દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લવ-સ્ટોરી લેખકની કલમે વૈવાહિક-જીવન

રૂપિયો અને નાળિયેર – આજે એક દીકરાએ રૂપ નહી પણ ગુણ અને કુલ જોઈને પોતાના જીવનસાથીની પસંદગી કરી ને પોતાના મા -બાપને પણ સમજાવ્યું મહત્વ વહુનું….આવા દીકરા ભાગ્યે જ જોવા મળે છે આજના જમાનામાં ….વાંચો અદભૂત છે આ વાર્તા ….

રૂપિયો અને નાળીયેર

“ આપણા વિવેકનું હવે ગોઠવવું છે. ક્યાંક આછા પાતળું આપણા જેવું ઘર હોય તો કેજો. અત્યારે તો વિવેક અમદાવાદ છે ડબલ કોલેજ કરે છે અને સાથે સાથે પરિક્ષાઓ આપતો જાય છે. આમ તો છ મહિના પહેલા જ તલાટી મંત્રીમાં વારો આવી જાત પણ સહેજ પનો ટૂંકો પડ્યો એમાં છોકરાનો ય વાંક નથી. બે મહિના તો એ તાવમાં બીમાર રહ્યો અને ખરે ટાંકણે જ પરીક્ષા આવી. પરિક્ષાના આગલા દિવસે જ એને બાટલો ચડતો હતો તોય પરીક્ષા તો આપી જ.. જો સાજો હોત ને તો લાગી જ જાત..પણ હવે તો એ રાત દિવસ વાંચવાનું શરુ જ કરી દીધું છે. આમ તો એ કહેતો હતો કે બાપા નોકરીએ ચડું પછી જ સંબંધ ગોતજો.. પણ એની મા ને નથી પોગાતું. આખા દિવસમાં દસ વાર વાત કાઢે કે વિવેક હવે ચોવીસ વરસનો થયો અને બાપ થઈને તમને કાઈ નથી થતું. તમે કેવા બાપ છો કે કાઈ ટેન્શન જ નહિ.. અત્યારથી ગોઠવી દેવાય.. એટલે પછી હુંય કંટાળ્યો અને હવે બધાને ભલામણ કરતો ફરું છું કે આપણે દસ ધોરણ કે બાર ભણેલી છોકરી હોય..એટલે ય હાલશે.. છોકરાને તો નોકરી મળવાની જ છે.. બીજા કોઈ આડા અવળા લખણ નથી. આવનાર દીકરીને કોઈ દુઃખ પડે તો તમારું ખાસડું અને મારું માથું.. તમારા સાળાને ત્રણ દીકરી છે જો કાઈ વાત આગળ હાલે તો હકવજોને અને આમેય તમે અમારા ઘરને ઓળખો જ છોને”

બીડી પીતા પીતા વિવેકના પિતાએ જેઠાલાલ ને કીધું. જેઠાલાલ ઘડીક તો સામું જોઈ રહ્યા. પછી બોલ્યાં.

“હું ધ્યાનમાં રાખીશ કોઈ એવું ઘર હશે કે જેને હીરામાં દીકરી ના દેવી હોય કે કાપડમાં ના દેવી હોય તો.. પણ મારા સાળાની આગળ તમારી વીસ વીઘા જમીન કાઈ ના ગણાય.. હવે એની અપેક્ષા જ ઉંચી છે એટલે બધાને એ ના જ પાડે છે.. હજુ દસ જમણ પહેલા જ બરોડાની એક પાર્ટી આવી હતી. છોકરાનો બાપો બાંધકામનું કરે છે. વાઘોડિયા રોડ પર ત્રણ સાઈટનું કામ હાલે છે તો ય મારા સાળાએ ના પાડી દીધી. બોલો એને દીકરી સુરતમાં જ દેવી છે. બધાય સબંધી સુરતમાં છે એટલે એ મને કહે કે સુરતમાં કોઈ મોટી પાર્ટી ધ્યાનમાં હોય તો કેજો એમાં મારે આ તમારી વાત એને કાને નાંખીને હાંસીને પાત્ર બનવું ને!! ત્રણ વરસ પહેલા જ મેં તમને કીધું હતું જ્યારે તમે નાની દીકરી પરણાવી ત્યારે જ કે આની માટે ઉતાવળ કરોમાં..?? છોકરા માટે રાખો..ક્યાંક જો સામુસામું મેળ પડી જાય તો પડી જાય પણ તમે નો માન્યા તે નો જ માન્યા બે ય દીકરી તમારી પરણી ગઈ. હવે છોકરો વધ્યો અને એ ય પાછો ભણે છે. અને આજકાલ આપડા વાળાને ક્યાં નોકરી મળે છે??? આ મારા બે ય ભણે હુંશિયાર જ હતા પણ આપણે જમાનો પારખી ગયેલા તે આઠ ધોરણ ભણ્યા ત્યાં જ ઉઠાડી લીધા અને વળગાડી લીધા અંગુર કટોરામાં અને પછી બની ગયા મેનેજર!! અને પરણાવી દીધા!! બાકી આજકાલ નોકરી વગરના છોકરી વગરના રહી જાય એ જમાનો છે. રમણલાલે વાત સાંભળી તોય એણે છેડો ના મુક્યો.. ફરીને પાછી ભલામણ કરી દીધી.!!

આમ તો રમણલાલને કાઈ વાંધો નહોતો. વીસ વીઘા જેટલી જમીન. એકનો એક છોકરો હતો. છોકરાથી મોટી બે દીકરી હતી. દીકરી હાડેતી અને રૂપાળીયુ પણ ખરી એટલે એનો સંબંધ ફટ દઈને થઇ ગયો. લગ્ન પણ થઇ ગયા. બે ય જમાઈને સુરતમાં ઘરના મકાન હતા. આમ તો વરસો પહેલા એ બેય જમાઈના બાપા સુરત ગયેલા. બે ય જમાઈનો જન્મ સુરતમાં જ થયેલો. બેય ને પહેલા હીરામાં સારું હતું અને બેય ને અત્યારે કાપડમાં ય સારું છે એમ રમણલાલ કહેતા. હવે પાછળ વધ્યો વિવેક!! બાર ધોરણ બાજુના ગામમાં ભણીને વિવેક કોલેજ કરવા અમદાવાદ ગયો. કોલેજ પૂરી થઈ એટલે મોટી કોલેજમાં ગયો અને હવે પરિક્ષાઓ આપે છે એમ રમણલાલ કહેતા!!

ચોવીસ વરસની ઉમર બહુ મોટી ના કહેવાય!! પણ વિવેકની બા માલતીબેનને બસ એક જ રટ લાગી હતી. બસ જલ્દીથી હવે વિવેકનો સબંધ ગોતી નંખાય.. લગ્ન ભલે ને બે વરસ પછી થાય. એક તો આપણામાં છોકરીયુંની તાણ અને એમાં પાછી ભણે એટલે ચાગલાઈ બહુ કરે. અને જો વિવેક આમને રહી જાય તો મારે કેટલી ઉપાધિ એમ માલતીબેન વિચાર કર્યા કરે!! હમણા હમણા તો લગભગ આખા દિવસમાં બસ સબંધની વાત જ એના મનમાં ઘુસી ગઈ હતી. ગામડા ગામમાં કોઈ સીમંતનો પ્રસંગ હોય ને તો માલતીબેન એ સીમંત માં આવેલી બધી બાયુને પાથીયે પાથીયે તેલ નાંખે એમ સમજાવી સમજાવી ને કહે!!

“જુઓ કંકુબેન મારો વિવેક અમદાવાદ ભણે છે એકદમ સીધી લીટીનો છોકરો. પૂછો આ બાયુને કોઈ દી ઊંચા અવાજે બોલવાપણું જ નહિ. ઉનાળામાં અને દિવાળીએ આવે એટલે ચોપડી લઈને વાડી ભેળો થઇ જાય. નોકરી તો એને મળવાની જ છે.પણ એ પહેલા હવે એનો સબંધ ગોઠવાઈ જાય તો સારું આ પેલી ખુણામાં બેઠી છે એ ઉંચી અને કાંઠાળી મરુન ડ્રેસવાળી છોકરી છે એનું ક્યાય ગોઠવ્યું છે કે નહિ!! એની પડખે લાલ ચણીયા ચોળીમાં છે એ કાઈ નાંખી દીધા જેવી તો નથી. ઉંચી નથી પણ નમણી તો છે!! એ બેયને તમે ઓળખો છો?? તમારા મેમાન છે એટલે તમે ઓળખતા જ હો ને!! જો એનું બાકી હોય ને તો વાત ચલાવીએ.. આ દિવાળી પછી રૂપિયો નાળીયેર આપી દઈએ.. અને લગ્ન નું એ જે કે એમ ગોઠવવું છે!! સમુહમાં કે તો સમુહમાં!! આર્ય સમાજમાં કે તો આર્ય સમાજમાં!! ઈ જે કે એમ કરવાનું છે.. અને પછી તો મારા વિવેકને નોકરી મળશે ને એટલે એને તો બાર જ રહેવાનું છે અને કદાચ વરહ બે વરહ આહી રેવું પડે તો ખેતીના કામ તો હું જ કરવાની છુને એને કાયા ગાય કે ભેંશ દોહવાની છે કે છાણ વાસીદું કરવાનું છે?? જમાના પ્રમાણે વહુ કાઈ નો કરે એને કહેવાય પણ નહિ!! તમે મારા વિવેકની વાત ચલાવજોને” માલતી બહેન બોલતા બાકીની બાયું સાંભળતી. પછી કંકુબેન બોલે.

“એ બેય નું થઇ ગયું છે. બેય ના ઓણ શિયાળે લગ્ન છે.. ઉંચી અને કાંઠાળી છે ને એનું જ્યાં ગોઠવાણું છે ઈ પાર્ટીને સુરતમાં ઓન્લી ઢોસાની ત્રણ દુકાન છે..!! અને લાલ ચણીયા ચોળી વાળી તો આવતે વરસે કેનેડા જાવાની છે.. ઈ છોડી વરસ ગળી ગઈ છે એટલે ઉમર નથી દેખાતી એણે પણ તમારા છોકરાની જેમ ભણ ભણ કર્યું જ છે. તમારા જેઠ કહેતા હતા કે ઈ છોડીએ કાઈ એમ ફાર્મ બારમ કર્યું છે આપણ ને તો રોહ્યા આજના ભણતરના નામ પણ નો આવડે!! ઈનું જેની હારે ગોઠવાણું છે ઈ કેનેડામાં બે પેટ્રોલ પંપ ચલાવે છે.. તમારા જેઠ કહેતા હતા કે કેનેડામાં પેટ્રોલ પંપને ગેસ સ્ટેશન કહેવાય!!” અને વળી વનિતા બેનનું મોઢું પડી જાય અને કહે

“એટલે જ હું તમારા ભાઈને કહું છું કે જલદી થી ક્યાંક જોણ આદરો.. આજકાલ છોકરીયું બહુ ભણવા લાગી છે.. બહુ ભણે એટલે પછી વિદેશમાં ઉડી જાય!! આવો જમાનો છે અત્યારે!! બાકી અમારા ઘરે કાઈ ખામી હોય તો કહો”

“ખામીમાં તો એવું છે ને માલતીબેન કે તમારો છોકરો ધંધે નથી ચડ્યોને?? સુરતમાં મકાન નથીને??? તમે કીધું એટલે મેં એક સબંધીને કીધેલું એણે મને સોઈ જાટકીને કીધું કે મુરતિયો કમાતો હોવો જોઈએ!! સુરતમાં ઘરનું મકાન હોવું જોઈએ એ પણ દસ્તાવેજ વાળું!! ગાળા નો ગાળો વહ્યો ગયો!! ફ્લેટ પણ ના ચાલે!! સારા એરિયામાં મકાન હોય!! કા કાપડનું મશીન હોય અથવા મોટા ખાતામાં મેનેજર હોય તો જ વાત લાવવી બાકી ખોટો ટાઈમ ના બગાડવો એમ કીધું મને લ્યો!! ઈ જમાનો ગયો વેણ પર સબંધ થઇ જતા પણ અત્યારે બાયો ડેટા મંગાવે!! બધી જ વિગત ચેક થાય!! જેમ સરકારી નોકરી માટે પેલા પ્રિલીમ આવે પછી મેઈન પરીક્ષા આવે.. અને છેલ્લે ઓરલ ઈન્ટરવ્યું આવે એમ સબંધમાં પણ આવી બધી પરીક્ષા આવે!! પણ જો વિવેકને સરકારી નોકરી મળી જાય ને તો પછી તમારે ખાલી ઓરલ પરીક્ષા જ આપવાની પેલી પ્રીલીમ અને મેઈન નીકળી જાય” ગામની શાળામાં નોકરી કરતા અને સીમંતમાં જમવા આવેલ અને માલતીબેનની બાજુની શેરીમાં ભાડે રહેતા શિક્ષિકા બહેન બોલ્યા.અને બધાએ એમાં સુર પુરાવ્યો.

આમ તો વિવેક હજુ આ બાબતમાં માથું મારતો જ નહિ. પણ પછી એકની એક બાબતથી અને એની મમ્મીની આ રોજની રામાયણ થી એ પણ કંટાળી ગયો એટલે આઠમ ઉપર આવ્યો ગામડામાં ત્યારે જતા જતા ચોખવટ કરતો ગયેલો.

“ આમ તો મને નોકરી ના મળે ત્યાં સુધી હું લગ્ન વિષે વિચારતો પણ નહોતો પણ મમ્મી તે હવે એક મુદ્દાનો કાર્યક્રમ હાથમાં લીધો જ છે તો મંડો ગોતવા!! તમને પસંદ પડે એ મને પસંદ હશે જ!! તમે જયારે કહેશો ત્યારે લગ્ન કરી નાંખીશ બસ હવે રાજીને” કહીને વિવેક અમદાવાદ જતો રહ્યો અને આ બાજુ રમણલાલ અને માલતીબેને રીતસરનું અભિયાન આદર્યું!!

રમણલાલે બે ય દીકરીયું અને જમાઈને પણ કહી જોયું!! બેય જમાઈ એ કીધું કે વિવેક ને વરસ દિવસ માટે સુરત મોકલી આપો.. અમે એને સાથે રાખીએ કામ ધંધો શીખવાડીએ!! પછી ક્યાંક ગોઠવીએ!! પણ વિવેકનો અભ્યાસ બગડે એ રમણલાલને મંજુર નહોતું.. નાના જમાઈની વાત સાંભળીને તો રમણલાલને શું બોલવું એ પણ ના સમજાયું. નાના જમાઈ પંકજકુમાર બોલ્યાં.

“સસરાજી વિવેક આમેય છે રૂપાળો.. વરસ દિવસ મારી સાથે કાપડના મશીનમાં રહેશે એટલે ઘરે ઘરે સાડીયું દેવા જાશે..!! ડ્રેસ દેવા જાશે!! પછી એ સાડીયું અને ડ્રેસ તૈયાર થશે એટલે ઘરે લેવા જાશે..!! છોકરીયું સાથે જ આ બધો સાડીનો અને ડ્રેસનો વહીવટ થાશે..!! આ સાડીઓ અને ડ્રેસના વહીવટની સાથે એ બારોબાર દિલનો વહીવટ પણ કરી નાંખશે!! વરસ દિવસમાં એ એની મેળે કોઈને ગોતી લેશે.. મારા જ ગામના ચાર છોકરા કે જેનું ક્યાય થાતું નહોતું એણે આવી જ રીતે વહીવટ કરીને મનગમતું પાત્ર ગોતી લીધું.. પછી કોર્ટ મેરેજ કરી લેવાના.. કાયદા અનુસાર છ મહિના પછી ભાગી જાવાનું.. છ મહિના બાર રેવાનું વળી પાછુ સુરતમાં આવી જવાનું ત્યાં બધું ટાઢું પડી ગયું હોય!! વિવેક તો દેખાવડો છે.. અહી તો ઉઠીને મોઢું જોયું હોયને તો ખાવુય ના ભાવે એવા એવાને ય છોકરીયું મળી ગઈ છે..!! હું છાતી ઠોકીને કહું છું કે વિવેકને ત્રણ જ મહિનામાં મેચિંગ મળી જાય કારણ કે મા બાપની આશાઓ ઉંચી હોય એમને એમ છોકરી મોટી થતી જાય પછી મા બાપ એને યોગ્ય સમયે ના વળાવે તો છોકરી પોતાની રીતે જીવન સાથી ગોતી લે!! બોલો હવે બીજું કાઈ કહેવું છે????

આ ઘટના પછી રમણલાલે નિયમ લીધેલો કે ક્યારેય પણ વિવેકના સબંધ બાબતની વાત એ નાના જમાઈને તો કરશે જ નહિ!!

છેવટે મેળ પડી ગયો. ત્રીસેક કિલોમીટર દૂર વિવેક માટે એક છોકરીનું માંગું આવી ગયું. છોકરીનું નામ આશા હતું. છોકરીની બે બહેનો પરણી ગઈ હતી. ઘર સાધારણ હતું. સબંધની વાત ગામમાં નોકરી કરતાં એક શિક્ષક દ્વારા ચાલી હતી. રમણલાલ અને માલતીબેન તરત જ છોકરીને જોઈ આવ્યા. બાર ધોરણ સુધી ભણેલી છોકરી ખાસ કઈ રૂપાળી નહોતી. સહેજ ભીને વાન પણ ખરી. માલતીબેને બધું જ નિરિક્ષણ કરી લીધું. છોકરી જીવરી અને હસમુખી હતી. રમણલાલ અને માલતીબેન રાત પણ રોકાયા. રમણલાલ વિવેકને બોલાવીને રૂપિયો અને નાળીયેર દઈ દેવાના મુડમાં હતા.પણ માલતીબેને સાનમાં સમજાવી દીધા અને કહ્યું.

વિવેક દિવાળી પછી ગામડે આવશે ને ત્યારે આશા અને વિવેક બે ય મળી ને ફાઈનલ નિર્ણય કરી લેશે. અમને તો આશા ગમી ગઈ છે. એટલે હવે દિવાળી સુધી તમે ખમી જાજો. ખમ્યા ભેગું ખમ્યા!! આજકાલ ના યુવાનીયા એક બીજાને પસંદ કરી લે એટલે પછી નવ નિરાંત!! આશાના મમ્મી પાપા હરજીભાઈ અને અનસુયાબેન પણ સહમત થયા. ઘરે પરત ફરતી વખતે રસ્તામાં રમણલાલ માલતીબેન પર ખીજાયા.

“અત્યાર સુધી કોઈ છોકરી મળતી નહોતી ત્યાં સુધી તું ઉતાવળી થતી હતી અને હવે સંબંધનું ગોઠવાઈ જાય એમ છે અને તું રોન કાઢીને બેઠી??? મને ખબર નથી પડતી કે તારા મનમાં શી ગણતરી છે??”

“આમાં ઊંધું ઘાલીને કુદીના પડાય… આશા છે તો સારી જ પણ સહેજ ભીને વાન છે.. અને આમેય દિવાળી સુધીમાં શું ખાટું મોળું થઇ જવાનું છે..?? આપણે ખાનગીમાં બીજી છોકરીઓ જોઈ લેશું.. જો કોઈ આના કરતા પણ વધારે સારી મળી જાય તો ઠીક છે નહીતર આશા તો છે જ” માલતીબેન બોલ્યા.

જે શિક્ષકે સંબંધની વાત ચલાવી હતી તે જ શિક્ષકે વિવેકને ફોન દ્વારા બધી જ વિગતો આપી દીધી. અને સાથોસાથ એ પણ કીધું.

“મારા ઘરની પડખે જ એનું ઘર છે. એકદમ સંસ્કારી અને તારી સાથે શોભે એવી છોકરી છે. છે. તારા મમ્મી પાપા દિવાળી પછી તું આવીશ ને પછી રૂપિયો નાળીયેર આપવાના છે એવું કહેતા હતા. એ આશા પાસે તો ફોન નથી પણ એની બાજુમાં એક છોકરી કવિતા છે એની પાસે ફોન છે. હું કવિતાને તારો ફોન ફોન આપું છું.કવિતાના ફોન દ્વારા તું આશા સાથે વાતચીત કરી શકીશ”

વિવેકે ફોન દ્વારા વાતચીત કરી લીધી. એ લગભગ રાતે દસની આજુબાજુ ફોન કરતો. આશાનો અવાજ સાંભળીને વિવેકને ખુબ જ રાહત રહેતી. અમદાવાદ એ ભણવા આવ્યો હતો.ઘણી છોકરીઓ એણે જોઈ હતી. આશા ને એણે જોઈ નહોતી. પણ તોય એ એને ગમવા માંડી હતી. આશા બહુ મર્યાદિત સમય માટે જ એની સાથે વાતચીત કરતી. એક હૂંફ અને સલામતી પૂરી પાડતી. આશા સાથે વાતચીત કરતી વખતે વિવેકને લાગતું કે બને જન્મોજનમથી એક બીજાને ઓળખે છે. આશા કહેતી પણ ખરી.

“તમે ચિંતા ના કરો અત્યારે વાંચવામાં વધારે ધ્યાન આપો તમને ચોક્કસ સારી જોબ મળી જશે.. કારણ કે અત્યાર સુધી તમે એક જ તમારી ચિંતા કરતા હતા. હવે હું પણ તમારી ચિંતા કરું છું ને અને મને ખબર છે કે મારી દરેક પ્રાર્થના ભગવાન સાંભળે છે”

“ આ તું મને તમે કહીને બોલાવે છે એ મને નથી ગમતું!! તું મને તુંકારો કરી શકે છે! અત્યારે બધી છોકરીઓ એના ફિયાન્સ ને તું કહીને જ બોલાવે છે” વિવેક આશાને કહેતો.

“ એ બધી ભલે જાય ભાડમાં.. મને તો એવું ફાવે જ નહિ.. હું તો જીવનભર તમને આ રીતે જ બોલાવીશ.. તુંકારા માં પ્રેમ વધુ હોય એ માન્યતા ખોટી છે.. માન સાથે કરવામાં આવતો પ્રેમ જ મારી દ્રષ્ટીએ લાંબુ ટકતો હોય છે… ચાલો ત્યારે હવે તમે વાંચો અને હા કાલે હું વાત નહિ કરું. કાલે હું મમ્મી સાથે બીજાના ઘરે બેસવા જવાની છું.પરમ દિવસે વાત કરીશું..તમારો ખ્યાલ રાખજો.. આવજો” કહીને આશા ફોન ફોન કાપી નાંખતી અને કવિતાને આપી દેતી!! વિવેક અને આશા વચ્ચે અંતરના સબંધો બંધાઈ ચુક્યા હતા.

વીસ દિવસ પછી વિવેકે એના પિતાજીને ખુશીના સમાચાર આપ્યા.

“બાપુજી વરસ દિવસ પહેલા મે એક પરીક્ષા આપી હતી. એમાં કઈ કોર્ટ મેટર બની હતી. એ કેસ કોર્ટમાં ઉડી ગયો.એનું પરિણામ આવી ગયું છે બાપુજી. હું એમાં પાસ થઇ ગયો છું. અને અહી ગાંધીનગરમાં જ મને પોસ્ટીંગ મળી ગયું છે. ત્રણ દિવસમાં હું હાજર થઇ જઈશ. બાપુજી તમારી અને મારી મમ્મીની પ્રાર્થના ફળી ગઈ છે. તમારો દીકરો હવે ગાંધીનગરમાં સરકારી નોકરી કરશે”

રમણલાલની આંખમાં હરખના આંસુ હતા.માલતીબેન વાત સાંભળીને ઘરમાં રાખેલ એક મંદિર પાસે બેસી ગયા. મંદિરમાં દીવા કર્યા. આડોસ પાડોશમાં સમાચાર આપ્યા અને પેંડા વહેંચવામાં આવ્યા. ગામમાં વાયુવેગે વાત ફેલાઈ ગઈ કે વિવેક હવે ગાંધીનગરમાં સરકારી ઓફિસર હશે. અને ગામમાં ચર્ચાએ જોર પકડ્યું.

“મને તો ખબર જ હતી કે આ છોકરો ગામનું નામ રાખશે.. એ પહેલા ધોરણમાં હતો ત્યારે જ મેં એના બાપાને કીધેલું કે રમણભાઈ આ છોકરાનું તાળવું તેજ કરે છે. ગામના એક નિવૃત શિક્ષકે ચોરે બેઠેલા ભાભલાઓને કહ્યું. સગા સબંધીને પણ ખબર પડી અને રમણલાલની માર્કેટ જોરમાં આવી. હવે વિવેક માટે છોકરીઓનો જાણે ઢગલો થઇ ગયો હતો. જે સબંધી ફોન કરે એ પહેલા અભિનદન આપે અને પછી મૂળ મુદ્દા પર આવે.

“એક છોકરી છે અહી ચીકુવાડીમાં રૂપાળી અને ડાહી પણ એટલી જ આમ તો મારા સાળાના સાળાનાં માસીયાઈ ભાઈના સાઢુભાઈની છોકરી છે. હું વિવેકના ફોન પર એનો બાયો ડેટા મોકલી દઉં છું. બીજી છોકરી પસંદ કરતા એક વખત જોઈ તો લે જો એના બાપાને ય કાઈ તાણ નથી.ઘનશ્યામ નગરમાં ઘણા ગાળા એણે ભાડે આપ્યા છે.. જો ગોઠવાય જાય તો તમે નફામાં જ રહેશો”

તો વળી બીજી ભલામણ આ રીતે આવતી.

“કતારગામમા એક છોકરી છે. શિક્ષિકા છે.એકદમ ઐશ્વર્યા રાય જેવી. વિવેક કરતાય ક્યાય રૂપાળી એ ય ને જો ગોઠવાઈ જાય ને તો તમારે ડબલ પગાર. વળી છોકરીના બાપા પણ છેડા વાળા છે. એ ગાંધીનગર બદલી પણ કરાવી દેશે.. આમ તો તમે એને જોઈ જ છે..પેલી પુનમના લગ્ન હતા. ફાર્મ હાઉસમાં રાખ્યા હતા. તમે અને મારા ભાઈ આવ્યા હતા. બસ ત્યારે એ છોકરીએ નીમ્બુડા નીમ્બુડા ડાન્સ કર્યો હતો. એકદમ ઉંચી અને કાંઠાળી હતી.. ઈ જ છોકરી દિવાળી પર વાત ચલાવીએ તમે કહેતા હો તો”

રમણલાલ અને માલતીબેનના ઘરે બાયોડેટાનો ઢગલો થયો હતો.એમાંથી બે બાયોડેટા માલતીબેને અલગ તારવ્યા હતા. બને છોકરીઓ એકદમ રૂપાળી હતી.બને ના બાપાને ખુબ જ સારું હતું.
દિવાળી પર વિવેકનો ફોન આવ્યો.

મમ્મી ભાઈબંધો સાથે ફરવા જાઉં છું ત્રણ ચાર દિવસ.લાભ પાંચમે ઘરે આવી જઈશ.રમણલાલ અને માલતીબેનને તો ક્યાં વાંધો હતો. માલતીબેને તો કીધું પણ ખરું.

“બસ અત્યાર લગણ નકરી બળતરા કરી છે. હવે દીકરા તું તારે ફરી આવ.. ઘણો ભોગ આપ્યો છે તે દીકરા અહી બે ત્રણ ઠેકાણા સારા આવ્યા છે. બસ તું જેને પસંદ કરે એની સાથે તારો સંબંધ ગોઠવી નાંખીએ.. ભગવાને આપણા સામું જોયું છે સારા દિવસો આવ્યા છે તો ખુશી થી બેટા ફરી આવ્ય”!!!

વિવેક લાભ પાંચમના દિવસે આવ્યો. ગામ આખું અહોભાવથી એને જોઈ રહ્યું હતું.ગામમાં થોડાક સરકારી નોકરી પર હતા.પણ ગાંધીનગરમાં નોકરી લેવા વાળો આ પહેલો જ હતો. વિવેકનું માન અને સન્માન ગામમાં તો હતું જ પણ હવે બમણું થઇ ગયું હતું. રાતે ફળિયામાં ખાટલો ઢાળીને બાપ દીકરો બેઠા અને વનીતાબેન બાયોડેટા લાવ્યા.વિવેકે બધા બાયોડેટા ધ્યાનથી વાંચ્યા બાજુમાં મુક્યા અને ફિક્કું હસ્યો. અને બોલ્યો.

“મમ્મી હું ક્યાય ફરવા નહોતો ગયો. આશાના ઘરે બે દિવસ રોકાયો હતો. રૂપિયો અને નાળીયેર દઈને આવ્યો છું.આમેય તું કહેતી હતીને કે દિવાળી પછી રૂપિયો નાળીયેર આપવાનો છે એટલે પછી હું જ દેતો આવ્યો છું” રમણલાલ અને વનીતાબેન તો સ્તબ્ધ થઇ ગયા.

“પણ બેટા તારે અમને પૂછવું તો જોઈતું હતું. આપણે હજુ કયા નક્કી કર્યું હતું.દિવાળી પછી તારે ખાલી જોવા જવાનું હતું અને એને બદલે તું બધું પાકે પાયે કરીને આવ્યો.. મને તો કઈ સમજાતું નથી દીકરા” વનીતાબેન નિરાશ થઈને બોલી રહ્યા હતા.

“ બા અમુક વાતો સમજવાની ના હોય અનુભવવાની હોય. આશા ને મેં જોઈ નહોતી પણ એમની વાતો દ્વારા અનુભવી હતી. મને તો કશી ખબર નહોતી એની બહેનપણી કવિતાના ફોનમાંથી હું એની સાથે વાતો કરતો હતો. કવિતા દ્વારા જ મને જાણવા મળ્યું કે એ મને નોકરી મળે એ માટે એકટાણા કરતી હતી. નિસ્વાર્થ ભાવે એ એક ટાણા કરતી. એને એ પણ ખબર નહોતી કે સબંધ થશે કે નહિ. બસ મેં જયારે એને સમાચાર આપ્યા કે નોકરી માટે હું સિલેક્ટ થયો છું ત્યારે એ રોઈ પડી હતી. ઘણીવાર બીજાની શુભભાવના તમારે માટે ખુશીનું કારણ બનીને આવતી હોય છે..!! બસ મને લાગ્યું કે આ જ મારી જીવન સંગીની બનશે. બસ પછી તો મારા મોબાઈલમાં બાયોડેટા નો ઢગલો થઇ ગયો હતો. સહુ કોઈ મારા કારણે નહિ પણ મારી નોકરીને કારણે છોકરી આપવા રાજી હતા. મેં વિચાર્યું કે તમારું મન ફગી જાય ઈ પહેલા હું જ રૂપિયો અને નાળીયેર દેતો આવું એટલે કામ પૂરું થઇ જાય!! મે આશાને કીધું કે હું આવું છું તું કોઈને વાત ના કહેતી. હું વાત ચલાવવા વાળા સાહેબને ઘરે રોકાયો. સાંજે આશાના ઘરે ગયો ત્યાં જમ્યો. બીજે દિવસે આશા અને કવિતા સાથે ચાલીને વીસેક કિલોમીટર દૂર એક જગ્યાએ ગયો. આશાએ મારી માટે માનતા માની હતી. બસ પછી તો હું રૂપિયો નાળીયેર દઈને આવ્યો. બે ફોન મેં લીધા હતા. એક આશાને આપ્યો છે અને એક આ તારા માટે!! એના મમ્મી પાપા કહેતા હતા કે કુમાર વેવાઈને તેડાવી લ્યો! પણ મેં જ ના પાડી અને કહ્યું કે હવે શિયાળામાં તમે સારું મુહુર્ત જોઈ ને મારા પાપા ને મળી લેજો..!! બોલો બા મેં આમાં શું ખોટું કર્યું.??”

“કઈ ખોટું નથી કર્યું દીકરા.. આ તો મારું મન સહેજ ફગી ગયું હતું.. પણ ઈશ્વરનો આભાર માનું કે મા બાપ ખોટું પગલું ભરે એ પહેલા એના દીકરાએ સાચો નિર્ણય લઇ લીધો. કાઈ વાંધો નહિ બેટા.. હાલ્ય તારે આ કાગળીયા હું હવે ચૂલામાં નાંખી આવું” કહીને વનીતાબેને બધા જ બાયોડેટા ચૂલામાં નાંખીને સળગાવી દીધા!! વિવેકે આપેલા ફોનમાંથી વનીતાબેને આશાને ફોન લગાવ્યો. અને પછી કલાક સુધી સાસુ વહુઓ વાતો કરતા રહ્યા!!!

લેખક:- મુકેશ સોજીત્રા

૪૨ , “હાશ”શિવમ પાર્ક સોસાયટી સ્ટેશન રોડ મુ.પો. ઢસાગામ, તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.