતાં જ હોય છે. વળી, નાગદેવતાને તો ખેડૂતોના મિત્ર તરીકે અને ‘ખેતરપાળ દાદા’ તરીકે પણ પૂજવામાં આવે છે. લોકો કહે છે, “નાગબાપાને મોંઢે તો સવામણનું તાળું હોય છે, એ માણસની જેમ નથી કે જ્યાંત્યાં વડકું ભરે!” ખેડૂતો પ્રાર્થના કરે છે કે, દાદા! તમારી તો જમીન ભરી છે. તમે જ અમારું રક્ષણ કરજો!

જય નાગદેવતા!

Author: કૌશલ બારડ: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.