ખબર

રેમડેસિવિર બાદ હવે આ ઈન્જેક્શનની માંગ પણ વધી, મ્યુકોરમાઈકોસિસના કેસ વધતાં લોકો ઠેર ઠેર ખાઈ રહ્યા છે ધક્કા

કોરોનાના કારણે આખો દેશ ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે ત્યારે આ બધા વચ્ચે હવે એક નવી બીમારીએ પણ ગુજરાતની ચિંતા વધારી છે. રાજયમાં મ્યુકોરમાઈકોસિસ બીમારીનો કહેર જોવા મળી રહ્યો છે. ગુજરાતના અનેક શહેરોમાં મ્યુકોરમાઈકોસિસના કેસ વધતાં મોતના આંકડા પણ વધી રહ્યાં છે.

અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, મોરબી સહિતના જિલ્લાઓમાં આ બીમારી પગપેસારો કરી ચૂકી છે. ત્યારે હવે આ બીમારીથી બચવા માટે જે ઈન્જેક્શનની જરૂર પડી રહી છે તેને લેવા માટે પણ લોકો ધક્કા ખાઈ રહ્યા છે, કારણ કે આ બીમારીના કેસો વધવાની સાથે તેની સારવાર માટે ઉપયોગમાં લેવાતા ઈન્જેક્શનની પણ માંગ વધી છે.ત્યારે તંત્ર માટે પણ એક મોટો સવાલ એ પણ છે કે રેમડેસિવિર બાદ હવે આ ઇન્જકેશનની કાળાબજારી ના થાય.

આ બીમારી માટેનું ઇન્જેક્શન 1700 રૂપિયાનું આવે છે, અને દર્દીઓની સંખ્યા વધવાના કારણે તેની માંગ પણ વધી છે. હાલ રાજકોટમાં મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શનની અછત જોવા મળી રહી છે. ઇન્જેક્શન ના મળતું હોવાના કારણે દર્દીના સગાઓ ઠેર ઠેર ધક્કા પણ ખાઈ રહ્યા છે.

રાજકોટમાં મ્યુકોરમાઈકોસિસના 300 કરતા વધુ કેસ છે. કોરોનાની સાથે દર્દીને આ રોગ આવતા દર્દી જોખમ ખૂબ જ વધી જાય છે. તેમાં બચવાની શકયતાઓ ખૂબ જ ઓછી છે. છેલ્લા 15 દિવસથી આ રોગે અનેક લોકોનો ભોગ લીધો છે.

ત્યારે આ બીમારીની સારવારમાં વપરાતા એન્ફોટેરિસીન-બી 50, લીપોસોમાલ એન્ફોટેરિસીન 50 મિલિગ્રામ ઇન્જેશન રાજકોટમાં ક્યાંય આ ઇન્જેશનની નથી. તો બીજી તરફ, રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ આ મામલે અંધારામાં છે. ઈન્જેક્શન શોધવા માટે દર્દીઓ અને તેમના સગા પરેશાન થઈ ગયા છે.

રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં મ્યુકોરમાઇકોસિસના નવા કેસો પણ સામે આવી રહ્યાં છે. મ્યુકોરમાઇકોસિસ રોગમાં પહેલા આંખ અને મોંઢામાં લક્ષણો જોવા મળતાં હતા. પરંતુ હવે મગજ સુધી પણ આ રોગના લક્ષણો જોવા મળે છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મનોચિકિત્સક વોર્ડમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ માટે 30 બેડની સુવિધા ઉભી કરાઈ છે. કોરોનાથી સાજા થયેલા 250 દર્દીઓ પર હાલ નજર રાખવામાં આવી રહી છે, જેથી તેઓ આ ગંભીર બીમારીનો શિકાર ન બને.