Murder case accused Nikita got bail : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હત્યાના કેટલાક મામલાઓ સામે આવી રહ્યા છે. જેમાં ઘણીવાર અંગત અદાવાતમાં તો ઘણીવાર પારિવારિક ઝઘડામાં કોઈની હત્યા કરી દેવામાં આવતી હોય છે. ત્યારે આવો જ એક હત્યાનો મામલો અમદાવાદના ગોતા વિસ્તારમાંથી સામે આવ્યો હતો ઓક્ટોબર 2020માં. જ્યાં એક સમૃદ્ધ પરિવારની MBA થયેલી વહુએ સાસુના મહેણાં ટોણાથી કંટાળીને સાસુને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારે આ મામલે તે જેલમાં હતી, પરંતુ હાલ તેને જામીન આપી દેવામાં આવ્યા છે.
સાસુએ વહુ પર લગાવ્યા હતા આડા સંબંધોના આરોપ :
ઘટના વિશે વાત કરીએ તો નિકિતા ઉર્ફે નાયરા અગ્રવાલના લગ્ન વર્ષ 2019માં ગોતાના સુખી સંપન્ન અગ્રવાલ પરિવારમાં થયા હતા. લગ્ન બાદથી જ સાસુ અને વહુ વચ્ચે નહોતું બનતું અને અવાર નવાર બંને વચ્ચે ઝઘડા પણ થહત હતા. લગ્નના થોડા સમય બાદ નિકિતા ગર્ભવતી થઇ હતી, ત્યારે સાસુ તેના ચારિત્ર્ય પર પણ શંકા કરતા હતા અને તેના ગર્ભમાં રહેલું બાળક કોઈ બીજાનું હોવાનો પણ તેના પર આરોપ મુક્યો હતો. આ ઉપરાંત તેના સસરા સાથે જ તેના આડા સંબંધો હોવાના આરોપ પણ સાસુ દ્વારા મુકવામાં આવતા હતા.
લોખંડનો રોડ માથામાં મારી કરી હતી હત્યા :
જેનાથી કંટાળીને ઓક્ટોબર 2020માં નિકિતાએ એક દિવસ જયારે સાસુ વહુ ઘરમાં એકલા હતા ત્યારે લોખંડના સળિયો સાસુના માથામાં ફટકારી તેમની હત્યા કરી દીધી હતી અને ત્યારબાદ તેમની લાશને પણ સળગાવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે કેસમાં નિકિતાની ધરપકડ કરવામાં આવી હતી. નિકિતા જયારે જેલમાં ગઈ ત્યારે તે ગર્ભવતી હતી અને તેને જૂન 2021માં જેલમાં જ બાળકને જન્મ પણ આપ્યો હતો. ત્યારે નિકિતાએ કોર્ટમાં જામીન માટે અરજી પણ કરી હતી પરંતુ કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી.
કોર્ટે આપ્યા જમીન :
આ ઉપરાંત ઓક્ટોબર 2022માં જેલમાં તેની પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો, જે સંદર્ભે નિકિતા અગ્રવાલ સામે પ્રિઝનર્સ એક્ટ હેઠળ ગુનો પણ નોંધાયો છે. ત્યારે હાલ જસ્ટિસ વી.ડી. નાણાવટીએ નિકિતાને જામીન પર છોડવાનો આદેશ આપ્યો છે. તેમને પોતાના આદેશમાં જણાવ્યું કે “આરોપીનું અઢી વર્ષનું બાળક માતાના પ્રેમ અને હૂંફથી દૂર છે. આરોપી સામેના કેસમાં હજુ ચાર્જ ફ્રેમ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, અને કેસની ટ્રાયલ પૂરી થવામાં ઘણો સમય લાગે તેમ છે, તેવામાં નિકિતા અગ્રવાલને જામીન પર મુક્ત કરવામાં કોઈ વાંધો નથી.”