ભારતીય રાજદૂત મુકુલ આર્યનું અચાનક નિધન, વિદેશમંત્રી જયશંકર બોલ્યા- મને ઊંડો આઘાત…

પેલેસ્ટાઈનમાં ભારતીય રાજદૂત મુકુલ આર્યનું નિધન થયું છે. પેલેસ્ટાઈનમાં ભારતના રાજદૂત મુકુલ આર્ય રામલ્લાહ સ્થિત દૂતાવાસમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. વિદેશ મંત્રી ડો.એસ જયશંકરે ભારતીય રાજદૂતના નિધન પર ટ્વિટ કરીને ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. પેલેસ્ટાઈનના રામલ્લાહમાં ભારતના રાજદૂત મુકુલ આર્ય રવિવારે દૂતાવાસમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. મુકુલ આર્યના મોતના કારણો અંગે હજુ વધુ માહિતી સામે આવી નથી. વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કર્યું કે, રામલ્લાહમાં ભારતના પ્રતિનિધિ મુકુલ આર્યના નિધન અંગે જાણીને ઊંડો આઘાત લાગ્યો છે.

વિદેશ મંત્રી એસ જયશંકરે મુકુલ આર્યને પ્રતિભાશાળી અધિકારી ગણાવ્યા છે. વિદેશ મંત્રીએ મુકુલ આર્યના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. વર્ષ 2008 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી આર્યનું મોત કેવી રીતે થયું તે હજી સુધી જાણી શકાયું નથી. પેલેસ્ટિનિયન વિદેશ મંત્રાલયે કહ્યું કે તેને રાજદૂત આર્યના મોતના સમાચાર મોટા આશ્ચર્ય અને આઘાત સાથે મળ્યા છે.

પેલેસ્ટિનિયન વિદેશ મંત્રાલયે કહ્યું કે આ દુઃખદાયક સમાચાર આવતાની સાથે જ રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ અને વડા પ્રધાન મુહમ્મદ શતયેહ દ્વારા આરોગ્ય અને ફોરેન્સિક મેડિસિન મંત્રાલય ઉપરાંત તમામ સુરક્ષા, પોલીસ અને જાહેર અધિકારીઓને તાત્કાલિક સૂચના જારી કરવામાં આવી હતી કે તે સ્થાન પર જાઓ અને આ બાબત પર નજર રાખો.

મુકુલ આર્યએ કાબુલ, મોસ્કોમાં ભારતીય દૂતાવાસ તેમજ દિલ્હીમાં વિદેશ મંત્રાલયના મુખ્યાલયમાં કામ કર્યું હતું. તેમણે પેરિસમાં યુનેસ્કોમાં ભારતના કાયમી પ્રતિનિધિમંડળમાં પણ સેવા આપી હતી. 2008 બેચના ભારતીય વિદેશ સેવા (IFS) અધિકારી આર્યએ કાબુલ અને મોસ્કોમાં ભારતીય દૂતાવાસોમાં કામ કર્યું હતું. ભારતીય વિદેશ સેવામાં જોડાતા પહેલા મુકુલ આર્યએ દિલ્હી યુનિવર્સિટી (DU) અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો.

Shah Jina