થોડા દિવસ પહેલા દેશના પ્રમુખ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર એક વિસ્ફોટક ભરેલી સ્કોર્પિયો કાર મળી આવી હતી, જેને લઈને પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે હાલમાં મળતી ખબર પ્રમાણે અંબાણીના ઘરની બહાર જે સ્કોર્પિયો કાર મળી આવી હતી તેના માલિકની લાશ મળી આવી છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે શરૂઆતની તપાસમાં સામે આવ્યું છે કે ગાડીના માલિકે આત્મહત્યા કરી લીધે છે. કલવા વિસ્તારમાંથી તેનું શબ મળી આવ્યું છે.

તમને જણાવી દઈએ કે 25 ફેબ્રુઆરીના રોજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ મુકેશ અંબાણીની બહુમાળી આવાસ એન્ટિલિયાની નજીક સાંજે એક એસયુવી (સ્કોર્પિયો) મળી આવી હતી. જેમાં 2.5 કિલોગ્રામ જેલેટીનની લાકડીઓ (વિસ્ફોટક સામગ્રી) મળી આવી હતી.

આ સાથે જ સ્કોર્પિયોની અંદરથી એક ધમકી ભરેલો પત્ર પણ મળી આવ્યો હતો. જેમાં અંબાણી પરિવારને ધમકી આપવામાં આવી હતી. પોલીસે અત્યાર સુધીની તપાસમાં કોઈ આતંકીના જોડાણને નકારી દીધું છે.

મુકેશ અંબાણીના ઘરની બહાર કારમાં મળેલા વિસ્ફોટક મામલામાં મુંબઈ પોલીસની તપાસ ઉપર પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડનવીસ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. તેમને આજે જ વિધાનસભામાં આ મામલાની તપાસ NIA દ્વારા કરાવવાની માંગણી કરી છે.