રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 20 ઓક્ટોબરે કેદારનાથ અને બદ્રીનાથ પહોંચ્યા હતા. તેમણે આ દરમિયાન સફેદ કુર્તા-પાયજામા અને નેહરુ જેકેટ પહેર્યુ હતુ. મુકેશ અંબાણીએ તેમની વાર્ષિક તીર્થયાત્રાના ભાગરૂપે બંને મંદિરોમાં પૂજા-અર્ચના કરી હતી. બદ્રીનાથ પહોંચ્યા બાદ બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ના અધ્યક્ષ અજેન્દ્ર જયએ મુકેશ અંબાણીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.
બદ્રીનાથ મંદિર ચમોલી જિલ્લામાં છે, જ્યારે કેદારનાથ મંદિર રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવે છે. આ મંદિરોમાં પૂજા કર્યા બાદ મુકેશ અંબાણીએ બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિને 5 કરોડ રૂપિયાનું દાન પણ આપ્યું હતું. અંબાણીએ આ જ કમ્પાઉન્ડમાં સ્થિત માતા લક્ષ્મી મંદિરમાં પણ પૂજા કરી હતી. અધ્યક્ષ અજેન્દ્ર અજયે કહ્યું કે મુકેશ અંબાણીના આગમનથી ધામનું મહત્વ વધુ વધી ગયું છે.
તેમના પરિવાર વતી, અંબાણીએ બંને મંદિરોને 5 કરોડ રૂપિયાની રકમ દાનમાં આપી છે, જેનો ઉપયોગ મંદિરોના વિકાસ અને તેમની સુવિધાઓમાં સુધારો કરવા માટે કરવામાં આવશે. BKTCના અધ્યક્ષે અંબાણીના આ ઉદાર યોગદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી અને તેને બંને તીર્થસ્થળોના વિકાસમાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું.
આ અવસર પર અંબાણીએ કહ્યું કે ભારતનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને ધાર્મિક આસ્થા દેશની વાસ્તવિક તાકાત છે. બદ્રીનાથ અને કેદારનાથ જેવા ધામો માત્ર ધાર્મિક સ્થળો જ નથી પરંતુ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના પ્રતીક પણ છે. તેમણે તમામ શ્રદ્ધાળુઓને આ તીર્થસ્થાનોની પવિત્રતા જાળવવા માટે સહકાર આપવા અપીલ કરી હતી.