નાના હોય કે મોટા ભૂલ તો દરેક વ્યક્તિથી થતી જ હોય છે, પણ જો એને માફ કરવાવાળો મોટામનનો હોય તો એ ભૂલ જીવનમાં દોહરાતી નથી, ખૂબ જ સુંદર અને સમજવા જેવી વાત મુકેશ સોજીત્રાની કલમે ….

0

“ સેજલ નામે એક શિક્ષિકા”

શિક્ષકોની તાલીમ હતી…!! શનિવાર હતો..!! તાલીમનો સમય સવારના સાત થી બપોરના એક વાગ્યા સુધીનો હતો. મનજીભાઈ તાલીમ આપી રહ્યા હતા.. શિક્ષકો બધા પરાણે પરાણે રૂમમાં બેઠા હતા.. મોટાભાગના શિક્ષકો ને તાલીમ ફક્ત અને ફક્ત ટાઈમ પાસ જ હતી!!

આજે તાલુકામાંથી સુચના હતી કે ગાંધીનગર ની ટુકડી આપણા તાલુકામાં છે એટલે બધાય સમય બાબતમાં ખાસ ખ્યાલ રાખશો.. કોઈ ખોટી છાપ લઈને ના જાય!! બધાના બુટ ચપ્પલ વર્ગની બહાર લાઈન બંધ ગોઠવાયેલા હોવા

જોઈએ.તાલીમમાં આપેલ નોટબુકમાં તાલીમનું કશુક લખાયેલ હોવું જોઈએ.એમાં પાછી સીઆરસી કો ઓ ની સહી થયેલી હોવી જોઈએ.. બધા વર્ગખંડમાં વ્યવસ્થિત બેસેલા હોવા જોઈએ..!! આવી બધી દૈનિક અને વ્યવહારુ સુચના અપાયેલ હતી.. એમાં ય મનજીભાઈ ને તો આ ખાસ સુચના અપાયેલ હતી.. મનજી ભાઈ સીઆરસી કો ઓ હતા અને તાલીમ આપવાનું કામ કરતા હતા!!

મનજીભાઈ ને ખાસ કહેવામાં આવ્યું કારણકે લગભગ દરેક તાલીમમાં ઘણાય શિક્ષકો મનજીભાઈ પાસે જુઠું બોલીને અધ વચ્ચે થી જતા જ રહેતા હતા.. એનોય વાંધો નહિ પણ ફરિયાદો બીજી નિશાળમાંથી આવવા લાગી તાલુકા સુધી..

“મનજીભાઈ બહુ સારા છે એ જવા દે છે અને તમે ના પાડો છો” આવું કેમ”???”

બીજા સાથી સીઆરસી કો ઓ મનજીભાઈને કહેતા. મનજીભાઈ હસીને જવાબ પણ દેતા.

“ એમાં શું ફેર પડે યાર એક બે જણા વહેલા સર જાય તો??” પણ મનજીભાઈની આવી પદ્ધતિ એમને ખુબજ ભારે પડી ગયેલી. જીલ્લામાંથી આવેલ એક ટીમે આ બાબતે મનજીભાઈની ઝાટકણી કાઢેલી અને સાથોસાથ તાલુકા વાળાની પણ ઝાટકણી કાઢેલી કે તમારું આવું ને આવું મોનીટરીંગ છે??? આમાં જ સર્વ શિક્ષા મિશનના ધ્યેયો સિદ્ધ નથી થતા. જીલ્લા વાળાને એવો વહેમ હતો કે તાલીમ માં શિક્ષકો સો ટકા હાજર રહે તો જ સર્વ શિક્ષા અભિયાન સો ટકા સફળ થયું ગણાય!!

મનજીભાઈ કયારેક તાલુકામાં મીટીંગ હોય તો કહેતા પણ ખરા..

“ શું આપણા શિક્ષકોને નથી આવડતું એમ તમે માનો છો??? બધાય હોંશિયાર છે!! બધાને બધું જ આવડે છે!! આપણે તાલીમ આપીએ અને એ શીખી જાય એવા ગો માં ના રહેવું!! આ શિક્ષકો બધા તૈયાર છે પણ એ જો દિલથી ભણાવે તો!! દિલથી કેમ ભણાવવું એની કોઈ તાલીમ ના હોય એ અંદરથી આવે અને જ્યાં સુધી આ અંદરથી વહેણ નહિ નીકળે ત્યાં સુધી આવી હજારો યોજના આવશે અને જશે કોઈ ફેર નહિ પડે!! બાકી જે દિવસે તમામ શિક્ષકોનો અંતરાત્મા જાગ્યો તે દિવસે વગર તાલીમે અને વગર યોજનાએ બાળકોને પૂરેપૂરું શિક્ષણ મળવાનું છે!!!

બસ આ જ શનિવાર હતો અને આવી જ એક તાલીમ શરુ હતી.. મનજીભાઈ તાલીમ આપી રહ્યા હતા. નવ વાગ્યે ઓનલાઈન કાર્યક્રમ ગાંધીનગર થી આવવાનો હતો. એ શરુ કરીને મનજીભાઈ બહાર નાંખેલા ટેબલ પર બેઠા.. એના હાથમાં આજની તાલીમમાં આવેલ શિક્ષકોનુ હાજરી પત્રક હતું.

થોડી વારમાં એક શિક્ષિકા બહેન એમની પાસે આવીને ઉભા રહ્યા. મનજીભાઈ એ નજર ઉંચી કરી.. બાજુના ગામની શાળાના શિક્ષિકા સેજલ બહેન એની સામે ઉભા હતા!!

“સાહેબ આજે મને વહેલા રજા આપશો મારે વહેલા નીકળવું છે” સેજલ બહેન બોલ્યાં.

“ ના તાલુકામાંથી ના પાડી છે આજે તો નહિ જ!! મને ખાસ ભારપૂર્વક કીધું છે કે મારે કોઈને રજા ના આપવી.” મનજીભાઈ એ જવાબ આપ્યો.

“સાહેબ મારો બાબો બીમાર છે એને હોસ્પીટલમાં દાખલ કર્યો છે..સવારે જ મારા હસબંડનો ફોન આવ્યો એટલે કહું છું” સેજલ બહેન કહ્યું. મનજીભાઈ એ થોડી વાર એની સામું જોઇને બોલ્યા.

“ હું બધાને જવા જ દેતો હતો.. પણ ખબર છે ને ગઈ તાલીમમાં તમે વહેલા જતા રહ્યા ને પછી જીલ્લા વાળાએ ચાલુ તાલીમમાં મને કેવા વેણ કહ્યા હતા. એ તાલીમમાં તમે એકલા નહોતા ગયા બીજા ચાર થી પાંચ જણા પણ હતા.પછી મેં નક્કી કર્યું કે હવે કોઈને નહિ જવા દેવાના..ગમે એટલું કામ હોય”

પણ સાહેબ મારો બાબો બીમાર છે એની સામું તો જુઓ” સેજલબેન બોલ્યા પણ મનજીભાઈ એ હાથમાં રહેલા કાગલીળામાં મશગુલ થઇ ગયા એટલે સેજલબેન જતા રહ્યા. સાડા નવ વાગ્યા હશે ને સેજલબેનના આચાર્ય આવ્યા અને મનજીભાઈને કહે.

“ સેજલને જવા દેજોને એનો બાબો બીમાર છે એમ એ કહે છે..આમેય તમે ક્યાં કોઈને ના પાડતા હતા.. આમાં માનવતાનો સવાલ છે.. બાકી તાલુકા કે જીલ્લા વાળા આવે તો અમારી જવાબદારી..અમે કહીશું કે અમે જવા દીધા”
“એમ તો તમે જ મને લેખિતમાં આપી દ્યોને કે મારા કહેવાથી હું હુકમ કરું છું કે સેજલને રજા આપવા વિનતી બધી જવાબદારી મારી” મનજીભાઈ આટલું બોલીને એ આચાર્યની સામું જોઈ રહ્યા. આચાર્ય કશું જ ના બોલ્યા અને ચાલતા થયા. મનજીભાઈ વિચારમાં પડી ગયા કે આજ આચાર્ય મને ફરિયાદ કરતો કાયમ કે આ સેજલ અનિયમિત છે..સમયસર શાળાએ નથી આવતી,,ખોટા બહાના કાઢ્યા કરે છે અને આજ વળી માનવતાનો દીકરો થાય છે..આજ ગમે તે થાય પણ કોઈને રજા આપવી જ નથી!! હવે બધું કાયદેસર જ હાલવું છે..થોડી વાર પછી કેવ શાળાના આચાર્ય ભલામણ લઈને આવ્યા. પણ કાઈ પરિણામ ના આવ્યું.. દસ વાગ્યા અને તાલુકામાંથી સાહેબનો ફોન આવ્યો.
“શું ચાલે છે તાલીમમાં?? બધું જ બરાબર છે ને?? કોઈ તકલીફ? કોઈ પ્રશ્ન તો નથીને?? અરે હા યાદ આવ્યું.. પેલી સેજલને જવા દેજોને એનો બાબો બીમાર છે ને!!”

“પણ સાહેબ તમે જ ના પાડી હતી ને પાછા તમે જ ભલામણ કરાવો છો!! આ તો વાડય ચીભડાં ગળી જાય એવો ઘાટ થયો છે!!”
“ હા પણ અમુક કિસ્સામાં આપણે એનું રાખવું જોઈએ..આપણે પરિવારની ભાવનાથી રહેવું જોઈએ.. માનવતા દયા અને પ્રેમ એ તો શિક્ષણના મુખ્ય સુત્રો છે એટલે હું કહું છું કે એને એક ને જવા દેજો અત્યારે જ” કહીને સાહેબે ફોન કાપી નાંખ્યો. મનજીભાઈએ ઘણી દાઝ ચડી.. ઘડીક તો થયું કે આ કાગળીયા અને આ તાલીમના ચોપડા ફાડીને ફેંકી દઉં!! રજા પાડીને બધાયને કહી દઉં કે જાવ તમે બધા છુટા હું તમારા તરફ માનવતા , દયા અને પ્રેમ રાખું છું!! આવો

વિચાર કરતા હતા ત્યાં જ સેજલ બહેન આવ્યા અને બોલ્યાં.

“સાહેબ મને જાવા દયોને મારો બાબો બીમાર છે.. અમદાવાદ હોસ્પીટલમાં છે..” મનજીભાઈએ ઊંચું પણ ના જોયું અને કીધું.

“જાવ તમ તમારે”

“આભાર સાહેબ” કહીને સેજલ બહેન ઉપડયા.. એ ગયા એટલે દસેક મીનીટમાં બીજા ત્રણ જણા આવ્યા … એમણે પણ રજા માંગી..!!

એકને ખરખરે જવાનું હતું…

એક ની ઘરે ગેસનો બાટલો ખૂટી ગયો હતો અને મહેમાન આવ્યા હતા એટલે જવાનું હતું.

એકને પત્નીને તાવ આવ્યો હતો એટલે દવાખાને લઇ જવાની હતી.

મનજીભાઈએ થોડી દલીલ કરી કે ગાંધીનગર વાળી ટીમ કદાચ આવી જાય એટલે ન જાવ તો સારું પણ જે શિક્ષકો તાલીમ માં વહેલા જવા માટે જ આવ્યા હોય એ કોઈ પણ સંજોગોમાં વહેલા જઈને જ જંપે એટલે એ ત્રણ તો ગયા જ!!!
એક વાગ્યે તાલીમ પૂરી થઇ..!! તાલીમના હિસાબો અને હાજરી પત્રક તાલુકામાં બે વાગ્યે પહોંચાડીને મનજીભાઈ ઘરે પહોંચ્યા ત્યાં એમની પત્નીએ યાદ દેવડાવ્યું કે આજ શનિવાર છે ચાલો અમરેલી કાપડની ખરીદી માટે..સારા પુરુષો પોતાની પત્નીને ક્યારેય ના નથી પાડતા એ હેતુસર મનજીભાઈ એની પત્નીને લઈને અમરેલી સાડીઓની અને કાપડની ખરીદી કરવા ગયા. અમરેલી મધ્યમાં જ એક પેટ્રોલપંપ અને તેની સામેજ એક મલ્ટીપ્લેક્સ થીયેટર અને નીચે નાસ્તાની લારીઓ હતી.એમાં એક લારી પર એની નજર પડી અને મનજીભાઈ થીજી જ ગયા!!

સેજલ એક બીજા યુવાન સાથે ભેળ પૂરી ખાઈ રહી હતી..!! સવારે અમદાવાદ જવાનું કહીને વહેલી નીકળી જનાર સેજલ અમરેલીમાં હજુ સુધી હતી.. થોડી વાર મનજીભાઈ જોઈ જ રહ્યા. એમની પત્નીને પણ કહ્યું.

“થોડી વાર ઉભી રેજે ને આ ક્યાં જાય છે એ જોવું છે.. સવારમાં તો મને કહેતી હતી કે મારો બાબો બીમાર છે!! અમદાવાદ હોસ્પીટલમાં છે.. મેં એને વહેલી રજા આપી અને આ અત્યારે અહી ભેલપૂરી ખાય ને જલસા કરે છે”

થોડી વાર પછી બને હાથમાં હાથ પકડીને મલટીપ્લેક્ષ ના દાદરા ચડવા લાગ્યા અને અચાનક જ સેજલે રોડ બાજુ નજર કરી અને મનજીભાઈ ને જોઈ ગઈ.. બનેની નજર મળી ને સેજલના મોઢા પર ગભરાટના ચિહ્નો વ્યાપી ગયા.. અને પછી તરત જ મનજીભાઈ એ બાઈકને કિક મારી બાઈક જાવા દીધું.. સાડીઓની દુકાને ગયા પણ મનજીભાઈ ને કયાય ચેન ના પડ્યું.. એક શિક્ષિકા થઇ ને આવી છેતરપીંડી!! આવું ખોટું બોલવાનું???

દરેક માણસને પર્સનલ લાઈફ હોય પણ શિક્ષકોને આ શોભે ખરું?? આનો પતિ તો અમદાવાદમાં હાઈસ્કુલમાં છે. આની કરતા તો ક્યાય રૂપાળો છે અને તોય આ આવી રીતે મલ્ટીપ્લેક્ષ્મા!! એક છોકરાની મા થઇ ને ખોટું બોલે?? છોકરો માંદો છે..હોસ્પીટલમાં છે એમ કહીને આવા ધંધા કરવા માટે વહેલા નીકળી જવાનું??? આવાને આવા વિચારમાં મનજીભાઈનું માથું પાકી ગયું. વળતી વખતે બાઈક પર એના પત્નીએ કીધું.

“સહુ સહુના સહુ ભોગવશે.. તમે સત્યવાદી ના દીકરા ના થાતા..આવિયું નો કોઈ ભરોસો નહિ તમે એને સમજાવવા જાવ ને તો તમારી ઉપર પણ આળ નાંખે એને કાઈ લાજ શરમ ના હોય.. તમારે એને મળે ને તો કાઈ કહેવાનું નથી.. તમને ક્યારેક ક્યારેક સમાજ સુધારવાનું ભૂત વળગે છે!!”

“તું ચિંતા કરમાં હું એને કે કોઈને નથી કહેવાનો.. અને તને કેટલી વાર કીધું કે બાઈક પાછળ બેસતી વખતે કેરિયર નહિ પકડવાનું એમ હું તને પાડી નહિ દઉં.. તું પાછળ કચકાબંધ કેરિયર પકડી રાખે અને ગાડી આખી હલબલી જાય છે” મનજીભાઈ એ એની પત્નીને કહ્યું!!!

અઠવાડિયા પછી મનજીભાઈ ને સેજલની શાળાની મુલાકાત લેવાની થઇ. બપોરના ત્રણ વાગ્યે મનજીભાઈ શાળામાં પહોચ્યા, સેજલે મનજીભાઈને જોયા..!! સેજલની આંખમા કશુક ખોટું કર્યાનો ડર હતો. મનજીભાઈ એ દરેક વર્ગની મુલાકાત લીધી ફક્ત અને ફક્ત સેજલનો વર્ગખંડ આવ્યો અને એ ત્યાં ના ગયા..!! હવે રજા પડવામાં પાંચ જ મિનીટ બાકી હતી અને એક છોકરો આવી ને મનજીભાઈને કહે

“તમને સેજલબેન બોલાવે છે” મનજીભાઈ ગયા. બારણા ની બહાર ઉભા રહ્યા. બાળકો દફતર પાટી પેક કરીને રજાની રાહમાં હતા.. બારણાં પાસે આવીને સેજલે બે હાથ જોડ્યા આંખમાં આંસુ હતા..
મનજીભાઈ બોલ્યા..

“બાબા ને કેમ છે હવે??? હોસ્પીટલે છે કે ઘરે રજા આપી દીધી???!!

“જે થયું એ સાહેબ માફ કરજો.. જીવનમાં ક્યારેય આવું નહિ કરું.. મને બહુ જ બીક લાગી હતી કે તમે બીજાને વાત કરશો..પણ તમે કોઈને વાત નથી કરી એ માટે આભાર સાહેબ.. બસ વચન આપું છું કે હવેથી આવું ક્યારેય નહિ થાય” સેજલ બોલતી હતી. મનજીભાઈએ જોયું કે એની આંખમાં હવે કોઈજ બનાવટ નહોતી. મનજીભાઈ બોલ્યા

“જો તમે એમ માનતા હો કે આ વાત હું ફેલાવી દઈશ.. તો એવું કશું નહિ બને.. સહુ સહુનું અંગત જીવન હોય.. હું એમાં કશું માથું નહિ મારું..મને દુખ એ વાતનું જ લાગ્યું કે તમે જુઠ્ઠું બોલીને ગયા છો”

શાળામાં બેલ વાગ્યો.. બાળકો વર્ગમાંથી બહાર નીકળતા હતા.. બધા જ બાળકો સેજલ બેનને પગે લાગીને જતા હતા.. અમુક બાળકો મનજીભાઈ ને પગે લાગતા હતા.. વળી મનજીભાઈ બોલ્યા…

“બીજા કર્મચારીઓ અને આપણામાં આ જ મોટો ફરક છે!! જે આપણને બીજાથી મહાન બનાવે છે!! બાળકો નિશાળમાં આવે ત્યારે અને જાય ત્યારે આપણને પગે લાગે છે!! અને જો કોઈ આપણને પગે લાગતું હોય ને ત્યારે અમુક બાબતો આપણાથી ના થાય એટલું તો તમે સમજી જ શકતા હશો.. શિક્ષકનો વ્યવસાય સ્વીકારીએ ત્યારે અમુક સદગુણો તો હોવા જ જોઈએ અને જો ના હોય તો ટૂંક સમયમાં એ સદગુણો મેળવી લેવા જોઈએ અને એ પણ ના બને તો બીજી નોકરી શોધી લેવી પણ આપણા અમુક અપલખણને કારણે આખી શિક્ષકજાતને નીચું જોવું પડે એવું કાર્ય ના કરવું.. આ મેટર અહી પૂરી થાય છે!!

આટલું બોલીને મનજીભાઈ ફટાફટ નીકળી ગયા..પછી ક્યારેય સેજલબેનની કોઈ જ ફરિયાદ ના આવી. ભૂલો તો સહુ કોઈ કરે અથવા સહુ કોઈ થી થાય..પણ જયારે ખબર પડે કે આ પગલું ખોટું છે અને ત્યાંથી પાછા વળી જાય એ જ માનવ.. બાકીના બધા જ દાનવ!!!
લેખક :- મુકેશ સોજીત્રા
૪૨ , હાશ , શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ ઢસા ગામ તા.ગઢડા જી . બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here