દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે વૈવાહિક-જીવન

“વાત એક બાપ અને બેટાની” – ગંગાજળ હાથમાં લીધું એ વચન ને ના અભડાવતો” આ સાંભળી દીકરો પિતાજીને વળગી પડ્યો……!!!

“પપ્પા વીસ હજાર જોઈએ છે..!! નયનાને વોશિંગ મશીન લેવું છે..” ચા પીતા પીતા કપિલ બોલ્યો. મણીલાલ કપિલ સામું જોઈ રહ્યા.. આંખો પરથી ચશ્માં ઉતાર્યા.. ચશ્માંના કાચ પર ફૂંક મારી અને કફની ની કોરે ચશ્માંના ગ્લાસ સાફ કરીને ફરીથી પહેર્યા અને બોલ્યાં.

“આ તારી મા હજુ હાથે કપડા ધુએ છે અને તમારે વોશિંગ મશીન લેવું છે..લેવું હોય તો લઇ લો પણ હું પૈસા નહિ આપું.. હા આ બધી ફિજુલખર્ચી છે.. આવી રીતે ઉડાડવા માટે મેં પાઈ પાઈ ભેગી નથી કરી.. કપડા તો હાથે ધોઈએ ને એટલા જ સારા ધોવાય..મશીન એ મશીન.. અને હાથ ઈ હાથ..!! અત્યારથી હાથને ટેવ પાડી હોયને તો અમારી જેવડી અવસ્થા થાય તો પણ વાંધો ના આવે” મણીલાલ બોલ્યા. સમજુબેન બાપ દીકરા વચ્ચે ચાલતી આ ધડ્ય જોઈ રહ્યા હતા. છેલ્લે એણે પણ ઝંપલાવ્યું.
“ભલે ને વાપરતા એ..જમાના પ્રમાણે જોઈએ તો ખરું જ ને.. આડોશ પાડોશમાં સહુને ઘરે વોશિંગ મશીન હોય એટલે વળી વહુને મન થાયેય ખરું…!! અને તમેય વળી પેલે ધડાકે ક્યાં કોઈ દિવસ હા પાડો છો..કોઈ પણ વસ્તુની પેલ્લે ધડાકે તમારી ના જ હોય..પછી ધીમે ધીમે હા હોય જ ને”
“તને જોવા આવ્યો ત્યારે પેલ્લે ધડાકે હા તો પાડી હતી!!! ભૂલી ગઈ કે શું???!!!” મણીલાલ પુરેપુરા ખીલ્યા હતા.. વળી લાંબી ટૂંકી દલીલો થઇ..શિખામણ ના બે ત્રણ છુટા છવાયા ઝાપટા વરસ્યા… અને પછી રાબેતા મુજબ જ

“ આ છેલ્લી વાર છે..પછી એકેય મોજશોખની વસ્તુ માટે પૈસા હું નથી આપવાનો.. હા તારો બાપ છું એટલે જીવન જીવનજરૂરીયાતની વસ્તુ માટે અડધી રાતે આવવાની છૂટ છે પણ મોજશોખ કરવો હોય તો એ માટે તમારે તમારે પૈસે કરવો પડશે..!! મારા પૈસા મોજશોખ માટે તો નથી જ!!” કહીને વીસ હજારનું વોશિંગ મશીન કપિલ અને નયના માટે મંજુર થયું..!!
મણીલાલ શિક્ષક તરીકે નિવૃત થયાને હજુ સાત આઠ જ વરસ થયા છે..!! ગામડું ફાવી ગયેલું એટલે ગામમાં જ મકાન બનાવી નાંખેલા.. મકાન પણ સાવ સાદા જ!! બે રૂમ રસોડું સંડાસ બાથરૂમ!! મકાન એને દખાણા દા બાર ના બનાવેલા!! ગામ લોકો એ એને કીધેલું પણ ખરું!!

“ દખણાદા બારમાં તો એક હનુમાનજી જ રહી શકે આપણે નહિ.. માસ્તર મણીલાલ તમે થાપ ખાઈ ગયા છો હો” જવાબમાં મણીલાલ કહેતા..

“તમે કોઈ દિવસ ગુજરાત બહાર ગયા છો?? જાવ તમિલનાડુ ,કેરલ , કર્ણાટક અને આંધ્રમાં..તમને અરધોઅર્ધ મકાન દક્ષિણ દિશાના જ જોવા મળશે…!! હું તો ફરી આવ્યો છું.. વળી બીજો ફાયદો એ કે ઓતર દખણ નો પવન આખું વરસ મળતો રહે અને આખો દિવસ ઘરને સૂર્ય પ્રકાશ મળતો રહે.. લાઈટ બિલ ઓછું આવે.. ઘરમાં જેમ સૂર્યનો પ્રકાશ વધુ એમ મચ્છર નો ત્રાસ ઓછો આમ ઘણા બધા ફાયદા છે.. પણ જાવા દ્યો તમને એ બધું નહિ સમજાય!!” મણીલાલ થોડા સૈદ્ધાંતિક જીદ્દી પણ ખરા!!

શિક્ષકનો જીવ એટલે કરકસર તો હોય જ અને એમાં ભળી પ્રામાણીકતા એટલે પછી લોઢામાં લીટો!! જગત આખાને એ સમજાવે પણ કોઈની વાત જરા પણ સમજે જ નહિ!!
વિવેક એનો એકનો એક દીકરો.. કોલેજ કરાવી..!! બી એડ કરાવ્યું..!! અને પછી કલાર્કમાં વારો આવી ગયેલો.. એ પણ મામલતદાર કચેરીમાં જ નોકરી મળી ગયેલ.. શરૂઆતમાં ફિક્સ પગારની નોકરી હતી.. ફિક્સ તો ફિક્સ પણ સરકારી નોકરી મહત્વની હતી!!
નોકરીનો ઓર્ડર આવ્યો ને ત્યારે પણ મણીલાલે સવારના પહોરમાં તુલસી ક્યારા પાસે વિવેકને લઇ ગયેલા..!! ત્યાં વિવેકની હાથ જોડ કરાવી અને પછી વરસો પહેલા મણીલાલ હરિદ્વાર ગયા હતા ત્યાંથી ગંગાજળ લાવેલ હતા.. એમાંથી એક લોટી ખોલી ને એમાંથી ગંગાજળ વિવેકના હાથમાં મુકીને પ્રતિજ્ઞા લેવરાવી કે!!

“ હું આજે સરકારી નોકરીમાં જોડાઉં છું.. હાથમાં ગંગા જળ રાખીને તુલસી માતાની સાક્ષીમાં.. દેવ સુરજનારાયણની હાજરીમાં.. સાત પેઢીના વડવાનું સ્મરણ કરીને. કહું છું કે નોકરીમાં ગમે તે પરિસ્થિતિ આવે હું અણહકનો એક રૂપિયો પણ નહિ લઉં.. પગાર સિવાય મારા ઘરમાં બીજું કશું પણ નહિ આવે”
અને પછી વિવેક ને હિંડોળે બેસારીને મણીલાલે મામલતદાર કચેરીમાં કઈ રીતે વર્તવું એની આખી ગાઈડ લાઈન જ આપી દીધી..!!

“ જો પાણીનો બાટલો પણ ઘરેથી જ લઇ જાવાનો.. પટાવાળા પાસે કોઈ પણ ચીજ વસ્તુ મંગાવવાની જ નહિ.. ટાઈમ સર પહોંચી જવાનું.. બીજા ગમે એમ કરે આપણે કામ શરુ કરી દેવાનું.. નિયમસર જ કામ કરવાનું.. નિયમ બારું નહિ જવાનું…. બે મહિના આ રીતે ચાલીશ ને એટલે બધાને એમ થશે કે આ તો સાવ નકામી અને વાયડી વિકેટ છે એટલે તને ઇનવર્ડ વિભાગમાં ગોઠવી દેશે.. બસ કોઈની અરજી આવે એ ચોપડે ચડાવવાની અને નંબર આપવાનો.. બાકી ભૂલેચૂકેય મધ્યાહ્ન ભોજન કે પુરવઠા વિભાગ.. કે જમીન મહેસૂલ કે બાંધકામ વિભાગ માં ક્લાર્ક થઇ ગયો તો.. બચવું મુશ્કેલ છે.. ગમે એવો સારો માણસ હોય પણ ગયો કામથી.. આ વિભાગ તમને બધું જ શીખવાડી દે..શરૂઆતમાં આવેલ પૈસો સારો લાગે પણ છેવટે આખા કુટુંબની બરબાદી વ્હોરીને જાય છે.. આવા લોકોની વૃદ્ધાવસ્થા વિકરાળ હોય છે.. શરીરનું એક એક અંગ ટીકડા માંગતું હોય છે.. જીવનભર ભેગો કરેલ પૈસો તંદુરસ્તી માટે વપરાય જાય.. છેલ્લે કઠણાઈ સિવાય કાઈ વધતું નથી”

મણીલાલ બોલતા એ એના જીવનમાં હતું ખરું.. અને એને કારણે એ સુખી પણ હતા.. અને આમેય એ વખતે શિક્ષક વળી શું કરપ્શન કરી શકે!! અને એમાય મણીલાલ તો નખશિખ સજ્જન શિક્ષક!!
એક વખત મણીલાલ નિશાળે આવવામાં મોડું થઇ ગયું. પંદર જ મિનીટ મોડા.. અને ઉપરથી એક સાહેબ શાળા ચેક કરવા આવી ગયેલા..!! અને સાહેબે મણીલાલની પ્રામાણીકતા અને નિષ્ઠા વિષે સાંભળેલું અને એને થોડું કઠિ પણ ગયેલું તે એ દિવસે મોકો મળી ગયો..!! અને આમેય પંચાયતીરાજ કોણ જાણે કયા ચોઘડીયામાં અમલ થયો છે કે એમાં પ્રામાણિક કર્મચારીઓને ઘચકાવવામાં મોટા અધિકારીઓને અપાર આનંદ આવતો હોય છે!!

“ કેમ મિસ્ટર મોડા આજે?? આ ટાઈમ છે શાળાએ આવવાનો??

“સાહેબ હું સમય સર જ આવતો હતો.. રસ્તામાં જ આ શાળાના એક છોકરાને એક ભેંશે શિંગડું માર્યું. દવાખાને લઇ ગયો એટલે મોડું થયું??”

“ એ ના ચાલે.. આ બધા બહાના છે … “ સાહેબે વાત ને વળ ચડાવ્યો. જવાબમાં મણીલાલ ગામમાં ગયા પેલા છોકરાના લઇ આવ્યા અને સાથે બીજા આઠ વ્યક્તિને..પણ તોય સાહેબે કીધું..

“મોડું એટલે મોડું!! નિયમ ઈ નિયમ”

“ કાઈ વાંધો નહિ સાહેબ.. કેજ્યુઅલ લીવ મૂકી દો.. મને વાંધો નથી..” મણીલાલ બોલ્યા.

“કેજ્યુઅલ લીવ માટે રીપોર્ટ મુકવો પડે.. તમારો રીપોર્ટ નથી એટલે કપાત પગારી થશે…” સાહેબને કૈંક તોડ કરવાનો ઈરાદો હતો..

“ એ તો થાય ઈ કરી લે જે” કહીને મણીલાલ વર્ગમાં જતા રહેલા. અને એક દિવસની કપાત પગારી થઇ. અને મણીલાલે કીધું કે પગાર મારે આખો જોઈએ. એ વખતે પગાર રોકડેથી થતો.. બેંકમાં ખાતા જ નહોતા શિક્ષકોના.. અને વાત વટે ચડી.. ત્રણ મહિના સુધી પગાર એમને એમ પડ્યો રહ્યો. પગાર સરકારમાં પાછો જમા કરાવી દેવામાં આવ્યો. મણીલાલે એક સિદ્ધાંત ખાતર આખા મહિનાનો પગાર ગોળીએ મારી દીધેલો!! પણ આ ઘટના બન્યા પછી અધિકારીઓ મણીલાલ થી સલામત અંતર રાખતા હતા એ નક્કી નહિ!! આ તો અત્યારે જમાનો બદલાયો બાકી પ્રામાણીકતા જેવું સ્વ રક્ષણનું બીજું કોઈ શસ્ત્ર નથી આ દુનિયામાં!!

પણ કપિલ સાથે હવે મણીલાલને ઘર્ષણ થવા લાગ્યું હતું પૈસાની બાબતમાં.. શરૂઆતમાં તો ફિકસ પગાર છે પૂરું ના થાય એટલે મણીલાલ છૂટથી પૈસા આપતા હતા. એમાય લગ્ન કર્યા પછી ખર્ચ ઘણો વધી ગયો.. એટલે આપેલ પૈસાનો મણીલાલ હિસાબ પણ માંગે.. હિસાબ હાથમાં લે અને પછી અમુક રકમ ઉપર મોટું વર્તુળ દોરે અને લાલ પેન થી નિશાની કરે અને નીચે લખે શંકાસ્પદ!! કપિલની પત્ની ના ખોટા ખર્ચ જોઇને જીવ બાળે.. ક્યારેક પોતાની પત્ની સાથે એકાંતમાં અફસોસ પણ કરી લે!!
“અલી સાંભળશો.. નયનાનું બ્યુટી પાર્લરનું ૧૨૦૦ નું બિલ ગયા મહિનાનું.. બે ડ્રેસ લીધા છસો નો એક ડ્રેસ.. લગ્ન વખતના દસ ડ્રેસ અને વીસેક સાડીઓ હતી.. આ બધું ન પહેરાય.. તું કૈંક એને સાસુ થઈને સમજાવતી હો તો… આમને આમ અત્યારથી છૂટ મળશે તો કપિલ કઈ નહીં બચાવી શકે!! હું પ્રમાણિક રહી ચુક્યો એની પાછળ તારા સહેજ પણ ખોટા ખર્ચ નહોતા..!!”
“હવે એ થોડા આપણી ભેગા રહેશે.. તે હું એને સમજાવવા જાવ.. મને કોણ સમજાવવા આવ્યું હતું.. હું જાતેજ સમજી ગઈ હતી ને એમ એ પણ જાતે જ સમજી જશે.. એકાદ સંતાન થશે..પછી ઓહોની એને ચિંતા થશે એ બાળકની અને ખરચા બધા માપમાં આવી જશે” પત્ની કહેતી અને મણીલાલ સાંભળતાં!!

પણ તોય મહીને કૈંક ને કૈંક ખર્ચ વધતો જ ચાલ્યો.. બાઈક તો લીધી પણ એકટીવા પણ લેવું પડ્યું.. સાદું ટીવી ના ચાલ્યું ..એલ ઇ ડી લેવું પડ્યું.. નવું મકાન લઇ દીધું.. આ બધું જ મણીલાલના પૈસામાંથી થયું.. બાકી કપિલ અને એની પત્ની શનિ અને રવિ ફૂલ ફટાક થઈને ફરે!! મણીલાલ કરકસરની કેસેટ સંભળાવ્યા કરે!!

પણ છેવટે મણીલાલે કહી દીધું કે હવે એક રૂપિયો પણ હું નહિ આપું.. હવે મોજ શોખ માટે તો નહિ જ હા જીવનજરૂરી વસ્તુ ઘટે તો હું બેઠો છું.. બાકી બેય ની પાસે બાઈકો છે..અને આપણે ફોર વહીલ લઈને ક્યાં જાવું છે આ બધા ખોટા ખર્ચા છે.. એ બધા ખર્ચા તમારા પગારમાંથી કરો હું હવે એક રૂપિયો ય નથી આપવાનો!!! બાપ દીકરા વચ્ચે ઘણી દલીલો થઇ.અને સોમવારે દીકરો પોતાની પત્ની સાથે નોકરી પર ચાલી નીકળ્યો.. આમ તો દર શનિવારે એ ગામડે આવી જતો.. પણ હવે એક મહિનો થયો કપિલ કે એના ઘરના ડોકાણા નહોતા.. મણીલાલ જાતે ગયા..પોતાના દીકરાને મળ્યા..!!

એના છોકરા એ એક કાગળિયું આપ્યું… એમાં રકમ હતી..જે લોકોને ચુકવવાની હતી.. એમાં શાકભાજી વાળાને.. દૂધવાળાને… કરીયાણાવાળાને.. ચૂકવવાનું ખાસું લિસ્ટ લાંબુ હતું.. મણીલાલ જોઈ જ રહ્યા..!!
કપિલ બોલ્યો.

“તમે વચન આપ્યું હતુંને કે જીવન જરૂરી વસ્તુમાં ઘટે તો હું આપીશ બાકી મોજશોખ કરવી હોય તો એ તારા પગારમાંથી કરજે એટલે બાપુજી મારો પગાર હું મોજશોખમાં વાપરું છું એટલે હવે આ જીવનજરૂરી વસ્તુ તમારે પૂરી પાડવાની છે” મણીલાલ તો છોકરાની બુદ્ધિને જોઈ જ રહ્યા.. !! ત્યાં વળી કપિલ બોલ્યો.
“આ તો તમે વચન લેવરાવ્યું છે કે કરપ્શન ના કરતો એટલે માંગું છું બાકી કાલથી બધાની જેમ થોડું થોડું ખાવાનું શરુ કરી દઉં તો દર મહીને ઘણું બધું આવે એમ છે..પણ હું એ નથી કરતો”
“ એ કરતો પણ નહીં.. તારે જોઈએ એટલા રૂપિયા આપીશ..પણ એ હરામનો પૈસો તો ઘરમાં જ નહિ.. “કહીને મણીલાલે આખી ચેક્બુકમાં સહી કરીને કપિલને આપી દીધી. અને વળી બોલ્યાં.

“અને તોય ઘટે તો ગામડાના મકાન વેચીને અમે બેય ભાડે રહીશું..પણ ભલો થઈને ગંગાજળ હાથમાં લીધું એ વચન ને ના અભડાવતો”
અને કપિલ એના પિતાજીને વળગી પડ્યો. અને બોલ્યો.

“ આ તો તમે શું કહો છો અને તમે પ્રમાણીકતા માટે કઈ હદ સુધી જવા તૈયાર છો એ જાણવું હતું.. બાકી તમે ચિંતા ના કરો.. તમારો આ દીકરો તમારા નામને લાંછન ક્યારેય નહિ લગાડે!! બહુ ઓછા બાપ આવા હોય છે જે અમુક મુલ્યોને જીવનભર જાળવી રાખે છે!! અમે આ મહિનાથી માપમાં રહેતા શીખી લીધું છે.. ઘણો ખર્ચ ઓછો કરી નાંખ્યો છે..!!
ને બમણા હેતથી મણીલાલ એના દીકરાને ભેટી પડ્યા!!

લેખક:- મુકેશ સોજીત્રા
૪૨ “હાશ” , શિવમ પાર્ક સોસાયટી ,સ્ટેશન રોડ ,ઢસા ગામ તા .ગઢડા જી.બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ