લેખકની કલમે

“મમ્મી હું તમારી દીકરી જેવી જ થઈ ને કહો મને શું થયું?” “બેટા , બીજી દીકરી આવે છે શાયદ એ વાત મારી પેહલી દીકરી ને ખટકતી લાગે છે

દર્શીત અને વિધિ ના લગ્ન ની તારીખ એક મહિના પછી ની આવી, હજુ દર્શીત અને વિધિ ની સગાઈ ને બે જ મહિના થયા હતા , પણ દર્શીત અને વિધિ નું મનમેળ સારી રીતે થઈ ગયું હતું. અને વિધિ ના સારા સ્વભાવ ને કારણે દર્શીત ના પરિવાર માં પણ વિધિ દૂધ માં સાકર ભળે તેમ ભળી ગઈ હતી.

બધા ખુશ હતા , પણ એક વ્યક્તિ હતી જે મન માં દુઃખી હતી , દુઃખી થવા નું કોઈ ખાસ કારણ નહતું , છતા પણ દુઃખી હતી . એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ વિધિ ની નણંદ અને દર્શીત ની બહેન ટીના હતી.

દર્શીત ના પરિવાર માં માતા પિતા એક ભાઈ નિલેશ અને એક બહેન ટીના એમ પાંચ સદશ્યો હતા. ટૂંક માં એક પરફેક્ટ પરિવાર હતો. અને પરિવાર ના દરેક સદશ્યો દર્શીત અને વિધિ ની જોડી જોઈ ખુશ હતા, શરૂઆત માં ટીના પણ ખૂબ ખુશ હતી.પણ ધીરે ધીરે સમય વીત્યો, જ્યારે જ્યારે વિધિ ઘરે આવતી ટીના નો મૂડ થોડો ઓફ રહેવા લાગ્યો.
અને આજે ફાઇનલી વિધિ અને દર્શીત ના લગ્ન ની તારીખ નીકળી.
વિધિ અને દર્શીત બંને ના પરિવાર અનહદ ખુશ હતા , એક બીજા ને મીઠાઈ ખવડાવી વધામણી દેતા હતા. ગળે મળતા હતા, પણ ટીના દૂર ઉભા ઉભા આ બધું જોતી હતી.
ટીના ના વિધિ સાથે ના આ અલગ વર્તન ને કારણે મમ્મી પાપા પણ ટીના ને કેટલી વખત ટોકી ચુક્યા છે, પણ ટીના….

એ ખુશી ના માહોલ થી ટીના ને અકળામણ થવા લાગી, અને ટીના અંતે તે હોલ છોડી ઉપર ટેરેસ એ ઠંડી અને તાઝી હવા મહેસૂસ કરવા પહોંચી.

ટીના ને આ રીતે જતા જોઈ, મમ્મી ગુસ્સા માં એની પાછળ જવા લાગ્યા, અને એ બધું વિધિ એ જોયું, એ એની સાસુ ની પાછળ દોડી , એમને અવાજ દઈ અને રોક્યા.
વિધિ બોલી ,”શું થયું મમ્મી..?”
“બસ કાંઈ નહીં, તું જા ત્યાં બધા સાથે વાતો કર હું આવું હમણાં.”મમ્મી બોલ્યા.

“મમ્મી હું તમારી દીકરી જેવી જ થઈ ને કહો મને શું થયું?”
“બેટા , બીજી દીકરી આવે છે શાયદ એ વાત મારી પેહલી દીકરી ને ખટકતી લાગે છે , જ્યારે એ તને જુએ છે એનું વર્તન બદલાય જાય છે….”મમ્મી અચકાતા બોલ્યા.

“મમ્મી …એવું કાંઈ નથી..તમે વધુ વિચારો છો, અને ટીના નું વર્તન કેમ બદલી જાય છે એ મેં પણ નોટિસ કર્યું છે, અને એની પાછળ નું કારણ હું શોધી ને રહીશ. તમે ચિંતા ના કરો…”આટલું કહી વિધિ ટેરેસ તરફ આગળ વધી.

મમ્મી એને અટકાવતા બોલ્યા, “વિધિ,એને ખોટી ન સમજજે, એના દિલ માં એવું કાંઈ નહીં હોય. ”

“મમ્મી , મારે પણ એક નાની બહેન છે, મને ખબર છે કે ટીના ના મન માં કાંઈ નથી પણ એના દિલ માં કંઈક વાત છુપાયેલ છે, જે જાણવી જરૂરી છે, તમે ચિંતા ન કરો, હું સાંભળી લઈશ.” વિધિ એના શબ્દો માં પરિપક્વતા ધરાવતા બોલી.

મમ્મી એ એના માથા પર હાથ મુક્યો,અને ત્યાં થી હોલ તરફ ચાલતા થયા.

વિધિ ટેરેસ પર પહોંચી, દૂર ટીના ઉભી હતી.

વિધિ એની પાસે પહોંચતા બોલી ,”અહીંયા શું કરે છે ટીના.?”

વિચારો માં ખોવાયેલ ટીના અચાનક વિધિ નો અવાજ સાંભળતા ગભરાઈ ગઈ.

થોડી ક્ષણો પછી નોર્મલ થતા ટીના બોલી,”ક…કાંઈ નહીં બસ એમ જ ઉભી છું, વી….અઅઅ ભાભી…”

“ભાભી… ?! હું તને તારા નામ થી પુકારી શકું તો તું પણ મને મારા નામ થી બોલાવી શકે છે ટીના…”

“ના ના , નામ લઈ ને બોલાવીશ તો લોકો મને જ કહેશે કે ભાભી છે તારી એને આવી રીતે ન બોલવાય… અને બીજું ઘણું.”

“ટીના મને યાદ છે જ્યારે દર્શીત સાથે તમે બધા મને પેહલી વખત જોવા આવ્યા હતા, ત્યારે તું ખૂબ ખુશ હતી, પણ જેમ જેમ સમય વીત્યો, તારું વર્તન મારા પ્રત્યે બદલતું જાય છે કેમ ?” વિધિ સીધી વાત કરતા બોલી.

આ સાંભળી ટીના વિધિ તરફ આશ્ચર્ય માં જોવા લાગી અને બોલી ,”ના ના એવું કાંઈ જ નથી ”

“તું મને કહી શકે છે ટીના…પ્લીઝ હવે ફોર્મલિટી છોડી સીધી વાત કર ને…”

ટીના વિધિ સામે જોતી રહી અને અંતે એની ચુપ્પી તોડતા એ બોલી જ ,
“ઓકે, હા મારુ વર્તન તમારા પ્રત્યે બદલતું જાય છે , અને એના ઘણા કારણો છે, અને મને એ પણ ખબર છે કે તમે મને પસંદ નથી કરતા..”

વિધિ શોક માં બોલી પડી ,”શું….? ,એને તને એવી ક્યાં થી ખબર પડી ?.”

“જ્યારે તમારી પાસે દર્શીત ની વાત આવી હતી ત્યારે શું વાત થઈ હતી એ મને ખબર છે ”

“શુ વાત થઈ હતી ટીના ?

” એમ જ કે , દર્શીત ને એક બહેન છે જે 20 વર્ષ ની છે, બસ હમણાં એક બે વર્ષ માં એના પણ લગ્ન કરાવી નાખશે , એટલે કાંઈ ટેન્શન જેવું નથી અને એક ભાઈ છે જે સ્વભાવે ખૂબ સારો છે ,
જ્યારે જ્યારે પાર્થ તમારી સાથે મસ્તી કરે એ એનો હક થયો, દેવર છે હેરાન તો કરે…
અને હું કંઈ પણ બોલુ મને જજ કરવા માં આવે, બધા એમ કહે , નણંદ છે ને જો અત્યાર થી જ ભાવ ભજવા લાગી,…અને બીજું ઘણું બધું.

જો દેવર નો સબંધ ભાભી સાથે મજાક નો હોઈ શકે તો નણંદ નો કેમ ન હોઈ શકે , એને દરેક વાત માં જ્જ કેમ કરવા માં આવે, ત્યાં સુધી કે મમ્મી પણ એક કહે કે બેટા થોડું સાંભળી ને વાત કરજે…ખોટું લાગી જશે ભાભી ને….

પણ મારું જ ખોટું કેમ લાગે….મને આજ સુધી એ નથી સમજાતું…

મારુ માનો તો આ બધું જૂની ફિલ્મો ને સિરિયલો નો વાંક છે, બધા માં હમેશાં નણંદ ને એક વીલન તરીકે જ દેખાડવા માં આવી છે , જે એની મા અને એના ભાઈ ની કાન ભમભેરણી કરે..ત્યાર થી આ ટ્રેન્ડ ચાલવા લાગ્યો છે, નણંદ ને હંમેશા બધા શક ભરી નજરે જુએ છે….

પહેલે થી જ ચોખવટ કરે કે હા એક નણંદ છે પણ વહેલાસર એના લગ્ન પણ કરાવી નાખશે… પણ શા માટે , નણંદ માં વાંધો શું છે , દેવર સારા નણંદ ખરાબ…શા માટે….?”

ટીના એ પોતાના મન ની બધી વાતો એક જ શ્વાસ માં બોલી નાખી….

વિધિ બસ એની સામે જોતી રહી , એને ટીના માં 20 વર્ષ ની દિલ ની સાફ અને દુનિયાદારી પર ગુસ્સે થયેલ એક નાની છોકરી દેખાતી હતી.

વિધિ ટીના સામે જોઈ હસી પડી….

ટીના આશ્ચર્ય માં વિધિ સામે જોવા લાગી , ત્યાં જ વિધિ હસતા હસતા ટીના ને ગળે મળી અને બોલી

, “સાચું કહ્યું તે યાર…., બધા ની મેન્ટાલિટી એ જ છે , પણ હું એવી નથી યાર , મેં દર્શીત સાથે એટલે જ લગ્ન ની હા પાડી હતી કારણકે એની એક નાની આટલી સ્વીટ બેન છે. જે લગ્ન પછી મારી ફ્રેન્ડ બની ને રેહશે…પણ તું જો વગર કારણો સર મોઢું ચડાવી ને મારી સામે ફરે છે.
લોકો નું છોડ ,એ જે કહેતા હોય, પણ મને તારા થી કોઈ જાત નો પ્રોબ્લેમ નથી, જેવો મારો દેવર એના થી વધુ ચડિયાતી મારી નણંદ.
હવે બધું ભૂલી જા , અને મારી સાથે પેહલા જેવી બની જા , મારી ફ્રેન્ડ બની જા ને…
આજ થી તું મારી માટે ટીના ને હું તારી માટે વિધિ…આ ભાભી નણંદ ભૂલી જા…ઓકે ?” વિધિ ટીના સાથે જીવન ભર ની દોસ્તી નો હાથ વધારતા બોલી.
ટીના વિધિ ને સીધી ગળે વળગી પડી ,અને બોલી “સોરી વિધિ …”

“ઇટ્સ ઓકે યાર..”

વિધિ એને ટીના હસતા વાતો કરતા ટેરેસ થી નિચે આવતા હતા ત્યાં જ વિધિ એ ટીના ને પૂછ્યું ,

“ટીના તને આવી વાતો કોને કીધી કે મારા લગ્ન કરી ને આવ્યા બાદ એક બે વર્ષ માં તારા લગ્ન કરાવી નાખશે જેથી કોઈ ટેન્શન નથી ?”

“જીગુ ફઈબા એ, “..ટીના નિર્દોષતા થી બોલી.

વિધિ બસ હસવા લાગી અને મનોમન બોલી ,”હું લકી છું કે મને સારી નણંદ મળી છે.”

લેખક – મેઘા ગોકાણી
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.