રસોઈ

મશરૂમ મટર મસાલા રેસિપી – વરસાદી વાતાવરણમાં ખાઓ તીખું, ચટપટું શાક, નોંધી લો રેસિપી અને આજે જ ટ્રાય કરો

વરસાદી વાતાવરણ હોય ત્યારે સ્વાભાવિક છે કે કઈક તીખું, ચટપટું ખાવા ની ઈચ્છા થાય છે. રસ્તા પર થી પસાર થઈએ ત્યારે જો કોઈ જગ્યા પર ગરમા ગરમ ચાઇનીઝ કે પંજાબી બનતું હોય તો મોં માં પાણી આવી જાય. પરંતુ ચોમાસા ની ઋતુ માં બહાર ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પણ મન થયા કરે કે કઈક પંજાબી કે ચાઇનીઝ ખાઈએ ત્યારે શું કરવું? તમે ચિંતા ના કરો અમે તમારા માટે લઈ ને આવ્યા છીએ આવી જ એક ચટપટી અને તીખી તેમજ સ્વાદિષ્ટ વાનગી. જેને તમે ઘરે જ ખૂબ જ સહેલાઈ થી બનાવી શકો છો. સાથે સાથે ઘરે શુધ્ધ અને સાફ, સ્વચ્છ હોવા થી બીમાર પડવા ની પણ ચિંતા નથી. ચાલો તો ફટાફટ નોંધી લો આ મસ્ત વાનગી ની રેસીપી અને ઘરે બનાવી પરિવારજનો ને ખવડાવો.

મશરૂમ મટર મસાલા બનાવવા માટે ની સામગ્રી

 • મશરૂમ – 7-8
 • લીલા મટર ના દાણા (વટાણા) – અડધો કપ
 • ટમેટા – 2-3
 • લીલા મરચાં – 1-2
 • આદું – 1 ઇંચ નો ટુકડો
 • ક્રીમ – અડધો કપ
 • તેલ – 2-3 ટેબલ સ્પૂન
 • કોથમીર –  2-3 ટેબલ સ્પૂન ઝીણી સમારેલી
 • મીઠું – ¾ નાની ચમચી (સ્વાદાનુસાર)
 • હિંગ – ચપટી
 • જીરું – ½ નાની ચમચી
 • કસૂરી મેથી – 2 ટેબલ સ્પૂન
 • એલચી – 2
 • લવિંગ – 2-3
 • કાળું મરચું (તીખા) મરી – 5-6
 • ધાણાજીરું – 1 નાની ચમચી
 • લાલ મરચાં નો પાઉડર – ¼ નાની ચમચી
 • હળદર નો પાઉડર – ¼ નાની ચમચી

મશરૂમ મટર મસાલા બનાવવા ની રીત

 • સૌપ્રથમ મશરૂમ ને સારી રીતે કપડાં થી સાફ કરીને તેના 4 થી 6 ટુકડા થાય એ રીતે સમારી લો.
 • હવે ટમેટા ને ધોઈ લો, તેના મોટા-મોટા ટુકડા કરી લો. લીલા મરચાં લઈ તેને ધોઈ લો, તેના ડીટિયા કાઢી તેને સમારી લો. ત્યાર બાદ આદું ની છાલ  કાઢી તેને ધોઈ નાખો, આ બધી વસ્તુઓ ને એક મિક્સર ના ઝાર માં નાખી, તેને ખૂબ જ ઝીણું પીસી લો અને પેસ્ટ તૈયાર કરી લો.
 • મોટી એલચી ને ફોલી ને તેના દાણા કાઢી લો પછી તેને ખૂબ સારી રીતે કરકરી ખાંડી લો.
 • હવે એક વાસણ માં તેલ નાખી તેને ગરમ કરવા માટે ગેસ પર મૂકી દો. તેલ ગરમ થઈ ગયા પછી તેમાં હિંગ નાખી પછી જીરું નાખો, જીરું તળાય જાય પછી તેમાં હળદર નો પાઉડર, ધાણાજીરું, અને પીસેલું મસાલા નું પેસ્ટ નાખી દો. તેમજ બીજા અન્ય મસાલા અને કસૂરી મેથી પણ નાખી દો. આ મસાલા ને હલાવતા હલાવતા બધા મસાલા ને ત્યાં સુધી તળો જ્યાં સુધી મસાલા માથી તેલ ઉપર ના આવી જાય.
 • હવે આ તળેલા મસાલા ની અંદર મટર(વટાણા) ના દાણા નાખી તેને મિક્સ કરી અને એક ઠાંકણા થી ઢાંકી દઈ તેને 2 થી 3 મિનિટ અથવા નરમ થાય ત્યાં સુધી ચડવા દો. હવે ક્રીમ નાખી દો. હવે આ મિશ્રણ ને સતત હલાવતા રહો જ્યાં સુધી બધી જ સબ્જી ઉકળી ના જાય. સબ્જી ઉકળી ગયા પછી તેમાં મશરૂમ નાખી દો. અને અડધો કપ પાણી નાખી દો. ( આ શાક ના રસ ને તમે જેવો જાડો રાખવા ઇચ્છતા હો તે પ્રમાણે પાણી નાખી શકો છો.) સબ્જી ને ફરી થી ઉકળવા દો, તેમાં મીઠું અને ગરમ મસાલો નાખી ભેળવી દો અને ઢાંકણા ને બંધ કરી દો, આમ ધીમા તાપે 4 થી 5 મિનિટ માટે ચડવા દો.
 • હવે સબ્જી ને ખોલો અને તેમાં કોથમીર નાખી ભેળવી દો. હવે મશરૂમ મટર મસાલા સબ્જી ને એક વાસણ માં કાઢી તેની ઉપર કોથમીર નાખી ગાર્નિશ કરી લો.
 • આ ગરમા ગરમ મશરૂમ સબ્જી ને રોટલી, પરાઠા, નાન કે પછી રાઈસ સાથે પીરસો અને ખાઓ.

આમ તૈયાર છે તમારી મશરૂમ મટર મસાલા સબ્જી, જેને તમે ક્યારે પણ બનાવી ને ખાઈ શકો છો, કોઈ પણ મૌસમ કે કોઈ પણ સમયે બાળકો માટે, મોટા ઓ માટે તેમજ ઘરે આવેલ મહેમાનો માટે પણ આ મસ્ત, સ્વાદિષ્ટ તેમજ મનભાવક તીખી ચટપટી વાનગી બનાવી ને ખવડાવી શકો છો. સાંજ  ની મસ્ત અને ઠંડી હવા માં જો આ વાનગી બનાવવા માં આવે તો મજા પડી જાય.

સલાહ
આ મશરૂમ મટર મસાલા સબ્જી ને વધુ ટેસ્ટી બનાવવા માટે તમે તેમાં બજાર માં મળતો પંજાબી મસાલો પણ નાખી શકો તેમજ સૂકા મેવો જેવો કે કાજુ, કિશમિશ વગેરે પણ નાખી તેને મજેદાર બનાવી શકો છો.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ