મુકેશ સોજીત્રા લેખકની કલમે

જીવનનો દૃષ્ટિકોણ બદલાઈ જશે માત્ર વાંચવાથી જ, એવી અદભૂત વાર્તા લખાઈ છે લેખકની કલમે !!

સહુથી મોટું અને સાચું દાન”

ગામમાં વાયુવેગે વાત ફેલાઈ ગઈ કે પરશોતમ નથુનો સહુથી મોટો છોકરો વિવેક અમેરિકાથી આ દિવાળી વખતે આવવાનો છે. આમેય ગામમાં અમેરિકાનું ખુબ જ માન હતું. ગામને મન અમેરિકા એટલે જાણે સ્વર્ગ જ જોઈ લ્યો..!! ગામ હતું એક તો ડુંગરાળ વિસ્તારમાં. નિશાળે માસ્તર સિવાય ગામમાંથી કોઈ એ વખતે જાતું નહિ. એવામાં પરશોતમ ભાઈએ એના મોટા દીકરાને ગામમાં સાત સુધી ભણાવ્યો.અને પછી આઠમા ધોરણ થી એને વલ્લભ વિદ્યા નગર માં મૂકી દીધો તે છેક બારમાં સુધી એ વિદ્યાનગર ભણ્યો. અને બારમાં ધોરણનું પરિણામ માં વિવેકનો ફોટો છાપામાં આવ્યો એટલો એ હોંશિયાર હતો.પછી પાંચ વરસ સુધી એ છોકરો ડોકટરનું ભણ્યો સુરતમાં અને પછી બે વરસ પછી એ સીધો અમરિકા જતો રહ્યો.

સુરતની એક છોકરી સાથે એણે અમેરિકામાં જ લગ્ન કરી લીધા હતા. એ અમેરિકા ગયો એ ગયો.. તે હવે પંદર વરસે છેક છ મહિના માટે પોતાના ગામમાં આવી રહ્યો હતો. આખું ગામ હિલોળે ચડ્યું હતું..!!

વિવેકની સારથના જેટલા હતા એ બધાય એના છોકરાને કહેતા કે ડોકટર વિવેક અને હું સાથે ભણતા એ મારો પાકો ભાઈ બંધ હતો. ભણવામાં ખુબ જ હોંશિયાર એણે ધ્યાન રાખ્યું ભણવામાં અને અમે ધ્યાન રાખ્યું રમવામાં.. એ અમેરિકા જતો રહ્યો..ત્યાં એને બે મોટી હોસ્પિટલ છે એની નીચે વીસ તો અમેરિકાના ધોળિયા ડોકટર નોકરી કરે છે..!! બાર બાદશાહી છે એને.. કેલીફોર્નીયામાં એક બંગલો છે..એક મોટું મકાન લોન્સ એન્જલસમાં છે..અમેરિકામાં જેટલા મોટા શહેર છે ત્યાં ત્યાં વિવેકનું મકાન છે!! ગામ અત્યારે વિવેકના બે મોઢે વખાણ કરતુ હતું કારણ કે એ અમેરિકામાંથી કમાઈ ને આવતો હતો અને હવે છ મહિના માટે વતનમાં રહીને ગામમાં પૈસા વાપરવાનો હતો..!!

આજ ગામ હતું અને આજ ભાભલા હતા જે દસ વરસ પહેલા વિવેકની વાટતા હતા એ પણ બે મોઢે!!વાત જાણે એમ હતી કે વિવેકના નાના ભાઈ બહેનના લગ્ન હતા. અને વિવેક આવી શક્યો નહોતો. વિવેકે ફોન પર એના પિતાજીને કહ્યું હતું કે. “બાપુજી મારે કે સ્મિતાને નીકળાય એમ નથી.અહી હોસ્પીટલનું બાંધકામ ચાલે છે.પંદર દિવસ અમે નીકળીએ અહીંથી તો બધું પડી ભાંગે એમ છે. એના કરતા તમે ત્યાં ભાઈ બહેનના લગ્ન પતાવી દ્યો. હું અને સ્મિતા આવીએ ત્યાં અને જે ટિકિટ ભાડું થાય એટલામાં તો તમારે ખર્ચ નીકળી જાય” ફોન પર વિવેકે પોતાના ભાઈ અને બહેનને શુભેચ્છા પાઠવી દીધી અને વીસ હજાર ડોલર મોકલી દીધા હતા. એ વીસ હજાર ડોલરના એ સમયના ભાવ મુજબ અગિયાર લાખ થયા હતા. લગ્નનો ખરચ કાઢતા પણ પરશોતમ નથુને પૈસા વધ્યા હતા. પરશોતમ નથુના દીકરા દીકરીના લગ્ન પ્રસંગે ગામે ઉભા ગળે ખાધું અને તોય ભાભલાઓ વાત ચગાવતા.

“ઘરે પ્રસંગ હોય તો માણસ શોભે સગું વ્હાલું શોભે.. કઈ પૈસા શોભે.. માની લઈએ કે વિવેકે અગિયાર લાખ મોકલ્યા એના કરતા એ આવી ગયો હોત ઘડી બે ઘડી તો નયા અમેરિકામાં શું ભડાકો થઇ જવાનો હતો??” કરમશી આતા બોલ્યા તો ટપુ દા એ ટાપશી પુરાવી.

“તારી વાત સાચી હો કરમશી એટલે જ ભોથીયા ના છોકરાને મેં નિશાળે થી ઉઠાડી લીધા ન કરે નારાયણ ને એ છોકરા ભણી ગણીને અમેરિકા વહ્યા જાય અને પછી આહી કુટુંબના લગ્નમાં નો આવે તો કેવું ભૂંડું લાગે” જેવી ટપુ દા વાત કરી એટલે જેઠા બાપા બોલ્યા.“ટપુ તું એ ગપ ગોળા રહેવા જ દેજે તારા ભોથીયા ના છોકરા ને આખું ગામ ઓળખે એ અવેડાના ડાટા કાઢે એવા છે એ ગમે એટલું ભણે પણ દામનગર નો વટી શકે એટલે આ ભવમાં તું અને તારું ખાનદાન અમેરિકાનું તો નાહી જ નાખશો. બાપ ગોતરમાં તે ભાવનગર નથી જોયું ને અમેરિકાનો દીકરો થાશ” જેઠા બાપા બોલે એટલે બધા મૂંગા મંતર થઇ જાય!!

પણ જ્યારથી પરશોતમ ઉપર ફોન આવ્યો વિવેકનો અને કીધું કે બાપા દિવાળી ઉપર ફેમેલી સાથે આવું છું અને છ મહિના રોકાઈશ હવે ઘણું કમાઈ લીધું છે.ગામના વિકાસ માટે સાથે મળીને કામ કરવા છે ત્યારથી ગામનો સુર બદલાઈ ગયો હતો.. વિવેકનો ફોન સરપંચ પર પણ આવ્યો હતો.. નિશાળના આચાર્ય પર આવ્યો હતો કે નિશાળમાં કેટલા છોકરા છે.. જે કાઈ ઘટતું હોય એની યાદી કરી વાળજો. હું બધું જ બનાવી દઈશ!! બસ ત્યારથી ગામ આખું ચકરાવે ચડ્યું હતું અને નોરતા પછી તો બસ ગામમાં અમેરિકાની વાત જ થતી હતી..!!

દિવાળી આડે પાંચ દિવસ હતા અને વિવેક એમી પત્ની શ્વેતા સાથે અમેરિકાથી પધાર્યો સાથે એક આઠ વરસનો છોકરો અને છ વરસની છોકરી હતી. ગામના પાદરેથી જ વિવેકનું સ્વાગત થયું. વિવેકની પત્ની શ્વેતા સાડીમાં સજ્જ હતી અને સાસુ સસરાને પગે લાગીને ગામની મોટી સ્ત્રીઓને પણ પગે લાગી. વિવેક પણ બધાને પગે પડ્યો. વાજતે ગાજતે વરસો પછી વિવેકે માતૃભુમી પર પગ મુક્યો હતો.બસ પછી તો ચાર જ દિવસમાં વિવેક આખા ગામમાં ઘૂમી વળ્યો. પ્રાથમિક શાળામાં બધા જ બાળકોને જોઈતી વસ્તુ લાવી આપી.ગામના બધે જ ઘરે વિવેક એની પત્ની શ્વેતા સાથે જઈ આવ્યો. બધા જ માટે એ ભેટ સોગાદો લાવ્યો હતો.. !!

બેસતા વરસે પરશોતમભાઈનું ફળિયું ટૂંકું પડ્યું હતું..!! ગામ આખાના વડીલો પરશોતમ ભાઈને ત્યાં ભેગા થયા હતા.. આજ વિવેક ગામ વિકાસની જાહેરાત કરવાનો હતો.. બધા મનમાં ખુશ હતા કે હવે ગામના ભાગ્ય ખુલી ગયા છે.. બધાને નાસ્તામાં કાજુકતરી આપવામાં આવી.. અમુકે તો પેલી વાર કાજુ કતરી જોઈ..અમુક ભાભા તો આકાર જોઇને જ ગોટે ચડ્યા.આને વળી લેમ ખવાતું હશે?? છે તો ચાર ખૂણાનું ચોકઠું જ પણ આ ત્રિકોણુયુ કેમ હશે?? બીજા એ કાજુ કતરી ખાધી પછી જ ભાભલા એ ખાધી. વિવેકે ઉભા થઈને કહ્યું.

ગામના સન્માનનીય આગેવાનો માતાઓ અને ભાઈઓ!!“મેં આ પાંચેક દિવસમાં બધો તાગ કાઢી લીધો છે. નિશાળમાં ત્રણ રૂમ મારા તરફથી બનાવી દેવામાં આવશે.. પાંચ હજાર પુસ્તકો આવશે એ નિશાળમાં રાખવામાં આવશે..બાળકો પણ વાંચશે અને જો કોઈ ગામના મોટેરાઓને વાંચવાના હોય તો પણ મળશે.. આંગણ વાડી માટે પણ સારું મકાન બનાવી દઈશ.. આંગણ વાડી પાસે અસંખ્ય ઉકરડા છે અસંખ્ય મચ્છરો છે . આજે બેસતું વરસ છે આજે આપણે આ સ્નેહમિલન પૂરું થાય પછી સાગમટે અહીંથી પાવડા તગારા લઈને જાવાનું છે અને આંગણ વાડી આજુબાજુ જે ગંદકી છે એ સફાઈ કરવાની છે.. એ ગંદકી તો બે મજૂર કરીએ તો પણ સાફ થઇ જાય પણ એવું નથી કરવું.આપણા ગામડામાં રીવાજ છે કે બેસતા વરસને દિવસે તમે જે કામ કરો એ આખું વરસ કરતા રહો એટલે મને થયું કે ચાલો બેસતા વરસના દિવસે આપણે ગામની ગંદકી સાફ કરીએ એટલે આખું વરસ ગામ ચોખ્ખું ચણાક રહે!! બરાબર ને??”

અમુકે હા પાડી અમુક બોલ્યા નહિ..અમુકને તો આ જરાય ના ગમ્યું પણ જાય ક્યાં?? જાહેરમાં કોઈ બોલી જ ના શક્યા. વિવેકે આગળ ચલાવ્યું.

“ગામમાં એક જાહેર વાડી બનાવવાની છે એ વાડીનો તમામ ખર્ચ હું ભોગવવાનો છું.ગામની કોઈ પણ જ્ઞાતિનો પ્રસંગ હોય એ વાડીમાં રાખી શકાશે.. વાડીના નિભાવ ખર્ચ માટે મામૂલી ફી રાખવામાં આવશે. બોલો આ સિવાય બીજું કોઈ કામ હોય તો કહો.

“આપણા માતાજીનો મઢ પડું પડું થઇ રહ્યો છે એ નવો બનાવવો પડે એમ છે” એક યુવાન બોલ્યો.

“એમાં હું પૈસા નહિ આપું.. એ આપણા કુટુંબના સભ્યો અને મારા બાપા બધા ભેગા થઈને જે ફાળો કરો એમાંથી કરી નાખજો, હવે બીજું કાઈ”??

“આજુ બાજુના દરેક ગામમાં સમૂહ લગ્ન થાય છે..આ વખતે આ શિયાળામાં આપણા ગામમાંથી લગભગ ચાલીશેક દીકરા દીકરીઓ પરણવાના છે તો સમૂહ લગ્ન ગોઠવાય એમ છે એ જો કરવા હોય તો”ગામનો એક યુવાન બોલ્યો.“વિચાર સારો છે પણ સમૂહ લગ્નમાં પણ દેખાદેખી વધી ગઈ છે..એમાં પણ ખોટા ખર્ચા થાય છે.સમૂહ લગ્ન કરવા હોય તો હું એમાં ૨૫ લાખ આપીશ.. જમણવાર નહિ થાય..નાસ્તો જ કરવાનો રહેશે એ દિવસે.. પછી ઘરે કોઈ જમણવાર નહિ ગોઠવી શકે… કન્યાને તમામ વસ્તુઓ જે જરૂરી હશે એ આપણે આપીશું..આ સમૂહ લગ્ન કોઈ જ્ઞાતિ પૂરતા સીમિત નહિ હોય..ગામની તમામ જ્ઞાતિઓ સામેલ થઇ શકશે.. કોઈને એમ થાય કે અમારે પણ આમાં કૈંક દેવું છે તો પણ છૂટ છે ના દેવું હોય તો પણ છૂટ છે..!! હું બધું ભોગવી લઈશ પણ કોઈને એમ ના થવું જોઈએ કે અમારી પાસે કાઈ લીધું નહિ”

આ વિચાર પણ ગમી ગયો અને નક્કી થયું કે સમૂહ લગ્ન માટે કોઈની પાસે માંગવા જવું નહિ જેને આપવું હોય એ શાળાના શિક્ષકો પાસે આપી જાય .શિક્ષકો પાસે એનો હિસાબ રહેશે ગામના કોઈ પાસે નહિ એટલે ખોટો વાદ વિવાદ ના થાય. અને સમૂહ લગ્નમાં નિયમો નક્કી થયા. સમૂહ લગ્નમાં કોને કોને બોલાવવા એ પ્રશ્ન આવી પડ્યો. ત્યાં પણ વિવેકે સોઈ ઝાટકીને કઈ દીધું.

“કોને બોલાવવા એ પ્રશ્ન જ નથી.. ગામના તમામ લોકો હશે..તમામ એટલે તમામ.. સ્ટેજ બનાવવાનું જ નહિ અથવા નાનકડું બનાવવાનું ત્યાં ફક્ત બે જ લોકો ઉભા રહી શકે એ પણ સુચના આપવા માટે.. બીજું કોઈ પણ વ્યક્તિને બહારથી બોલાવવાની જ નથી.. એનું શું કામ છે ભાઈ?? આગેવાન તો બિલકુલ નહિ… રાજકારણી , ધારાસભ્ય , સંસદ સભ્ય, કે કોઈ જીલ્લા તાલુકાના સભ્યો ને પણ નહીં એને ઘણા બધા બીજા કામ હોય એટલે આપણે એનો પણ સમય નહિ બગાડીએ!! આપણે અને આપણા ગામના યુવાનો પૂરતા છીએ!! બોલો આમાં બીજા કોઈને પ્રશ્ન હોય તો કયો???”

“રામ મઢી વાળા બાપુ અને ખારા વાળા બ્રહ્મચારી બાપુ ને બોલાવીશું એ સારું એવું બોલે છે અને આશીર્વાદ પણ સારા આપે છે” એક ભાભા બોલ્યા.

“ના એમનું લગ્ન જીવનમાં શું કામ ?? એ લોકો એ તો સંસાર જ ત્યાગી દીધો છે પછી શા માટે આ દુન્યવી અને નકામાં સંસારજીવનમાં પાછા બોલાવવા..!! એવું પાપ કર્મ આપણાથી ના થઇ શકે?? અને રહી વાત આશીર્વાદની તો બધા પોત પોતાના માં બાપને પગે લાગી લ્યો એમાં બધું જ આવી ગયું ને.!! જેનો વિષય જ નથી આ લગ્ન વિધિ અને સંસાર જીવન એવા લોકો ને બોલાવીને શું કરીશું!! એ લોકો પોતાની ભક્તિમાં ભલે લીન રહે બાકી આપણે આહી એમને બોલાવવા નથી ભાઈ!!! તમે સમજો બધા હું તમને એક વાત કહું કે મોઈ દાંડિયા માં પારંગત હોય એને તમે ક્રિકેટની રમતમાં ઉતારો તો શું થાય?? એ રમી શકે?? એમ જે લોકો પહેલેથી જ બ્રહ્મચર્ય પાલન કરે છે.. બ્રહમ જ્ઞાન માટે મથે છે એને એના રસ્તે જવા દો.. અહી બોલાવીને આપણે ખોટો એમનો કીમતી સમય બરબાદ નથી કરવો”!! થોડો ગણગણાટ થયો પછી શાંતિ થઇ ગઈ!!

અને દેવ દિવાળી ગયા પછી સમૂહ લગ્નનું આયોજન બહુ ઝડપથી ચાલ્યું. સાદી કંકોતરીઓ છાપવા માં આવી તેમાં ફક્ત જેમના લગ્ન થવાના હતા એવા દીકરા દીકરીઓના નામ હતા..વાર તારીખ અને સમય..નિમંત્રક માં સમસ્ત ગામ સમાજ એવું જ લખેલું હતું. બધાને નવાઈ લાગી અને આનંદ પણ થયો.. સમૂહ લગ્નમાં પણ ખુબ સાદાઈ પૂર્વક નું આયોજન કરવામાં આવી રહ્યું હતું.

શાળાના શિક્ષકો પાસે હવે ગામના લોકો ઉભરાવા લાગ્યા. બધાને દાન દેવાની ઈચ્છા થઇ આવી. એક શુભ પ્રસંગમાં ભાગીદાર થવા સહુ તત્પર હતા.. ગામનું એક પણ ખોરડું દાન દીધા વગરનું નો હતું. અરે ગામની ક્યાં વાત જે ભાગિયા હતા વાડીમાં એ પણ અમુક યથા શક્તિ ફાળો લખાવી ગયા. વળી ફાળો હતો માસ્તરો પાસે એટલે લેખે જ વપરાવાનો હતો એની સહુને હૈયા સુધી ધરપત હતી.!!

રામ મઢી વાળા બાપુ અને ખારા વાળા બ્રહ્મચારી બાપુને જરાય ના ગમ્યું.ગામમાં આવડો મોટો કાર્યક્રમ હોય અને બનેને આમંત્રણ ના હોય એ થોડું કઠયું પણ ખરું.. બ્રહ્મચારી બાપુએ કીધું પણ ખરું કે

“આયોજક ક ધનોત પનોત નીકલ જાયેગા.. સંસારમે ઉસે કહી ભી સુખ નહિ મિલેગા” પણ પછી જાણ્યું આયોજક ભારતમાં રહેવાનો નથી એ તો છ મહિના પુરતો જ ભારત આવ્યો છે પાછો અમેરિકા ચાલ્યો જવાનો છે એટલે બાપુએ ફેરવી તોળ્યું.

“ અમેરિકા અસુરો કા દેશ હૈ.. ભારત સુરા શુરા ઔર સેવાભાવી કા દેશ હૈ.. ભારત સે ઉલટા વહા હૈ.. યહાં દિન હૈ તો વહા રાત હૈ.. વહા સંપતિ હૈ યહા હમારે જેસા સાધુ હૈ.. વહા વિકૃતિ હૈ યહા સંસ્કૃતિ હૈ..દોનોકે બીચમે બેચારી પ્રકૃતિ ખડી હૈ !! વો આયોજક વહા રહકર અસુર બન ગયા હૈ,, હાલાંકી અસુરકા કોઈ બિગાડ નહિ શકતા.. ઇસીલિયે વો પાવર મે હૈ.. અમેરિકા સબકો ડરાતા હૈ ઇનકા કારણ વહા અસુર રહતે હૈ …મુજે માલુમ થા કી યહ કારનામાં કોઈ નાસ્તિક હી કર સકતા હૈ” બાપુનો બાટલો ફાટ્યો હતો એટલે આડા અવળું રાપલવા મંડ્યા હતા.. પણ સમુહલગ્નના દિવસે બાપુને જમવાનું પહોંચી જશે એવું આશ્વાસન આપવામાં આવ્યું એટલે બાપુ વળી ટાઢા પડી ગયા અને બોલ્યા.
“મેં યહાંસે આશીર્વાદ દે દુંગા..અગર મુજે આમંત્રણ દિયા હોતા તો ભી મેં વહા નહિ આતા જહા અસુર કા વાસ હોતા હૈ વહા હમ કતઈ નહિ જાતે.”સમૂહ લગ્નનો દિવસ આવી ગયો.ગામલોકોની મહેનત રંગ લાવી હતી. સાવ સાદાઈ થી તમામ લગ્ન વિધિ બે વાગ્યા સુધીમાં પતી ગઈ હતી.. ના ભાષણ બાજી..ના ખોટા ધૂમ ધડાકા.. ના માખણ ના પંપ લગાવવા પડ્યા કે ના પામર જીવોને કોઈ પરમ આત્મા નું પ્રવચન સાંભળવું પડ્યું.. ના કોઈ હાર કે સ્વાગત વિધિ સહુ ભારતીય બેઠકમાં બિરાજમાન હતા. બસ એક વ્યક્તિ એનાઉન્સમેન્ટ કરી રહી હતી. બધું જ પૂરું થયું ત્યારે વિવેક ઉભો થયો અને માઈક હાથમાં લીધું.

“ઘણો બધો સમય વીતી ગયો છે.. કન્યાઓને વિદાય આપવાનો સમય આવી પહોંચ્યો છે. એ પહેલા હું આજના ખર્ચ અંગેનો હિસાબ આપી દઉં.. આખા ગામમાંથી ફાળો આવ્યો છે. સહુની શક્તિ અને શ્રદ્ધા મુજબ વગર માંગ્યે સહુએ આપ્યું છે. આ પરમાત્મા ની કૃપા કહેવાય બાકી મને સાંભરે છે કે હું જયારે નાનો હતો અને ભણતો હતો ત્યારે કોઈ માંગણ આ ગામમાં એક જ વાર આવે પછી બીજી વાર કોઈ દિવસ ના આવે. પણ આ ભગવાનની કૃપા કહેવાય અને એમની કૃપા જ સાચી છે..મને હજુ એક દોહો યાદ આવે છે જે શાળામાં એક સાહેબ કહેતા હતા..

“મથ્યા કરે માનવી તો વીઘો માંડ પવાય , પણ જો કૃપા થાય પરમાત્માની તો નવ ખંડ લીલો થાય”

આપ સહુના દિલમાં પરમાત્મા વસ્યા છે એટલે તમામ ખર્ચ બાદ કરતા મેં આપેલા ૨૫ લાખ રૂપિયા એમને એમ જ પડ્યા રહે છે.. હવે એ પૈસા બેંકમાં મુકવામાં આવશે.. અહીંથી જે નવ દંપતી પરણીને જાય છે એનું પહેલું સંતાન જો દીકરી હશે તો એ પૈસાના વ્યાજમાંથી એ દીકરીના ભણતરનો તમામ ખર્ચ ભોગવવામાં આવશે.. ભવિષ્યમાં પૈસા કદાચ ખૂટે તો હું નાંખીશ એના માટે ફાળો નહિ કરવો પડે” વિવેકે ભાષણ પૂરું કર્યું અને તાળીઓનો ગડગડાટ થયો. સરપંચ ઉભા થઈને પહેલી વાર માઈક હાથમાં લીધું અને બોલ્યાં.

“તમને બધાને નવાઈ લાગી હશે ને કે હું કોઈ દિવસ ક્યાય માઈકમાં બોલતો નથી પણ આજ મારે બોલવું છે.. આજ મને કહેવા દયો.. આજ મારે કહેવું છે…!! વિવેક ભાઈનો આભાર.. ખુબ ખુબ આભાર.. વિવેકભાઈ ની ક્ષમા માંગુ છું અને એક નિયમ તોડું છું ફક્ત એક જ વાર.. અહી આપણે નિયમ કર્યો હતો ને કે કોઈનું સન્માન નહિ કે કોઈની વાહ વાહ નહિ પણ આજે હું આ ગામના સરપંચ તરીકે હું વિવેક ભાઈ નું શાલ ઓઢાડીને સન્માન કરવા માંગું છું..એણે ગામને નિશાળને આ સમૂહ લગ્નમાં ઘણું આપ્યું છે..હું વિનતી કરું એમને કે મારું સન્માન સ્વીકારે અને હું એનાથી વડીલ છું એટલે મારું આટલું માન તો રાખશે જ” સહુ ફરીથી તાળીઓ વગાડવા લાગ્યા. વિવેક થોડી આનાકાની કરી પણ લાગ્યું કે સરપંચ હવે માનશે જ નહીં એટલે એણે માઈક હાથમાં લીધું અને કહ્યું.

“ સન્માન કરવું જ હોય તો હું એક વ્યક્તિને ઉભી કરું છું એનું સન્માન કરો એટલે એમાં બધું જ આવી ગયું” સહુ સહમત થયા અને વિવેકે પોતાની વાત રજુ કરી.

“ બેનોની છેલ્લી લાઈનમાં બેઠેલા શાંતુ માં ને અહી લાવો.. શાંતુ માં નું મારે સન્માન કરવું છે” સહુ નવાઈ પામી ગયા.. શાંતુ માં ને પણ કઈ સમજણ ના પડી. પણ છેવટે એને સ્ટેજ પર લાવવામાં આવ્યા. સરપંચે એમને શાલ ઓઢાડી અને હાથમાં એક પુષ્પનો ગુચ્છો આપ્યો અને શાંતુમાને માનપૂર્વક આગળ બેસાડયા. વિવેકે આગળ ચલાવ્યું.“ ખરેખર આ ગામમાં સન્માન ને પાત્ર જો કોઈ હોય તો આ શાંતુ માં છે…. ઘણા સમય પહેલા એમના પતિ અવસાન પામ્યા.. છ દીકરીઓ શાંતુ માં એ ઉછેરી…. દીકરો તો માડીને છે નહિ.. એ વખતે પણ એ નિશાળ પાસે બેસતા અને વસ્તુ વહેંચતા આજે પણ એ નિશાળ પાસે બેસે છે.. બાકીના સમયમાં થોડી જમીન છે એ ખેડી ખાય છે.. કાચું મકાન વરસોથી છે.. પોતે જાત મહેનતથી રળીને છ દીકરીઓ પરણાવી..અને એની ખુમારી તો જુઓ પંડ્ય પર સારો સાડલો જીવનભર નથી પહેર્યો પણ આ સમૂહ લગ્નમાં એણે પાંચ હજાર રૂપિયા લખાવ્યા છે..!! કાલ રાતે હું ગામના ફાળાની યાદી વાંચતો હતો અને મને નવાઈ લાગી.. કે આ શાંતુમાં ને દીકરી પ્રત્યે કેટલી લાગણી..!! આ યુગમાં ભણેલા લોકોના ઘરમાં દીકરીઓ ભાગ્યેજ જોવા મળે છે.. આપણા ઘરમાં એક દીકરી પણ નથી પોસાતી… અહી બેઠેલા માં છે કોઈ એવા કે જેમને પહેલા ખોળાનો દીકરો હોય અને ત્રીજા ખોળે દીકરી જન્મી હોય!! કોઈ નથીને?? ના જ હોય!! અને આ અભણ શાંતુ માં છ છ દીકરીઓને ઉછેરીને મોટી કરવી અને પરણાવવી.. એ કોઈ જેવી તેવી વાત નથી..!! બે દિવસ પહેલા હું એમના ઘરે ગયેલ. આમ તો ગામમાં હું બધાના ઘરે ગયો પણ કોઈની ચા પીધી નથી પણ શાંતુમાંની ચા પીધી. આજે પણ એ સખત મહેનત કરે છે પૈસા બચાવે છે અને પોતાની જરૂરિયાત વાળી દીકરીને મોકલે છે..કોઈ ફરિયાદ નથી એના જીવનમાં કે એણે કદી કોઈની પાસે માંગ્યું નથી. બધી દીકરીઓને સાત સુધી ભણાવી છે..

અને એવી કેળવણી આપી કે એક પણ દીકરીની ફરિયાદ ક્યારેય આવી નથી…!! બસ એમનું જે આ પાંચ હજારનું દાન છે ને એ સહુથી મોટું અને શ્રેષ્ઠ દાન છે. અમારા તો લાખો રૂપિયાના દાન હોય પણ એ પૈસા સો ટકા પરસેવાના ના હોય..ઘણુય કાળું ધોળું અને આડા અવળું કર્યું હોય.. પરસેવાના પૈસાનું દાન હમેશા ઓછું હોય પણ એમની તાકાત જબરદસ્ત હોય છે.. આજનો જે કાર્યક્રમ જે સારો ગયો અને તમારા મોઢા પર જે ખુશી છે એનું એક જ કારણ છે કે તમારા પરસેવાના પૈસા આમાં વપરાયા છે!! બસ આટલું કહીને હું વિરમું છું””!! તાળીઓનો ગડગડાટ થયો..!!

પરસેવાના પૈસાથી તમે જયારે કોઈને મદદ કરો છો ત્યારે તમારી એ મદદની સુગંધ ચોમેર ફેલાતી હોય છે!! આત્માને એક અજબ આનંદની અનુભૂતિ થતી હોય છે!!!

લેખક :- મુકેશ સોજીત્રા શિક્ષક

૪૨, ‘હાશ’ શિવમ પાર્ક સોસાયટી. સ્ટેશન રોડ,મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.