મુંબઈના પ્રભાદેવીમાં આવેલું શ્રી સિદ્ધિવિનાયક મંદિર દેશના સૌથી પૂજનીય મંદિરોમાંથી એક છે. આ મંદિર ભગવાન ગણેશને સમર્પિત છે. આ મંદિરની ગણતરી સૌથી વ્યસ્ત ધાર્મિક સ્થળોમાં કરવામાં આવે છે. ગણેશજીના દર્શન માટે અહીં હજારોની સંખ્યામાં દેશ-વિદેશથી ભક્તો આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, અહીં સાચા મનથી માંગેલી મનોકામનાઓ અવશ્ય પુરી થાય છે.
ગણેશ ચતુર્થીના પર્વ પર અહીં લાખોની સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી આવે છે. આ દરમ્યાન અહીં મંદિરમાં ભવ્ય આયોજન પણ કરવામાં આવે છે. અહીં દર્શન કરવા માટે બોલિવૂડની હસ્તીઓથી લઈને નેતાઓ અને મોટા બિઝનેસમેન પણ આવે છે. આ ગણપતિ મંદિરમાં દર્શન કરવા માટે દરેક જાતિ, ધર્મના લોકો આવે છે. આ મંદિરની અંદર એક નાના મંડપમમાં ભગવાન ગણેશજીના સિદ્ધિવિનાયક રૂપની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી છે.

શિલ્પકારીથી ભરપૂર આ મંદિરના ગર્ભગૃહને લાકડાના દરવાજાઓ પર અષ્ટવિનાયકને પ્રતિબિંબિત કરવામાં આવ્યા છે, જ્યારે અંદરની છતને સોનાથી મઢવામાં આવી છે. મંદિરના ગર્ભગૃહમાં ભગવાનગણેશની પ્રતિમા ઉપસ્થિત છે, જેમના ઉપરના જમણા હાથમાં કમળ અને ડાબા હાથમાં અંકુશ છે અને નીચેના જમણા હાથમાં મોતીની માળા અને ડાબા હાથમાં મોદક ભરેલો કટોરો છે. ગણપતિની બંને બાજુ તેમની બંને પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિ હાજર છે જે ધન, ઐશ્વર્ય, સફળતા અને બધી જ મનોકામનાઓ પૂર્ણ કરવાનું પ્રતીક છે. તેમના મસ્તક પર પોતાના પિતા સમાન એક ત્રીજું નેત્ર અને ગળામાં એક સર્પ હારના સ્થાન પર લપેટાયેલો છે. સિદ્ધિવિનાયકનો વિગ્રહ અડધો ફુટ ઊંચો હોય છે અને આ બે ફુટ પહોળા એક જ કાળા શિલાખંડથી બનેલો છે. સિદ્ધિવિનાયક મંદિરના ઉપરના માળે અહીંના પૂજારીઓને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
ભારતના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરનું નિર્માણ 19 નવેમ્બર 1801માં વિઠુ પાટીલ નામના એક સ્થાનિક ઠેકેદાર દ્વારા કરવામાં આવ્યું હતું. ખૂબ જ ઓછા લોકો આ વાત જાણે છે કે આ મંદિરના નિર્માણમાં ખર્ચાયેલી રકમ એક ખેડૂત મહિલાએ આપી હતી, જેનું કોઈ સંતાન ન હતું. એ આ મંદિરને બનાવવા માટે મદદ કરવા માંગતી હતી, જેથી ભગવાનના આશીર્વાદથી કોઈ પણ મહિલા વાંઝણી ન હોય, બધાને સંતાન પ્રાપ્તિ થાય.

સિદ્ધિવિનાયક રૂપનું મહત્વ –
સિદ્ધિવિનાયક ગણેશનું સૌથી લોકપ્રિય સ્વરૂપ છે. ગણેશની જે પ્રતિમાઓની સૂંઢ જમણી બાજુ વળેલી હોય છે, તે સિદ્ધપીઠ સાથે જોડાયેલ હોય છે અને તેમના મંદિરોને સિદ્ધિવિનાયક મંદિરો કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે સિદ્ધિ વિનાયકનો મહિમા અજોડ છે, એવું માનવામાં આવે છે કે સિદ્ધિવિનાયક નિષ્ઠાપૂર્વક મનથી માંગેલા ભક્તોની ઇચ્છા અવશ્ય પૂર્ણ કરે છે. એવું માનવામાં આવે છે કે આવા ગણપતિ ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે અને એટલી જ જલ્દી ગુસ્સે પણ થઈ જાય છે.
સિદ્ધિવિનાયકની બીજી ખાસિયત એ છે કે તે ચતુર્ભુજ દેવતા છે. માત્ર હિન્દુઓ જ નહીં, પરંતુ તમામ ધર્મના લોકો આ મંદિરમાં દર્શન અને ઉપાસના માટે આવે છે. જે કે આ મંદિર ન તો મહારાષ્ટ્રના ‘અષ્ટવિનાયક’ માં ગણાય છે અને ન તો તેનો ‘સિદ્ધ ટેક’ સાથે સંબંધ છે, તેમ છતાં અહીં ગણપતિ પૂજાનું વિશેષ મહત્વ છે.

એમ તો આ મંદિર આખું વર્ષ ખુલ્લું જ હોય છે, પણ ખાસ કરીને મંગળવારે અહીં ભક્તોની એટલી ભીડ હોય છે એક ચારથી પાંચ કલાક લાઇનમાં ઉભા રહ્યા બાદ દર્શન થાય છે. દર વર્ષે અહીં ભાદરવાની ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી ગણપતિ પૂજા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. અંગારકી અને સંકટ ચોથ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો આ મંદિરમાં પહોંચે છે.
સૌથી પહેલા પૂજાય છે ગણેશજી –
હિન્દુઓમાં ભગવાન ગણેશનું ખૂબ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે દરેક નવું કાર્ય શરુ કરતા પહેલા, નવી જગ્યાએ જતા પહેલા અને નવી સંપત્તિ ખરીદતા પહેલા કે બીજા કોઈ શુભ કાર્ય કરતા પહેલા તેમની પૂજા કરવામાં છે. આ જ કારણ છે કે બાલ ઠાકરે, અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર જેવી હસ્તીઓ અવારનવાર અહીં આવતી રહે છે.

અમીર મંદિરોમાં થાય છે ગણતરી –
46 કરોડની વાર્ષિક આવક સાથે મુંબઈનું સિદ્ધિવિનાયક મંદિર મહારાષ્ટ્રનું બીજું સૌથી ધનિક મંદિર છે. સિદ્ધિવિનાયક મંદિરના 125 કરોડ રૂપિયાની થાપણ ફિક્સ્ડ ડિપોઝિટમાં છે. આ મંદિર તેના પ્રખ્યાત ફિલ્મો ભક્તોને કારણે પણ પ્રખ્યાત છે. શ્રી સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટને ભેટ તરીકે વાર્ષિક 10-15 કરોડ પ્રાપ્ત થાય છે. આ મંદિરની દેખરેખ રાખતી સંસ્થા મુંબઈની સૌથી ધનિક ટ્રસ્ટ છે. અહીં વિરાજમાન ગણેશજીની પ્રતિમા જોવામાં ખૂબ જ આકર્ષક દેખાય છે, મંદિરના દર્શન કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે.
આ મંદિરના દ્વાર હંમેશા દરેક જાતિના લોકો માટે ખુલ્લા છે, અહીં કોઈના આવવા પર મનાઈ નથી. સિદ્ધિવિનાયક મંદિર પોતાની મંગળવારની આરતી માટે ખૂબ જ પ્રસિદ્ધ છે, જેમાં શ્રદ્ધાળુઓની લાઈનો ક્યારેક-ક્યારેક 2 કિલોમીટર સુધી પહોંચી જાય છે.

ચાંદીના ઉંદર –
આ મંદિરની અંદર ચાંદીથી બનેલા ઉંદરોની બે મોટી મૂર્તિઓ પણ છે, એવું માનવામાં આવે છે કે જો તમે તેમના કાનમાં પોતાની ઈચ્છાઓ પ્રગટ કરો તો એ તમારો સંદેશો ભગવાન ગણેશ સુધી પહોંચાડે છે. એટલે જ આ ધાર્મિક ક્રિયા કરતા તમે ઘણા શ્રદ્ધાળુઓ મંદિરમાં જોવા મળશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks