નડિયાદ-ડાકોર રોડ ઉપર સંભળાઈ મોતની ચીસો, અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા 3 યુવાનોએ રોડ ઉપર જ તડપી તડપીને દમ તોડ્યો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે, ઘણા અકસ્માતની અંદર કેટલાક લોકો ઇજાગ્રસ્ત બનતા હોય છે તો કેટલાક લોકો મોતને પણ ભેટતા હોય છે. ત્યારે હાલ એવા જ એક ગમખ્વાર અકસ્માતની ઘટના નડિયાદ-ડાકોર રોડ ઉપરથી સામે આવી છે, જેમાં ત્રણ યુવકોના મોત નિપજ્યા છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર નડિયાદ-ડાકોર રોડ ઉપર આવેલા હેલિપેડ પાસે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી, જેમાં કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઈક સવાર ત્રણ યુવકોને ટક્કર મારી હતી, આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણેય યુવકોના મોત નિપજ્યા હતા. ઘટના બાદ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનામાં મોતને ભેટેલા બે યુવકો રણજીત રમેશભાઈ રાવળ અને રણછોડ પુનમભાઈ બારૈયા મહેમદાવાદ તાલુકાના સણસોલી ગામના વતની હતા, જયારે ત્રીજો યુવક ડભાણ ભઈજીપુરા ખાતે રહેતો મિતુલ રાજુભાઈ પરમાર હોવાનું સામે આવ્યું છે. રવિવારના રોજ સાંજે તે પોતાની બાઈક ઉપર નડિયાદ ડાકોર રોડ ઉપર આવેલા હેલિપેડ પાસેથી પસાર થઇ રહ્યા હતા.

આ દરમિયાન જ સામેની તરફથી આવતા કોઈ અજાણ્યા વાહને બેફિકરાઈથી વાહન હંકાર્યું હતું, અને સામેથી જ ત્રણેય બાઈક ચાલકોને અડફેટે લીધા હતા. ત્રણેય યુવકો રસ્તા ઉપર ફંગોળાયા હતા અને લોહીલુહાણ બન્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણેય યુવકોના ઘટના સ્થળેજ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો પણ ત્યાં આવી ગયા હતા, ઘટનાને લઈને રસ્તા ઉપર પણ ટ્રાફિક જામ થઇ ગયો હતો. તાત્કાલિક પોલીસ અને 108ને ફોન કરવામાં આવતા તાબડતોબ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્રણેય મૃત દેહોને 108 દ્વારા નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

Niraj Patel