દિલધડક સ્ટોરી નારી વિશે પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા લેખકની કલમે

“મમ્મીની ગુલાબી ડાયરી” – વાંચો એક માતાની દીકરીને જન્મ આપવા માટેના સંઘર્ષની કહાની, મુકેશ સોજીત્રાની કલમે

બીઆરટીએસ કેનાલ રોડ!!
રાત્રીના સાડા દસનો સમય હશે. ઋત્વી પોતાની એકટીવા લઈને આવી પહોંચી. વાતાવરણમાં પવનને કારણે થોડી ઠંડક હતી. રસ્તા પર વાહનો ધમધમાટ કરતાં ચાલી રહ્યા હતા. બીઆરટીએસ રોડ ની બને બાજુ માણસો વોકિંગ કરતા હતા. બને સાઈડમાં ખાણી પીણીની તમામ વ્યવસ્થા હતી. લોકો પરિવાર સાથે ફરવા નીકળી પડ્યા હતા. વચ્ચે કેનાલ અને બને બાજુ બીઆરટીએસ બસ નો રોડ!! બાજુમાં બને બાજુ સામાન્ય વાહનો માટેનો રોડ.!! બીઆરટીએસ રોડ રાત્રી હોવાના કારણે સાવ ખાલી ખમ હતો. તે પોતાની નિયત જગ્યાએ બેઠી!! કરણ હવે દસ જ મીનીટમાં આવવો જોઈએ!! રસ્તા પર એ જોઈ રહી હતી. અમુક લોકો શિકંજી પી રહ્યા હતા. અમુક મટકા ચાની ચૂસકી લઇ રહ્યા હતા.!! પોતાની જેમ ઘણી છોકરીઓ મોઢે બુકાની બાંધીને બેઠી હતી!! કોઈકની રાહમાં કોઈકની ચાહમાં!! બધાની નીગાહોમાં કોઈનો ઇન્તજાર હતો.

સુરતમાં એક સીસ્ટમ છે. લોકો રાત પડેને ફરવા નીકળી પડે!! મોડી રાત સુધી એ ખા ખા કર્યા કરે!! કોઈ બરફના ગોળા ખાતા હોય તો કોઈ ફેન્સી ઢોસા ખાતા હોય!! રોંગ સાઈડમાં વાહન હંકારી ને સામેવાળાની ગાળો પણ ખાય!! ટૂંકમાં એ ખાધા વગરના ના હોય!!

“ હાઈ સ્વીટી” કરણે આવીને તેનું અભિવાદન કર્યું. કરણના હાથમાં એક પેકેટ હતું. એમાં વેજીટેબલ સેન્ડવિચ હતી. ઋત્વીને વેજીટેબલ સેન્ડવીચ ખુબ જ ભાવતી. બને શનિ રવિ કે તહેવારોની રજાઓમાં સુરતમાં અલગ અલગ જગ્યાએ ફરતા. પણ ખાવાની તો સેન્ડવીચ જ!!

“વેલકમ” ઋત્વીએ સસ્મિત જવાબ આપ્યો. મોઢા પરથી ચુંદડીનો છેડો હટાવ્યો. કરણે તેનું સસ્મિત ગોરા વદનના દર્શન કર્યા. બને એ સાથે જ સેન્ડવીચ ખાવાની શરૂઆત કરી. જોકે એ ખાઈને જ આવી હતી તેમ છતાં. ખાધા પછી પણ ખાવાની કઈ ઓર જ મજા હોય છે.

“ દીપ્તિની બર્થ ડે પાર્ટી હતી. ત્યાંથી વહેલા સર નીકળી ગઈ. બસ હવે આજે લાંબો સમય નથી સાડા અગિયાર વાગ્યે તો ઘરે પહોંચવું છે” ઋત્વી મોટા વરાછામાં રહેતી હતી. કરણ ડીંડોલીમાં રહેતો હતો. સેન્ડવીચ ખાઈને બને વાતે વળગ્યા!!

Image Source

“ તો પછી શું ફાઈનલ કર્યું એ કહે એટલે મને ખ્યાલ આવે” કરણ બોલ્યો.
“ ફાઈનલ તો કરી જ નાંખ્યું છે ને તોય મને પૂછે છે??? યુ ઈડિયટ!! આવતા રવિવારે ઘરે કોઈ નથી. મારા મમ્મી અને પાપા ગામડે જવાના છે એક લગ્નમાં!! હું અને મારા ભાઈ ભાભી ઘરે છીએ!! રવિવારે બપોર પછી નીકળી જઈશું!! થોડો ડર લાગે છે પણ તારા વિશ્વાસે નીકળી રહી છું!!

ઓકે અહીંથી નીકળીને આપણે સીધા મહેસાણા જતા રહીશું. બે દિવસ મહેસાણા રોકાઈને છ માસ સુધી આબુ રોકાઈશું. ત્યાં સુધી તો મામલો ઠંડો પડી ગયો હશે. સોમવારે મહેસાણામાં આપણે કોર્ટ મેરેજ કરી લઈશું. પછી આબુ જતા રહીશું. ત્યાં મારા કાકાની એક મોટી લોજ અને રેસ્ટોરંટ છે ત્યાં રોકાઈશું. કાકા અને કાકી સાથે વાતચીત થઇ ગઈ છે. હું ત્યાં કાઉન્ટર સંભાળીશ તારે કાકી સાથે અંદર જ રહેવાનું. છ માસ સુધી આબુમાં ક્યાય દિવસે બહાર નીકળવાનું જ નથી. રાતે કલાક બે કલાક આપણે બહાર જઈશું. તારે ફોન સાવ બંધ જ કરી દેવાનો છે. ફેસબુક પણ નથી જ વાપરવાનું. મારો એક ભાઈબંધ આપણને સતત અપ ડેટ આપતો રહેશે. છ માસ પછી બધું ટાઢું પડી જશે. તારું કુટુંબ સ્વીકારી લેશે પછી આપણે મહેસાણા આવી જઈશું.અથવા આબુ પર જ બીજી કોઈ જગ્યાએ ફરસાણની દુકાન નાંખી દઈશું. અથવા સુરતમાં તું કહે ત્યાં ફરસાણ કે નાસ્તા ગૃહની દુકાન નાંખી દઈશું.. હા નામ રાખીશું “ઋત્વી નાસ્તાગૃહ” અથવા “ઋત્વી રેસ્ટોરન્ટ” / “ઋત્વી ફૂડ ઝોન”!! બને એ થોડો સમય વાતો કરીને એકબીજા ને ઓષ્ઠપાન કરાવીને છુટા પડયા.

ઋત્વી મનોજ ભાઈ પટેલ!! મોટા વરાછામાં રહે માતાનું નામ વિલાસ બહેન!! પિતાજી મનોજભાઈને હીરાબાગમાં અને કાપોદ્રામાં બે કાપડની દુકાન હતી એ પણ મોકાની હતી. એક દુકાને પાપા બેસતા ને બીજી દુકાને એનો મોટો ભાઈ વિનોદ બેસતો હતો. સરસ મજાનો પરિવાર હતો. અને ઋત્વી બીબીએના ત્રીજા વરસમાં ભણતી હતી. ઋત્વી અને કરણની પ્રેમ કહાની પણ ગજબની હતી. કરણની જ્ઞાતિ અલગ હતી એટલે જ ઋત્વીએ ઘરે વાત નહોતી કરી કારણકે એને સો ટકા ખબર હતી કે મમ્મી કે પાપા આ કોઈ કાળે સ્વીકારશે નહિ!! પોતાને ગમે ત્યાં પરણાવી દેશે. અને એ ઋત્વીને મંજુર નહોતું.!!

ઋત્વી દસમાં ધોરણમાં ભણતી હતી ત્યારે એક પ્રવાસમાં ગઈ હતી. એ પ્રવાસમાં શાળાએ રસોઈયો ભેગો લીધો હતો. રસોઈયાએ એના છોકરાને ભેગો લીધો હતો એનું નામ કરણ હતું.!! એ પણ ભણતો હતો પણ ભણવા ખાતર બાકી એનું આખું કુટુંબ સુરતમાં રસોડાક્ષેત્રમાં હતું. આમેય સુરતના ખાવાના ટેસ્ટમાં ઓરીજનલ મહેસાણા બાજુના લોકોનો મોટો ફાળો છે!! ચાર દિવસના પ્રવાસમાં ઋત્વી અને કરણની આંખો મળી ગઈ એટલું જ નહિ બનેની આંખોએ પ્રેમ નામના પ્રદેશની મુસાફરી પણ કરી લીધી હતી. પછીના વરસે પણ શાળામાં પ્રવાસ ગોઠવાયો એ વખતે પણ કરણ એના પિતાજી સાથે બસમાં આવ્યો હતો. આ સિવાય અથવા લાઈન્સ પાસે કરણની એક સેન્ડવિચની દુકાન પણ હતી. સેન્ડવીચનો સિલસિલો ત્યાંથી શરુ થયો હતો તે અત્યાર સુધી ચાલુ રહ્યો હતો!! કરણ તો દસ ધોરણ સુધી ભણીને ઉઠી ગયો પણ એનો પ્રેમ ઋત્વી જે કોલેજમાં ભણતી ત્યાં સુધી રોજ ખેંચી લાવે!! કોલેજમાં રિશેષ પડે અને ગેટની બહાર કરણ વેજીટેબલ સેન્ડવીચ લઈને ઉભો હોય!! શની રવિમાં ડુમસ, કે ઉભરાટ, હજીરા, ગોપી તળાવ કે રાંદેરમાં બને સાથે રખડતા હોય!! આમેય સિટીમાં તમને વરાછાના ઘણા પ્રેમી પંખીડા રખડતા જોવા મળતા જ હોય છે!!

કરણે ઘરે વાત કરી લીધી હતી. એના મમ્મી પાપા તૈયાર તો હતા. પણ એક વાતની શરત હતી કે પ્રેમ લગ્ન કરે એટલે તારે પછી તારી રીતે ધંધો કરી લેવાનો. પિતાજીના ધંધામાં દરવાજા બંધ થઇ જતા હતા. છેલ્લે બને એ ભાગી જવાનું નક્કી કર્યું હતું. આમ જોઈએ તો ઋત્વી એ જ કરણને ભાગી જવા માટે મજબુર કર્યો હતો, કરણ તો ઇચ્છતો હતો કે કમસેકમ એક વાર એ એના માતા પિતા સાથે વાત કરી લે પણ ઋત્વી સ્પષ્ટ જ કહેતી.!!

Image Source

“ઘરમાં મારી બાનું કશું જ ચાલતું નથી.. મારા બાપા અને હવે મારા ભાઈનું જ ચાલે છે.. મને મારા ઘરની ખબર હોય કે તને ખબર હોય.. ભાગવાનું જ છે બોલ હવે.. કે પછી તને બીક લાગે છે.. યાદ કર આપણે પ્રવાસમાં નાસિક ગયા હતા ત્યારે ભગવાના શિવના મંદિરમાં આપણે બે જ છેલ્લે રહી ગયા હતા.. બાકીના બીજા આગળ નીકળી ગયા હતા.. ત્યારે તે મારા માથામાં સિંદૂર પૂર્યું હતું. ત્યારથી આપણે બને એક જ છીએ.. હવે છેલ્લે છેલ્લે તારે દુડી ઉતરવાની કોઈ જરૂર નથી.” ઋત્વી ચાર વરસ પહેલાની વાત કરતી!! જયારે એની શાળાનો પ્રવાસ દક્ષિણ ભારતના પ્રવાસે ગયો હતો.

અને પછી તો ઋત્વી બીબીએના ફાઈનલ વરસમાં આવી ગઈ અને એક પછી એક છોકરા એને જોવા આવવા લાગ્યા. દરેક છોકરો સારો જ હતો. પણ કૈંકને કૈંક એ ફોલ્ટ કાઢતી પણ છેલ્લે જે સુનીલ જોવા આવ્યો એમાં એને કશો જ ફોલ્ટ ના દેખાયો અને એણે એના પિતાજી પાસે વિચારવા માટેનો પંદર દિવસનો સમય માંગ્યો હતો.. પંદર દિવસ એટલા માટે કે બસ આ પંદર દિવસમાં એને હવે કરણ સાથે ભાગી જવું હતું.!!

બારમાં ધોરણનું ઓરીજનલ એલ સી. જન્મ તારીખના દાખલાની જરૂર નહોતી તોય કઢાવી લીધો હતો. આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ લઇ લીધું હતું. પોતાના પાપાએ એના બેંક એકાઉન્ટ ખાતામાં નાંખેલ બે લાખ જેટલી રકમ પણ એણે શુક્રવારે જ ઉપાડી લીધી હતી. શુક્રવારે જ મમ્મી અને પાપા ગામડે જતા રહ્યા હતા એક લગ્ન પ્રસંગમાં.. હવે તે પાંચ દિવસ પછી આવવાના હતા, પોતાના ભાઈ અને ભાભીને પોતાની બહેનપણી શ્રેયાના લગ્નમાં જવાનું છે એમ કહી દેવાનું હતું. અને આમેય શ્રેયાની એ દિવસોની કંકોત્રી પણ ઘરે આવી ગઈ હતી. શ્રેયા સચિન બાજુ રહેતી હતી એટલે રવિ સોમ એ શ્રેયાના ઘરે જ હશે એમ કહીને નીકળી જવાનું હતું. સોમવારે કોર્ટ મેરેજ મહેસાણામાં પતી જાય પછી ભલેને બધા ગોતે એની એને ક્યાં પરવા હતી!! રવિવારે સવારે જ એના ભાભી એક લગ્નમાં ગયા હતા. ભાઈ દુકાને ગયા હતા અને પોતે અગિયાર વાગ્યે શ્રેયાના ઘરે જશે અને ઘરની એક ચાવી પોતાની સાથે લઇ જશે એમ એણે પોતાના ભાઈ અને ભાભીને કહ્યું હતું. ભાભી ગયા એટલે ઋત્વીએ પોતાની છેલ્લી તૈયારીઓ શરુ કરી દીધી હતી.

પોતાના સાત જોડી કપડા એક અલગ સુટકેશમાં ભર્યા હતા. પોતાના ખાતામાંથી ઉપાડેલા બે લાખ જેવી રકમ એણે સુટકેશના તળિયામાં મૂકી દીધી હતી. ઘરમાં એણે બધી જ નજર ફેરવી લીધી હતી. આ ઘરમાં કદાચ એ પાછી ન પણ ફરે!! એક પોતે જઈ રહી છે એનો કાગળ પણ લખી નાંખ્યો. આ લખેલો કાગળ કરણ એના મિત્રને આપવાનો હતો જે ત્રણ દિવસ પછી બારડોલી બાજુની ટપાલ પેટીમાં નાંખી આવવાનો હતો અને પછી કાગળ ઘરે મળે અને બારડોલી બાજુ પોલીસ તપાસ થાય. ટૂંકમાં પોલીસને અને કુટુંબને ઉંધે રવાડે ચડાવવાનું કામ એ કાગળ કરવાનો હતો!!.

Image Source

કરણે એને ઘરેણા કે એવી કોઈ વસ્તુ સાથે લેવાની સદંતર મનાઈ ફરમાવી હતી તેમ છતાં ઋત્વીને થયું કે કદાચ લાંબો સમય છુપાવું પડે. આબુમાં કરણના કાકા કાકી સાથે ના ફાવે તો એના માટે ઘરેણું હોય તો વેચીને બીજા છ માસ કામધંધા વગરના પણ કાઢી શકાય એ માટે એણે પોતાના મમ્મીના બધાજ ઘરેણા આશરે દસેક તોલા જેટલા હશે એ લઇ જવાનું નક્કી કર્યું. મનમાં એ પણ નક્કી કર્યું કે આ ઘરેણા જરૂર પડે તો જ વાપરવાના છે બાકી પોતાની મમ્મીને એ પાછા આપી દે છે!! ભાગતી વખતે છોકરીના મનમાં કોઈ બીજા વિચારો હોતા નથી બસ એને એનો પ્રેમી જ દેખાતો હોય છે બાકી દુનિયામાં કોઈ છે જ નહિ એવું એનું મન માનતું હોય છે!!

મોટા કબાટની વછ્લી તિજોરી એણે ખોલી. એ તિજોરીની ચાવી ફળિયામાં વાવેલ બદામના થડીયામાં એક પ્લાસ્ટીકની કોથળીમાં વીંટેલ હતી. વછલી તિજોરીની અંદર બીજી એક તિજોરી હતી. એ તિજોરીની ચાવી વળી તુલસી ક્યારના કુંડામાં રહેલ માટીની અંદર એક સ્ટીલની નાનકડી પેટીમાં હતી. એ ચાવી કાઢીને એણે અંદરથી મમ્મીના ઘરેણા કાઢ્યા. ઘરેણા સુટકેશમાં મુક્યા. વળી તિજોરીની અંદર એણે પાછો હાથ નાંખ્યો અને એક ગુલાબી ડાયરી કાઢી!!
મમ્મીની ગુલાબી ડાયરી!! નાનપણમાં એ જોતી કે મમ્મી આ ડાયરી લઈને એને રમાડવા બેસતી. એમાં એ કશુંક લખતી પણ ખરી.. એ ડાયરીના પાનાની અંદર ઋત્વીની બાળપણની તસ્વીરો પણ હતી એવો એને આછો આછો ખ્યાલ આવ્યો.પછી તો આ ડાયરી મમ્મી ક્યારેય કાઢતી પણ નહિ અને આજ અચાનક જ એને આ ગુલાબી ડાયરી હાથમાં આવી ગઈ. મમ્મી જયારે હાઈસ્કુલમાં ભણતી ત્યારની આ ડાયરી હતી એમાં ધાર્મિક સુવિચારો અને મમ્મીના વિચારો ટાંકેલા હતા. પોતાના નાનપણના ફોટાઓ પણ હતા. અચાનક જ એક પાનાં પર એણે વાંચ્યું અને એ રોમાંચિત થઇ ઉઠી મમ્મીએ એ લખ્યું હતું.

તારીખ ૬ જાન્યુઆરી. સોમવાર
“આજે મારા પિતાજીએ કહ્યું કે મને જોવા માટે સુરતથી એક છોકરો આવી રહ્યો છે. એ છોકરો તારી સાથે વાત કરશે તને પસંદ હોય તો જ હા પાડજે બેટા!! મારું મન ચકરાવે ચડી ગયું છે. અત્યાર સુધી ફક્ત ફિલ્મોમાં જ આવું મેં જોયું હતું.. હું શું વાત એની સાથે કરીશ!! ભગવાન જે કરશે એ સારું જ કરશે..”
ઋત્વીને મજા આવી. એ આગળ વાંચવા લાગી.

૧૬ જાન્યુઆરી
“મનોજને હું પસંદ આવી ગઈ છું એમ મારા પિતાજી કહેતા હતા. મારી બહેનપણી સીમા છે ને એના ઘરે મનોજની ટપાલ મારા નામની આવી હતી. બાપ રે એમાં મનોજે મારા કેટલા વખાણ કર્યા છે મને તો વાંચીને પણ શરમ આવી!! કાગળમાંથી કેવી મસ્ત સુગન્ધ આવે છે મનોજે એમાં લખ્યું છે કે સીમાના ભાઈ સાથે એ સુરતનું પ્રખ્યાત અતર પણ મોકલાવશે એ મારે રોજ લગાવવાનું છે. મને તો અતર છાંટું તો માથું ચડે પણ મનોજને કોણ સમજાવે???”
ઋત્વીને ખુબ મજા આવી પોતાના મમ્મી પાપા ના પ્રેમ વિષે એણે કદી આવું તો વિચાર્યું પણ નહોતું. પછી તો મમ્મી પાપાના લગ્ન થયા એ પણ ડાયરીમાં લખેલું હતું. બને જણા કબીરવડ ફરવા ગયા એ પણ લખેલું. ભાઈનો જન્મ વખતે પણ ડાયરીમાં લખેલું પછી ડાયરીમાં અમુક પાનાં કોરા હતા પણ પછી જે આવ્યું એ વાંચીને ઋત્વી ધ્રુજી જ ગઈ!! ગુલાબી ડાયરીમાં લખ્યું હતું.

Image Source

“ આજે મનોજ સાથે ઝગડો થયો છે. મારા પેટમાં દીકરી છે એવું સોનોગ્રાફીમાં નિદાન થયું, મનોજ કહે છે કે એક છોકરો તો છે. હમણા આપણે બીજું સંતાન નથી જોઈતું. આપણે ગર્ભપાત કરાવી નાંખીએ. મેં તેને ના પાડી અને કહ્યું કે હું આવું પાપ નહિ કરું. હું આ દીકરીનો જન્મ આપીશ જ એમાં કોઈ ચર્ચાને અવકાશ નથી. મનોજ ખાધા પીધા વગરના દુકાને ચાલ્યા ગયા છે”

આગળ બીજા દિવસે લખેલું એ પણ વાંચ્યું ઋત્વીએ
“ આજે મેં મનોજને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે હિંદુ ધર્મની માન્યતા અનુસાર ૮૪ લાખ જન્મ પછી માણસનો અવતાર આવતો હોય છે. મારા ગર્ભમાં જે છોકરી છે એનો અવતાર મારે શા માટે રોકવો જોઈએ. મારી ભૂલને કારણે એ જીવને ફરીથી લક્ષ્ય ચોરાશીના ફેર ફરવાનાને આવું પાપ હું નહિ કરું. હું દીકરીનો જન્મ આપીશ. મનોજને મેં ચોખ્ખી વાત કરી લીધી છે કે હું મારા દીકરા અને દીકરી સાથે અલગ રહીશ પણ ગર્ભ પાત તો નહિ જ કરાવું. મારા પિતાજી સાથે મેં વાત કરી લીધી એણે પણ કીધું કે મનોજ ના સમજે તો તું અહી આવતી રહેજે ભાણીયાને લઈને.. તારી પ્રસુતિ આપણે અહી કરાવીશું. બાકી બાળકીને ગર્ભની અંદર જ મારવાનો ભગવાનને પણ હક નથી!! આપણે કંસ કરતા પણ નપાવટ છીએ એમ મારા પિતાજીએ કીધું હું હવે ખુશ છું. ભગવાન આગળ પ્રાર્થના કે મનોજના વિચારોમાં ફેરફાર થાય” વાંચતા વાંચતા ઋત્વીને ધરતી ગોળ ગોળ ફરતી દેખાય!! આંખમાં આંસુ સાથે ઋત્વી આગળની ડાયરી વાંચતી રહી.

“કાલે આ ફઘર છોડી રહી છું. મારા સાસુ સસરા મને સમજાવતા હતા પણ હું નથી સમજવાની. હું કોઈ પણ કાળે મારા ગર્ભમાં રહેલ દીકરીને જન્મ આપીશ જ!! મારા સસરાએ તો એમ પણ કીધું કે વિલાસ વહુ આ નાનકડા દીકરાને મુકીને એકલા જજો.. હા મને મંજુર છે.. આ દીકરાને તો એનો બાપ પણ સાચવશે!! દાદા પણ સાચવશે..પણ કુખમાં રહેલ દીકરીને તો મારી સિવાય કોઈ નહિ સાચવેને!! ગમે તેમ થાય હું દીકરીનો જન્મ આપીશ”
ઋત્વીએ પાણી પીધું. આંખમાંથી આંસુ લુંછીને એણે ગુલાબી ડાયરી વાંચવાનું શરુ રાખ્યું.

“ ભગવાન તને નમસ્કાર!! મનોજના મિત્ર પ્રદીપે મનોજને ખીજાઈને એની મમત મૂકી દેવાનું કહ્યું. મનોજ મારી માફી માંગવા આવ્યા પણ હું એને પગે લાગી અને કહ્યું. તમારે મારી માફી માંગવાની ન હોય બસ તમે આ જન્મનાર દીકરીને કોઈ વાતે ઓછું ન આવવા દેજો એનું વચન આપો. કદાચ હું જીવું કે ના જીવું.. મનોજ ઘણા સમય પછી મને ભેટયા.. મારા જીવનમાં આવેલ તોફાન શમી ગયું છે!!”

Image Source

પછી તો બીજા ઘણા પ્રસંગો હતા. પણ ઋત્વીને પોતે જન્મી એના વિષે મમ્મીએ શું લખ્યું છે એ વાંચીને એ સાવ ગદગદિત જ થઇ ગઈ. “ હું આજે ખુશ છું!! બહુ જ ખુશ.. સવારે મારે ત્યાં એક પરી જેવી દીકરી આવી છે. એકદમ નાનકડી અને ધોળી ધોળી બાસ્તા જેવી છે. સામાન્ય રીતે બાળક જન્મીને રડે છે પણ મારી પરી બહુ ઓછું રોઈ. એની આંખો મ, મને ગમે છે. મારી દીકરીને હું જીવની જેમ સાચવીશ. બસ હવે કોઈ સંતાન નથી જોઈતું.એક દીકરો અને એક દીકરી બસ છે. મનોજનો આભાર એટલા માટે કે એણે છેલ્લે છેલ્લે પોતાની જીદ મૂકી દીધી.. હું જ્યારે મારી નાનકડી ઢીંગલીને જોવ છું ત્યારે એને કહું છું મારા દીકરા તારા માટે તારી મમ્મી બધું જ છોડવા તૈયાર થઇ ગઈ હતી એ તને ક્યાંથી ખબર હોય!! બસ મને મારી ઢીંગલી રમાડવી ગમે છે”

બસ પછી એનું નામ ઋત્વી પાડ્યું. એને શું શું ભાવે એની તમામ વિગતો ગુલાબી ડાયરીમાં હતી. પણ હવે ઋત્વી અકળાઈ ઉઠી!! એના મનમાં વિચારોનું ઘમાસાણ ઉપડ્યુ. જેને કારણે એ આ પૃથ્વી પર આવી એ માતાને દગો દઈને ભાગવા તૈયાર થઇ??? એને એમ પણ થયું કે હું આ પગલું ભરત તો મારા પિતાજી મારી મમ્મીને કેવું કેવું સંભળાવત!! બસ હવે બહુ થયું. સારું થયું આ ગુલાબી ડાયરી મારા હાથમાં આવી. મને સાચી પરિસ્થિતિનું ભાન થયું, હું એક મોટી ભૂલ કરવા જઈ રહી હતી. બધા જ ઘરેણા અને ગુલાબી ડાયરી એણે હતી ત્યાને ત્યાં મૂકી દીધી. પોતે બેંકમાંથી ઉપાડેલા પૈસા જમા કરાવી આવી!! એનું મન એકદમ શાંત થઇ ગયું હતું!! પોતે સાચી પરિસ્થિતિ સમજી ચુકી હતી.પોતાની માતા કેટલી મહાન છે એનો એને આજે ખ્યાલ આવ્યો હતો. વરસો પહેલા પોતાને ખાતર એની માતા એના પતિને અને એના દીકરાને છોડવા તૈયાર થઇ ગઈ હતી એ વાત સાંભળતા જ ઋત્વિના રૂંવાડા કંપી ઉઠયા!! આવી માતાનો દ્રોહ કરીને એ કરણની સાથે ભાગીને જઈ રહી હતી એને પોતાની જાત માટે તિરસ્કાર છૂટ્યો!! ખુબ રડી!! ઋત્વીનું મન નિર્મળ થઇ ગયું. એને સાચી વાત અને સાચી દિશા સમજાઈ ચુકી હતી.

એ હવે ક્યાય જવાની નહોતી. છેલ્લે જે મુરતિયો જોયો હતો એને એ હા કહી દેવાની હતી. એ હા કહેવા માટે એણે એની મમ્મીને ફોન કર્યો અને મમ્મીએ પહેલો પ્રશ્ન કર્યો. “બેટા તે જમી લીધું”?? હા કહીને ઋત્વીએ પોતાનો નિર્ણય કહ્યો અને એની મમ્મી ખુશ થઇ ગઈ. થોડી વાર પછીએ એના બાપુજીનો ફોન આવ્યો એ પણ ખુશ હતા.

Image Source

કરણને એણે મોટા વરાછાના પુલે મળવા બોલાવ્યો ત્યાં બધી જ વાત કરી!! કરણને એણે ના પાડી દીધી. પોતે એની સાથે આવી નહિ શકે એમ કહ્યું. શરૂઆતમાં કરણ મજાક સમજતો હતો પણ ઋત્વીએ એને સાચી વાત કહી દીધી. કરણને ગમ્યું તો નહિ પણ એ લાચાર હતો. વળી કરણ પુરુષ જાત પર ગયો અને કહ્યું કે તું મારી નહીં તો કોઈની નહિ અને ઋત્વીએ કરણના ગાલ પર એક તમાચો ઝીંક્યો અને બોલી!!

“ બસ આવી ગયોને ઔકાત પર!! કયો અધિકાર છે તને મારા ઉપર?? મારી માતાએ મને એનું દૂધ પાઈને મોટી કરી છે..આવેશમાં હું એ બધું ભૂલી ગઈ અને આજે સાચા રસ્તા પર આવી છું તો તું મને ધમકી આપે છે. પણ યાદ રાખજે જો આડા અવળીનો થયો છોને તો આ તાપીમાં ઘા કરી દઈશ ઘા!! નાઉ ગેટ લોસ્ટ!! યુ રાસ્કલ”
કરણ અને ઋત્વી પુલ પરથી છુટા પડ્યા.

સંતાનોએ એક વાત સમજી લેવાની કે એની જે જિંદગી છે એને શ્રેષ્ઠતા આપવા માટે મા બાપ પોતાની જાતને ઘસી નાંખતા હોય છે.. સંતાનોએ ક્યારેય પણ એવા પગલા ન ભરવા જોઈએ કે જેનાથી મા બાપની લાગણી દુભાઈ જાય!!

લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ
મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks