ધાર્મિક-દુનિયા

ભારતના 5 રહસ્યમય મંદિરો, જ્યાં આજે પણ ચમત્કાર જોઈને લાખો શ્રદ્ધાળુઓ નતમસ્તક થાય છે

આપણા દેશના વિભિન્ન સ્થાનો પાર અલગ અલગ દેવી દેવતાઓના મંદિરો આવેલા છે અને આખી દુનિયામાં માત્ર ભારત એવો દેશ છે જ્યાં ધર્મનો આટલો મોટો પ્રચાર અને પ્રસાર થયો હશે. આપણા દેશના મંદિરો માત્ર મંદિરો નથી પરંતુ દરેક મંદિર સાથે એક કથા પણ જોડાયેલી છે. આ મંદિરોમાં આજે પણ કેટલાક ચમત્કાર થતા જોવા મળે છે. આજે અમે તમને આપણા દેશના એવા 5 મંદિરો વિશે જણાવીશું જ્યાં આજે પણ લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે જાય છે અને ત્યાં બિરાજતા દેવી-દેવતાઓના ચમત્કારો જોઈને નતમસ્તક થાય છે.

Image Source

કરણી માતા:
રાજસ્થાનના બિકાનેરમાં આવેલું કરણી માતાજીનું મંદિર જગ વિખ્યાત છે. આ મંદિરની અંદર 20 હજારથી પણ વધારે ઉંદર છે. સાથે જ આ મંદિરનો મહિમા જ એટલો વિશાળ છે કે ભક્તોને ત્યાં જઈને નતમસ્સ્તક થવું જ પડે છે. આ મંદિરની અંદર ઉંદર એટલા બધા છે કે ચાલતા ચાલતા પણ તમારા પગ પાસેથી ઉંદર પસાર થઇ જાય છે. તમે આ મંદિરની અંડરર પગ ઉઠાવીને ચાલી પણ નહિ શકો, પગ ઘસેડીને જ ચાલવું પડશે, એવું પણ માનવામાં આવે છે કે જો તમારા પગની નીચે કોઈ ઉંદર આવી ગયો તો તે અપશુકન થાય છે અને તમારા પગ ઉપરથી ઉંદર પસાર થઇ જાય તો માતાજીની કૃપા તમને મળે છે. સાથે જ મંદિરની અંદર સફેદ ઉંદર જોવા મળી જાય તો તમારી મનોકામના પણ પૂર્ણ થાય છે. આ મંદિરમાં ઉંદરોને સાચવવામાં આવે છે, તેમજ ભોજન પણ કરાવવામાં આવે છે.

Image Source

શનિ શિંગણાપુર:
મહારાષ્ટ્રના હેમદનગર જિલ્લામાં આવેલું શનિદેવના મંદિરનો પણ મહિમા એટલો જ વિશાળ છે. શનિદેવના મંદિર તો આખા દેશમાં રહેલા છે પરંતુ ધાર્મિક રીતે જોવા જઈએ તો શનિ શીંગણાપુરના આ મંદિરનું મહત્વ ખુબ જ વિશેષ રહેલું છે કારણ કે શનિદેવ અહીંયા કોઈ ગુમ્બજ કે કોઈ છત્રની નીચે નથી બિરાજતા, ખુલ્લા આકાશમાં એક પથ્થરની મૂર્તિ રૂપે જ શનિદેવની પ્રતિમા આવેલી છે. શિંગણાપુરમાં શનિદેવના ચમત્કારો આજે પણ જોવા મળે છે. આ ગામની અંદર આજે પણ મોટાભાગના ઘરને દરવાજા નથી કે ના તો તાળા મારવામાં આવે છે. કારણ કે શનિદેવ પોતે જ આ ગામની રક્ષા કરે છે અને આ ગામમાં ચોરી થવાનો કોઈને ડર પણ નથી. ચોરી કરનારને શનિદેવ પોતે જ સજા આપે છે. માટે ઘરને દરવાજાની જગ્યાએ માત્ર પડદા જ લગાવવામાં આવે છે.

Image Source

કામાખ્યા મંદિર:
કામાખ્યા મંદિર તેના નામ માત્રથી મહાન છે. 51 શક્તિપીઠોમાં આ શક્તિપીઠ એક વિશેષ સ્થાન ધરાવે છે. આ મંદિર વિશે ઘણા ગ્રંથો અને પુસ્તકોમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે. મંદિરમાં બિરાજતા કામાખ્યા દેવી મંદિર વિશે એક પૌરાણિક કથા અનુસાર અમ્બુવાચિ પર્વ દરમિયાન માં ભગવતીનો રજસ્વલા થાય છે અને મા ભગવતીના ગર્ભગૃહ સ્થિત મહામુદ્રા (યોની-તીર્થ)થી સતત 3 દિવસ સુધી જળ પ્રવાહની જગ્યાએ રક્તપ્રવાહ થાય છે. કામાખ્યા દેવી કામનાઓને પૂર્ણ કરે છે માટે તેમને કામાખ્યા દેવી તરીકે ઓળખવામાં આવે છે.

Image Source

જવાલાદેવી મંદિર:
જ્વાળાદેવી મંદિર 51 શક્તિપીઠોમાં સ્થાન ધરાવે છે અને આ મંદિરની અંદર જલતી જ્વાળાઓનું રહસ્ય આજે પણ અકબંધ છે. આ મંદિરની અંદર સ્વંયભૂ 9 જ્વાળાઓ પ્રગટે છે. વૈજ્ઞાનિકોએ પણ તેના વિશે ઘણી શોધખોળ કરી પરંતુ હજુ સુધી તેઓ પણ કોઈ ચોક્કસ કારણ સુધી પહોંચી શક્યા નથી. હજારો વર્ષ જુના આ જ્વાળા દેવી મંદિરમાં 9 દેવીઓની 9 જ્વાળાઓ પ્રગટે છે. જેમાં મહાકાળી, મહાલક્ષ્મી, સરસ્વતી, અન્નપૂર્ણા, ચંડી, વિંધ્યાવાસિની, હિંગલાજ ભવાની, અંબિકા અને અંજના દેવીના રૂપમાં માતાજી બિરાજે છે.

Image Source

કાલ ભૈરવ મંદિર:
ઉજ્જૈન પાસે આવેલા કાલ ભિરાવ મંદિરનું રહસ્ય આજે પણ અકબંધ છે, કહેવાય છે કે કાલ ભૈરવ આજે પણ ઉજ્જૈન નગરની રક્ષા કરે છે. આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે આ મંદિરમાં પ્રસાદના રૂપમાં દારૂ ધરાવવામાં આવે છે. મંદિરની બહાર જ ઘણી દારૂની દુકાન તમને મળી જશે. વળી કાલ ભૈરવ દેવની આગળ પણ વાઈન રાખવામાં આવે છે અને એ વાઈન ભરેલો કપ ખાલી પણ થઇ જાય છે. આ મંદિરનું માહાત્મ્ય પણ ખુબ મોટું રહેલું છે. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આજે પણ અહીંયા દર્શન કરવા માટે જાય છે.