કૌશલ બારડ મનોરંજન લેખકની કલમે

ઘરમાં દાદાનું અવસાન થયું હોવા છતાં પિતાએ નાના પુત્રને રંગભૂમિ પર મોકલી દીધો!

દૂરદર્શન પર ફરીવાર પ્રસારિત થઈ રહેલી ‘રામાયણ’માં મોટાભાગના કલાકારો ગુજરાતી છે! રામાનંદ સાગરે આ સિરીયલ જે સ્ટુડિયોમાં બનાવી તે વૃંદાવન સ્ટુડિયો પણ ઉમરગામમાં આવેલો છે અને હિરાભાઈ પટેલની માલિકીનો છે. ફરીવાર ટેલિકાસ્ટ થઈ રહેલી રામાયણ દર્શકોનો અણધાર્યો રિસ્પોન્સ મેળવી રહી છે. લોકોને રામાયણમાં પાત્ર ભજવનાર કલાકારો વિશે જાણવામાં પણ ખાસ્સો રસ જાગ્યો છે.

સિરીયલમાં માતા સીતાજીના પિતા અને મિથિલાના સમ્રાટ રાજા જનકને તો તમે જોયા જ હશે. એ ઉપરાંત, રામ-લક્ષ્મણના ભાઈ શત્રુઘ્નને પણ જોયા હશે. આ ઐતિહાસિક હસ્તીઓનું પાત્ર ભજવનાર કલાકારો રિયલ લાઇફમાં પિતા-પુત્ર છે અને સૌરાષ્ટ્રના છે. રાજા જનકનું પાત્ર ભજવનાર મૂળરાજ રાજડા અને શત્રુઘ્ન બનનાર સમીર રાજડા પિતા-પુત્ર છે. જો કે, મૂળરાજ રાજડા તો ૨૦૧૨માં અવસાન પામી ચૂક્યા છે પણ સમીરભાઈ હજુ અભિનયનાં ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે.

મૂળરાજ રાજડાનો જન્મ ૧૯૩૧માં જામનગર પાસેનાં જામ ખંભાળિયામાં હાલાઈ ભાટિયા પરિવારમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ માદરે વતનમાં જ લીધું હતું. કોલેજ પૂરી કર્યા પછી કેબલ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા અને દેના બેન્કમાં નોકરી કરી. મૂળરાજ રાજડા સિદ્ધહસ્ત લેખક પણ હતા. તેમની કલમમાંથી વેરાતું હાસ્ય નિર્ભેળ આનંદ આપતું. નાટકો માટે સ્ક્રિપ્ટ લખવાથી તેમણે રંગભૂમિ પર પગ માંડ્યો.

તેમનાં એક નાટકનો શો થવાનો હતો, જેમાં બાળ કલાકારનો રોલ પુત્ર સમીર રાજડાને ભજવવાનો હતો. એવામાં જ પિતા જેઠાભાઈનું અવસાન થયું. આમ છતાં પણ સમીરને મૂળરાજભાઈએ નાટકમાં રોલ ભજવવા મોકલી દીધો હતો!

ગુજરાતી નાટકોની બાબતમાં તેમનું યોગદાન ભૂલી શકાય તેમ નથી. તેઓ લેખક હોવાની સાથે અભિનય પણ કરતા અને દિગ્દર્શન પણ કરતા. ૧૫ વર્ષ સુધી તેમણે ગુજરાતી રંગભૂમિને પોતાની કલા દ્વારા સમૃદ્ધ બનાવી. ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું. અનેક ગુજરાતી ફિલ્મોમાં તેણે ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદી(રામાયણમાં રાવણનું પાત્ર ભજવનાર) સાથે પોતાનું હુન્નર રેડ્યું. ૧૯૭૬માં મૂળરાજ રાજડાએ લખેલી ફિલ્મ ‘જય ખોડિયાર માઁ’ તો સુપરહિટ રહી હતી. આમ, અનેક ફિલ્મોમાં તેમણે લેખન, અભિનય અને ડાયરેક્ટર તરીકે કામ કર્યું.

એ પછી ટેલિવિઝન સિરીયલોના શરૂ થયેલા દોરમાં પણ તેમણે ઝંપલાવ્યું. રામાનંદ સાગરની ‘રામાયણ’માં ભજવેલું રાજા જનકનું પાત્ર યાદગાર રહ્યું. એ અરસામાં આવેલી બી.આર.ચોપરાની ‘મહાભારત’માં તેઓ હસ્તિનાપુરના કુળગુરૂ પણ બન્યા. ‘વિક્રમ ઔર વૈતાલ’, ‘દાદા-દાદી કી કહાનિયાઁ’ અને ‘રજની’ જેવી હિન્દી સિરીયલોમાં તેમણે કામ કર્યું.

મૂળરાજ રાજડાએ ૧૯૯૧માં દૂરદર્શન પર પ્રસારિત થનારી ગુજરાતી ધારાવાહિક ‘નરસૈયો’ બનાવી. આ ઉપરાંત પણ ઘણી ગુજરાતી સિરીયલોમાં તેમણે કામ કરેલું, જેમાં ‘નારી તું ના હારી’, ‘ચાલો મારી સાથે’, ‘ઓ જિંદગી’ અને ‘સૂરજમુખી’ જેવી સિરીયલોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ‘જય સ્વામીનારાયણ’ સિરીયલની પટકથા પણ તેમણે લખેલી.

સંતાનમાં તેમને પુત્ર સમીર રાજડા અને બે દીકરીઓ છે. તેમના પત્ની પણ રંગભૂમિ સાથે સંકળાયેલા રહ્યા. ૨૦૧૨માં ડાયાબિટિસને લીધે મુંબઈમાં ૮૧ વર્ષની ઉંમરે મૂળરાજ રાજડાએ પ્રાણ છોડ્યા.

સમીર રાજડા કહે છે : “તેઓ કહેતા કે, અભિનેતા ઘરડો થાય છે, પણ લેખક નહી!” આજે રંગભૂમિ પર સમીરભાઈ પણ ખાસ્સા સક્રિય છે. ગુજરાતી નાટકોમાં તેમની સક્રિયતા વખાણવાલાયક છે. સૌરાષ્ટ્રની ધરતીના આ બાપ-દીકરાની જોડીએ ગુજરાતી રંગભૂમિને ઉજળી કરીને રાષ્ટ્રીય ક્ષેત્રે પણ અભિનયનાં ઓજસ પાથર્યાં છે!

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.