ગુજરાત દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

“નેહલના મોટા બા” – પોતાનાં ખોવાયેલાં માતૃત્વને પામવા માટે ઝંખતી એક માતાની કહાણી, વાંચો મુકેશ સોજીત્રાની કલમે કંડારાયેલ દિલચસ્પ કહાણી…..

વરસ હતું ૧૯૮૦નુ.
વિનોદરાય ની કાર અમદાવાદના એક પોશ વિસ્તારમાં આવેલ એક કોલેજ કમ હોસ્ટેલ કેમ્પસના દરવાજા આગળ ઉભી રહી. વિનોદરાય કારમાંથી ઉતરીને કોલેજનાના ગેઇટ ની જમણી સાઈડ પર આવેલ સિક્યુરીટી કેબીનમાં ગયા. સિક્યુરીટી ગાર્ડ સાથે વાતચીત કરી.

“ મારી દીકરી નેહલના એડમીશન માટે આવ્યો છું. આ રહ્યો આ સંસ્થાનો લેટર.. આ ફી ભર્યાની પહોંચ” વિનોદરાયે કેટલાક કાગળિયાં આપ્યાં. સિક્યુરીટી ઇન્ચાર્જે કાગળ ચેક કર્યા અને કહ્યું.

“કાર જમણી તરફ જવા દો.. આગળ એક પાર્કિંગ આવશે..ત્યાં પાર્ક કરી દેજો.. ત્યાં એક વિશાળ મેદાન છે. આપની જેમ જ ઘણા વાલીઓ ત્યાં પોતાની દીકરીઓ કોલેજમાં દાખલ કરવા આવ્યા છે. તેમની સાથે ત્યાંજ બેસજો. ત્યાંથી આગળ જવાની મનાઈ છે. ત્યાં એક ભાઈ રજીસ્ટ્રેશન કરવા બેઠા હશે.ત્યાં તમે આ ડોક્યુમેન્ટ દેખાડી દેજો એટલે તમારું નામ એ લખી લેજો. અગિયાર વાગ્યે તમને ત્યાં એક સામેની ઓફિસમાં બોલાવશે ત્યાં જશો. જ્યાં સુધી આ પ્રોસેસ પૂરી ન થાય ત્યાં સુધી કોલેજની બીજી કોઈ પણ જગ્યાએ તમે જઈ નહિ શકો”
“જી આભાર કહીને વિનોદરાય કારમાં આગળ ગોઠવાયા. ગેઇટ ખુલ્યો અને કાર આગળ ચાલી. આગળ એક પાર્કિંગ આવ્યું ત્યાં ઘણી ગાડીઓ પડી હતી. પડખે જ એક બગીચો હતો.ત્યાં ઘણા બધા વાલીઓ એમની દીકરીઓ સાથે બેઠા હતા. આજુબાજુનું વાતાવરણ રળિયામણું હતું. યોગ્ય જગ્યાએ કાર પાર્ક કરીને વિનોદરાય તેમની પત્ની હેતલ અને દીકરી નેહલ સાથે બગીચામાં એક ઝાડ નીચે બેઠા હતા. નેહલ એની મમ્મીની પાસે બેઠી હતી. વિનોદરાયે ચારે બાજુ નજર કરી અને બોલ્યાં.

“છોકરીઓ માટેની આ શ્રેષ્ઠ કોલેજ છે. વળી હોસ્ટેલ પણ અંદર જ છે. એકદમ સલામત અને ઉત્તમ!! નિયમો કડક છે પણ એ પાળવા જ પડે. છેલ્લા૧૮ વરસથી આ કોલેજમાં એડમીશન લેવા દીકરીઓ પડાપડી કરે છે. આ તો જનરલ મેનેજર અગ્રવાલની ભલામણ કામ કરી ગઈ છે. બાકી આપણ ને એડમીશન તો ના જ મળે”
“સરસ વાતાવરણ છે મારી દીકરીને જરૂર ગમશે જ” હેતલે નેહલના માથા પર હાથ મુક્યો.
“પાપા તમે ચિંતા ન કરો.. મને ફાવી જ જશે.. અને મમ્મા તું પણ પાપાનું ધ્યાન રાખજે!! હું તો વેકેશનમાં જ આવીશ હવે તો..રોજ રોજ ઓફિસેથી પાપા આવે ને ત્યારે મમ્મા તું પાપાને પાણીનો ગ્લાસ આપજે!! અને મારી ચિંતા તો કરતા જ નહિ અઠવાડિયે એક વખત અહીંથી ફોન કરવા દેશે એમ આ કોલેજના નિયમોમાં લખ્યું છે એટલે હું ફોન કરીશ પાપા!! બસ પાપા મારે ભણવું છે ને એટલે જ અહી આવી છું!! કહેતા કહેતા નેહલની આંખનો ખૂણો ભીનો થઇ ગયો હતો. વાતાવરણમાં એક પ્રકારની શાંતિ છવાઈ ગઈ.
આમ તો વિનોદરાય તેને આગળ ભણાવવા માંગતા જ નહોતા. પોતે એસબીઆઇમાં મેનેજર હતા. શરૂઆતમાં તો એ બેંકમાં કેશિયર જ હતા પણ છેલ્લા પાંચ વરસ પહેલા એને મેનેજરનું પ્રમોશન મળ્યું હતું. પણ વલસાડ થી ખુબ જ અંતરિયાળ વિસ્તારમાં એક નાનકડા ટાઉનમાં એનું મેનેજર તરીકે પોસ્ટીંગ થયું હતું. નેહલ ત્યાં બાર ધોરણ સુધી ભણી હતી. હવે કોલેજ તો છેક વલસાડ હતી અને વલસાડ હતું ૬૦ કિમી જેટલું દૂર.. ઘણી છોકરીઓ અપ ડાઉન કરતી પણ વિનોદરાયનું મન માનતું નહોતું. એ પોતાની દીકરીને દૂર મોકલવા માનતા નહોતા. જયારે નેહલની ઈચ્છા હતી કે એ કોલેજ સુધી તો ભણે જ!!

“હવે નેહુની ઈચ્છા છે તો ભલે ને ભણતી.. ઘણી છોકરીઓ અપ ડાઉન કરે છે.” હેતલ એને કહેતી. “ ના એ રીતે મારી દીકરી નહિ ભણે.. ક્યાય સારી હોસ્ટેલ અને એની અંદર જ કોલેજ હોય તો જ એને ભણાવવી છે. વલસાડ અને એની આજુબાજુ ક્યાય એવી સગવડ નહોતી. કોલેજ અને હોસ્ટેલ અલગ અલગ જગ્યાએ હોય. વિનોદરાયને આ વાત મંજુર નહોતી!!
છેવટે બેંકમાં એક કલાર્કે વાત કરી.

“અમદાવાદમાં આ સગવડ છે. ખર્ચ થોડો વધારે આવે પણ તમારે તમારી છોકરીની કોઈ જ ઉપાધિ નહિ.ખાવાનું અને રહેવાનું ખુબ જ સારું. અને શિક્ષણ પણ શ્રેષ્ઠ!! વિનોદરાય તપાસ કરી આવ્યા. ફોર્મ પણ ભરી દીધું. પણ એડમીશન મળે તેમ લાગતું નહોતું. પોતાના એક વખતના સહ કર્મી અને અમદાવાદ રહેતા અને જનરલ મેનેજરની પોસ્ટ પર ફરજ બજાવતાં અગ્રવાલ સાહેબની ભલામણ કરાવી અને એડમીશન પાકું કરાવી દીધું..

“સાહેબ તમે આ મારી બીજી વાર મદદ કરી..હું તમારો ઉપકાર ક્યારેય નહિ ભૂલું!! તમારો આભાર સાહેબ ” અગ્રવાલ સાહેબનો હાથ પકડીને વિનોદરાય ગળગળા થઇ ગયેલા!!
“ અરે એમાં શું આભાર માનવાનો હોય..!! વિનોદરાય તમે હજુ સાવ એવાને એવા જ રહ્યા.. પણ દોસ્ત સાચું કહું..તારા જેવા લાગણીશીલ માણસો મેં બહુ ઓછા જોયા છે!! બસ દીકરીને કોઈ પણ તકલીફ પડે તો કહી દેજે!! એ કોલેજમાં ભણાવતા ચાર પ્રોફેસરો મારા નજીકના મિત્રો છે એટલે નેહલને કોઈ જ તકલીફ નહિ પડ.. આ તો તારી ઈચ્છા છે એને હોસ્ટેલ અને કોલેજમાં મુકવાની એટલે બાકી મેં તને એ વખતે જ કીધું હતું કે નેહલ મારા પરિવાર સાથે રહી શકે છે!! બસ હવે ખુશ થઇ જા દોસ્ત” કહીને વિનોદરાય ને અગ્રવાલ સાહેબે વાંસો થાબડ્યો હતો!!

નેહલ વિનોદરાય પટેલ” ઓફિસની બહાર નામ બોલાયું. અને તરત જ વિનોદરાય ઉભા થયા. અને ઓફીસ બાજુ ગયા. તેની સાથે તેની પત્ની હેતલ અને નેહલ પણ હતી.
ઓફિસમાં ત્રણ વ્યક્તિઓ બેઠા હતા. સુટ અને બુટમાં સજ્જ. ત્રણેય વ્યક્તિઓ ના ચહેરાઓ પ્રભાવશાળી લાગતાં.

બેસો વિનોદરાય!! હજુ હમણા જ અગ્રવાલનો ફોન આવી ગયો. તમારી ખાસ ભલામણ પણ કરી છે.. તમને સંસ્થાના નિયમોની તો ખબર જ હશે. તમને એક આઈ કાર્ડ આપવામાં આવશે દર બે માસે છેલ્લા રવિવારે તમે તમારી દીકરીને મળી શકશો એ સિવાય નહિ. હા એવું કોઈ આકસ્મિક કારણ હોય તો અમને સાંજે આઠ થી દસ ફોન પર જણાવી દેશો.અમને યોગ્ય લાગશે તો અમે તમારી દીકરી સાથે વાત કરાવી દઈશું. તમને એક કોડ આપવામાં આવશે. ફોન કરતી વખતે સહુ પ્રથમ તમને એ કોડ બોલવાનું કહેવામાં આવશે. એ પરથી અમને ખબર પડે કે તમે એના વાલી જ છો. બીજું તમારી દીકરી તમારી સાથે પખવાડિયે એક વાર ફોન પર વાત કરી શકશે. તમારા ઘરનો નંબર અમે ફોર્મમાં લખી જ લીધો છે. એ નંબર પર જ વાત થશે. બસ બાકીની તમામ જવાબદારીઓ અમારી રહેશે. તમારા સગા સંબંધી કે અન્ય કોઈ તમારી દીકરીને ક્યારેય મળી નહિ શકે. હા આ કેમ્પસ ખુબ જ વિશાલ છે એને એકલું નહીં લાગે. આ સંસ્થાની છાપ ખુબ જ સારી છે. આપણા ગુજરાતી ભાઈઓ જે વિદેશમાં ભણે છે એના સંતાનો પણ અહી ભણે છે. સંસ્થાના નીતિ નિયમો પાળવા ફરજીયાત છે. અમને જયારે જણાશે કે આપની દીકરીએ કોઈ ગેરવર્તન કે એવું કોઈ કામ કે જે આ સંસ્થાના નીતિનિયમો તોડતું હોય તો અમે કોઈ પણ ખુલાસા વગર એમને અહીંથી રજા આપીએ છીએ. આવું નિયમમાં લખેલું છે. પણ છેલ્લા દસ વરસમાં આવા ત્રણ જ કિસ્સા બન્યા છે એટલે તમે સમજી શકશો કે અહી ખુબ જ સારું વાતાવરણ છે. આપ તમારી દીકરી સાથે બે કલાક સંસ્થામાં રહી શકો છો પછી આપ કોઈ પણ ચિંતા કર્યા વગર જઈ શકો છો”
નેહલને એની હોસ્ટેલમાં મુકીને વિનોદરાય અને હેતલ બને કાર લઈને પોતાની નોકરીના સ્થળે પરત ફરી રહ્યા હતા.

“આપણને દીકરીની હોસ્ટેલ પણ જોવા ન દીધી.તમને નથી લાગતું કે આ નિયમો થોડા વધારે પડતા છે. આપણને ખબર તો પડે ને કે સુવિધા કેવી છે??” હેતલે વિનોદરાયને પૂછ્યું.
“કોલેજના પેમ્ફલેટમાં હોસ્ટેલ અને બીજી સગવડતાના ફોટાઓ છે જ.. એ લોકોએ જે નિયમો બનાવ્યા છે એ પાળવા જ પડે એમાં કોઈને છૂટ છાટ નહીં એ સારી બાબત છે. બીજી ત્રણસો દીકરીઓ રહે છે. સુવિધા ન હોય તો દીકરીઓ ત્યાં કેમ ટકતી હશે?? જે છે એ સારું જ છે” વિનોદરાયે ઉતર વાળ્યો.

સમય વીતતો ચાલ્યો.દર પંદર દિવસે નેહલ ફોન પર વાતો કરે. ખુબ જ સરસ મજાનું વાતાવરણ છે કોઈ વાતની કમી નથી એમ કહેતી.હા શરૂઆતમાં મમ્મી પાપાની યાદ આવે પણ હોસ્ટેલમાં ગૃહમાતા જ એવા છે કે કોઈની યાદ ન આવવા દે.. બધી જ છોકરીઓ એને બા કહે છે.. એમ નેહલ ફોનમાં વાત કરતી. દિવાળીના વેકેશનમાં નેહલને વિનોદરાય ઘરે તેડી લાવ્યા. નેહલનું શરીર ખુબ જ જામી ગયું હતું. વળી એકદમ એ બદલાઈ ગઈ હતી. ઘરના બધા જ કામ શીખી ગઈ હતી. હેતલને નવાઈ લાગી કે આ છોકરી ગઈ ત્યારે તો એને આ બધું નહોતું આવડતું અને છ મહિનામાં જ આ બધું શીખી ગઈ. નેહલ ઘર સાફ કરતી.રસોઈ બનાવતી. બધી જ વસ્તુઓ વ્યવસ્થિત મુકતી હતી. એનામાં આળસનું જરા પણ નિશાન નહોતું. હેતલે પૂછ્યું ત્યારે કીધું.
“અમને મોટા બા એ કીધું છે કે હવે તમે કોલેજમાં છો વધુમાં વધુ પાંચ વરસ સુધીમાં તમે તમામ દીકરીઓ પરણી જશો. અમુક કામ તો તમને આવડવા જોઈએ. અભ્યાસ ની સાથોસાથ જીવન વિકાસના અમુક કૌશલ્યો ના આવડે તો તમારું ભણતર નકામું છે.. મમ્મી ખરેખર એ મોટા બા બહુ જ અદ્ભુત વ્યક્તિત્વ છે. એ બધું જ શીખવાડે છે. કોઈ દીકરીને માથું દુખતું હોય તો મોટા બા બામ ઘસી દે છે. અમને કોઈ પણ તકલીફ હોય બા તરત જ હાજર રહે છે. રાતે પણ મોટા બા સતત આંટા મારતા હોય આખી હોસ્ટેલમાં. દિવસે અમે કોલેજ જઈએ ત્યારે મોટા બા સુતા હોય છે. એ થોડું જ સુવે છે પણ મુશ્કેલીમાં એ હમેશા સાથે જ હોય!!” નેહલ વાત કરતી હતી અને એની આંખોમાં એક અહોભાવ હતો.

“શું છે એ ગૃહમાતાનું નામ અને ક્યાં ગામના છે?” હેતલે પૂછ્યું.

“એ તો કોઈને ખબર નથી?? કોઈને એના સાચા નામની ખબર જ નથી. બધા એને મોટા બા કહે છે. અને એ બધાને બેટા કહીને બોલાવે છે. રસોડામાં પણ સાથે જ હોય!! સહુને જમાડીને એ જમે છે. એ હોસ્ટેલ છોડીને ક્યાય જતા નથી. હોસ્ટેલ કે કોલેજમાં કોઈ એના વિષે ખરાબ નથી બોલતું. બધા જ એને અહોભાવથી જુએ છે. હોસ્ટેલના એક નાનકડા ઓરડામાં એ રહે છે. મે એક વખત એને બધું પૂછેલું પણ એણે વાત ટાળી દીધેલી. પણ મમ્મા એક વાત કહું હું મોટા બાની સહુથી વધુ લાડકી છું. કોઈ છોકરી વાંકમાં આવી હોય તો બા એને ખીજાય પણ મને ક્યારેય ખીજાયા નથી. રાતે એ લગભગ બેથી ત્રણ વાર મારા રૂમમાં આવે. મને સરખું ઓઢાડીને જતા રહે ક્યારેય હું જાગતી હોવ..ત્યારે મને ખબર પડે કે મોટા બા મને ઓઢાડી રહ્યા છે!!
બસ સમય વીતતો ચાલ્યો નેહલનું ભણતર અને ઘડતર બને વધતું ચાલ્યું. વિનોદરાય અને હેતલ બને ખુશ હતા. કોલેજના ત્રણ વરસ પૂર્ણ થયા. વિદાય સમારંભ ગોઠવાયો. દરેક વાલીઓ દીકરીને લેવા આવ્યાં હતા. કોલેજના ઓડીટીરીયમ હોલમાં કાર્યક્રમ હતો. હેતલ અને વિનોદરાય પણ પોતાની સીટ લઈને ગોઠવાઈ ગયા હતા. એક પછી એક સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ થયા અને છેલ્લે એનાઉન્સરે એક જાહેરાત કરી.

“ દર વરસની જેમ જ આ વરસે પણ વિદાય થતી દીકરીઓમાંથી એક દીકરીને તેની ત્રણ વરસની શ્રેષ્ઠ કામગીરી માટે એક કોલેજ તરફથી એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ તેમની ત્રણ વરસની રીતભાત, રહેણીકરણી , હોસ્ટેલમાં કરેલ કામગીરી વગેરે ધ્યાનમાં લઈને નક્કી કરવામાં આવે છે. આ એવોર્ડ મોટા બા ના હસ્તે અપાય છે. અને આ વખતની વિજેતા છે!!!
નેહલ વિનોદરાય પટેલ!!! હું મોટા બા ને વિનંતી કરું કે તે પોતાની લાડકી નેહલને સ્વ હસ્તે એવોર્ડ આપશે!!” તાળીઓનો ગડગડાટ થયો. વિનોદરાયની સાથે સહુ વાલીઓ પણ મોટા બા ને જોવા આતુર હતા. બધા જ વાલીઓને પોતાની દીકરીએ મોટા બા ના ખુબ જ વખાણ કર્યા હતા.

મોટા બા સ્ટેજ પર આવ્યા. સફેદ સાડીમાં એક જાજરમાન વ્યક્તિત્વના માલિક એવા મોટા બાને નેહલ પગે લાગી. અને મોટા બા એને ભેટી પડ્યા!! અને વિનોદરાય મોટા બા તરફ જોઈ જ રહ્યા!! એનું શરીર આખું ધ્રુજી ઉઠયું!! એને ઘડીક તો ચક્કર આવી ગયા.!! મોટા બા ની નજર પણ વિનોદરાય સાથે મળી એમની આંખોમાં આંસુ હતા!!
“હવે હું નેહલ ના માતા પિતાને આમંત્રણ આપું છું કે એ પણ સ્ટેજ પર આવે અને પોતાની દીકરીને પોતાની સાથે લઇ જાય.. હા એક વાત હું કહીશ કે સાહેબ તમારી દીકરી એ હોસ્ટેલ અને કોલેજનું ઘરેણું છે. ઘણી બધી દીકરીઓએ નેહલમાંથી પ્રેરણા લેવા જેવી છે”
વિનોદરાય અને હેતલ સ્ટેજ પર ગયા!! હેતલ તો મોટા બા ને ભેટી પડી!! અને વિનોદરાયે હાથ જોડ્યા.. મોટા બા એ સામે હાથ જોડ્યા!! આજુબાજુ શું ચાલતું હતું એની વિનોદરાય ને ખબર ના પડી. એનું મગજ ઘુમરીઓ ખાઈ રહ્યું હતું!! આ મોટા બા એ સુજાતા હતી!! એની પહેલી પત્ની!! નેહલ છ માસની હતી ત્યારે એ ઘર છોડીને એના પ્રેમી સાથે નાસી ગઈ હતી!! જે ભૂતકાળને વિનોદરાય ભૂલી ગયા હતા એ વસમો ભૂતકાળ એની નજર સામે આવી ગયો.!! એને નવાઈ લાગતી હતી કે સુજાતા અહી મોટા બા ના રૂપમાં કેવી રીતે??!! પોતાનું જ લોહી એવી છ માસની નેહલને તરછોડીને ચાલી નીકળેલ આ સ્ત્રી અત્યારે સેંકડો દીકરીઓની મોટા બા કેવી રીતે હોઈ શકે!! એના મગજમાં પ્રશ્નોના હથોડા ટીપાતા હતા!! એ સ્ટેજ પરથી પોતાની પત્ની અને દીકરી સાથે ઉતરીને આગળ ગોઠવેલ સોફા પર ધબ્બ દઈને બેસી ગયા અને એ પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગયા.!!

વિનોદરાય બીપીન ભાઈ પટેલ. બાવીશ વરસની વયે એને બેંકમાં કલાર્કની નોકરી મળી ગઈ. વતન તો હતું મેંદરડા! એના પિતાજી બીપીન ભાઈ ખેતીકામ કરતા હતા. પોતે ભણવામાં પહેલથી હોંશિયાર હતા. પિતાજી એમનો સંબંધ તાલાળામાં કરવા માંગતા હતા. પણ વિનોદરાય પોતાની નિમણુક જે ગામમાં હતી એ જ ગામમાં એક છોકરીના પ્રેમમાં પડ્યા!! આમ તો એ શ્રીમંત ઘરની દીકરી હતી. બેંકમાં પૈસા જમા કરાવવા આવતી. વિનોદરાય અને સુજાતાની આંખો મળી ગઈ. પૈસા ની ક્રેડીટ અને ડેબીટ ના વ્યવહારમાં એક બીજાએ એક બીજાના દિલમાં પ્યારની ફિક્સ ડીપોઝીટ જમા કરાવી દીધી. બેંકની નોકરીનો સમય પૂરો થાય પછી એ બને જણા ડીપોઝીટનું વાત્સલ્યભર્યું વ્યાજ ભોગવવા લાગ્યા. લગભગ સાથેને સાથે જ હોય !! જો કે એમના સાથી કર્મચારીઓએ ચેતવ્યા પણ ખરા.
“ટાઈમ પાસ માટે આ બધું બરાબર છે વિનોદરાય પણ સુજાતા સાથે તમે લગ્નથી ના જોડાતા. તમે હજુ નવા નવા છો આ ગામમાં અને મને ચાર વરસ થઇ ગયા.. એ રૂપાળી છે એમાં ના નહિ..પણ એ એક એવું પતંગીયું છે કે લાંબો સમય એક જ ફૂલ પર નથી બેસતું..અલગ અલગ પુષ્પનો રસાસ્વાદ માણવો એ એનો શોખ છે.. આ જ ગામના ત્રણ વ્યક્તિઓ સાથે એને અફેર હતું. બસ બધા ત્રણ ત્રણ મહિના માટે જ!! ગમે તે હોય પણ એની જાળમાં દેખાવડા પુરુષો આવી જ જાય!! તમે આ મારા ખ્યાલથી ચોથી વ્યક્તિ છો કે જે એની રૂપજાળ અને પ્રેમપાશ માં ફસાયા છો”

“ ગામ સાલું પાગલ છે.. રૂપાળી છોકરીઓ વિષે આવી વાતો એ લોકો ફેલાવે છે કે જે આ સુખથી વંચિત હોય..બાકી મારી સુજાતા સો ટચનું સોનું છે.. અમે એક બીજાને દિલજ નહિ આત્મા પણ આપી બેઠા છીએ!! ગામ જ ગાંડું છે” વિનોદરાય બોલેલા.

અને વાત પણ સાચી જ કે જે પ્રેમમાં ગળાડૂબ પાગલ હોય એને સમાજ ગાંડો જ દેખાય!!!
બે મહિના પછી વિનોદરાય અને સુજાતા પરણી ગયા. સુજાતાના મમ્મી પાપા ને તો કોઈ તકલીફ નહોતી. પણ વિનોદરાયના મા બાપને આ સંબંધ ધોળા ધરમેય પસંદ નહોતો. એ લોકોએ વિનોદરાય સાથે સંબંધ કાપી નાંખ્યો અને વિનોદરાય ઘરજમાઈ તરીકે એના સસરાને ત્યાં જ રોકાઈ ગયા. વરસ દિવસ પછી પુત્રી નેહલનો જન્મ થયો. શરૂઆતમાં તો ઠીક જ ચાલતું હતું. પણ અચાનક જ સુજાતાનું વર્તન હવે ફરી ગયું હતું. ઘરમાં થોડો થોડો કંકાસ શરુ થયો હતો. એવામાં ગામમાંથી ચારધામની યાત્રાનું આયોજન થયું. સુજાતાના મમ્મી પાપા ચારધામની યાત્રાએ જવા વિચાર્યું . નેહલ ને ત્રણ માસ થયા હોવા છતાં સુજાતા પણ એના મમ્મી પાપા સાથે ચારધામની યાત્રાએ ગઈ. વિનોદરાય ને રજાઓ મળે એમ નહોતી અને એની ઈચ્છા પણ નહોતી.

વીસેક દિવસ પછી યાત્રાએથી બસ પાછી આવી. બસનો મેનેજર કે જે આવી યાત્રાઓ ગોઠવતો એ આમ તો હતો દિલ્હી સાઈડનો પણ અમદાવાદમાં રહેતો હતો. યાત્રા પૂરી થયા પછી પણ બસ બે દિવસ ગામમાં રોકાઈ ગઈ અને મેનેજર પણ રોકાઈ ગયો સુજાતાના પાપા ને ત્યાં. સુજાતા યાત્રાએથી આવ્યા પછી સાવ બદલાઈ ગઈ હતી. જે લોકો યાત્રામાં ગયા હતા એ અવનવી વાતો કરતા હતા કે આખી યાત્રામાં સુજાતા અને ટુર મેનેજર વધારે પડતા નજીક આવી ગયા હતા. વિનોદરાય ને કાને પણ વાત આવી. એને સુજાતાને પણ પૂછ્યું. પણ એને કોઈ જ જવાબ ના આપ્યો. બનેના લગ્નજીવનમાં તિરાડ પડી ગઈ હતી. બસ બરાબર ત્રણ માસ પછી એક રાત્રે છ મહિનાની બાળકી મુકીને સુજાતા પેલા મેનેજર સાથે ચાલી ગઈ અને ગામ આખામાં હોબાળો થયો!!

આઘાતમાં ને આઘાતમાં વિનોદરાય પાગલ જેવો થઇ ગયો. બસ આખો દિવસ એની પુત્રીને ખોળામાં બેસાડીને રડ્યા કરે. એના સસરા અને સાસુએ પણ કોઈ મદદ ના કરી ઉલટાના એના સસરા તો કહેતા.

“ મારી દીકરી તો પાપમાંથી છૂટી..મારો જમાઈ એને ઢોરમાર મારતો.. મારી દીકરી ખાનદાન એટલે આટલો સમય રહી..બીજી હોય તો બીજા જ દિવસે હાલતી થઇ જાય.. જો તમારા માં પત્નીને સાચવવાની તેવડ જ ન હોય તો લગ્ન જ ના કરાય.. મારી દીકરીનો ભવ બગાડ્યો..પછી એ એનો રસ્તો કરી જ લે ને.. મારી દીકરીના અરમાનો ના પૂરે કરે તો પછી કોણ આખી જિંદગી એના ગોલાપા કરે??”
આજુબાજુવાળા માયાળુ લોકો નેહલ ને દૂધ પીવડાવે..!! રમાડે..!! પરાણે વિનોદરાયને પણ જમાડે પણ વિનોદરાય એક દમ મૂઢ જેવા થઇ ગયા હતા.. અગ્રવાલ ત્યારે મેનેજર હતા.. એણે બેંકમાં ઉપરી અધિકારીને વાત કરી અને કીધું કે જ્યાં સુધી વિનોદની નોકરી આ ગામમાં હશે ને ત્યાં સુધી એ કશું જ નહિ કરી શકે.. જેના ખાતર મા બાપ સાથે સંબંધ તોડ્યો એ નપાવટ બીજા સાથે જતી રહી છ મહિનાની દીકરીને મુકીને.. આવી સ્થિતિમાં વિનોદરાય પાગલ થઇ જશે..!! ઉપરી અધિકારીઓ વાત સાંભળીને કંપી ગયા. વિનોદની બદલી ખુબ જ છેવાડાના વિસ્તારમાં કરી દીધી..અગ્રવાલ પોતે એક અઠવાડિયાની રજા મુકીને વિનોદરાયની સાથે ગયા. નવી શાખામાં વિનોદરાયની હકીકત બધાને જણાવી અને સહકાર આપવાનું કહ્યું. ગામમાં એક ડોશીનું મકાન ભાડેથી ગોતી દીધું અને અગ્રવાલે વિનોદને કીધું.

“જે થવાનું હોય એ થાય!! હિમત ના હાર હવે.. હવે તું એકલો નથી.. આ દીકરી સામું જો.. અહી તને શાંતિ મળશે.. આ ડોશીમાં તારી દીકરીને સાચવશે અને તારી ભોજનની વ્યવસ્થા કરી દેશે.. ધીમે ધીમે જેમ સમય વીતતો જશે એમ બધું સરખું થઇ જશે.”

અને વિનોદરાય એ નવા વાતાવરણમાં ગોઠવાઈ ગયા. ડોશીના મકાનની સામે જ એક બીજું ઘર ત્યાં એક લગ્નના એક વરસમાં જ વિધવા થયેલ એક યુવતી રહે..એનું નામ હેતલ!! સવારે જમીને દસ વાગ્યે વિનોદરાય નોકરીએ જાય પછી ડોશી અને હેતલ નેહલ ને રમાડે!! વળી સાંજે વિનોદરાય બેન્કમાંથી આવે ત્યારે નેહલ લગભગ હેતલ સાથે જ હોય!!
વરસ દિવસ સુધી આવું ચાલ્યું.. ડોશી વ્યવહારિક હતા.. હેતલના માતા પિતા સાથે વાત કરીને દાણો દાબી જોયો..

“ લલીતભાઈ એક વાત કહું ખોટું ના લગાડતા.. હેતલ અને વિનોદનું ગોઠવાઈ જાય તો કેમ રહે!! બેયની જિંદગી અકાળે ભાંગી પડી છે.. હું માણસ પારખું છું..વિનોદને મેં માપી લીધો છે.. સો ટકા સાચુકલો માણસ છે.. અને તમારી દીકરી માટે પણ તમે શોધો જ છોને?? કોઈ અજાણ્યામાં આપવા કરતા આ વરસ દિવસ થી જાણીતો તો ખરોને.. વળી એની આ દોઢ વરસની દીકરી નેહલ સાથે હેતલને બરાબરનું ફાવી ગયું છે.. પોતાનું લોહી હોય એમ જ સાચવે છે ને.. એને સહેજ તાવ જેવું હોય તો હેતલ એને સારું ન થાય ત્યાં સુધી ખાતી પણ નથી”

“વાત તો સાચી પણ એનો શું વિચાર છે એ પણ પૂછી લેજોને.. દીકરીને પણ પૂછી લેવું તમારે” લલીતભાઈની વાતમાં સહમતી હતી.
બે દિવસ પછી ડોશીમાં એ વિનોદરાયને વાત કરી અને વિનોદરાય ભડક્યા. આંખમાંથી આંસુ સાથે એ બોલ્યા.

“મને સ્ત્રી જાતિ પ્રત્યે નફરત છે.. એ બાબતની મને કોઈ વાત ન કરતા.. તમને પગે લાગુ છે માડી પ્લીઝ”
“ તારી વાત સાચી છે દીકરા..પણ ઘરમાં દીકરી મોટી થઇ રહી છે એનું શું?? કાલ સવારે દીકરી પૂછશે એની મા વિષે તો શું જવાબ આપીશ..?? જો સાંભળી લે તું આ ઘરમાં ભલે ભાડુઆત તરીકે રહે છે પણ મેં તને દીકરો જ ગણ્યો છે.. હજુ આ દીકરી નાની છે.. હેતલ ને જ એ એની મા સમજે છે.. દુનિયામાં એક સ્ત્રીનો ખરાબ અનુભવ થાય એટલે આખી સ્ત્રી જાતિ ખરાબ ના હોય!! મે હેતલને પૂછી લીધું છે..અને સાંભળી લે તને કદાચ એમ હોય કે હેતલને બાળક થાય પછી વારો તારો કરશે તો એ તારી ભૂલ છે એણે મને કીધું કે બસ આ ઢીંગલી જ એક મારું સંતાન હશે..અને એને જો વિશ્વાસ ન આવતો હોય તો એ ઓપરેશન પણ કરાવવા તૈયાર છે એવું મને કીધું !! હું તો કહું છું કે નેહલને આવી માતા નહિ મળે, અહી તું સાવ સાવ અજાણ્યા છે. તારો ભૂતકાળ તું ભૂલી જા અને નેહલના સોનેરી ભવિષ્યનું સ્વાગત કર”

ડોશીએ એક મહિનો સતત વિનોદરાય ને સમજાવ્યા અને પછી પોતાની દીકરીના સુખની ખાતર વિનોદરાય હેતલને પરણી ગયા. અને પછી જીવનમાં એક સુખનો દોર શરુ થયો. પણ હા હેતલે એનું વચન પાળ્યું હતું. નેહલ ખાતર એણે પોતાની કૂખ કુંવારી રાખી હતી. બીજી સ્ત્રીની દીકરીના ભવિષ્ય માટે હેતલનું આ અદ્ભુત બલિદાન હતું.. પછી તો વિનોદરાયની થોડા થોડા સમયે બદલી થતી રહીને આજે તેની દીકરીએ કોલેજ પણ પૂરી કરી લીધી હતી!!

“ચાલો પાપા ક્યાં ખોવાઈ ગયા”?? નેહલે પાપાને હાથ પકડીને હલાવ્યા. વિનોદરાય આંખો ખોલી. ઓડીટોરીયમ હોલમાંથી બધાં બહાર જઈ રહ્યા હતા. એની પત્ની સ્ટેજના એક ખૂણા પર મોટા બાનો હાથ પકડીને વાતો કરી રહી હતી. વિનોદરાય ઉભા થયા.પાછળ પાછળ એની પત્ની અને દીકરી પણ ચાલી નીકળ્યા. હોસ્ટેલમાંથી નીકળીને વિનોદરાય બોલ્યા.

“ અમદાવાદ આવ્યા જ છીએ તો અગ્રવાલ સાહેબને પણ મળતા જઈએ.અને ગાડી સેટેલાઈટ બાજુ ચાલી. નેહલે પૂછ્યું.

“મમ્મા કેમ લાગ્યાં મારા મોટા બા”??

“ખુબ જ સરળ અને માયાળુ સ્ત્રી છે.. એની ઉમર હજુ કાઈ વધુ નથી થઇ. એકદમ સન્નારી જેવા લાગતા હતા. મેં એમને કીધું કે આવો અમારે ઘરે આ હવે વેકેશન પડી ગયું છે તો કોલેજમાં અને હોસ્ટેલમાં પણ રજાઓ જ છે. પણ એણે કીધું કે આ ગેઇટના દરવાજા બહાર એ છેલ્લા સોળ વરસથી નથી ગઈ. બસ કિલકિલાટ કરતી દીકરીઓ આવે એ જ મારી દુનિયા” હેતલે જવાબ આપ્યો.
“વાહ ખુબ જ અદ્ભુત સ્ત્રી છે.. ભગવાન લગભગ સો વરસે આવી એક યુનિક સ્ત્રી બનાવે છે!! ધન્યવાદને પાત્ર છે આવી સ્ત્રીઓ!!તે એને પૂછ્યું નહિ કે એ કયાની છે?? એ પરણી છે કે નહિ???” વિનોદરાય વ્યંગમાં બોલ્યા પણ મા દીકરી એમનો વ્યંગ ના સમજયા.

“ હા મે એમનું વતન પૂછ્યું તો કીધું કે હું બધું જ ભૂલી ગઈ છું.. બસ આ કેમ્પસ જ મારું વતન.. એમ કહીને વાત ટાળી દીધી પણ એક વાત કહું નેહલના પપ્પા એની આંખોમાં મને ખુબ જ ઊંડું દુઃખ દેખાયું. એક એવું દુઃખ કે કોઈ સ્ત્રી જ એ દુઃખ જાણી શકે. કોઈ પુરુષનું કામ નહિ” હેતલ બોલી!!

“ અમુક સ્ત્રીને તો ભગવાન પણ નથી જાણી શક્યો તો આપણે કોણ જાણવા વાળા ? આ બધું તો લેણદેણ પર આધારિત છે..અમુક સુખી કરવા આવે અને અમુક ગયા ભવનું લેણું બાકી રહી ગયું હોય એમ દુઃખી કરવા આવે..” વિનોદરાય બોલતાં હતા..હકીકતમાં એ એનો ભૂતકાળ બોલી રહ્યો હતો!!

અગ્રવાલનું મકાન આવી ગયું. સહુ અગ્રવાલને મળ્યા. વિનોદરાયને અગ્રવાલજી ઉપલા માળે લઇ ગયા.

“કેમ ચિંતામાં છો વિનોદ આજે તું ખુશ લાગવો જોઈએ.. ઘણા સમય પછી તને દીકરી સાથે રહેવાનું મળશે” અગ્રવાલ બોલ્યા.

અને વિનોદે મોટા બા એ જ સુજાતા છે એની વાત કરી. અગ્રવાલને પણ નવાઈ લાગી કે આ કઈ રીતે શક્ય બને. વિનોદરાય ને આ બધું જાણવું હતું અને હવે તો અગ્રવાલને પણ ઇન્તેજારી હતી. એણે સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી અને કર્તા હર્તા એવા સુમનલાલ શેઠને બોલાવ્યા. જે તેમના ખાસ મિત્ર હતા. સુમનલાલ શેઠને બધી જ વાત કરી અને પછી સુમનલાલ શેઠ બોલ્યા.

“આમ તો કોઈ કર્મચારીની ખાનગી વાતો અમે કહી ના શકીએ. તમારી વાતો પર થી અમને લાગે છે કે જો તમને નહિ કહું તો કદાચ ગેરસમજણ વધી જશે. અમુક વાતો સુજાતાએ અમને પણ કરેલ પણ અમુક વાતો ન કરેલ. આજથી લગભગ સોળ સતર વરસ પહેલા અમે બને પતિ પત્ની દિલ્હી ફરવા ગયા હતા. ટુર પૂરી થઇ અને વહેલી સવારે સરાઈ રોહિલ્લાથી અમારી ટ્રેનનું બુકિંગ હતું. અમે પ્રથમ વર્ગની ટિકિટ બુક કરાવેલી હતી. લગભગ સવારના સાડા ત્રણ વાગ્યે ટ્રેન આવી. અમે અમારા કોચમાં ગોઠવાયા. ટ્રેન હજુ ઉપડી નહોતી. હું મારી પત્ની સાથે બહાર ઉભો હતો એમાં એક સ્ત્રી દોડતી દોડતી પ્લેટફોર્મ પર આવી અને સીધી અમારા કોચમાં ચડી ગઈ. હું કશું જ બોલું એ પહેલા દુરથી સાત થી આઠ માણસો હાથમાં છરા લઈને ડબ્બે ડબ્બે ઘૂમતા જોયા. હું અને મારી પત્ની અંદર ગયા તો મારા કેબીનમાં જ સ્ત્રી બેઠી હતી.ધ્રુજતી હતી. હાથ જોડીને મારી પત્ની આગળ હિન્દીમાં બોલી કે મને બચાવી લો. મારી પત્નીએ ગુજરાતીમાં પૂછ્યું કે શું છે આ બધું?? અને હવે તે સ્ત્રી કડકડાટ ગુજરાતીમાં બોલી કે એ લોકો મને મારી નાંખશે. અત્યારે મને બચાવી લો હું તમને સઘળું કહીશ અને મારી પત્ની એ કેબીન અંદરથી બંધ કરી દીધું અને મને દરવાજા બહાર જોવા માટે મોકલ્યો. એટલામાં રેલવે પોલીસ આવી ગઈ હતી એટલે પેલા છરા વાળા આડા અવળા થઇ ગયા હતા. ટ્રેન ઉપડી એટલે એ સ્ત્રી એટલે કે સુજાતા એ ધીમે ધીમે બધી જ વાત કરી કે.. એ ભાગીને પેલા ટુર મેનેજર સાથે દિલ્હીમાં રહેતી. અહી આવ્યા પછી એને ખબર પડી કે ટુર મેનેજર તો પરણેલો છે!! પણ હવે કોઈ વિકલ્પ નહોતો. એ અલગ મકાનમાં રહેવા લાગી. પણ પછી એને ત્રાસ શરુ થયો. ટુર મેનેજરે એને વેચી નાંખી અને લાગ જોઇને એ છટકી ગઈ છે. પોતાની નાની બાળકીને મુકીને આવી એનો ભગવાન આવો બદલો આપી રહ્યો છે. બસ એણે આટલી વાતો કરી પણ તમારું નામ ન આપ્યું. અમદાવાદ આવ્યું. અમે સુજાતા ને ઘરે લાવ્યા. બે દિવસ રાખી અને પછી હોસ્ટેલમાં અને કોલેજમાં એને કામ સોંપ્યું.” કહીને સુમનલાલ શેઠ થોડું અટક્યા. પાણી પી ફરીથી બોલ્યા.
“છ માસ સુધી અમે બરાબર વોચ રાખી પણ સુજાતામાં અમને કશું ખોટું ના દેખાયું. એ તમે જે ચીંધો એ કામ કરે. પછી અમે એને ગૃહ માતા બનાવી દીધી. બસ ત્યારથી એણે કેમ્પસની બહાર પગ નથી મુક્યો. અમે એને પગારનું પૂછ્યું તો ફક્ત એટલું જ કીધું. મને આ રીતે ગુમનામ રાખો એ જ મારો પગાર છે. મેં એક દીકરી તરછોડી છે એનું ફળ હું ભોગવી લીધું છે બસ અહી મને આ દીકરીઓ સાથે મજા આવે છે. દરેક દીકરીમાં મને મારી દીકરીના દર્શન થાય છે એમાં જ હું રાજી છું!! બસ ત્યારથી એ મોટા બા તરીકે ઓળખાય છે!! એનો ભૂતકાળ જે હોય તે અમને તેની સાથે લેવા દેવા નથી.. એણે કરેલ ભૂલ તે સુધારી રહી છે.અને તમને પણ એક રીક્વેસ્ટ કરું છું વિનોદરાય કે હવે એમને માફ કરી દેજો.તમે પણ તમારા સંસારમાં સુખી છો એ એના કાર્યમાં સુખી છે.. આમ જોઈએ તો આપણે અહી ભગવાને આપેલ પાત્રો ભજવવાના હોય છે..એના ભાગ્યમાં આવું ભજવવાનું આવ્યું છે!! સ્વીકારી લેવાનું”

થોડી ઘણી વાતો કરીને સહુ છુટા પડ્યા..

બે વરસ પછી કોલેજ કેમ્પસ આગળ એક કાર આવીને ઉભી રહી. વિનોદરાય કારમાં જ બેઠા રહ્યા અને હેતલ નીચે ઉતરીને સિક્યુરીટી ઓફીસ પાસે જઈને વાત કરીને અંદર દાખલ થયા. જમણી તરફ ટ્રસ્ટી શ્રી સુમનલાલ શેઠની ઓફીસ હતી. વિનોદરાયે અગાઉ ફોન પર વાત કરી લીધી હતી એટલે સુમનલાલ શેઠ ત્યાં હાજર હતા. સુમનલાલ શેઠે હેતલને આવકારી અને એક રૂમમાં બેસવાનું કહ્યું,થોડીવાર પછી મોટા બા એટલે કે સુજાતા આવી. હેતલ સામે નમસ્કાર કરીને પૂછ્યું.

  • “કેમ છે મારી નેહલ ને”
  • “વીસ દિવસ પછી એના લગ્ન છે, કંકોત્રી દેવા આવી છું” હેતલ બોલી.
  • “અરે ઘણી ખુશીની વાત છે.. મારા તરફથી આશીર્વાદ આપજો એને” સુજાતા બોલી

“સુજાતા આશીર્વાદ તો તું એને રૂબરૂ આપીશ ત્યારે ગમશે” હેતલે કહ્યું સુજાતાની આંખમાંથી આંસુની ધાર વહી રહી.

“હું એને લાયક નથી. અમુક ભૂલો એવી હોય કે જેનું કોઈ જ પ્રાયશ્ચિત નથી હોતું.. બસ ભવોભવ એ ભૂલની સજા ભોગવવી જ પડે છે” સુજાતા બોલતી હતી.

“ એ જે હોય એ.. નેહલની રગોમાં તારું લોહી છે.. માતા ગમે તેવી હોય દીકરી માટે એ હમેશા પવિત્ર જ હોય છે.. એનો પણ આગ્રહ છે કે તું તારી દીકરીને આશીર્વાદ આપવા આવે.. એ બહાર ગેટ પાસે ઉભા છે.. આવવું જ પડશે તારે સુજાતા!! તારી દીકરીને આવા શુભ પ્રસંગે પણ તું આશીર્વાદ નહિ આપે??”
“નેહલ ને ખબર છે કે હું એની સગી મા છું.??” સુજાતા બોલી

“ ના એને હજુ કશી જ ખબર નથી. તું એના માટે હજુ પણ મોટા બા જ છો” હેતલે કહ્યું

“ખુબ સારું કર્યું .. એને ખબર પડવા પણ ના દેતા.. એની જીંદગીમાં હું મારો કાળો પડછાયો પણ નહિ પડવા દઉં.. હું નથી ઈચ્છતી કે મારો કલંકિત ભૂતકાળ સાંભળીને મારી દીકરીને નીચું જોવું પડે.. એ હેતલની દીકરી છે.. કાયમ સુખી રહેશે.. લગ્નમાં નહિ આવવાનું પણ આ એક મોટું કારણ છે..!! સુજાતા હાથ જોડીને બોલી.

“ તો એક કામ કરીએ પાંચ દિવસ પછી અમે નેહલ સાથે અમદાવાદ આવીએ છીએ. થોડીક ખરીદી કરવાની છે. એ વખતે તું નેહલને આશીર્વાદ આપી દેજે.. ગમે તેમ હોય પણ તું એની માતા છો. તારા આશીર્વાદની ખાસ જરૂર છે.” કહીને હેતલ ચાલી ગઈ. સુજાતા ભીની આંખે એને જતા જોઈ રહી!!

પછીના અઠવાડિયે નેહલ પોતાના મોટા બા પાસે આવી. હેતલ બાજુમાં ઉભી હતી. મોટા બા_ સુજાતાએ એને છાતી સરસી છાંપીને હરખના આંસુ વહાવ્યા. પછી બોલ્યા.
“ મારી એક લક્ષમણ રેખા છે કે આ ગેઇટ ને હું પસાર નથી કરી શકતી. પણ બેટા તું ખુબ સુખી થાજે.. સાસરિયામાં જઈને તું બધાના દિલ જીતી લેજે.. હા બની શકે તો લગ્ન પછી તું સજોડે એક વાર આવજે.. બસ સુખી થા દીકરા!! અને આ મેં તારા માટે લીધેલ લગ્નની વસ્તુઓ છે” કહીને એક સુટકેશ આપે છે. અને ફરીથી નેહલને ભેટીને બોલે છે.
“સંસ્થા તરફથી જે કઈ મારો પગાર જમા થતો હતો તેમાંથી આ બધું મેં સુમનલાલ શેઠ પાસે મંગાવી લીધું છે . મારે તો હવે બીજું શું જોઈએ!!” નેહલ એના મોટા બા ને પ્રણામ કરીને ચાલવા લાગી. હેતલ ના બને હાથ પકડીને સુજાતા ધીરેથી એટલું જ બોલી.

“એમને કહેજો કે બને તો મને માફ કરી દે!! સમજુ છું કે અમુક ગુનાઓ બિન માફીપાત્ર હોય છે પણ તોય વિનંતી કરું છું!!” કહીને એ હિબકેને હિબકે રડી પડી!! સુજાતાને આશ્વાસન આપી હેતલ ચાલી નીકળી!! સુજાતાએ ઝડપથી આંખો લુછી નાંખી કારણકે નેહલ દુરથી હાથ હલાવીને એમને આવજો કહી રહી હતી. પોતાની દીકરી સામે સુજાતા હાથ હલાવી રહી હતી.. મન પરનો એક ભાર હળવો થઇ રહ્યો હતો!!

લેખક :- મુકેશ સોજીત્રા
૪૨ , “હાશ” શિવમ પાર્ક સોસાયટી , સ્ટેશન રોડ,
મુ.પો ઢસા ગામ
તા . ગઢડા જી .બોટાદ પીન ૩૬૪૭૩૦

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.