મુકેશ સોજીત્રા લેખકની કલમે

આ વાર્તા વાંચ્યા પછી જે મળ્યું છે એમાં જ તમે સંતોષ માનશો, ક્યારેય કોઈ નસીબની ફરિયાદ નહી કરો એની ગેરેન્ટી …..

“મને વિદાય આપો – એક અંતરાય કર્મ”

ગામની મધ્યભાગમાં એક હવેલી આગળ ત્રણ ચાર કાર આવીને ઉભી રહી. સવારના આઠેક વાગ્યાનો સમય હશે. આમ તો પાદરમાંથી જ સહુથી આગળ ગાડી હતી એમાંથી એક સજ્જને પૂછ્યું હતું કે “શેઠ દીપચંદ દાદાનું ઘર ક્યાં આવેલું છે??” અને જવાબ મળ્યો કે “સીધા રસ્તે જ ચાલ્યા જાવ ગામની વચ્ચે જ એક મોટી હવેલી આવશે બે માળની નીચે જ દીપચંદ દાદાની દુકાન છે અને સામે જ એક ઉપાશ્રય છે”

કારમાંથી માણસો ઉતરીને શેઠ દીપચંદ દાદા ની હવેલીમાં ખુલ્લા દરવાજામાં પ્રવેશ્યા હતા. આવનાર મહેમાનો હતા મુંબઈના. મુંબઈમાં ઘાટકોપર વિસ્તારમાં હીરાનંદીની બંગલોમાં રહેતું ધનાઢ્ય પરિવારના લોકો દીપચંદ દાદાની ઘરે એમની દીકરીના સંબંધ બાબતમાં આવ્યા હતા. દીપચંદ દાદા પાંસઠ વરસની ઉમર હતી. ગામમાં હવેલીની નીચે જ દુકાન હતી. બે વાણોતર રાખેલા હતા. એ બધું જ કામકાજ સંભાળતા હતા. એમની દીકરી સંજનાની ઉમર હશે ૨૪ વરસની. એકદમ રૂપાળી કહી શકાય તેવી સંજના કોલેજ સુધી ભણેલી હતી અને હવે દીપચંદ શેઠે સગા સંબંધીમાં વાત ચલાવી હતી કે

“કોઈ સારા ઘરનો સંસ્કારી છોકરો હોય તો કેજો સંજનાનું વેવિશાળ ગોઠવવું છે,છોકરો જૈનાચાર પૂરી રીતે પાળતો હોવો જોઈએ. સંજના મારી એકની એક દીકરી છે. ભવિષ્યમાં મારી સંપતિનો તમામ વારસો એ જમાઈ અને દીકરીને આપી દેવાનો છે.

અને એટલે જ આજે દીપચંદ દાદા ને ત્યાં મહેમાનો આવ્યા હતા છેક મુંબઈથી. લગભગ આજુબાજુના ગામના તમામ વણિકોની દીકરીઓ પરણી પરણીને મુંબઈ જ જતી હતી. આવનાર વ્યક્તિનું નામ હતું કેશવજી શેઠ એમનો એક માત્ર દીકરો પ્રશાંત મુંબઈ યુનિવર્સિટીમાં ભણેલો હતો.પિતાજીનો જુનો કારોબાર સંભાળતો હતો.

કેશવજી શેઠને એક ફેકટરી હતી.એમાં શર્ટ અને પેન્ટ તૈયાર થતા હતા. ભારતના તમામ મોટા શહેરોમાં “કેશવજી રેડીમેઈડ” બ્રાન્ડની નાની મોટી દુકાનો આવેલી હતી. જેમાં તેના શર્ટ અને પેન્ટ ધૂમ માત્રામાં વેચાતા હતા. લગભગ આખા ભારતમાં “કેશવજી રેડીમેઈડ”ની ૮૦ કરતા વધુ ફ્રેન્ચાઈજી આવેલી હતી. દીપચંદ દાદાના સાળાએ આ વાત ચલાવી હતી. અને એટલે જ એ લોકો આજે જોવા આવ્યા હતા સંજનાને!!

મહેમાનોને આવકાર અપાયો. હવેલીમાં બે મોટા ઓરડામાં ઉતારો અપાયો. કાયમ સંકડાશમાં જીવનાર મુંબઈગરાઓ માટે આ મોકળાશ વધારે ગમી ગઈ એમાં એક ત્રંબકલાલ કરીને વણિક હતા એ તો તરત જ બોલ્યા આખી હવેલીનું નિરિક્ષણ કરીને.

“ઓછામાં ઓછી ૧૨૦૦ વારની જગ્યા છે. ફૂલ ફર્નિચર સાથે આવી જગ્યા જો વસાઈ કે પવઈ માં હોય તો ૫૦ કરોડ તો આસાનીથી આવી જાય એવી અફલાતુન હવેલી છે”

“અરે આવી જગ્યા ગોરેગામમાં હોયને તો મહીને વીસ લાખ રૂપિયા તો ફિલ્મ વાળા શુટિંગ ના આપે.. એકદમ રાજમહેલ જેવી હવેલી છે. આખી હવેલીમાં મલબારી સાગ વપરાયો છે” એક સોનાના દાંત વાળા આધેડ બોલ્યા. એ સાગનું નકશીકામ નીરખી રહ્યા હતા.

પુરુષો અને સ્ત્રીઓ નાહી ધોઈને ફ્રેશ થયા. સ્વાગતમાં ગુલકંદ કાજુનું જ્યુસ આવ્યું. નાસ્તામાં ખાખરા સાથે કાજુ કતરી અને ખમણ પીરસાયા. સહુ નાસ્તામાં પરોવાયા ત્યાં જ વળી પાછા ત્રંબકલાલ બોલ્યા.

“મુંબઈમાં બધું જ ખાવાનું મળે પણ આવા ખમણ ના મળે એટલે જ સુરતથી ટ્રેનમાં ખમણ ના ડબ્બા ભરાઈ ભરાઈને આવે છે. લગભગ અડધા મુંબઈ વાળા સુરતી ખમણ ખાય છે.હું તો કેશવજી શેઠને કહું છું કે કાપડ માં તો તમારે બખ્ખા છે પણ હવે આ ખમણમાં ઝંપલાવો તો પણ ધોધમાર પૈસો છૂટે એવો છે. તમારે તૈયાર કપડાની સાથે તૈયાર ખમણ જ વેચવાના છે. ભારતના મોટાભાગના શહેરમાં તમેં ફ્રેન્ચાઈજી આપેલી જ છે એટલે નવું કાઈ ઉભું કરવું પડે એમ તો નથી..આ બે ધંધા એક ખાવાનું અને એક પહેરવાનું એ બારમાસી ચાલતા ધંધા છે એમાં કોઈ દિવસ મંદી ના આવે”
થોડી આડા અવળી વાતો થઇ. દીપચંદ શેઠ વાતો તો કરતા હતા પણ એનું ધ્યાન સતત મુરતિયા પ્રશાંત તરફ હતું. એકદમ સિંગલ અને માપસરનો બાંધો. બલ્યુ ચેક્સ નો શર્ટ અને બ્રાઉન જીન્સમાં પ્રશાંત સોહામણો લાગતો હતો.

સંજના માટે એ આવા જ મુરતિયાની શોધમાં હતા. પણ લાખ વાતની એક વાત એક વાત કે સંજનાને પસંદ પડે તો ને?? અત્યાર સુધી ચાર મુરતિયા એ જોઈ ચુક્યા હતા. એ બધાને સંજના પસંદ હતી. પણ સંજનાને એક પણ પસંદ ના પડ્યો. બે પાર્ટી અમદાવાદની અને એક પાર્ટી રાજકોટ અને સુરતથી આવી આવીને સંજનાએ જોઈ ગઈ હતી.સુરત વાળી પાર્ટીને તો બોમ્બે માર્કેટમાં સાડીની દસ દુકાનો હતી અને મુરતિયો થોડે ભીને વાન હતો..રાજકોટ વાળી પાર્ટીને ખુરશીઓ અને કબાટ બનાવવાનો ધંધો હતો. પણ એ છોકરાની હાઈટ થોડી નીચી હતી.અમદાવાદ વાળી એક પાર્ટીને ટ્રાવેલ્સનો ધંધો હતો અને બીજી પાર્ટીને બોપલ અને ઘુમા માં ચાર ફાર્મ હાઉસ હતા. પણ એ બને છોકરા ઓ હોય એના કરતા વધારે જાડા હતા!! પણ આ પ્રશાંત સંજના માટે એકદમ ફીટ હતો.જો સંજનાએ ગમી જાય તો વાત બની જાય એમ હતી!!

સાડા દસે સંજના તૈયાર થઈને આવી હતી.એકદમ યલો સાડીમાં વગર મેકઅપ કર્યા વગરની સંજના બેઠક રૂમમાં આવીને વડીલોને પ્રણામ કર્યા અને એની માતા મંદાબેન પાસે બેઠી. વાતાવરણમાં સુખડની સુગંધ આવી રહી હતી.
“પ્રશાંતે એમ બી એ કરેલું છે. હવે મારો બિજનેશ સંભાળી રહ્યો છે” કેશવજી શેઠે વાત આગળ ચલાવી.

“સંજનાએ કોલેજ પૂરી કરી છે અને બે વરસથી ઘરનું અને દુકાનનું કામ કાજ સંભાળે છે, મારે તો હવે અવસ્થા થઇ એટલે દુકાને હું ખાસ હવે ધ્યાન નથી આપતો પણ મારી દીકરીએ આ બધી જવાબદારી સંભાળી લીધી છે. બહારથી જે માલ લાવવાનો હોય એની યાદી અને કયા ભાવે વેચવાનો છે એ બધું જ સંજના નક્કી કરે છે. દુકાન પણ ધમધોકાર ચાલે છે.આજુબાજુના દસ ગામનું હટાણું છે એટલે ધંધા પાણી ચાલ્યા કરે છે” શેઠ દીપચંદ દાદા એ વાત કરી.

“ હા ખરી વાત આમ જોઈએ તો શાંતિ તો ગામડામાં છે. તાજી હવા અને ચોખ્ખો ખોરાક વળી ગામડામાં તમારા પૈસા ઝટ દઈને ખોટા ના થાય.. બાકી મુંબઈ એટલે રઘવાયું જીવન જોઈ લ્યો,સદાય સાવચેત રહેવું પડે નહીતર કોઈક તમારો ટકો કરી જાય અને તમને ખબર પણ ના પડે.અમે તો બધો જ ધંધો પ્રીપેઈડ પર ચલાવીએ.સામેની પાર્ટી પહેલા પૈસા જમા કરાવે પછી જ ડીલીવરી કરવાની કપડાની.. ત્યાં સુધી નહિ.. પેલા અમે બે બે મહિના સુધી ઉધારે માલ આપતા પણ પ્રશાંતે આવીને એ બધું જ બંધ કરી દીધું.કોઈ ઝંઝટ જ નહિ.પૈસા પેલા પછી બીજી બધી વાત.અને હવે તો પ્રશાંત જ બધું ચલાવે છે. પ્રશાંત પણ મારા માટે લકી છે.. અરીહંતના આશીર્વાદ બીજું શું જોઈએ” કેશવજી શેઠ પોતાની વાત કરતા હતા.

“ સાચી વાત છે આપણા જીવનની તમામ સફળતામાં ભગવાનનો હાથ હોય જ છે.મારી વાત કરુ તો ચાલીશ વરસની ઉમર સુધી અમારે કોઈ સંતાન નહોતું. કોઈ જ દવાખાનું બાકી નહોતું રાખ્યું. શેત્રુંજય અને સમેત શિખર દર વરસે જતા.. આપના ઘણા મુનિ મહારાજ સ્વામીઓને મળ્યો છું. બહુ જ દુઃખ થતું કે આ જીવનમાં એવા કોઈ કર્મ જ નથી કર્યા તો લગ્ન પછી વીસ વીસ વરસ જતા રહ્યા તો ય સંતાન સુખ શા માટે.. મારી પત્ની મંદા હમેશા મને સાંત્વના આપતી. આ હવેલીની સામે જ ઉપાશ્રય છે ત્યાં ચાતુર્માસ માં ત્યાં સાધ્વીજીઓ આવે મંદા તેની ખુબ સેવા કરે.. સાધ્વીજીઓ ગામમાં ગોચરી કરવા નીકળે ક્યારેકમંદા પણ તેમની સાથે જતી.

.પણ જ્યાં સુધી સાધ્વીજીઓ ઉપાશ્રયમાં રહે ત્યાં સુધી મંદા ખડા પગે સેવામાં રહે.. આવી જ રીતે એક વખત એક સાધ્વીજી મંદાનું દુઃખ જોઇને બોલી ગયેલા કે બહેન તારે ત્યાં બે વરસમાં સંતાન થશે..!! મંદા એ તો આવીને વાત કરી મને..એ ખુબ હરખમાં આવી ગઈ હતી. પણ હું વાસ્તવિકતા સમજી શકતો હતો. સારા સારા ડોકટરો એ ના પાડી હતી કે મંદા ના ગર્ભાશયમાં જ ખામી છે બાળક કોઈ કાળે નહિ જન્મે..!! પાલીતાણામાં આપણા ધર્મના દિગ્ગજ મહારાજ સ્વામીઓને મળી આવ્યો છું. તેઓ પણ પોતાની આગમ ભાખવાની શક્તિનો ઉપયોગ કરીને મને ચોખ્ખું કહી દીધું કે તમારે સંતાન સુખ નથી એટલે નથી જ… પણ બે વરસ પછી ખરેખર ચમત્કાર થયો અને આ સંજનાનો જન્મ થયો.. આ તદન સાચી વાત છે..શક્ય છે કે આજની આધુનિક પેઢી આને કદાચ ના સ્વીકારે.. બસ મારી સંજના પણ એન મમ્મી જેવી જ.. નાનપણથી જ એ પર્યુષણ રહે છે.. જૈનાચાર એના જીવનમાં સરળતાથી પ્રવેશી ગયો છે.. એ લગભગ ટીવી જોતી જ નથી.. બસ ધાર્મિક પુસ્તકો વાંચ્યા કરે.. આવડી મોટી થઇ પણ મારે એને કોઈ બાબતમાં ટોકવી પડી હોય એવું બન્યું નથી” શેઠ દીપચંદે એની વાત કરી. સહુ અહોભાવથી એની સામે જોઈ રહ્યા હતા.

“હવે બંને દીકરા દીકરીઓને એકલા મુકીએ એ લોકો વાત કરી લે ત્યાં સુધી આપણે દીપચંદ દાદાની હવેલી નો ઉપલો ભાગ જોઈ લઈએ.અને ત્યાંથી કદાચ આ નગર આખું દેખાઈ પણ જાય!!” ત્રંબકલાલ બોલ્યા અને સહુ દાદર ચડીને હવેલીના બીજા માળે ગયા. નીચે બે જ જણા રહી ગયા. સંજના અને પ્રશાંત!! પ્રશાંતે સીધી જ પહેલ કરી.

“તમે મને ગમો છો.. કઈ મારા વિષે પૂછવું છે””?

“ બસ થોડા પ્રશ્નો પૂછવા છે વિશેષ કશું નહિ” સંજનાએ કહ્યું. અને પ્રશાંત ચોંકી ગયો. એને આવી અપેક્ષા તો નહોતી એને એમ હતું કે સંજના પણ કહેશે કે તમે મને ગમો છો આ તો એનું ઈન્ટરવ્યું લેવા બેઠી હતી..!!

“જૈન ધર્મમાં આગમ એટલે શું?? જેની પર આગમ કોતરેલા છે એ મંદિર તમે જોયું છે ક્યાં આવેલું છે??? જૈન ધર્મ જ્ઞાન માર્ગ પર ચાલતો હતો?? અચાનક જ એમાં ભક્તિ માર્ગ ક્યાંથી પ્રવેશ્યો..?? પહેલાના આપણા જૈન મહારાજો દિગંબર હતા.. શ્વેતામાંબર ક્યારે શરુ થયા અને શા માટે??” અને આવા કેટલાય પ્રશ્નો સંજનાએ પૂછ્યા પણ પ્રશાંતને બહુ ઓછા જવાબ આવડ્યા. છેવટે પ્રશાંત બોલ્યો.

“સંજના તમે આવી રીતે તો સંસાર નહિ વસાવી શકો, આ બધું તો મહારાજ સ્વામી અને સાધ્વીજીઓનું કામનું છે”

“બસ મારે એજ માર્ગે જવું છે.. મને આ સંસારના સુખમાં સહેજ પણ રસ નથી..મારે દિક્ષા લેવી છે.. હું મારા મમ્મી પાપાનું એક માત્ર સંતાન છું..એમને વાત કરી શક્તિ નથી. મને સપના પણ આવા જ આવે છે..શ્વેત માર્ગે શ્વેત કપડામાં હું અસંખ્ય સાધ્વીજી સાથે ચાલી જતી હોવ છું. મહાવીરનો માર્ગ મને બોલાવી રહ્યો છું.. શું તમે મને આમાં તમે મદદ કરી શકો…? શું તમે મારા માતા અને પિતાજીને આ વાત આજે કહી દો એટલે એ મને આ સંસારના બંધનમાં જોડવાના પ્રયત્નોમાંથી મુક્તિ અપાવી દે”” સંજના બોલતી હતી પ્રશાંત સંભાળતો હતો.

“જી જરૂર હું હમણા જ વાત કરું છું” કહીને પ્રશાંત ઉંચે જોયું.. સાગના કોતરણીકામમાં ઉપર અદ્ભુત કારીગરી હતી.. આવી કારીગરી એણે પાલીતાણા ના કઈ મંદિરોમાં જોઈ હતી!!

થોડી વાર પછી સહુ નીચે આવ્યા. સંજના અને પ્રશાંત ને વાતો કરતા જોઇને દીપચંદ શેઠ ને મનમાં હાશ થઇ એણે મંદાબેન સામે જોયું એ પણ ખુશ હતા. દીકરીનો સંબંધ થતો હોય ત્યારે માં બાપને અનહદ ખુશી થતી હોય છે. સહુ બેઠા અને પ્રશાંત બોલ્યો.

“અમે લોકોએ વાત કરી લીધી છે.. શેઠ દીપચંદ દાદા તમારે ઉપાધિ કરવાની જરૂર નથી..સંજના મહાવીરના માર્ગે જવા માંગે છે. એ દિક્ષા લેવા માંગે છે પણ તમારો અને મંદા બહેનનો અપાર સ્નેહ એને રોકી રહ્યો છે. એણે મને બધું જ કહી દીધું કે આ સંસારમાં એને એક ટકોય રસ નથી.એના મનમાં અલગ જ વિચારો આવે છે. એક આદ્યાત્મિકતા ની ઉંચાઈએ એ આંબવા મથે છે. એક દીકરીની ઈચ્છા માં બાપ નહિ સમજે તો કોણ સમજશે?? તમારે એને માટે હવે કોઈ સગાઇ શોધવાનો પ્રયત્ન ના કરતાં બસ રાજી ખુશીથી એ કહે ત્યારે એને દિક્ષા અપાવી દેજો, બસ આટલું જ કહેવાનું હતું”
પ્રશાંતની વાત સાંભળીને સહુ ચોંકી ગયા. દસ મિનીટ સુધી સતત મૌન છવાઈ ગયું. પછી વાતો થઇ. કેશવજી શેઠે પણ સંજનાને સમજાવવા પ્રયત્નો કર્યા .પણ સંજનાના જવાબો સામે એ પણ હારી ગયા.મંદાબેને પણ દીકરીને મનાવી જોઈ. એનું માતૃત્વ પણ નાકામ ગયું. શેઠ દીપચંદ દાદા તો કશું જ ના બોલ્યા પણ આંખો મીચીને બેઠા જ રહ્યા.
બપોરે સહુ જેવું તેવું જમ્યા પછી વછલો રસ્તો કાઢવામાં આવ્યો અને નક્કી કર્યું કે પાલીતાણા આપણે મહારાજ સ્વામી પાસે જઈએ અને એને વાત કરીએ. એ જે કહે એ સંજનાએ સ્વીકારી લેવાનું. સંજનાએ આ વાત કબૂલ રાખી. બપોર પછી સહુ કારમાં બેસીને પાલીતાણા ઉપડ્યા!!


શેત્રુંજય ની તળેટીમાં એક ધર્મશાળામાં ઉતર્યા. સાંજે આરતી પૂજા અર્ચન કરીને દીપ ચંદ શેઠ અને કેશવજી શેઠ મહારાજ સ્વામીને મળ્યા. મહારાજ સ્વામીને બધી જ વાત કરી. કલાક સુધી મહારાજ સ્વામીએ બધું જ સાંભળ્યું અને પછી બોલ્યા.

“મેં તને આજથી ઘણા વરસો પહેલા કહ્યું હતુંને કે તારે સંતાન સુખ નથી. પણ તોય તારે સંતાન થયું. તારા ગામમાં ઉપાશ્રયમાં જે સાધ્વીજી આવ્યા હતા એ તમારી સંતાનની ઝંખના જોઇને પીગળી ગયા હતા. અમારા મહારાજ સ્વામી ઓમાં અને સાધ્વીજીઓમાં એક વણલખ્યો નિયમ છે કે એકવાર દિક્ષા લીધા પછી તમને બધાનો મોહ છૂટી જવો જોઈએ તોજ સાચી નિર્વાણ ગતિ પ્રાપ્ત થાય.પણ એ સાધ્વીજી ને તમારું બહુ લાગી આવેલું અને એજ અંતરાય કર્મને કારણે એ સાધ્વીજી નિર્વાણ ન પામી શક્યા અને બે વરસ એનો દેહ છૂટ્યો ને તારે ત્યાં દીકરી રૂપે અવતર્યા છે!! સંસાર તો એને એ વખતે પણ નહોતો ભોગવવો અને આ વખતે પણ નથી ભોગવવો.. બસ તારી અને તારી પત્નીની ઈચ્છા પૂરી કરવા માટે એને બીજી વાર જન્મવું પડ્યું છે!! તો શું આ વખતે પણ તમારો સ્નેહ એને આડો આવશે??? બસ સંજના તમારી દીકરી હતી પણ હવે એ મહાવીરના માર્ગે જઈ રહી છે.. ખુશી મનાવો કે એક મહાન આત્માએ તમને ખુશ કરવા ,તમને રાજી રાખવા તમારા પેટે અવતાર લીધો અને એ પણ એક ભવ સુધી પોતાનો મોક્ષ , પોતાનું નિર્વાણ ટાળીને!! તમારે હસતા મોઢે એને વિદાય આપવી જોઈએ.. બહુ ઓછા માણસો આટલા ભાગ્યશાળી હોય છે કે જેની કુખે આવા મહાન આત્માઓ જન્મતા હોય છે!!” મહારાજ સ્વામી કહી રહ્યા હતા દીપચંદ શેઠ અને કેશવજી સાંભળી રહ્યા હતા.
સંજના સિવાય સહુને આ વાત કરી.મંદા બેને દીકરીને માથે હાથ મુકીને કહ્યું..

“ જા દીકરી તને વિદાય આપું છું.. અમે રાજી ખુશી થી તને તારા માર્ગે જવાની છૂટ છે.. કોઈ જ અફસોસ નથી દીકરી.. અમારા જીવનમાં તું એક સુખી છાયંડો બનીને આવી છો. બસ એ સુખ અમારા માટે પુરતું છે હવે કશી જ અપેક્ષા નથી. જા મહાવીરના ચરણોમાં જા દીકરી તને હું આજથી તમામ બંધનમાંથી મુક્તિ આપું છું.”

રાજી ખુશીથી સંજના બધાને મળી. દિક્ષા લેતા પહેલા બે વરસનો સમયગાળો પસાર કરવો જરૂરી હોય સંજના બે વરસ સુધી સાધ્વીજીઓ ભેગી રહીને પછી ધામધૂમપૂર્વક એણે સંસારનો ત્યાગ કરીને દિક્ષા લીધી. લોકો એ ઘણી ઘણી વાતો કરી કે આવી સાત ખોટની દીકરીને દિક્ષાની પરવાનગી માં બાપ કેમ કરીને આપતા હશે..પણ સાચું કારણ તો એના માં બાપ જ જાણતા હતા કે.. એક અદ્ભુત આત્મા પોતાની યાત્રા અધુરી મુકીને બીજા ના સુખ ખાતર ઘરે રોકાઈ ગયો હતો. સુખની નદીઓ છલકાવીને એ આત્મા પોતાના પરમના પંથે ચાલી નીકળ્યો હતો..!!

જીવન વિશાળ છે.માણસો મુસાફરો છે.અમુક મુસાફરો બસ બીજાનું હિત કરવા જ આવતા હોય છે. આવા પરમ આત્મા ધરાવતાઓને શત શત વંદન!!!

લેખક :- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ” શિવમ પાર્ક સોસાયટી ,સ્ટેશન રોડ
મુ.પો ઢસા ગામ તા.ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.