ગીર સોમનાથ: બહેનને હેરાન કરતા ભાઈએ 22 વર્ષિય યુવકને ઉતાર્યો મોતને ઘાટ, એવું મોત આપ્યું કે આત્મા કંપી ઉઠશે, જાણો સમગ્ર ઘટના

ગીર સોમનાથમાં ચાર દિવસ પહેલા હિટ એન્ડ રનની ઘટના સર્જાઇ હતી, જેમાં એક યુવકનું મોત થયુ હતું. જો કે, પોલીસ તપાસમાં આ હિટ એન્ડ રનની ઘટના હત્યા માટે ઘડાયેલો પ્લાન હોવાનું સામે આવ્યું. આ હત્યાનો પ્લાન સગીર એ તેની પ્રેમિકા સાથે મળી બહેનને હેરાન કરતાં યુવક માટે ઘડ્યો હતો. તેણે બોલેરો પીકઅપ વાનથી યુવકને ઠોકર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો અને હત્યાને હિટ એન્ડ રનની ઘટનામાં ખપાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાલ તો પોલીસે આરોપીની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

ગીર સોમનાથના તાલાલા સ્ટેટ હાઇવે પર 6 સપ્ટેમ્બરે સાંજે સાત વાગ્યા આસપાસ એક્ટિવા પર જઈ રહેલ ઉમરેઠી ગામના 22 વર્ષિય સુરેશ જાદવને પાછળથી બોલેરો પીકઅપ વાને ઠોકર મારી હતી અને તે ફંગોળાઈ ગયો હતો.આ પછી બોલેરો કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઇ ગયો હતો. આ પછી ઇજાગ્રસ્ત યુવકને તાલાલા સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યો પણ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો.

પ્રાથમિક દ્રષ્ટિએ આ હિટ એન્ડ રનની ઘટના અકસ્માત હોય તેવું લાગ્યુ પણ આ ઘટનામાં ગીર સોમનાથ LCB દ્વારા ઊંડી તપાસ હાથ ધરવામાં આવી ત્યારે હત્યાનો ઘટસ્ફોટ થયો.સુરેશ જાદવને ઉમરેઠી ગામના જ સગીરે ખુબ જ સિફતપૂર્વક મોતને ઘાટ ઉતાર્યો અને ઘટનાને અકસ્માતમાં ખપાવવા પોલીસની આંખમાં ધૂળ છાંટવાનો પ્રયાસ કર્યો.

મૃતક અને આરોપીના પરિવાર વચ્ચે ઘણા સમયથી મનદુઃખ ચાલતા હતા અને મૃતક આરોપીની બહેનને હેરાન કરતો હોવાથી તેને પતાવી દેવાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. આમાં આરોપીએ તેની પ્રેમિકાની મદદ લીધી હોવાનું પણ સામે આવ્યુ છે. મૂળ ડોળાસા ગામની અને હાલ રાજકોટ ખાતે નર્સીંગનો અભ્યાસ કરતી આરોપીની પ્રેમિકાએ મૃતક સુરેશને પ્રેમજાળમાં ફસાવ્યો અને ઇન્સ્ટાગ્રામ દ્વારા અવારનવાર વાતો કરી તેનો વિશ્વાસ જીત્યો.

આ પછી પ્લાન મુજબ મૃતક સુરેશને રાત્રિના સમયે ઘરેથી બહાર લાવવા મળવાનું કહી બોલાવ્યો અને આ પછી બોલેરો કાર લઈ નીકળેલા આરોપીએ મોકો જોઈ સુરેશની એક્ટિવાને જબરજસ્ત ઠોકર મારી અને ફરાર થઇ ગયો. આરોપી તેમજ તેની પ્રેમિકા અને અન્ય મદદગારને રાઉન્ડઅપ કરી આગવી ઢબે પૂછપરછ કરતાં પોપટની જેમ બધુ બોલી ગયેલાએ સમગ્ર ઘટનાના વટાણા વેરી નાખ્યા.

Shah Jina