ગુજરાત દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે વૈવાહિક-જીવન

આજે વાંચો એક એવા મોટાબાની વાત જેમને આખું જીવન પોતાની વહુને સમાજમાં માન સન્માન વાળું જીવન અપાવ્યું…

“મોટા બા ની મનીષા વહુ”

“દેશમાંથી આતાનો ફોન હતો. મોટા બા દાદરેથી પડી ગયા છે પગે ફ્રેકચર થયું છે અને મગજમાં પણ થોડું વાગ્યું છે . ડોકટર દવેના દવાખાને દાખલ કરેલ છે. માથામાં થી લોહી ખુબ જ વહી ગયું છે. ચાર બોટલ લોહી ચડાવવું પડ્યું છે. હવે આમ તો સારું છે એમ આતા કહેતા હતા.”  મનસુખે ઘરે આવીને એની પત્ની મનીષાને કહ્યું.

“તો આપણે કાલે જ નીકળીએ મોટા બાની ખબર કાઢવા તો જવું જ પડેને!! બિચારા ને ભારે થઇ એક તો મોટી ઉમર ને છેલ્લે છેલ્લે પીડા માંડી હશે ને તે ભોગવવાનું આવ્યું છે.” ભીની આંખો સાથે મનીષા બોલી.

પરબતભાઈ અને માવજીભાઈ સગા ભાઈઓ હતા. પરબત ને બે દીકરા અને એક દીકરી. માવજીભાઈને બે દીકરી અને એક દીકરો હતા..!! બે ય ભાઈઓ વચ્ચે સંપ હતો. ખાતું પીતું અને ઠીક ઠીક સુખી કહી શકાય એવું ઘર!! પરબતને અંજુ નામની મોટી દીકરી.. રાકેશ અને સુરેશ નામના બે દીકરા જયારે માવજીભાઈને સહુથી મોટો દીકરો મનસુખ અને પછી બે દીકરીઓ લીલી અને ચંપા!! મોટા બા એટલે પરબતભાઈના પત્ની ગોદાવરી બહેન!! જયારે માવજીભાઈના પત્નીનું નામ નબુબેન!! બેય ભાઈઓના બધા જ વરા પ્રસંગ ઉકલી ગયા પછી એક દિવસ ગોદાવરી બહેન એટલે મોટા બા એ પરબત આતા ને કહ્યું કે.

“તમે સાંભળો છો.. હવે આપણે બધાને વહેંચી દઈએ તો કેવું રહે!! અત્યાર સુધી તો કાઈ તકલીફ નથી આવી પણ ભવિષ્યમાં કદાચ ઝઘડા જેવું થાય..કંકાસ કજિયા થાય એના કરતા બધાના મન મળેલા છે ત્યાં જ ભાયું ભાગ પાડી દઈએ. તમે માવજીભાઈને વાત કરી દ્યો. જે છે એ વહેંચી દઈએ. આપણા ભાગ્યનું આપણે રળી ખાઈશું અને એના ભાગ્યનું એ રળી ખાશે. ઘણું ભેગું  હાલ્યું. પણ હવે મારું મન કહે છે કે વહેંચી નાંખીએ અને જુદા થઇ જઈએ. મનસુખ અને મનીષા વહુ તો કાઈ બોલે એમ નથી પણ મને આપણા છોકરાની વહુઓમાં વિશ્વાસ નથી બેસતો. રાકેશ અને સુરેશ અત્યારે તો કઈ બોલતા નથી પણ કાલ સવારે આપણે ના હોઈએ અને બાયું ની ચડવણીમાં આવી જાય અને કોઈ વાંધો વચકો પડે અને પછી જુદા થવું એના કરતા સહુ સંપીને રહે છે ત્યારે જ જુદા થઇ જઈએ તો વાંધો ના આવે.!!”

“ જી હું કાલે જ માવજીને વાત કરું છું.. દીકરીઓને પણ બોલાવી લઉં છું.. અને છોકરાઓને પણ બોલાવી લઉં છું.. જે છે એ વહેંચી ને ભાયું ભાગ પાડી લઈએ.” પરબત ભાઈ બોલ્યાં.

“ એમાં છોકરાને બોલાવવાની જરૂર  નથી. તમે બેય ભાયું બધું વહેંચી લો ને!!” ગોદાવરી બેને કહ્યું. અને  ત્રણ જ દિવસમાં બધું વહેંચી લીધું ઘર મેળે.. ગામમાં જયારે ખબર પડી કે પરબત અને વશરામ ઘર મેળે નોખા થઇ ગયા છે ત્યારે સહુને સુખદ આંચકો લાગ્યો. અને જયારે વહેંચણી ની વાત પૂરી સાંભળી ત્યારે વધારે આંચકો લાગ્યો.!!

માવજીભાઈએ ચાલીશ વીઘા  વાડી રાખી હતી અને એંશી વીઘા જમીન મોટાભાઈ પરબત ભાઈને આપી હતી. પરબતે તો સરખી જ જમીન વહેંચી હતી સાઈંઠ સાઈંઠ વીઘા પણ માવજીભાઈ નું કહેવું હતું કે મારે એક જ દીકરો છે જયારે મોટાભાઈને બે દીકરા છે એટલે ત્રણેય ભાઈ ને ચાલીશ ચાલીશ વીઘા જમીન થઇ જાય ને!! સુરત પણ એક ત્રણ માળિયું મકાન હતું.એ પણ એક એક માળ એક ભાઈને એ રીતે વહેંચણી કરવામાં આવી હતી. ગામમાં એક ઓશરીએ ચાર મકાન હતા. બેય ભાઈએ બબ્બે મકાન અને રસોડું લઇ લીધા અને જુદા થઇ ગયા. ખાલી એક રસોડાના બે રસોડા થયા હતા. કોઈ પણ જાતના મતભેદ અને મનભેદ વગર બધુય વહેંચાઇ ગયું હતું. મનીષાને સુરત ખબર પડી કે દેશમાં આ રીતે વહેંચણી થઇ ગઈ છે. એટલે એ રડી પડી એણે સીધો જ ઘરે ફોન લગાવ્યો અને ગોદાવરી બેનને લાગલું જ પૂછ્યું.

“કેમ મોટા બા અમારાથી કૈંક ખોટું થઇ ગયું કે આમ સાવ જુદા થઇ ગયા?? એવી તે શું આફત આવી કે તમે અમારાથી જુદા થઇ ગયા મોટા બા??  મારા સોગંદ છે તમને મોટા બા સાચું બોલજો”

ગોદાવરી બહેન ગળગળા થઈને બોલ્યા.

“એવું નથી મનીષા વહુ પણ ભાયું અને છોકરા તો જુદા જ સારા લાગે.સહુ ને ખબર પડે કે વહેવારમાં કેમ રહેવાય!! બધાને પોતાના ઘરની કાળજી રાખવાની ખબર પડે.. તારાથી થોડા અમે નારાજ છીએ.. આખા ઘરમાં તું એકલી જ ઘરનું કામ કરતી હોય છે.. મારા સગા દીકરાની બે વહુઓ છે તેમ છતાં એના કરતા પણ તું મને વધારે વહાલી છો.આ તો અમે બેઠા છીએ ને કાલ સવારે કદાચ ના હોઈએ અને તને  કૈંક તકલીફ થાય તો?? બહુ જ સમજી વિચારીને અમે આ પગલું ભર્યું છે..!! તું ઓછું ના લગાડતી હો”

જુદા થયા એને પાંચ વરસ વીતી ગયા હતા.  ચારેય ગઢિયા દેશમાં રહે અને છોકરાઓ સુરત રહે. ખેતી માટે બેય ભાઈઓ થાય એટલું કરે ને બાકીની ખેતી ભાગિયા સંભાળે!! દિવાળી ટાણે ડેલીનું વાતાવરણ છોકરાઓ થી ભર્યું ભર્યું લાગે!! દિવાળી આવે એટલે કાઠીયાવાડમાં જાણે વસંત ઋતુ આવી હોય એમ લાગે!! દેવ દિવાળી આવે અને છોકરાઓ સુરત જવા રવાના થાય અને ગામડાઓમાં જાણે પાનખર ઋતુ લાગે તે ઠેઠ અગિયાર મહિના સુધી પાનખર હાલે!!

એમાં સમાચાર આવ્યા કે મોટા બા પડી ગયા છે એ રાતે મનીષા પૂરું ખાઈ પણ ના શકી. રાતે મનસુખે રાકેશ અને સુરેશને વાત કરી અને ગામડે જવાનું નક્કી કર્યું. મનસુખ સિવાય કોઈએ ખાસ ઉમળકો ના દેખાડ્યો. રાકેશની પત્ની ચેતના તો બોલી પણ ખરી.

“બા નો ઉતાવળિયો સ્વભાવ નડી ગયો છે.. દાદરેથી ઉતરતા ધ્યાન રખાય ને..એવી તે શી ઉતાવળ ફાટી જતી હતી તે પડી ગયા?? હવે અમારે ઉપાધિને”” આ તો સારું છે કે નબુમાં ત્યાં છે એટલે રાંધી દેશે બાકી એ ના હોય તો અમારે તો જાવું જ પડે ને!! એમ કરો મોટાભાઈ તમે અને ભાભી જઈ આવો એવું લાગે તો ભાભી ભલે રોકાય!! તમે આવતા રહેજો.. બા જ્યાં સુધી સારા ના થાય ત્યાં સુધી અમારી સાથે જમી લેજો!! બધાયનું ત્યાં શું કામ છે” ચેતનાએ બોલવાનું પૂરું કર્યું ત્યાં સુરેખા બોલી.

“આમેય બા ને મનીષા ભાભી સાથે સારું ફાવે છે.. મને તો ગામડામાં ફાવે જ નહિ એમાં બાનો સ્વભાવ પણ લપીયો ખરોને એક વાત પકડે એ લોઢે લાક્ડે મુકે તો નહિ જ.. ગામડાના હવા પાણી સારા એટલે ત્યાજ બાને સારું થઇ જશે.. અહી તો દવાખાના પણ કેટલા મોંઘા છે નહિ?? સુરતના દવાખાના તો મારી નાખે બાપ?? કદાચ બીજું દવાખાનું ફેરવવું પડે તો અમદાવાદ સિવિલ સારી અને સસ્તી પડે?? આ ગઢિયા પણ ઘણી વખત હાથે કરીને શુલ ઉભું કરે છે..એક તો મંદી નો માહોલ ને એમાં દાદર પરથી પડે એટલે ખરચા ના પણ પાર નહિ” રાકેશ અને સુરેશને બોલવાની જરૂર પણ ના પડી આખી મેટર બે વહુઓએ જણાવી દીધી.

બીજે દિવસે સાંજે મનીષા અને મનસુખ બસમાં બેઠા અને દેશમાં જવા નીકળ્યા. મનસુખના બે નાના છોકરા સાચવવાની જવાબદારી મનીષાની દેરાણીઓ ચેતના અને નેહા એ ઉપાડી લીધી. ચેતના અને નેહાને એક એક સંતાન હતું. જયારે મનસુખને બે  સંતાન હતા ચારેય એક જ નિશાળ સદભાવના વિધા સંકુલમાં ભણવા જતા હતા!!

ડો .દવેની હોસ્પીટલે સવારે મનસુખ અને મનીષા આવ્યા. મોટા બા ને આઈસીયુ માં રાખ્યા હતા. મોટાબા ની સ્થિતિ જોઇને મનીષા રડી પડી. મનીષાના સાસુ નબુબેન પણ રોઈ પડ્યા. માવજીભાઈએ મનસુખને કહ્યું.

“રાકેશ અને સુરેશ ના આવ્યા?? એકેય વહુ પણ નાં આવી??”

મનસુખ ખોટું બોલ્યો.

“છોકરાઓને પરિક્ષાઓ છે.. એટલે ત્યાં તો રહેવું જ પડે ને?? અમે જઈશું પછી એ આવશે!!”

“શું ધૂળ ને ઢેફા આવશે??? તારી મોટી બા ખરું કહેતી હતી કે મનીષા વહુમાં જ દિવેલ દેખું છું હું.. બાકી તો ઘાસલેટ નીકળ્યું… રામ રામ રામ!!” પરબત આતા બબડી રહ્યા હતા.!! બે દિવસ સુધી દવાખાને મનીષા  ખડે પગે રહી!! ત્રીજે દિવસે ગોદાવરી બેનને ભાન આવ્યું. પણ અર્ધું જ ભાન આવ્યું હતું.ઓળખવાનું ભૂલી ગયા હતા.પગમાં ઓપરેશન કર્યું હતું. એટલે હાલી ચાલી શકાય તેમ નહોતું.દીકરીઓ ખબર કાઢવા આવી. ઘડીકમાં ઓળખે વળી ઘડીકમાં ભૂલી જાય!! વારે ઘડીએ મનીષા વહુ…. એ મનીષા વહુ એમ બોલે!! શનિ રવિમાં સુરતથી રાકેશ અને મહેશ વીઝીટીંગ પ્રોફેસરોની જેમ મુલાકાત લઇ ગયા!! માંડ બે કલાક રોકાયા હોય તો ખાટલા પાસે!! વળી પાછા હડડડ કરતા સુરત ભેળા થઇ ગયા અને બહાનું પણ કેવું કાઢે!!

“ અમારા ખાતામાં નિયમ છે કે તમે આખો મહિનો ભરો અને એક પણ દિવસ ના પાડો ને તો વીસ ટકા બોનસ મળે પગાર ઉપર!! એટલે મારે તો જાવું જ પડે એમ છે” પઢાવેલ પોપટની જેમ રાકેશ બોલી ગયો.

“ અમારે તો એક દિવસ ના જાવ ને તો પછી નવું કારખાનું ગોતવું પડે.. કારખાનાનું નામ પણ એવું ને એટલે..ત્યાં વેઈટીંગ માં કારીગરો નામ લખાવીને ઉભા જ હોય..કારણ એક જ કે અમને પગાર સિવાય દિવાળી પર સારું એવું ફંડ પણ મળે!!” પંખા સમું જોઈને સુરેશ બોલતો. દસ દિવસ પછી ગોદાવરી બેનને રજા આપી. દવા તો છ મહિના સુધી શરુ જ હતી. મોટા સાસુને નવરાવવાથી માંડીને ખવરાવવા સુધીની તમામ જવાબદારી મનીષા વહુએ નિભાવી લીધી.

ગોદાવરી બહેન ને ગામમાં લાવ્યા.અને ગામ ઉમટ્યું ખબર કાઢવા.. દરરોજ પાંચ કિલો ખાંડ અને એક કિલો ચા વપરાઈ જાય એટલી બધી ખબર આજુબાજુ વાળા કાઢી ગયા.સગા સબંધી પણ ખબર કાઢવા આવી પહોંચ્યા. અઠવાડિયા પછી બધા જ ખબર અંતર વાળા શમી ગયા પછી એક રાતે પરબત આતા બોલ્યા.

“મનસુખ તું અને વહુ હવે સુરત ભેળા થાવ..તમે આવ્યા એને એક મહિનો થવા આવ્યો છે. તારી બા હવે જેટલી રખાય એટલી ચાકરી અને સેવા કરશે.. પણ ત્યાં છોકરા અને તારો ધંધો રેઢો છે એટલે એ પણ સંભાળવો જોઈએને?”

“ એ કાલે જશે.. મારી બેય દેરાણી ને ત્યાં વારફરતી જમી લે છે.. બાકી મોટા બા ને જયા લગી સારું ના થાય ત્યાં સુધી હું નથી જવાની .. તમે અમને જરાય શરમાવતા નહિ. મારા સાસુથી ઘરનું કામ માંડ થાય છે એમાં આ જવાબદારી આવે તો એ પણ બીમાર પડે ને!! તો તો એક કરતા બે થાય..હું અહી જ રોકવાની છુ.. છોકરા તો ત્યાં સચવાઈ જાય ને પણ મોટી ઉમરે માવતર સચવાય એ પણ જોવાનું ને??” કોઈ કશું જ ના બોલ્યું.ત્યાં ગોદાવરી બહેન બોલ્યા…

“મનીષા વહુ.. મનીષા વહુ.. મારું માથું દાબોને.. આ બાજુ સબાકા મારે છે?? ધીરે ધીરે દાબજો……..”

મનસુખ સુરત જતો રહ્યો અને આ બાજુ મનીષાએ મોટા સાસુ ની સેવા ચાકરી પુરા દિલથી શરુ કરી. અને મોટા બા પણ દિવસમાં થકવી નાંખે એ રીતે મનીષા ને બોલાવતા અને મનીષા હસતે મોંઢે બધું જ કામ કરતી જાય!!

“મનીષા વહુ.. તમારા સસરા એ જમ્યા ……કે નહિ”??

“મનીષા વહુ તમે ગાયને નીરણ નાખી કે નહિ”??

“મનીષા વહુ આજ અગિયારશ છે મારા માટે ફરાળ કરજો”

“મનીષા વહુ ચા કરીને જે ભૂકી વધે ને એ ગુલાબના ક્યારામાં નાખી દેજો”

“મનીષા વહુ મારી લાલ શાલ કાઢી દ્યોને મને સહેજ ટાઢ વાય છે”

“મનીષા વહુ ચા માં સહેજ તુલસી ના પાંદડા નાંખજો ને તમારા સસરા કાલ આખી રાત છીંક            ખાતા હતા.”

બીજી કોઈ સ્ત્રી હોય તો અઠવાડિયામાં જ થાકી જાય પણ મનીષા જેનું નામ એ થાકવાનું નામ જ ના લે.. પોતાના સગા સાસુ હોય એમ મોટા બાનો પડ્યો બોલ જીલી લેતી હતી. ગોદાવરીબેન નો પગ તો સાજો થવા આવ્યો હતો ત્યાં જ ડાબા અંગમાં આવ્યો આંચકો અને આખું અંગ ખોટું પડી ગયું હતું. હવે એ કશું બોલતા નહિ પણ કોણ જાણે મનીષાને એનો અવાજ સંભાળતો હતો એ દોડીને તરત જ ખાટલા પાસે જાય અને એને કશુક જોઈતું હોય તો તરત જ આપી દે.. હવે મોટા બા ના પેશાબ અને સંડાસ પથારીમાં જ કરી જતા હતા. પણ મનીષા હસતે મોએ બધું જ સાફ કરતી હતી..  ગામ આખામાં બધા મનીષાના મો ફાંટ વખાણ કરતા હતા.!!

છ મહિનાની આકરી સેવા કરવા છતાં મોટા બા લાંબુ ના જીવી શક્યા!! એક રાતે સખત તાવ આવ્યો અને છેલ્લી વાર એ જોર્ કરીને એટલું જ બોલી શકયા કે મનીષા…… વહુ… અને એનો પ્રાણ છૂટી ગયો.. રાતે બધા ને ફોન કરી દીધા.. બીજા દિવસે પાંચ વાગ્યા સુધીમાં સહુ આવ્યા ને ગોદાવરી બેનને અંતિમ સંસ્કાર આપ્યા. જયારે નનામી ઘરમાં બંધાતી હતી ત્યારે ગામમાંથી આવેલ માણસો ઘરમાં ઉભા ના રહી શકે એ હદે વાસ આવતી હતી. આંચકાને કારણે એક અંગ સડી ગયું હતું.. લોકો નવાઈ પામી ગયા હતા કે આવી સ્થિતિમાં પણ મનીષા વહુએ એના મોટા સાસુની ખરા દિલથી સેવા કરી હતી. મનીષાની મોટી બહેન પણ ખરખરે આવી હતી. અને છેક પાણીઢોળ સુધી રોકાઈ હતી. પાણીઢોળ પતી ગયું બીજે દિવસે સાંજે સહુ જવાના હતા. મનીષા અને એની  બહેન વિલાસ બે ય વાડીયે ગયા સાંજના અને રસ્તામાં જ વિલાસે કહ્યું.

“ બહેન તારી જેટલું તો કોઈ ના કરી શકે!! સગી માને પણ કોઈ આ રીતે સેવા ચાકરી ના કરે અને તે તારા મોટા સાસુને જે રીતે સેવા કરી..ધન્ય છે બહેન તને… આતાનું નામ તારે કારણે આખા કુટુંબમાં ઉજળું થઇ ગયું છે.. આજુબાજુના દરેક ગામમાં અને આપણા ગામમાં બસ તારી જ વાતો થાય છે. આપણા કુળને તે તારી દીધું બહેન.. ખરેખર તું મારી બહેન છો એનું મને ગૌરવ છે” વિલાસ અહોભાવથી બોલતી હતી.

“ મેં તો કશુય નથી કર્યું..પણ મોટા બા એ મારા માટે જે કર્યું એ કોઈ ના કરી શકે!! મારી સાસુ કરતા પણ વિશેષ એણે મારું એવું રાખેલું કે સાત ભવ પણ હું એનો ઉપકાર ના ભૂલી શકું બહેન!! દુનિયામાં કેટલાક ઉપકાર એવા હોય છે કે જે કોઈને બતાવી શકાતા નથી પણ ફક્ત અનુભવી શકાય છે!! મનીષા બોલતી હતી અને વિલાસ સાંભળતી હતી.

મનીષા બોલતા બોલતા વાડીમાં પાણીનું કુંડી પાસે આવી પહોંચી. કુંડી પાસે એક મોટો કૂવો હતો. કુવાની પાછળ એક મોટું પાકું મકાન હતું અને આગળ જાંબુડા ના અને લીમડાના ઘટાટોપ ઝાડવા હતા એની નીચે બે ગોળામાં પાણી હતું અને બાજુમાં બે સ્ટીલના છાલિયા પડ્યા હતા. મનીષા અને વિલાસ ઝાડના છાંયે એક ખાટલામાં બેઠા અને મનીષાએ ફરીથી વાત શરુ કરી.

“વિલાસ મોટા બા એ મારા પર જે ઉપકાર કર્યો એ હું એકલી જ જાણું છું.. એક એવો ઉપકાર જે હું કોઈને પણ આજ સુધી કહી નથી શકી પણ તું મારી સગી બહેન છો એટલે તારા પેટમાંથી વાત બહાર ના જાય એટલે તને કહું છું..આજે તો મોટાબા નું પાણીઢોળ પતી ગયું છે. એને તો મને કોઈને પણ કહેવાની ના પાડી હતી તેમ છતાં તને કહું છું” આટલું કહીને મનીષાએ પાણી પીધું અને વાત શરુ કરી.

“હું ગામની હાઈસ્કુલમાં ભણતી એ તો તને ખબર છે એ વખતે મારી મુગ્ધાવસ્થા અને ગામના જ એક છોકરા કટિયા સાથે મારી આંખો મળી ગઈ. તળાવ ના પાળે એનું ઘર આવેલું છે. એ પણ મારી સાથે ભણતો. મુગ્ધાવસ્થામાં ભૂલ થઇ ગયેલી. અમે બે ત્રણ વાર મર્યાદા પણ છાંડી ગયેલા. નાની ઉમર એટલે બીજી કોઈ ખબર ના પડે.પણ ધીમે ધીમે મને કટિયાની ખબર પડી એને ઘણી બધી છોકરીઓ સાથે સંબંધ હતો.હું ચેતી ગઈ.એવામાં મારા સંબંધ થયો અને હું પરણીને આ ગામમાં આવી. મારા કેટલાક ફોટાઓ કે જે અમે મેળામાં પડાવ્યા હતા અને કેટલાક પત્રો કટિયા પાસે હતા. મને સપને પણ ખ્યાલ નહોતો કે એ નાલાયક મને પાછળથી બ્લેકમેઈલ કરશે. હું પિયર મળવા આવું ત્યારે એ હરામી મને બ્લેક મેઈલ કરવા લાગ્યો. મને ફોટા અને પત્રો બધાને બતાવી દેશે એમ કહેવા લાગ્યો પણ હું એને તાબે ના થઇ.યુવાનીમાં જે ભૂલ કરી હતી એ ભૂલ હવે હું કરવા માંગતી નહોતી. હું પછી વરસ દિવસ પિયર જ ના ગઈ. મને એ મવાલીની બીક લાગતી હતી.પણ એણે મારી આ વાડી પણ શોધી લીધી અને અહી એક વખત આવ્યો.મારી પાસે પૈસા માંગ્યા. હું એને તાબે ના થઇ એટલે એ પૈસા માંગવા લાગ્યો. મેં મારી આંગળી પરની વીંટી એને આપી દીધી અને પગે લાગીને કહ્યું કે હવે અહી ના આવતો નહીતર મારે મરવાનો વખત આવશે. પણ મહિના પછી એ દાનવ ફરીથી આવ્યો.

એ લગભગ પાંચ વાગ્યે વાડીયે આવેલો. આવીને ફરીથી પૈસાની માંગણી કરી.  ગયા વખતે વીંટી આપી હતી ઘરે મેં એમ કીધું કે હાથ ધોવા માટે વાડીએ કુંડી પાસે વીંટી પડી ગઈ પણ જડી નહિ.મારા પતિએ કીધું કોઈ વાંધો નહિ આપણે બીજી કરાવી લઈશું. પણ બીજી વખતે એણે મારું મંગલ સૂત્ર માંગ્યું.હું રડી એની સામે હાથ જોડ્યા તો એણે ખિસ્સા માંથી ફોટા અને પેલા પત્રો કાઢ્યા અને કહ્યું કે અત્યારે જ આ પત્રો અને ફોટા તારે ઘરે નાંખી જાવ છું. મારું તો જે થાય તે પણ તારી જિંદગી બગાડી નાખીશ. બસ હવે મારે કુવામાં પડવા સિવાય કોઈ જ આરો નહોતો.નાનપણની એક ભયાનક ભૂલ આ હદ સુધી નડશે એની મને ખબર જ નહોતી. એ વખતે આ કાચું મકાન હતું અને એની પાછળ મોટા બા રજકો વાઢતા હતા એની મને ખબર નહિ એ બધી જ વાત સાંભળી ગયેલા. મેં છેલ્લી વાર કટિયા ને કીધું અને હાથ જોડ્યા કે તું હવે ચાલ્યો જા નહીતર હું કુવામાં પડીશ પણ એ હરામી હસ્યો અને આગળ વધ્યો. હું પાછા પગલે કુવા તરફ પડવા માટે જતી હતી ત્યાં મોટા બા અચાનક આવીને દાતરડા નો છૂટો ઘા કર્યો કટિયા બાજુ અને એના નાકમાંથી લોહી નીકળ્યું. અને બાજુમાં પડેલો પાવડા નો સાંબડો લઈને મોટા બાએ કટિયા ને રીતસરનો સબોડી નાંખ્યો.હું તો ઉભી ઉભી ધ્રુજતી હતી. કટિયા ના ખિસ્સામાંથી ફોટા અને પત્રો લઈને એના કટકા કરીને કુવામાં નાંખીને મોટા બા એ કટિયા ને પાટા મારતા જાય અને બોલતા જાય કે હવે પછી આ ગામમાં ડોકાયો છો કે મનીષાના ઘરે ગયો તો હું ગોદાવરી તને આ દાતરડાથી તારા ઘરે આવીને વાઢી નાંખીશ સાળા ઉતરેલના!! અને કટી યો વહેતા લોહી સાથે  ભાગ્યો.!! દાતરડાની અણીથી એનું નાક કપાઈ ગયું હતું!! હું બેસીને રોતી હતી મારી પાસે આવીને કહે મનીષા તારી બધી જ વાત મેં સાંભળી લીધી છે. ભૂલ બધાથી થાય. પણ તું આબરૂ બચાવવા કુવામાં પડવા તૈયાર થઇ પણ એને તાબે ના થઇ એ મને ગમ્યું.આ વાત તારા અને મારા વચ્ચે જ રહેશે અને તને પણ કહી દઉં કે તારા ધણીને પણ આ વાત કેતી નહિ નહિતર તારા સંસારમાં આગ લાગશે!!

સ્ત્રીની વાત સ્ત્રી જ સમજે છે!! બસ પછી હું વરસ દિવસ પછી પિયર ગઈ તો સમાચાર મળ્યા કે કટીયો ગામ મુકીને એના મામા ને ત્યાં મુંબઈ જતો રહ્યો છે. બસ ત્યાર પછી મોટા બાએ આ વાત ક્યારેય ફરીથી ઉચ્ચારી નથી. મને એણે બચાવી લીધી છે. એણે ધાર્યું હોત તો ફજેતો પણ કરી શકત..પણ એવું ના કર્યું.. એણે જે ઉપકાર કર્યો એનો બદલો તો હું ક્યારેય ના વાળી શકું.. આ મનીષા આજે સુખી છે વિલાસ એનું કારણ મારા મોટા બાની ઉદારતા સમજણ અને કોઠાસૂઝ છે બાકી મારે તો કૂવો પૂરવાનો વખત હતો આ સેવા તો કાઈ ના કહેવાય પણ આખી જિંદગી મારે એની સેવા કરવાનું આવ્યું હોતને તો પણ હું કરત !! ” આટલું બોલીને મનીષા ફરીથી રોતી હતી. અંધારું થવા આવ્યું હતું.

વાડીએથી બને બહેનો પાછી ઘરે આવી. ઘરની ઓશરીમાં ગોદાવરીબા નો તાજો ફોટો ભીંત પર લટકાવ્યો હતો. વિલાસે બે હાથ જોડીને ગોદાવરી બાને મનોમન પ્રણામ કર્યા અને મનમાં જ બોલી મોટા બા તમે ખરેખર મોટા બા છો!! મારી બેનની જિંદગી બચાવનાર તમે ખરેખર મહાન છો!!

જીવનમાં ક્યારેક એવા ઉપકારો પણ થતા હોય છે જે ક્યારેય  બહાર નથી આવતા. આવા ઉપકારોથી જ આ જીવન સુંદર બનતું હોય છે!!

લેખક :- મુકેશ સોજીત્રા

  • મુ.પો. ઢસા ગામ
  • તા ગઢડા
  • જી. બોટાદ
  • પીન ૩૬૪૭૩૦

રોજ મુકેશ સોજીત્રાની કલમે લખાયેલ લાગણીસભર ને સમજવા જેવી વાર્તા વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર..