દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે વૈવાહિક-જીવન

” ભગવાન માફ કરે છે તો હું માફ ના કરી શકું ??” – જીવનમાં આપણ ને બીજાની ભૂલ ત્યારે જ કઠવા આવવી જોઈએ જયારે આપણે જીવનમાં કોઈ જ ભૂલ ના કરી હોય!!!

હાઈવે પર આવેલી રેસ્ટોરન્ટ “રુદિયાનો રાજીપો” ના બીજા માળે આવેલ ટેરેસ પર માલિક વશરામભાઈ એક ખુરશી નાંખીને બેઠા છે, સૂર્ય આથમવાની તૈયારીમાં છે. આકાશમાં પંખીઓનું ટોળું ઉડતું ઉડતું પોતાના મુકામ તરફ જઈ રહ્યું છે. “રુદિયાનો રાજીપો રેસ્ટોરન્ટ” માં હળવું સંગીત વહી રહ્યું છે. બાર વરસ અગાઉ સ્થાપાયેલ આ રેસ્ટોરન્ટ અત્યારે આ વિસ્તારમાં ઘણી નામના કમાઈ ચુક્યું છે. સુરત તરફ જતી તમામ બસ આ જ રેસ્ટોરન્ટમાં રોકાઈ છે, ખાસિયત એ કે બહુ ઓછી જ આઇટેમ સાથે ગુણવતા યુક્ત ભોજન પીરસતું આ રેસ્ટોરન્ટ બીજા કરતા એક આગવી અને ઓળખ સ્થાપવામાં સફળ થઇ ચુક્યું છે.

વશરામ ભાઈ ખુરશીમાં આંખો મીંચીને પોતાના જ ભૂતકાળમાં ખોવાઈ ગયા!!
પોતાની દસ વિઘા પિયત વાળી જમીનમાંથી કુવા સાથે પાંચ વીઘા જમીન વેચીને આ હાઈવે પરનું ત્રણ વીઘા જગ્યા ધરાવતું રેસ્ટોરન્ટ લીધુને ત્યારે બાજુમાં જ આવેલ પોતાના ગામના માણસો હસી હસીને બેવડ વળી ગયા હતાં અને મશ્કરી કરતાં હતા. ઘણાં વળી કહેતાં પણ ખરા.
“ વશરામે આ વળી કપાસ ઉગાડવાનું બંધ કરીને રોટલા વેચવાનું શરુ કર્યું છે ડેબામાં ખાવાનો થયો લાગે છે. ગામના રસોડા કરવા અને રેસ્ટોરન્ટ ચલાવવું એ અલગ વાત છે. આ હોટેલ અને લોઢાનો ધંધો બેય સરખાં. ઉપડ્યા તો ઉપડ્યા નહીતર હોય એ પણ વેચાવી નાંખે!! આપણે તો ખેતીમાં જ સારા લાગીએ પણ નક્કી આ વશરામનું છટકી ગયું છે એટલે એણે આ રોટલાના ધંધામાં હાથ નાખ્યો છે કાંઇક રોટલા વગરનો ના થઇ જાય”

અને વાત પણ આમ તો સાચી આ રેસ્ટોરન્ટમાં અગાઉ ચાર જણા ખોટ ખાઈને જતા રહ્યા હતા.પેલા વેલા જૂનાગઢની એક પાર્ટીએ આ રેસ્ટોરન્ટ શરુ કર્યું અને છ માસમાં જ એ લોકો અડધી કીમતે વેચીને જતા રહ્યા. પછી આવ્યા જામનગર વાળા એ વળી વરસ દિવસ ટક્યા પણ ખરા પણ અંતે તો એનું પણ ઉઠમણું પણ થયું. વળી છેલ્લે છેલ્લે ધંધુકા વાળા પણ આવ્યાં પણ ખોટ ખાઈને ગયા અને છેલ્લે છેલ્લે આ આવ્યો વશરામ. બે વરસ સુધી જેમ તેમ ચાલ્યું અને પછી એવું જામ્યું કે સારા સારા લોકો આવીને કહી ગયા કે વેચવું હોય તો કેજો અથવા ભાગ રાખવો હોય તો કેજો પણ વશરામે એને કોઈને પણ ભાવ નહોતો આપ્યો. આ માટે વશરામે કેટલાક સુધારાકર્યા હતા.
“રુદિયાનો રાજીપો રેસ્ટોરન્ટ” માં ફક્ત અને ફક્ત દેશી જ ખાવાનું મળતું. ઓળો રોટલો, દાળ બાટી, કઢી ખીચડી, માટલા ઊંધિયું, ભરેલ રીંગણ , વટાણા બટેટાનું શાક, સેવ ટમેટાનું શાક, રજવાડી ઢોકળી, વઘારેલો રોટલો, તીખારી ઘી ગોળ, છાસ દહીં અને પાપડ પાપડ, બપોરના સમયે આમાં રોટલી અને દાળ ભાત ઉમેરાઈ જાય બાકી બીજી કોઈ આઈટેમ એણે ઉમેરી જ નહિ. ભાવ વાજબી અને વસ્તુ સારી વાપરવાની એટલે ધીમે ધીમે શાખા જામી ગઈ. વશરામની સફળતા જોઈને આટલા માં બીજી ચાર પાર્ટી પણ પડી આ ધંધામાં પણ વરસ દિવસમાં તમામે આ વ્યવસાયમાંથી રાજીનામું આપીને ઉઠામણામાં નામ લખાવી દીધું.
તમે નિષ્ફળ જાવ કે સફળ થાવ અમુક લોકો સલાહ આપવા બેઠા જ હોય છે. ભગવાને એમનું સર્જન જ સલાહ આપવા માટે કર્યું હોય છે. વશરામને સફળતા મળવા લાગી એટલે વણમાંગી સલાહ નો રાફડો છૂટ્યો.

“તમે પંજાબી ચાલુ કરો એનો ક્રેજ છે. બપોરે ગુજરાતી,સાંજે ખાલી પંજાબી અને સાઇડમાં ઢોસા અને ઈડલી પણ રાખો તો આના કરતા પણ વધારે સારું ટ્રાફિક મળી રહે” ગામના જ અને એના પાડોશી ચતુરભાઈએ સલાહ આપેલી.

“ તમે ચાઇનીઝ પણ રાખી શકો, બહારની બાજુએ પાઉભાજી અને લીલી મકાઈનો ચેવડો પણ સારો રહે, જમાના પ્રમાણે ચાલવું જોઈએ. એવું લાગે તો પીઝા અને બર્ગર પણ હવે તો લોકો માંગે છે. સમય સાથે કદમ મિલાવવા જોઈએ” છેલ્લી ત્રણ પેઢી થી એક પણ વાંસડો નહિ બદલીને બાપદાદાના જુના મકાનમાં જ રહેતા ચુનીલાલે આધુનિક મેનેજમેન્ટ જેવી સલાહ આપી.

પણ વશરામભાઈ જેનું નામ એ ખાલી સાંભળે જ. સહમતી પણ દર્શાવે પણ અમલીકરણ ના નામે મીંડું. એણે એકપણ આઇટેમ વધારી જ નહિ.

હવે તો એનો દીકરો પંકજ પણ હોટેલ મેનેજમેન્ટ નો કોર્સ કરીને મુબઈ થી આવતો રહ્યો હતો. વશરામભાઈ એમને આ હોટેલ નો કેટરિંગ નો વ્યવસાય સોંપીને પત્ની સાથે એક મહિનો હરિદ્વાર જતા રહેવાના હતા. વરસોથી એને ત્યાં યાત્રાળુ ની બસો જમવા રોકાતી. રાતે તો વશરામભાઈ રેસ્ટોરન્ટ ના એક ખૂણામાં એક ગોળ છાપરા જેવું કર્યું હતું ત્યાં હિંચકે એની પત્ની પાર્વતી સાથે બેઠા બેઠા હિંચકતા હોય. રેસ્ટોરન્ટનો તમામ કાર્યભાર એણે પોતાના ખાસ માણસો ને સોંપી દીધો હતો. એમાં એક હતો જીવણ અને બીજો હતો મુનશી!! મુનશી લગભગ દુકાનના કાઉન્ટર પર જ હોય!! મુનશી ની બાજ નજર આખા રેસ્ટોરન્ટમાં ફરતી હોય. ક્યાં ટેબલે કઈ વસ્તુ ઘટે છે..?? ક્યાં ટેબલ પર શું આપવાનું છે?? એ બધું જ એની નજરમાં હોય જ!! નામ તો એનું કોઈને આવડતું નહિ પણ આ રેસ્ટોરન્ટમાં એ શરૂઆત થી જ આવેલો. એની રસોઈ એટલે તમે આંગળા ચાટી જાવ. વશરામ ભાઈનો એ વિશ્વાસુ એટલે અત્યારે એ આખું રેસ્ટોરન્ટ ચલાવે. આમ તો વતન એનું રાજસ્થાન હતું. બાજુમાં આવેલ એક સંસ્થામાં એ રસોઈયો હતો. પણ ટ્રસ્ટી સાથે વાંકુ પડ્યું એટલે નોકરી મુકીને રાજસ્થાન જતો હતો. અને વશરામભાઈની નજરમાં આવી ગયો અને આ રેસ્ટોરન્ટમાં રાખી લીધો. પછી તો મુન્શીએ એની પત્ની અને એના બે સાળા ને પણ તેડાવી લીધાં. રેસ્ટોરન્ટ ની પાછળ કરી દીધાં મકાન અને ત્યાં એ રહેવા લાગ્યો. પછી તો વશરામ ભાઈ સવારના આઠ થી બપોરના બાર વાગ્યા સુધી જ કાઉનટર પર બેસે બાકી મુનશી બધું સંભાળી લે. બીજો જીવણ એ પણ શરૂઆતથી વશરામ ભાઈ સાથે જોડાયેલો. પેલા વશરામ ભાઈ રસોડા કરતા લગ્ન ના અને કારજમાં ત્યારથી આ જીવણ એની સાથે જ હોય. તમામ વસ્તુ અને શાકભાજી ખરીદવાનું આ જીવણ માથે જ હતું. અમુક શક બકાલા અહી ના મળતાં એ છેક સુરતથી જીવણ મંગાવી દે.. રોટલા કરવા માટે રાજુલા ના દરિયાઈ પંથકનો બાજરો પણ જીવણ જ લઇ આવે. ભાલના ઘઉં લાવવા હોય કે જામનગર સાઈડ થી ચોક્ખું ઘી કે કેશોદ પંથકની શાકભાજી!! બધું જ જીવણ લાવી આપે. કાચા માલ સામાનની કોઈ વસ્તુ એ ઘટવા ના દેતો. તુવેર અને અડદની દાળ માટે જીવણ ખેડા પણ જઈ આવે. વશરામ ભાઈનો એક સિદ્ધાંત કે જીવણ જે બિલ આપે એ એને ચૂકવી દે.. પૈસા ગમે તેટલા થાય પણ મોળી વસ્તુ નહિ વાપરવાની તે નહિ જ વાપરવાની!! વશરામભાઈ સાથે તેમની પત્ની પાર્વતીબેન બેઠા હોય અને ઘણી વાર પાર્વતીબેન કહેતા.

‘આ પંકજને ભણવાનું પૂરું થઇ જાય ને પછી એને પરણાવીને એકાદ મહિનો ગંગા નહાવા જવું છે. એયને બધો કારોબાર છોકરા અને વહુને સોંપીને આપણે સાવ નિવૃત થઇ જાવું છે.. ઘોળ્યું આ બધું.. જીવનમાં ઘણા ઢસરડા કર્યા છે હવે જંપીને નિરાંતે બેસવું છે આ પાછલી અવસ્થામાં” અને વશરામભાઇ પત્નીની વાતમાં સહમતી પુરાવતા. અને વાત પણ સાચી જ હતીને.

વશરામભાઈ નો ધંધો તો ખેતીનો બે દસ દસ વીઘાના જમીનના કટકા હતા એકમાં પાણી સાથેનો કૂવો અને બીજીમાં પાઈપલાઈન લાઈન દ્વારા પાણી પહોંચાડે. પણ એના દાદા રસોડા કરતાં. નાનપણથી જ દાદા સાથે રસોડે જાય એટલે દાદાનો વારસો એનામાં આવી ગયેલો. ગાંઠીયા પાડે, મોહનથાળ બનાવે, બુંદીના લાડવા અને દાળ ભાત અને શાક શરૂઆતમાં આટલું જ આવડે. ગામમાં નાના પ્રસંગે થી શરુ કરીને શીખતા શીખતા મોટા રસોડા કરવા લાગ્યા.પાંચ હજાર કે દસ હજાર માણસનું રસોડું કરવું હોય તો પણ લોકો એને બોલાવતા. ચૂલ ફાવી ગયેલી ને!! પછી થી બહારથી માણસો ભાડે લાવી લાવીને કેટરિંગ નું પણ શરુ કરેલું,, અને આમેય ગામડામાં લોકો હવે વરા પ્રસંગે આળસુ થઈ ગયેલાને તે કામ કરતા બળ પડે એટલે કેટરિંગ વાળું પણ હાલવા લાગ્યું.ખેતી ભાગવે આપી દે. એક છોકરી પરણાવી દીધેલી. છોકરો અમદાવાદ ભણતો એ પણ પછી મુંબઈ ગયેલો હોટેલ મેનેજમેન્ટનું જ શીખેલો. અને આ બાજુ શરુ કરેલી “રુદિયાનો રાજીપો રેસ્ટોરન્ટ” સોળે કળાએ ચાલવા લાગેલું.

અંધારું થઇ ગયું હતું. નીચે બસો લાઈન બંધ ઉભી હતી. વશરામભાઈ ખુરશીમાં બેઠા હતા ભૂતકાળમાંથી વર્તમાનમાં પાછા આવ્યાં. સામે પંકજ ઉભો હતો.
“કેમ છે પાપા?? તબિયત તો સારી છે ને?? કોઈ ચિંતા હતી પાપા??” પંકજે કહ્યું.

“ના રે ના હવે ચિંતા શેની બેટા.. તે જ બધું સંભાળી લીધું છે હવે.. બસ આવતા અઠવાડિયે હું અને તારી મમ્મી હરિદ્વાર જઈએ છીએ, એયને એક મહિનો રોકાઈશું ત્યાં.એમની ઘણી ઈચ્છા હતી જવાની કેટલાય સમયથી તે હવે અંજળ આવ્યા છે” પુત્ર પંકજ સાથે વશરામભાઈ ટેરેસ પરથી નીચે આવતા હતા.

પંકજ એક માસથી આવી ગયો હતો.એમના લગ્ન પણ કરી નાંખ્યા હતા. કેટરિંગ નો વ્યવસાય આમ તો ત્રણેક વરસથી બંધ જેવી જ હાલતમાં હતો. રેસ્ટોરન્ટ એટલું સરસ ચાલતું હતું કે વશરામભાઇ ને એમાંથી જ સમય મળતો નહતો. પણ પંકજ આવી ગયા પછી એ બધું જ સંભળાવવા માંગતો હતો. વશરામભાઈ છેલ્લા અઠવાડિયાથી સાવ ફ્રી જ હતા.દીકરાએ બધું સંભાળી લીધું હતું, પોતાનો વ્યવસાય પુત્ર બરાબર સંભાળી લે એ દરેક બાપ માટે ધન્ય દિવસ ગણાય.

આવીને સહુ પ્રથમ પંકજે ચોખ્ખાઈ પર બરાબર ભાર મુક્યો. તમામ વેઈટર માટે એણે એક ડ્રેસ કોડ નક્કી કરી નાખ્યો. દરેક ને ચાર જોડી નિયત કરેલો ગણવેશ આપવામાં આવ્યો. બધાની દાકતરી તપાસ પણ કરવામાં આવી.કિચનમાં અલગ પ્રકારનો રંગ એણે કરાવી નાંખ્યો. હોટેલ મેનેજમેન્ટમાં જે એ શીખ્યો હતો એનું અમલીકરણ એ કરી રહ્યો હતો. બધાજ સ્ટાફ ને એ બરાબર તાલીમ આપી રહ્યો હતો. કઈ રીતે ઝડપથી પીરસી શકાય અને ટેબલ પર ચોખ્ખાઈ કેમ જાળવવી એ તમામ નિદર્શન એ આપતો હતો. રોજ રાતે લગભગ રેસ્ટોરન્ટમાં જયારે વધારે બસો ભેગી થઈ જાય ત્યારે જમવા માટે પડાપડી થતી એટલે એણે રેસ્ટોરન્ટ પાછળ વીસ ટેબલ એક્સ્ટ્રા ગોઠવી દીધા હતા. વકરો વધી ગયો હતો. આયોજન બદ્ધ બધાજ કામ થઇ રહ્યા હતા. બધા જ બસના ડ્રાઈવર ને એક એક મોબાઈલ આપવામાં આવ્યો હતો. ફક્ત એટલા માટે જ કે વીસ કિમી એ દૂર હોય ત્યારે એ જાણ કરી દે એટલે જરૂરી રસોઈ અગાઉથી તૈયાર થઇ જતી હતી.પીરસવાની થાળીઓ ધોવા માટે એક મશીન વસાવી લીધું હતું. દર બે કલાકે ફર્શ પર ડેટોલ નું પોતું થતું હતું. રેસ્ટોરન્ટની ચારે બાજુ રંગબેરંગી કુંડા અને ફૂલ છોડ લગાડવામાં આવ્યા હતા.આગળનું મેદાન સમથળ કરી નાંખવામાં આવ્યું હતું. મોટર કાર અને બસનું પાર્કિંગ અલગ અલગ કરી નાંખવામાં આવ્યું હતું. સંડાસ અને મુતરડીની સંખ્યા ડબલ કરી દીધી અને ત્યાં મોંઘા સાબુ અને હાથરૂમાલ લટકાવવામાં આવ્યા હતા. એક જાતનું રીનોવેશન જ થઇ ગયું હતું. આને કારણે ટ્રાફિક લગભગ બમણો થઇ ગયો હતો. વશરામભાઈ આ બધું જોઇને મનોમન હરખાતા હતા.

વસ્તુઓની ખરીદ પર પંકજે ધ્યાન દીધું. શક બકાલાના ભાવ જોઇને એ ચોંકી ઉઠ્યો. અમુક શાક તો મુંબઈ કરતા પણ મોંઘા હતા.એવું જ અન્ય વસ્તુમાં થતું હતું. પણ શાક બકાલાનો ભાવ પ્રમાણમાં ખુબ જ વધુ હતો. જીવણને એ નાનપણથી જ પિતાની સાથે જોતો એટલે સહુ પ્રથમ એણે પાકા પાયે માહિતી મેળવવાનું નક્કી કર્યું.શાકભાજી લેવા બે દિવસે જીવણ બાજુના શહેરમાં આવેલી એક મોટી શાક માર્કેટમાં વહેલી સવારે જતો. પંકજે બે માણસો ગોતી લીધા જીવણ પર નજર રાખવા માટે અને એ માણસો એ આવીને શાક ભાજીના વાસ્તવિક ખરીદ કીમત કીધી. જીવણ જે ભાવે ખરીદી કરતો એના ડબલ ભાવ એ પોતાના પિતાજી પાસેથી પડાવતો હતો. હવે પંકજને આખું રહસ્ય સમજાઈ ગયું. ઘણા વરસો પહેલા જીવણના પિતાજીને હાર્ટ એટેક આવી ગયો હતો. કમાવા વાળો જીવણ એકલો જ હતો તોય એની પાસે એક કાર અને ઘરનું પાકું બંગલા ટાઈપ મકાન હતું. નક્કી આ બધું જીવણે બેઈમાનીથી પોતાના પિતાજી સાથે દગો કરીને જ મેળવ્યું હતું એ વાત પંકજને પાકા પાયે સમજાઈ ગઈ. ખાંડ ના ભાવમાં પણ ફેરફાર હતો. નક્કી જીવણ પાપાનો ગેરફાયદો ઉઠાવી રહ્યો હતો. આવા માંસ ને વિદાય આપવાનો સમય આવી ગયો હતો. પણ ફાઈનલ નિર્ણય લેતા પહેલા પંકજે એક વાર એના પિતાજી સાથે વાત કરી લેવાનું નક્કી કર્યું. એના પિતાજી કાલે સાંજે જ હરિદ્વાર નીકળી જવાના હતા એમની માતાજી સાથે. પંકજે સવારમાં વાત કરી.

“પાપા જીવણ હવે આ રેસ્ટોરન્ટમાં કામ નહિ કરે , ભલે એ તમારો મિત્રનો દીકરો હોય. તમે એને દીકરાની જેમ જ રાખ્યો હોય પણ એ દગો કરી રહ્યો છે. એક અઠવાડિયાથી હું પુરાવા ભેગા કરતો હતો. આ શાકભાજીના બિલ જુઓ એક અઠવાડીયાના અને આ વાસ્તવિક બિલ!! એક અઠવાડિયામાં એણે પંદર હજાર કાઢી લીધા બોલો તમને ખબર પણ નથી પડતી…!! વળી બધી જ ખરીદી એ કરે છે!! એટલે મહીને લાખ રૂપિયા તો એ આડા અવળા કરીને કાઢી જ લેતો હશે.. આ તો આપણો ધંધો સારો ચાલે છે અને નફો જ એટલો થાય છે કે લાખ રૂપિયાની ગોલમાલ દેખાય પણ નહિ.. વરસનો હિસાબ કરો તો બાર લાખ રૂપિયા થાય.. આવો અવિશ્વાસુ અને અપ્રમાણિક માણસ આ રેસ્ટોરન્ટમાં ના ચાલે” પંકજે વશરામભાઈ ને બધા જ પુરાવા આપ્યાં.
“હું એને હમણા જ બોલાવું છું અને તારી રૂબરૂમાં જ એને કહી દઉં છું પણ તારે કશું જ બોલવાનું નથી વચ્ચે એ બરાબર ધ્યાન રાખજે” કહીને વશરામભાઈએ કાગળો જોયા અને જીવણને બોલાવ્યો. જીવણ આવ્યો. વશરામ ભાઈ બોલ્યા.
“જીવણ હમણાં બકાલું થોડું મોંઘુ આવે છે, તું ખરીદીમાં થોડું ધ્યાન આપજે. એવું હોય તો બે જગ્યાએ વધુ ફરવું અથવા માર્કેટ બદલાવી નાંખજે. લાગે છે કે લોકો તને છેતરી રહ્યા છે. કારણકે આ ભાવે તો બકાલું અહિયાં છૂટકમાં મળે છે એમ પંકજનું માનવું છે એટલે ધ્યાન રાખજે અને હા હું મહિનો બહાર જાવ છું એટલે પંકજને મદદરૂપ થજે. જે જોઈએ એ લાવી આપજે”

“ જી હવેથી ખરીદીમાં ધ્યાન રાખીશ શેઠજી” કહીને જીવણ જતો રહ્યો. પંકજને નવાઈ લાગી. આમ કહેવાથી જીવણમાં થોડો ફેર પડશે. એટલે એ બોલવા જ જતો હતો ને ત્યાજ વશરામ ભાઈ બોલ્યા.

“જીવણ ક્યારેય નહિ જાય આ રેસ્ટોરન્ટમાંથી હું તને માંડીને વાત કરું છું. જો સાંભળ દીકરા ભગવાન પણ અમુક ભૂલ માફ કરી શકતો હોય તો હું શા માટે માફ ના કરી શકું??? હું તને મારા જીવનની વાત કહું છું. તું તો નાનો હતોને ત્યારથી જ બહાર ભણવા જતો રહ્યો છે આ તારા બાપા પાસે કશું જ નહોતું.આ સંપતિ એમ ને એમ નથી થઇ. જીવનમાં અપ્રામાણિક હું પણ બન્યો છું તેમ છતાં ઈશ્વરે મને માફ કર્યો છે” વશરામ ભાઈ એ પાણી પીધું અને પોતાના પલંગ પર બેઠા. પંકજ અદબ વાળીને ઉભો રહ્યો. અને વશરામ ભાઈ એ પોતાની વાત શરુ કરી.

“પ્રસંગ નંબર એક હું નાના મોટા રસોડા કરતો એમાં સુરતની એક પાર્ટીએ સપ્તાહ બેસાડી. પાર્ટી ખુબ બળમાં હતી. રસોઈ બધી મારે બનાવવાની હતી. રસોઈમાં તો ગુંદી ગાંઠીયા મોહનથાળ અને દાળ ભાત અને શાક સંભારો છાસ પાપડ આટલું જ અને એ પણ બે ટાઈમ જમાડવાનું. બધી જ વસ્તુ મારે લાવવાની. રોજનું દસ હજાર માણસ જમવાનો અંદાજ હતો. નવ દિવસ પછી મેં વધારી વધારીને હિસાબ કર્યો. એમાં પણ મને બે જણાએ એવું કીધેલું કે વશરામ ભાઈ તમે બમણી રકમ કહેજો એટલા તો એ કસર મારશે જ.. તમે આ ને જાણતા નથી. સુરતમાં પણ આણે એક વાર કથા કરી હતી અને રસોઈયાએ જે બિલ કીધું એનાથી અડધી રકમ જ આપી હતી અને પેલાએ પૂરી રકમ માંગી તો કીધું કે જે જમી ગયા એની પાસેથી લઇ લે હું તો આટલા જ આપીશ. ઘણા ધમપછાડા થયા પણ ઈ રકમ એને અડધી જ મળી છે. એટલે મેં રકમ ડબલ કરી નાંખી. સપ્તાહ પૂરી થયા પછી હું એ ભાઈને મળ્યો. એ પોતાની વાડીએ રાજા પાઠમાં બેઠા હતા. મેં એને બીતા બીતા કૂલ આંકડો કીધો. અને એણે મારી સામે જોઇને એક પેગ મારીને બધી જ રકમ તો આપી જ દીધી ઉપરાંત લટકાના લાખ આપ્યા અને કહ્યું કે બધાએ જમવાના ખુબ જ વખાણ કર્યા એટલે હું ખુશ છું!! અને આ લે આ મોટરસાયકલ પણ તારું છે!! એમ કહીને એણે મને મોટરસાયકલ પણ આપી દીધું. બસ એ પૈસા માંથી મેં કેટરિંગ નો સામાન વસાવ્યો અને મારી ગાડી બરાબર પાટે ચડી ગઈ. આ મારા જીવનની પહેલી અનીતિ હતી.” કહીને વશરામ ભાઈ અટક્યા ગળું ખંખેરીને એણે વાત આગળ ચલાવી.
“ હવે પ્રસંગ નંબર બે, જીવણ નાનપણથી જ મારી ભેગા રસોડા કરતો એના બાપાને કરીયાણાની દુકાન હતી. દુકાન સારી ચાલતી હતી. એ શહેરમાંથી એક મોટી દુકાનેથી બધી વસ્તુઓ ઉધાર લઇ આવે અને છ માસે પેલો દુકાનવાળો ઉઘરાણી પતાવવા માટે પોતાની કાર લઈને જીવણ ના બાપની ઘરે આવે. એક સમયની વાત છે.ઉઘરાણી વાળો આગળના દસેક ગામની ઉઘરાણી પતાવીને એ ઉઘરાણી ના પૈસા એક મોટા થેલામાં નાંખીને જીવણના બાપને ત્યાં આવ્યો. જીવણના બાપાએ પૈસા આપી દીધા એ પૈસા પેલા થેલામાં નાંખીને એ થેલો મોટરમાં નાંખીને જતો રહ્યો. પણ ભૂલમાં થેલો બદલાઈ ગયો. પૈસાનો થેલો ત્યાં ઘરે પડ્યો રહ્યો અને પેલા ઉઘરાણી વાળા એના જેવો જ એક ચાનો થેલો લઇ ગયેલા. જીવણને ખબર પડી કે હમણા એ આવશે એટલે એ થેલો લઈને મારી ઘરે મૂકી ગયો. એની ઘરે એ રાખે તો પાછો દેવો પડે ને!! મેં એ થેલો લઇ લીધો અને ભગવાનને કરવું કે જીવણ હજુ એની દુકાન પાસે પહોંચે ઈ પેલા જ એક મોટર સાયકલ સાથે એનું એક્સીડેન્ટ થઈ ગયું અને અવસાન પામ્યો. બે કલાક પછી એ ઉઘરાણી વાળા આવ્યા ત્યાં સુધીમાં તો જીવણનો અગ્નિદાહ અપાઈ ચુક્યો હતો. એણે આખી દુકાન અને ઘર ચેક કર્યું પણ થેલો ના મળ્યો. હોય તો મળેને?? એ થેલો તો મારી પાસે હતો. શરૂઆતમાં મને થયું કે જીવણ ને આપી દઉં. આ એની કમાણી છે પણ મારું મન લલચાઈ ગયું અને એ પૈસા મેં જ રાખી લીધા. એમાં એટલા બધા પૈસા હતા કે આવી બે હોટલ એ વખતે થઇ જાય. પણ તોય મેં સમાજને બતાવવા જમીન વેચીને હોટેલ ખરીદી લીધી. લોકોને લાગ્યું કે જમીનના પૈસાએ આ હોટેલ ખરીદી છે. પણ વરસ દિવસમાં મેં બીજી ૫૦ વીઘા જમીન ખરીદી લીધી. અને આ રેસ્ટોરન્ટ પણ રોજનો સારો નફો આપતી થઇ ગઈ. બસ જીવનમાં આ બે અનીતિ કરી ને તોય ભગવાન મને ખોબલે ને ધોબ્લે સુખ આપે છે અને માફ કરી દ્યે છે તો હું આ જીવણને માફ ના કરી શકું??? આમ જોવા જઈએ તો એના જ ભાગ્યના પૈસા આપણે વાપરીએ છીએ ને તો ભલે ને શાક બકાલામાંથી કાઢી લે??? એના ભાગ્યનું એ કાઢી લેશે!! આપણા ભાગ્યનું આપણે કાઢી લઈએ!! હું તો તને એક સલાહ જ આપું છું કે જીવણ તો શું એના સંતાનો ને પણ જીંદગીમાં ના કોચવતો. દરેક સફળ અને પૈસાદાર લોકોએ જીવનમાં નાની મોટી અનીતિ કરી જ હોય છે.. બાકી કોઈ મહેનત મજુરી કરીને કરોડ પતિ નથી બન્યાં. અને જેણે જીવનમાં એક પણ અનીતિનો સહારો લીધો હોય એને બીજાની અનીતિની સજા આપવાનો સહેજ પણ હક નથી એટલું યાદ રાખજે દીકરા. તું જીવણ ની આંખ આડા કાન કરજે. એ જે કરે એમ કરવા દેજે.. એના પિતાજીના સારા પ્રતાપ કે “ રૂદિયાનો રાજીપો” રેસ્ટોરન્ટ સારી રીતે ચાલી રહ્યું છે.” પંકજે બધી જ વાત સાંભળી લીધી.

“જી પિતાજી આપ કહો એ પ્રમાણે જ થશે”
અને એ સાંજે વશરામ ભાઈ પોતાની પત્ની પાર્વતી સાથે હરિદ્વાર જવા ઉપડી ગયા.
જીવનમાં આપણ ને બીજાની ભૂલ ત્યારેજ કઠવા આવવી જોઈએ જયારે આપણે જીવનમાં કોઈ જ ભૂલ ના કરી હોય!!!

લેખક : મુકેશ સોજીત્રા
૪૨ “હાશ “ શિવમ પાર્ક સોસાયટી,સ્ટેશન રોડ, મુ. પો ઢસા ગામ તા , ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.