દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

ભલે ગમે તેટલાં લડાઈ ઝઘડા થાય, પણ અંતે તો લોહી એ લોહી તરફ જ ખેંચાય, વાંચો લોહીનાં સંબંધો પર લખાયેલ બે ભાઈની અદભૂત વાર્તા …..

 “સમાધાન”

હરજી એ હળવેક રહીને નાનજીની ડેલી ખખડાવી. આમ તો એણે બારી ખોલવાનો પ્રયત્ન કર્યો હતો પણ બારી અંદરથી બંધ જ હતી. એટલે નાછૂટકે એણે ડેલીની સાંકળ ખખડાવી.

“કોણ છે અટાણે વાળું ટાણે પણ સખ નથી લેવા દેતા…!! મોઢામાંથી ફાટતા શું જોર પડે છે??” અંદરથી કાંતાનો કર્કશ અવાજ કુતરા ભાત વીંખતા હોય એમ આવ્યો. ઘડીક તો હરજીને પાછા વળી જવાનું મન થયું જોકે આમ એની પત્ની નબુએ ચોખ્ખી ના પાડી હતી પણ તોય એનો જીવ નો રહ્યો.આખા ગામમાં પોતે હરખ કરી આવ્યોને સગા ભાઈને પેંડા ના આપે તો એના મનખામાં ધૂળ પડી કહેવાય. એટલે ચોરી છુપી થી એક પેંડાનું પડીકું કોઈને ખબર ના પડે એમ પહેરણના ખિસ્સામાં નાંખીને ઘરેથી નીકળી ગયો અને બાજુમાં જ સગા ભાઈની ડેલી હતી અને આવીને ઉભો રહી ગયો હતો. સગો ભાઈ થોડો મટી જવાનો હતો.

ડેલી ખુલ્લી અને નાનજી બહાર ડોકાયો. હરજીને જોઇને થંભી ગયો. નાનજી ની પાછળ પાછળ એની વહુ કાંતા હાથમાં શાકના છાલિયા સાથે ઉભી હતી. હરજી પેંડાનું પડીકું નાનજીના હાથમાં આપતા બોલ્યો.

“તને તો ખબર જ હશે ને કે દસમાં ધોરણમાં રાકેશને ૯૬ ટકા આવ્યા છે. આખી સંસ્થામાં પેલો નંબર લાવ્યો છે એટલે આડોશ પાડોશમાં બધાને પેંડા આપ્યા છે હરખના…!! તને અત્યારે આપવા આવ્યો છું….!! જે બન્યું હોય એ આપણી વચ્ચે પણ આ હરખના પ્રસંગે મારાથી તને ના ભુલાયને એટલે….” હરજી એનું વાક્ય પૂરું કરે ત્યાંજ કાંતા એ નાનજીને સહેજ ધક્કો મારીને આવી આગળ પોતાના જેઠ પાસેથી પેંડાનું પડીકું આંચકી ને અવળી ફરીને એવો તે ઘા કર્યો ને કે પેંડાનું પડીકું સીધું હરજીના ઘરના ફળિયામાં પડ્યું અને આ બાજુ કાંતા એ તો કાપો વાળ્યો અને જોરથી બુમો પાડવા લાગી.

“એ ઘોળ્યા તમારા પેંડા….!! એ નથી જોઈતા તમારા પેંડા…!!! એ અમારા છોકરાને ભલે ઓછા ટકા આવ્યા..!! તમ તમારે તમારાને ભણાવીને ડોકટર બનાવી દેજો..!!અને ગામ આખાને ગળચાવજો પેંડા..!! એ તમારા સગલાને ખવડાવો…!! પણ ભાળ્યું અમારા ઘરે પગ દીધો છે તો..!! અત્યાર સુધી મલક આખામાં વાતો કરી મારી કે કાન્તુડી આવી ને કાન્તુડી તેવી હવે સારીના થાવા આવો છો..!! સાળા શરમ વગરના ટગ ટગ કરતા ધોડ્યા જ આવે છે ને કાઈ…!! હવે તો વરા આંબી ગયાને એટલે બધા ધોડતા આવે છે પણ આ કાંતુ કાઈ ભૂલી નથી એક એક ને મારી મેલડી નો પોગે ને તો કેજો..!! મરી જઈશ ને તો ય નાગણ થઈને આવીશ પણ તમને તો મુકીશ નહિ..!! એય તમે શું જોડ ની જેમ ઉભા છો..!!! કરો બારી બંધ આવા તો હડકાયા હાલ્યા જ આવે…!!” કહીને કાંતુએ જોરથી ડેલીની બારી એવી ભટકાવી કે આજુબાજુના ડેલામાંથી માણસો ડોકાણા કે આ વાળું ટાણે કાંતુને વળી શું ભૂત વળગ્યું છે??!! અને આ બાજુ પેંડાનું પડીકું પોતાના ફળિયામાં આવેલું જોઈ હરજીની વહુ અને એનો દીકરો રાકેશ પણ પોતાની ડેલીની બહાર આવી ગયા. અને પોતાના ધણીને નાનજીની ડેલી આગળ ઉભેલો જોઇને પોતે આખો મામલો કળી ગઈ. બધી ડેલીએ થી બાયું બહાર આવી ગઈ હતી એટલે નબુએ શરુ કર્યું.

“તમને મેં ના પાડી હતીને કે એને ઘરે આપણે પેંડા નથી આપવા..!! નાના મોટાનું એને ભાન નથી..!!! સામે એનો જેઠ હોય તો પણ શું બોલવું એને એને ભાન નથી ને તો ય તમે એને ઘરે પેંડા આપવા ગયા તો શું કાંદો કાઢ્યો…..!! એવાને પેંડા દેવા કરતા કુતરાને નાખી દીધા હોય ને તો પણ લેખે લાગે કુતરા ને તમે એક રોટલો નાંખોને તોય એનો એ ગણ ના ભૂલે ને આનું તમે ગમે તેટલું રાખો એ અંતે તો તમારી પર જ….!!! નબુ હજુ બોલવાનું પૂરું કરે એ પહેલાજ ધડામ દઈને નાનજીની ડેલી ની ખડકી ખુલી અને છુટા વાળ સાથે રણચંડી બની હોય એમ કાંતુ પ્રગટ થઇ અને ટપોટપ શેરીના બીજા ડેલા બંધ થયા બાયું બધીય અંદર ઘુસી ગઈ અને આ બાજુ કાંતુએ બઘડાટી બોલાવી.

“ એય કોઈએ અમારું રાખી નથી દીધું હો…!!! કોઈએ અમને ગદરાવી નથી દીધા હો..!!! નવરીની કોઈ કેવા તો આવે મને…!! ઊભીને ઉભી ચીરી નાંખું હું મારા બાપથીય નથી બીતી…!! અને નબુડી તું તો માપમાં જ રેજે હો..!!! તારે મારી આગળ જરાય હોંશિયારી બતાવવાની જરૂર નથી..!! તારા ધણીને સાચવ એ મોટે ઉપાડે આવ્યો તો પેંડા દેવા..!! આ લે નાનજી હરખના પેંડા…!!! અરે હરખ હોય તો રાખને તારે ઘરે ભાઈ..!!! અમે ક્યાં સામ દીધા તે કે ઘરે આવજે…..!!! મારા બટા ના પાડીએ એમ વધારેને વધારે ને પુંચડા માં ઘરતા આવે છે!!!!”

નબુને તો બોલવું હતું પણ હરજી એનો હાથ પકડી ને કરગરતો કરગરતો ડેલામાં રહી ગયો. રાકેશ પણ ઉભો ઉભો જોતો હતો એ પણ ઘરમાં જતો રહ્યો અને આ બાજુ આખી શેરી સુનકાર થઇ ગયેલી તોય કાંતુ દસ મિનીટ સુધી તો બોલ્યે જ રાખી. બાધ્ય નહિ તો બાધવા વાળું લાવી દે એવા સ્વભાવની કાંતુ આખી શેરીમાં ઉપાડો લીધો હતો.!! વાતવરણમાં એક અજંપાભરી શાંતિ છવાઈ ગઈ હતી.!!

વશરામ આતાને વસ્તારમાં સહુથી મોટી બે દીકરીઓ અને બે દીકરા. જમીન સારી અને ખાધેપીધે સુખી ઘર હતું. દીકરામાં તો હરજી સહુથી મોટો અને એનાથી પાંચ વરસ નાનો નાનજી. બેય ભાઈને નાનપણમાં સારું ભડતું હતું. નાનજી આઠેક વરસનો હતો ત્યારે પાદરમાં હનુમાનજી ની એક દેરી હતી તે દેરી માથે ચડીને રમતો હતો સાત તાળી.. એવામાં એનો પગ લપટ્યો ને આવ્ય નીચે..નીચે એક મોટો પથ્થર હતો અને માથું ફૂટી ગયેલું.ત્રણ મહિનાનું દવાખાનું આવેલું પણ પછી નાનજી સુનમુન થઇ ગયેલો. વશરામ આતા કહેતા કે મગજમાં આને થોડી અસર થઇ ગઈ છે તે ક્યારે છટકું ચડે એ નવાઈ નહિ. ક્યારેક કારણ વગર બાધી બેસે.. જે હાથમાં આવે એ ફગાવવા માંડે..વશરામ આતાને પણ મણ મણ ની જોખવા માંડે પણ હરજી સમજાવે એટલે સમજી જાય.. મોટો થયો ત્યાં લગ્ન હરજી એની સાથે એને જમાડતો. ક્યારેક તો હરજી એને પોતાની હાથે જમાડતો!! આવી હેતપ્રીત વાળા ભાઈઓ વચ્ચે સમયનું એવું સોગઠું ફરી ગયું કે પૂછો ના વાત!!

૨૫ વરસે હરજી નબુને પરણ્યો. નબુ પરણીને આવી ત્યારે હરજીએ પેલી વાત એ કરી હતી કે આ ઘરમાં તું કહે એ થશે પણ મારો નાનો ભાઈ નાનજી ને મગજમાં થોડી તકલીફ છે એટલે એ કોઈ બાંડું વેણ બોલેને તો સહન કરી લેજે..આતા એની બહુ ચિંતા કરે છે મને કહેતા હતા કે હરજી તું છો ત્યાં સુધી તો વાંધો નહિ પણ નવી આવનારી બાઈ મારા દીકરાને સાચવશે તો ખરીને.. અને નબુએ એ પ્રમાણે જ રાખ્યું .ધીમે ધીમે નાનજીનો સ્વભાવ સુધરતો જતો હતો.. હરજીના લગ્ન પછી સાતેક વરસે નાનજીના લગ્ન થયા કાંતુ સાથે.. કાંતુ ના સગપણ બે વાર તૂટી ગયેલ હતા.. સ્વભાવ સારો નહોતો એમ સહુ કહેતા હતા પણ વશરામ ભાભાનું કહેવું હતું કે સમાજમાં નાનજીની બધી ખબર છે કે એને મગજ ઓછું છે પછી જેવી મળે એવી પણ મારા છોકરાનું ઘર બંધાય એ મારે મન સહુથી મોટું સુખ..બધુય પછી થઇ રેશે..!! કાંતુ સાવ નાંખી દીધા જેવી તો નહોતી પણ જીભની છૂટી અને કામાની કુટી હતી.. એને આરામ કરવા જોઈએ કામ કરવામાં બળ પડે.. ઘરે કોઈ મેમાન આવે કે તરત જ એનું માથું દુખવા લાગે!! પથારીમાં આડી પડી જાય..!! નાનજીને બામ ઘસી દેવું પડે..જેવી રસોઈ તૈયાર થાય કે તરત જ સાજી થઇ જાય..એને ખાવા પણ બહુ જોતું!! હરજીને એ વખતે નાનો એક છોકરો અને છોકરી હતા..!! જ્યારે ભૂખ લાગે ત્યારે એ છોકરાના બિસ્કીટ અને ટીકડા ગોળા જે હોય એ કાંતુ ઓહિયા કરી જાય..!! ખેતીની મોસમમાં એ સદાય માંદી રહે પણ જેવી નવરાત્રી આવે કે તરત જ એના ટાંટિયા માં જોર આવી જાય!! હવે આ બાજુ નબુને ઘણી બળતરા થાય કે હું એકલું કેટલાનું કરું અને આ મારી દેરાણીને બસ ફૂલ ફટાક થઈને ફરવું જ ગમે છે. નાનજીમાં પણ ઘણું પરિવર્તન આવી ગયું હતું. એના રંગ ઢંગ બદલાઈ ગયા હતા. બકરું જેમ રજકા પાછળ દોરવાય એમ નાનજી કાંતુ પાછળ દોરવાઈ જતો હતો.

વરસ દિવસ તો આવું સહુએ ચલાવી લીધું. પણ કાયમ કાઈ પોસાય?? એવામાં એક વખત કાંઇક દેરાણી જેઠાણી વચ્ચે નીંદવા બાબત ઝગડો થયો અને કાંતુ મંડી ધુણવા!! વાડીએ ધુણવાનું શરુ કર્યું!! ગામમાં અત્યાર સુધી ભાઈઓ જ ધૂણતા પણ પેલી વેલી આ બાઈ ધૂણી અને અડધું ગામ વાડીએ જોવા ગયું..!!!

“હાક…..ધુધુ…. હું મસાણ ની મેલડી… જેઠાણી તારે દીકરીએ દીવો નહિ રહે જો મારી દીકરી કાન્તુને ત્રાસ આપ્યો છે તો… ખાધેલું સોપટ કઢવી નાંખું એવી હું મેલડી… !!આંખુમાથી બ્રહ્માંડ ડોલાવી નાંખું એવી મેલડી… લાગ્ય મને પગે લાગ્ય!!! જોઈ શું રહ્યા છો નપાવટો પગે લાગો નહીતર ધનોત પનોત નીકળી જશે””!! કાંતુ ધુણતી જાય અને મોઢાંમાં આંગળા નાંખીને બોલતી જાય..!! નબુ તો બીકની મારી પગે લાગી..!! વશરામઆતા અને ગોમતી માં પણ પગે લાગ્યા…!! નાનજી તો બે વાર પગે લાગ્યો અને અગરબતી કરીને પગે લાગ્યો!! પણ હરજી થી આ નો જોવાણું એ બોલ્યો..

“સાળા રાંકા બધાયની વચ્ચે આ બાયડીને પગે લાગશ શરમ નથી આવતી.. અને માતાજી આનામાં આવે??? માતાજીને બીજું ખોળિયું ના મળ્યું અને આનું જ મળ્યું..!! શું સાવ હાલી નીકળ્યા છો માતાજીના નામે ધુતવા..!! માતાજી એમ કઈ કોઈનું ધનોત પનોત ના કાઢે માતાજી સો વાર સાચા પણ આના પંડયમાં આવે એ વાત હજાર વાર ખોટી !!” હરજી હજુ આટલું બોલ્યો ત્યાં જ કાંતુ ગોઠણીયા ભેર થઈને કાળી ચીસ નાંખીને બોલી..

“હું મસાણની મેલડી…!! કોગળિયું કરાવીશ..!! લોહીની ઉલટી કરાવીશ…!! પેટમાં મોટા મોટા જીવડા થશે..!! હાલવાના ફાંફા થશે અને રોવાના ય દાડિયા કરવા પડશે..!! માનીજા હરજી માનીજા મારા ચરણે થઇ જા.. બેટા તારું કલ્યાણ થઇ જશે” હરજી નો બાટલો ફાટ્યો.. આમ તો એ ખુબજ ધીરજ વાળો અને શાંત ચિત વાળો સમજુ માણસ ક્યારેય ગુસ્સો ના કરે..!! પણ શાંત માણસ જયારે ગુસ્સો કરેને ત્યારે એ ભયાનક જ હોય!! કાંતુ ન વાળ પકડીને કાનફાળા માં બે અડબોથ જીંકી ને કાંતુનો બધો જ ઓતાર જતો રહ્યો પણ નાનજીને શુંય સુઝ્યું કે એણે બે લાફા હરજીને ઝીંક્યા તે હરજીના ચાર દાંત પાડી દીધા..નાનજી અક્કલમઠો હતો પણ લોંઠકો પણ હતો અને બેય ભાઈ બાધી પડ્યા!! બસ આટલી જ વાત અને એક કાયમી દીવાલ બંને વચ્ચે ચણાઈ ગઈ. વળતે દિવસે વશરામભાભાએ બેયને જુદા કરી દીધા વાડી પડા સોંપી દીધા. એક ઘરના બે ભાગ કરી દીધા. પોતે હરજીની સાથે રેવા જતા રહ્યા અને પછી તો ત્રણ જ વરસમાં વશરામ ભાભા અને ગોમતી માં એ ગામતરું કરેલું આમ તો વરસ દિવસ બીમાર રહેલા..!! અને કાંતુ ગામ આખાને કેતી કે હજુ તો આ શરૂઆત છે..!! બાકી મારી મેલડી કોઈને નહિ મુકે..!!જેના જેના પેટમાં પાપ હતું એ બધાયનું પાપ બહાર આવવાનું છે..!! ગામ આખું જોઈ લે જો આ મેલડી ના પરચા!!

વશરામ આતાના કે જમના માના પાણી ઢોળમાં પણ નાનજી કે કાંતુ ડોકાણા નહિ. ગામમાં અમુક માણસો કાયમી દુખિયા હોય છે.. ગામના ઘણા ખરા કાંતુની વાતમાં આવી ગયા અને કાંતુ એ તો રીતસરનો બિજનેશ શરુ કર્યો દાણા જોવાનો!! એય લાલ ચટાક કંકુનો રૂપિયા જેવડો ચાંદલો અને માથાના જટીયા ખુલ્લા..!! ફળિયા વચ્ચે મેલડી નું સ્થાપન કર્યું આગળ શ્રીફળનો ઢગલો!! લોબાન ના ધુમાડા થાય અને માણસો ધીમે ધીમે વધવા માંડ્યું..

બનવા કાળ છે કે અમુકને અમુક રોગ મટવાનો હોય અને મટી જાય કુદરતની મહેરબાનીથી અને નામ કાંતુ વટાવવા લાગી. ઘણા ને સંતાન પણ આપ્યા કાંતુ એ.. આજુબાજુના ગામમાંથી માનતાઓ થવા માંડી.. ઘી અને તેલના ડબ્બા ભરાવવા લાગ્યા.. નાનજીનું શરીર અને ઘર બેય જામીને ઢેફા જેવા થઇ ગયા!! હવે નાનજી ખેતી ભાગવે આપી દીધી હતી. હરજી પોતાનું કામ કર્યે જાય.. નબુ પણ દીકરા અને દીકરીને સાચવતા સાચવતા ખેતીનું કામ કર્યે જાય!! નાનજીના ઘરે ગામના ઉતાર અને અવેડાના ડાટા કાઢે એવા ચાર પાંચ જણ દિવસ ને રાત પડ્યા પાથર્યા રહેવા લાગ્યા. ગામના અમુક ચેતી ગયા પણ બહારગામ ના લોકોની શ્રદ્ધા અકબંધ રહી.. કાંતુ હવે માતા ના નામથી ઓળખાતી હતી.. માતાના દર્શને અને માનતા એ સહુ આવવા લાગ્યા. નાનજીમાં લાંબી બુદ્ધિ નહોતી. હરજી અકળાતો હતો. એક વખત ખેતરમાં કોઈ નહોતું ત્યારે હરજી એ કીધું.

“ નાનજી જે થયું એ પણ આવા ગામના ઉતાર તારી ઘરે પડ્યા રે એમાં આપણા બાપ દાદાની આબરૂ નહિ.. ભલો થઈને એ બંધ કાર્ય.. આ ધુણવાના ધંધા આપણા કુટુંબમાં કોઈને સાત પેઢી સુધી સાંભરણ માં નથી અને આ તુત તને કેમ સારું લાગે છે.. આપણે ખેડુના દીકરા કેવાઈયે..આ દાણા જોવાનું કામ આપણું નથી.. આપણે ખેતરમાં દાણા જોવાના હોય એને બદલે તું ડાકલા ભેગા કરીને ઘરે દાણા જો છો એ તને શોભે” જવાબમાં નાનજીએ વડકુ કરી લીધું.
“તું તારું કામ કર્યને ભાઈ તે હજુ કાંતુ નો સાચ જોયો નથી આ તો મેં એને વારી છે બાકી તને અને તારા ઘરને એ ઉભા ને ઉભા બાળી મુકે એવી શક્તિ ધરાવે છે” હરજી તો આભો જ બની ગયો.

સમય વીતતો ચાલ્યો. હરજીનો છોકરો દસમાં ધોરણમાં સારા ટકા લાવ્યો અને પેંડામાંથી પાછી રામાયણ શરુ થઇ!!
બનાવ બન્યા બાદ ત્રણ દિવસ બાદ એક બીજો બનાવ બન્યો અને ગામ આખું હબક ખાઈ ગયું. નાનજીના ખેતરમાં જે ભાગિયા હતા એની બાઈએ નાનજી પર આરોપ નાંખ્યો કે રાતે નાનજી દારૂના નશામાં આવીને મારું બાવડું પકડ્યું અને જબરદસ્તી કરી.. સવારે બાઈ ગામના બીજા ચાર જણા ને લઈને બાજુના ગામે પોલીસ સ્ટેશન પર ગઈ ફરિયાદ લખાવવા, હરજીએ વાત જાણી આમ તો એને ઘણા સમયથી આ સમાચાર મળી ગયા હતા કે ભાઈબંધોની એવી ફોજ છે કે નાનજી વાડીએ હવે કાયમ છાંટો પાણી કરતો થઇ ગયો છે.. કાન્તુની કાળી આવકની કમાણી બીજા સારા વિચાર થોડા લાવી શકે??? પણ આટલી હદ સુધી નાનજી જાય એ માની શકયો નહિ. છેવટે ગામના એક લુખ્ખાને હરજીએ સાધ્યો અને પેલા એ સાચું કહી દીધું.

“ નાનજી પાસે પૈસા પડાવવાની વાત છે આ બધી એમાં એના ઘરે રહેવા વાળા ભાઈ બંધો જ સામેલ છે. પોલીસ ને પણ સાધી લીધી છે એટલે એક બે દિવસ કેસ આગળ નહિ વધે.. પણ નાનજી અને કાંતુ પૈસા આપવાની ના પાડે છે.. મેલડી ની ધમકી આપે છે એને ખબર નથી કે પોલીસ વાળા ની આડી મેલડી પણ નો પડે. નાનજી જીદ છોડી દે અને થોડું ગુડી દે તો બાઈ કેસ જ નથી કરવાની”

હરજી તો આ સાંભળીને હબક જ ખાઈ ગયો અને આ બાજુ કાંતુ શેરી માં સંભળાવતી હતી.

“હવે મરવાના થયા છે મારા વાલીડા..અત્યાર સુધી મને બદનામ કરતા હતા હવે મારા ધણી પર આળ ચડાવે છે.. હવે હેડકિયો વીર અને વળાંકની વંતરીને વળગાડવી પડશે.. અને મેલડી તો છે જ બાકી હવે મુકવાના નથી.. મારી આબરૂ પર હાથ નાંખ્યો છે” કોઈ કશું બોલતું નહોતું અને ગામ સાંભળતું હતું. બીજે દિવસે સવારે હરજી અને એનો દીકરો જીલ્લામાં આગળ ભણવા જવા માટે એડમીશન લેવા જવા ના હતા..છોકરાની ઈચ્છા સાયન્સમાં ભણવાની હતી અને એને માટે દોઢ લાખ રૂપિયા હરજી એ તૈયાર રાખ્યા હતા. ઘરેથી નીકળતી વખતે હરજી નબુને અને એની દીકરીને કહેતો ગયો કે દેરાણી ભલે ગમે તેટલું બોલે પણ તમે એક શબ્દ ના બોલશો એવું લાગેને તો કાનમાં રૂના પુમ્ભડા ભરાવી દેજો.પણ કાઈ બોલતા નહીં અને બાપ દીકરો બસમાં બેસી ને ગયા.

“સાંજે પાછા આવ્યા. ઘરે કીધું કે રાકેશને સાયન્સમાં ક્યાય એડમીશન નહિ મળે બધેય ફૂલ થઇ ગયું છે. એ હવે કોમર્સ કરશે. ભાગ્યમાં હશે એમ થશે… આવી વાત કરતા હતા અને જમતા હતા ત્યાંજ કાન્તુને ખબર પડી કે જેઠ ઘરે આવી ગયા છે એટલે એણે સંભળાવવાનું શરુ કર્યું..

“ એ ધોડવું હતું એટલું ધોડી લીધુને પણ શું મળ્યું..!! મારો ધણી તો છૂટીને આવી ગયો..!! ફરિયાદ કરવા વાળી તો પાણીમાં બેસી ગઈ.. અમને બધીય ખબર છે કે આ કામાં કરનાર કોણ છે..!!! એ સાચું હોયને ઈ બાર આવ્યા વગર નો રે.. કેટલીય વાર પાછા પડ્યા પણ હજુ વળ નથી મુકતા.. મારી મેલડી ભુક્કા કાઢી નાંખે એની આગળ કોઈ રમત ના હાલે” કાંતુ ઘણુય બોલી. છેવટે નબુ બોલી.

“નાનજીભાઈ ઉપર કેસ નો થયો .. બાઈએ કીધું કે મારે ફરિયાદ નથી કરવી સમાધાન થઇ ગયું છે એ પાંચ વાગ્યે ઘરે આવ્યા ને ત્યારથી આ ચોંટી છે આના કરતા તો હાલોને આપણે ક્યાંક બીજે વહ્યા જઈએ. આ રોજ રોજનું વાંક વગરનું આપણે કેટલું સાંભળવું” કહીને નબુ રોવા લાગી.

“આતા એ મરતી વખતે શું વચન આપ્યું છે એ યાદ છે ને નબુ કે નાનજી ગમે એમ કરે પણ તું એની પડખે જ રેજે..!! જ્યાં સુધી તું પડખે હઈશ ત્યાં સુધી કાંતુ નાનજી નું બગાડી નહિ શકે.. નહિતર જેવો તું એને છોડીશ કે આ બાઈ નાનજીને વેચીને એના દાળિયા ખરીદીને ખાઈ જશે”

“ તે હવે બાકી શું રહ્યું છે?? નાનજી કાકા પણ સાવ આવારા થઇ ગયા છે. પેલા તો રાતે જ ઢીંચતા હવે દિવસે પણ ઢીંચવા નું શરુ કર્યું છે.. મને તો એને કાકા કહેતા પણ શરમ આવે છે” હરજીની છોકરી બોલી.

“તારે છે ને ભણવામાં ધ્યાન આપવાનું આવી બાબતમાં તારે નહિ પડવાનું અને તારે ક્યાં અહી રહેવાનું છે..સમય આવ્યે બધું થઇ રહેશે પણ આતાને આપેલું વચન હું નહીં તોડું. છોકરીને ઠપકો આપીને હરજી ખાટલામાં આડો પડ્યો.
રાકેશ ભણવા જતો રહ્યો સમય એનું કામ કરતો રહ્યો.. ગામમાં રીતસરના બે ફાટા પડી ગયા હતા. જે લોકો દોરા ધાગામાં માનતા હતા એ નાનજી ને ઘરે જતા અને જે લોકો આમાં કોઈ વસ્તુ માનતા નહોતા એને હરજી સાથે સંબંધ રાખ્યો હતો. નાનજીને ત્યાં તો હવે ફોર વ્હીલનો જમાવડો થતો હતો.લગભગ કાયમ મેલડીની માનતા એ કોઈને કોઈ આવતું રહેતું. ઘરની બહાર શ્રીફળના છાલાનો મોટો ઢગલો થઇ ગયો હતો.જેનો સાંજે ધુમાડો થતો..!!!

બે વરસ પછી એક દિવસ હરજીની મોટી બહેન મધુ પોતાના ભાણીયાને લઈને આઠમ કરવા આવી હતી. બે ય બેનો હરજી ને ત્યાં જ ઊતરતી. કાંતુનો સ્વભાવ જ એવો હતો કે નણંદ સાથે તો ભડે જ્ ક્યાંથી…. હરજી બહેન અને ભાણીયાને લઈને ખેતરે આંટો મારવા ગયો. વરસ મોળું હતું. વરસાદ ખેંચાયો હતો. નાનજીના પડામાં પાણી હતું અને મકાઈ બરાબરની જામી હતી સાંજના છ વાગ્યા હશે ને ભાણીયા એ વેન કર્યું.

“મામા ડોડા ખાવા છે.. મામા ડોડા તોડી દ્યોને”

“બેટા એ તારા નાનજી મામાનું ખેતર છે..ખેતરમાં કોઈ નથી નહીતર એને પૂછીને તને ડોડા લાવી આપત..પૂછ્યા વગર લઈએને તો તારી મામી ખોટા ઝગડા કરે” હરજીએ સમજાવવાનો પ્રયત્ન કર્યો. પણ જગત આખાના ભાણેજડા જેમ મામા આગળ લાડ કરે અને સમજે જ નહિ એમ ભાણીયા એ જીદ શરુ રાખી છેવટે મધુ બોલી.

“નાનજી મારોય ભાઈ જ છે ને મારા ભાણીયા માટે ડોડા લઈએ તો એ થોડો ના પાડે આપણે ક્યા કોથળા ભરવા છે.. બે ડોડા તોડી દ્યોને” અને હરજી બીતા બીતા નાનજીના મકાઈના ઘેરામાં પહોંચ્યો હતો. હજુ ચાર પાંચ ડોડા તોડ્યા ત્યાં તો જોગમાયા પ્રગટ થયા!! મશીનની ઓરડીની પેલી કોર કાંતુ હશે એ તો હરજીને ક્યાંથી ખ્યાલ હોય???!!

“એ ય ચોરના દીકરાઓ શરમ નથી આવતી મકાઈ ના ડોડા ચોરતાં.. બાપનું ખેતર છે??” કાંતુ ગરજી ઉઠી.

“ભાભી ભાઈ તો ના જ પાડતા હતા પણ આ ભાણીયા ને ખાવા હતા એટલે.. બે ડોડા માં શું થઇ જાય ભાભી… નાનજી પણ મારો ભાઈ જ છે ને” મધુ બોલતી હતી ત્યાંજ ભાનીયાના હાથમાં થી ડોડા ઝુંટવીને કાંતુ વિફરી..

“આવા ભાણીયા હોય ને તો ભૂખ જ દ્યેને..ભૂખડી બારશ લાગે છે” કહીને ભાણીયાને એક થપાટ ઝીંકી દીધી!!! અને ફરીવાર ઝગડો થયો..પેલી વાર પેંડામાંથી થયો અને આ વખતે ડોડામાંથી થયો!! મધુ પણ ગાંજી નો ગઈ..પોતાના ફૂલ જેવા છોકરાને ભાભીએ લાફો માર્યો એ વાત એને હચમચાવી ગઈ એણે પણ કાન્તુનો ચોટલો પકડીને નાંખી નીચે… મારકૂટ થઇ.. અને વળી પાછો સાંજે શેરીમાં બોકાહો બોલી ગયો..કાંતુ એ આ વખતે નાનજીને પણ આડે હાથ લીધો..!!

“ એ મારો ધણી નમાલોને એટલે બધાય મને હેરાન કરી જાય.. એના ભાયું મને મારે અને એની બેનુય મને મારે.. બસ મારી મેલડી બધાના લેખા લેશે..હવે તો હું કોઈને ય નહિ મુકું… મારા ખેતરમાં ચોરી કરે અને રોયા મને મારી જાય અને આ બાયલો ચુપચાપ બેસી રહે..ફટ છે તને બંગડી પેરી લે બંગડી”… કાનમાંથી કીડા ખરી પડે એવી વાણી સાથે કાંતુ એ શેરી ગજવી મૂકી. નાનજીના સાગરીતો ભેગા થઇ ગયા કાંતુ ને ટાઢી પાડી અને પાકે પાયે બધું ગોઠવાઈ ગયું.. ર રાતોરાત બે જણા બાજુના ગામના પોલીસ સ્ટેશન પર પહોંચ્યા.. હરજી, એની વહુ અને એની બહેન ઉપર પાકા પાયે ફરિયાદ થઇ હતી.

હરજીને તો કઈ ખબર જ નહોતી. સવારે આઠ વાગ્યે પોલીસ ની ગાડી આવી અને બધાય ને બઠાવી ને વાડીએ લઇ ગઈ.. વાડીની સ્થિતિ જોતા જ હરજી ઠરી ગયો.. મકાઈનો ઘેરો આખો પાડી દીધો હતો.. રાતમાં કોઈકે આ બધું કરી નાંખ્યું હતું.. બધો જ આરોપ.. હરજી અને વહુ અને બહેન મધુ પર હતો.. નાનજી અને એના સાગરીતો પોલીસ પાસે ઉભા હતા.. રાઈટર બધું લખતો હતો..

“ ફરિયાદી નાનજી વશરામ કાંતુ નાનજી .. આરોપી હરજી વશરામ .. નબુ હરજી હરજી વશરામની સગી બહેન મધુ કે જે હાલ ખાખરીયા સાસરે છે અને અહી હરજીની ઘરે આવી છે તે ત્રણેય એ ગેરકાયદેસર મંડળી રચીને ફરિયાદી નાનજી વશરામ અને તેમની પત્ની કાંતુ નાનજીને ને મૂઢ માર મારી ને ખેતરમાં ગેરકાયદેસર ભેલાણ કરીને મકાઈનો સમગ્ર પાક ખેંચી નાંખ્યો છે.. ફરિયાદીના જણાવ્યા અનુસાર હરજી એ તેની પત્નીએ અને તેની બહેને.. નાનજી અને કાંતુને જાન થી મારી નાંખવાની ધમકી આપી છે..જમીન પડાવી લેવાનો ઈરાદો છે.. વારંવાર ધમકી આપે છે તેમ છતાં પોતાનો મોટો ભાઈ હોય નાનજી બધું જતું કરતો હતો..પણ હવે સહન ના થવાથી અને જીવનું જોખમ હોવાથી નાનજી એ સરકાર માં બાપ સમક્ષ રક્ષણ માંગે છે.. આથી આરોપી હરજી વશરામ .. નબુ વશરામ ,, અને મધુ ની ભારતીય દંડ સંહિતા કલમ ….. ફલાણી ફલાણી અન્વયે આજ રોજ પંચ રોજકામ કરીને ઘટના સ્થળેથી ધરપકડ કરવા માં આવે છે!!!”
એક જીપમાં આરોપીને નાંખ્યા અને એક જીપમાં ફરિયાદી ને લઇ ને બે ય જીપ ધુમાડા ના ગોટે ગોટા કાઢતી પોલીસ સ્ટેશન તરફ રવાના થઇ… ગામ આખામાં હોહા થઇ ગઈ.

પોલીસ સ્ટેશન નજીકના ગામમાં જ હતું. ત્યાં આવીને જીપ ઉભી રહી..હજુ કાચું કામ જ થયું હતું. પાકી એફ આઈ આર બાકી હતી.. પોલીસ સ્ટેશનના સીનીયર જમાદાર હકુભા હજુ બહાર થી આવ્યા જ હતા. એક કેસમાં તે આરોપીને લઈને બીજા જીલ્લાની કોર્ટમાં ગયા હતા.. રાતે જ્યારે મામલો બન્યો અને ફરિયાદ થઇ ત્યારે હકુભા હાજર નહોતા પણ જ્યારે આ બધું ધામચડું આવ્યું ત્યારે એ ડ્યુટી પર હાજર હતા.. પીએસઆઈ પટેલને કીધું.

“સાહેબ તમે ઉતાવળ ના કરતા.. આ કુટુંબની આખી છઠ્ઠી હું જાણું છું.. પેલા મને વાત નો તાગ જાણી લેવા દેજો” કહીને હકુભા નાનજી ને મળ્યા અને પૂછ્યું.

“નાનજી આ શું ખેલ માંડ્યા છે?? ” નાનજી એ બધી જ વાત કરી. હકુભા એ સાંભળી.. હરજી અને એની વહુ અને એની બહેન એક બાજુ ઉભા હતા.. બધી જ વાત સાંભળીને હકુભા એ થોડો વિચાર કરીને પછી એક જોરદાર તમાચો નાનજી ના ગાલ પર ઝીંક્યો!! સહુ સ્તબ્ધ બની ગયા.

“કોડા શરમ નથી આવતી રામ જેવા ભાઈ પર આમ કેસ કરતા..!! તારી આ બે બદામ ની બાયડીની બોલમાં આવી જઈને બે ડોડા માટે કેસ કરતા શરમ નથી આવતી..!! બુદ્ધિના જામ..!! તને ખબર છે કે તારા આ ભાઈ એ તારા માટે શું કર્યું છે..?? એણે તો મને એ વખતે જ ના પાડી હતી કે કોઈને આ વાત કરશોમાં પણ હવે નેવાના પાણી મોભે ચડ્યા છે એટલે મારે વાત કરવી જ પડશે..!! યાદ છે ને તારા ભાગીયાની બાઈડી એ તારી પર ખોટું આળ નાંખ્યું હતું અને બે લાખ માંગ્યા હતા સમાધાનના.. પણ તે અને તારી આ બાયડીએ એક રૂપિયો આપવાની ના પાડી હતી. વહેલી સવારે આ તારો મોટો ભાઈ હરજી એના છોકરાની ફી ભરવા માટે જીલ્લા માં ભરવા જતો હતો. આ બસ સ્ટેન્ડ પર ઉતરીને એ મારી ઘરે આવ્યો અને મને કહે હકુભા મારા ભાઈને બચાવી લ્યો.. મારા આતાને મેં વચન આપ્યું છે કે નાનજી ને હું કઈ નહિ થવા દઉં. મેં એને બધી જ વાત કરી કે બાઈ મક્કમ છે. પુરાવા એના વિરુદ્ધ છે.. બે લાખ માંગે છે.. હરજી એ પેલા દોઢ લાખ આપીને કહ્યું. આ અત્યારે દોઢ લાખ આપું છું..મહિના પછી વેંત થશે એટલે પચાસ આપી જઈશ.. મારા છોકરાને સાયન્સમાં ભણાવવાનો હતો..પણ હવે એ ભલે કોમર્સનું ભણે.. મારો ભાઈ આજે જ છૂટવો જોઈએ… મારે ભાઈ પહેલા છોકરા પછી..!!! મારા આતાને દુખ થાય એવું નહિ થવા દઉં.. હું તો જોઈ જ રહ્યો કે એક ભાઈ પોતાના છોકરાનું ભણતર બગાડીને પોતાના નાલાયક ભાઈને બચાવી રહ્યો હતો. મેં હરજી ને કીધું કે અમે પોલીસવાળા કોઈના પૈસા ના મુકીએ..પણ આમાંથી એક ફદિયુંય અમે નહિ લઈએ!! આ દોઢમાં જ એ લોકોનું પતી જાશે..!! જા હરજી તારા ભાઈને કશું જ નહિ થાય.. અને પછી મેં એ બાઈને એના ધણીને પૈસા આપીને રવાના કરી દીધા!! તું શું એમ માન છો કે તને મેલડી એ અને બાયડીએ બચાવ્યો!!!?? તારી બાયડીને એ વળ હોયને તો કાઢી નાંખજે…!! કે જયારે ભીંસ પડે ને ત્યારે ભાયું જ કામ માં આવે..!! તારા ઘરમાં છે ને એવી બાયું કામમાં ના આવે !! તારામાં શરમ જેવી જાત છે કે નહિ આ સગા ભાઈ ભાભી અને બેનને જેલમાં નાંખવા ઉભો થયો છો..!! તારા જેવા જન્મીને વળી જતા હોયને તો પણ સારું!! ક્યાં આ રામ જેવો ભાઈ અને ક્યા નપાવટ!! “ હકુભા બોલતા બોલતા ધ્રુજી રહ્યા હતા અને વળી જે દાઝ ચડીને તે પાછી એક નાનજી ધોલ ઠોકી દીધી અને હરજી આગળ આવ્યો!!

“હકુભા હાથ જોડું તમારી આગળ એને મારશો નહિ.. એ નાનપણમાં પડી ગયો હતો મગજમાં થોડી તકલીફ છે.. એને ઘણી વાર સારા નરસાનું ભાન નથી રહેતું પણ મને તો છે ને..!!! એને જે કરવું હોય એ કરવા દ્યો..પણ ભાઈ સાહેબ એને ના મારશો મારા બાપા એ કીધું હતું કે હરજી નાનજીનું ધ્યાન રાખજે..!! અને હરજી રોઈ પડ્યો!!!
બસ થઇ રહ્યું!! સીધોજ નાનજી હરજીના પગમાં પડ્યો!! અને હરજીએ નાનજીને બાથમાં લીધો!! વશરામ આતાનું લોહી વરસો પછી ભેટી પડ્યું!! હવે કેસનો તો સવાલ જ નહોતો!! કાંતુનું મોઢું શરમને લીધે લાલચોળ થઇ ગયું હતું.. શું બોલવું એ સુજતુ નહોતું!! છેવટે મધુ બોલી..

“તમે બે ય ભાભીઓ બધું જ ભૂલી જાવ.. ફરીથી સાથે રહેવા મંડો!! તમે બેય ભાઈઓ મારા માટે સરખા છો.. આમાં હું કોઈનો વાંક જોતી નથી.. આ બધો સમયનો ખેલ છે.. અજાણતા ભૂલ થાય એ સ્વાભાવિક છે પણ ભૂલના અહેસાસ પછી પણ ના સુધરવું એ નાલાયકી છે.. માટે હવે સહુ એક થઈને રહો!! કાંતુ એ એના જેઠ જેઠાણીની માફી માંગી!!
લીઓ ટોલ્સટોયનું એક વાક્ય છે દરેક માણસમાં સુર શક્તિ અને આસુરી શક્તિ રહેલી છે પછી તમે જેને પાળી પોષીને મોટી કરીને એ શક્તિ તમારામાં ભભૂકી ઉઠે છે..!! તમે તમારામાં રહેલી કઈ શક્તિને વધુ પંપાળો છો એના આધારે તમારું વ્યક્તિત્વ ઘડાય છે!!

લેખક:- મુકેશ સોજીત્રા
૪૨ , હાશ શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ ઢસા ગામ, તા .ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.