મુકેશ સોજીત્રા લેખકની કલમે

એવું તે શું કર્યું હશે એક પતિએ કે, આજે પત્ની એના પતિ પર ગર્વ અનુભવી છે…વાંચો મુકેશ સોજીત્રાની લગ્નજીવન પર લખાયેલી વાર્તા ….

 “મને મારા પતિ પર ગર્વ છે”

વાસુદેવ ભટ્ટ ઓફિસેથી આવીને પાણી પીને બહાર હિંડોળા પર બેઠાં. એની પત્ની દમયંતી પણ હિંડોળા સામેના સોફામાં બેઠા હતા. સવારે જ વાસુદેવ લીલા વટાણા સાંજના શાક માટે લાવ્યા હતા. દમયંતી બહેન લીલા વટાણાની શીંગો ફોલી ફોલીને થાળીમાં દાણા નાંખતા હતા. વાસુદેવની પુત્રી હજુ દેવાંગી વરસ દિવસ પહેલા જ એસ બી આઇમાં મેનેજર તરીકે નિમણુક પામી હતી. ઘરમાં બસ ત્રણ વ્યક્તિ હતા. સહુથી મોટો દીકરો નવયુગ ને હજુ બે વરસ પહેલા જ પરણાવ્યો હતો. પરણીને એ પોતાના સસરા અને પત્ની સાથે લંડન સેટ થઇ ગયો હતો. પત્ની દમયંતી પણ કોર્પોરેશન ની એક શાળામાં શિક્ષિકા હતી.ઘરમાં ત્રણ જણા હતા અને ત્રણેય સરકારી નોકરિયાત હતા. ખાધે પીધે સુખી નહિ પણ અત્યંત સુખી કહી શકાય એવો પરિવાર હતો.

વાસુદેવ ભટ્ટ જીલ્લા પંચાયતમાં બાંધકામ શાખામાં સીનીયર ક્લાર્ક હતા. હતા તો ક્લાર્ક પણ એમની ઈમેજ અને સ્ટેટસ કોઈ આઈ એ એસ ઓફિસરથી કમ નહોતું. જીલ્લા પંચાયતમાં કોઈ પણ પ્રકારનું કામ કઢાવવું હોય વાસુદેવ હાથમાં કામ લે એટલે થઇ જાય. પોતે વરસોથી બાંધકામ શાખામાં ચીટકી રહ્યા હતા. એમની લગભગ બદલી થઇ નહોતી. હા એક વખત કેરલ બાજુના ડીડીઓ આવ્યા અને એણે વાસુદેવની બદલી શિક્ષણ શાખામાં કરી હતી. પણ ડીડીઓ એ હજુ માંડ એક વરસ પૂરું કર્યું અને એની બદલી થઇ કે બીજે દિવસે જ વાસુદેવ પાછા બાંધકામ શાખામાં આવી ગયા હતા. જીલ્લા પંચાયતમાં કોઈ પણ બોડી આવે વાસુદેવ ભટ્ટની મોડસ ઓપરેન્ડી જ એવી કે જીલ્લા પંચાયતના પ્રમુખ થી માંડીને તમામ પદાધિકારીઓ ને ભટ્ટ સિવાય ચાલે જ નહીં. કોઈ પણ નવા ડીડીઓ આવે એટલે સાહેબની ખાસિયતથી માંડીને સાહેબના જમા ઉધાર પાસા અને સાહેબના તમામ શોખનું લિસ્ટ એના હાથમાં આવી જાય અને પછી સાહેબની એવી સરભરા થાય કે ગમે તેવો સાહેબ વાસુદેવ ભટ્ટ સામે પીગળી જ જાય!!

વાસુદેવ ભટ્ટનો મોબાઈલ ફોન રણક્યો.શ્રાવણ મહિનો ચાલતો હતો એટલે શિવ તાંડવની ધૂન રીંગટોન રાખી હતી. વાસુદેવે ફોન હાથમાં લીધો સામે તલસાણીયા હતો.

“હેલ્લો સાહેબ ન થવાનું થયું. આપણા ચીફ એન્જીનીયર દેવાંગ સાહેબ એલ સી બીના છટકામાં આબાદ ગોઠવાઈ ગયા છે. આજે શાહ સાહેબ એમને મળવા આવ્યા હશે. અને શાહ પાસેથી બે લાખની રિશ્વત લીધી એમ એસીબીના પી આઈ નું કેવું છે.સાહેબના ઘર પાસેજ એસીબી સાદા ડ્રેસમાં ઉભી હતી. સાહેબ જેવા ઘર પાસે પહોંચ્યા કે તરત જ એમની પાસે રહેલ પાકીટની જપ્તી લેવામાં આવી અને એમાંથી બે લાખ રૂપિયાની નોટો નીકળી અને સાહેબના ફિંગર પ્રિન્ટ પણ હતા એ નોટો પર પાઉડર વાળી નોટો એસીબીના અધિકારીઓએ ઓળખી બતાવી.અંદર થી એક શાહ સાહેબની કન્સ્ટ્રકશન કંપનીનું એક ખાલી પરબીડિયું પણ નીકળ્યું. હાલ સાહેબને પોલીસ સ્ટેશન પર લઇ ગયા છે.હું નીકળું છું તમે આવો નક્કી દેવાંગભાઈ ને કોઈએ ફસાવ્યા છે . બાકી એ માણસ પાણી પણ ઘરેથી લઈને આવે એવો સજ્જન માણસ કોઈની ચા પણ ના પીવે એ બે લાખની લાંચ સ્વીકારે એ હું માનતો નથી. અને તમે તો સાહેબને સારી રીતે ઓળખો છો” કહીને તલસાણીયા એ ફોન કાપી નાંખ્યો. વાસુદેવ ભટ્ટ સાહેબના ચહેરા પર ચિંતાની લકીર આવી ગઈ. સામે સોફા પર બેઠેલા દમયંતી બહેન બોલ્યાં.

“શું થયું?? કાઈ અણ ઘટતી ઘટના બની કે શું??” ત્યાં સુધીમાં દેવાંગી પણ બહાર આવી ગઈ હતી. એ મોબાઈલ પર કશુક જોઈ રહી હતી.

“ન થવાનું થયું. ચીફ એન્જીનીયર દેવાંગ બે લાખની રકમ લેતા ઝડપાઈ ગયો છે એસીબીના હાથે એમ તલસાણીયા કહેતો હતો” વાસુદેવ ભટ્ટે ઉતર વાળ્યો.

“ એ ના બને પપ્પા જરૂર આમાં કોઈની ચાલ હોવી જોઈએ.. એ માણસ આપણી ઘરે આવી ઘરે આવી ગયો છે ચારેક વાર. એકદમ નખ શીખ સજ્જન અને પૂરો પ્રામાણિક માણસ. હું સપનામાં પણ વિચારી ના શકું કે એ આટલી મોટી રકમ ની માંગણી પણ કરી શકે” દેવાંગી બોલી. એના શબ્દોમાં દેવાંગ પ્રત્યે આદરભાવ ઝળકતો હતો એ વાસુદેવ ભટ્ટની નજર બહાર ના રહ્યું.

“હું પણ માનું છું કે એ સજ્જન જ નહિ પણ હદ કરતા વધુ સજ્જન છે અને બેટા આ યુગમાં ગરીબ હોવું એ પાપ છે એમ હદ કરતા વધારે સજ્જન હોવું એ પણ પાપ જ છે, ચાલ મારે જવું પડશે. કંઈક વચલો રસ્તો કાઢવો પડશે પેલા તો ડી વાય એસ પી શર્મા ને ફોન કરીને એફ આઈ આરમાં ઉતાવળ ના થાય એવું કંઈક ગોઠવવું પડશે. હું દેવાંગ ને ના પાડતો હતો કે તું થોડો પ્રેક્ટીકલ બન નહીતર આ લોકો તને જીવવા નહિ દે પણ અમુક માણસો ના સેટ અપ ઉબાંટુ ઓપરેટીંગ સીસ્ટમ જેવા હોય છે.એમાં કોઈ પ્રોગામ સહેલાઇથી ઇન્સ્ટોલ જ ના થાય. અત્યારે બાંધકામ માં એન્જીનીયર ની નોકરી કરવી હોય તો તમારા મગજનું સેટ અપ વિન્ડો ટેન જેવું જોઈએ સરળ ઓપરેટીંગ એન ઘણું બધું ઈંસ્ટોલેશન થઇ જવું જોઈએ” કહીને ભટ્ટે પોતાની ફોર વહીલ બહાર કાઢીને ડી વાય એસ પી શર્માને ફોન લગાવ્યો. પણ દેવાંગી તેના તરફ જોઇને બોલી.

“પણ પાપા ઉબાન્ટુ સિસ્ટમનો મોટો ફાયદો એ કે એમાં વાઈરસ ના પ્રવેશી શકે. હું માનું છું કે દેવાંગની ઉબાન્ટુ સીસ્ટમ જ બધામાં હોવી જોઈએ તો જ આ દેશને ભરડો લઇ ગયેલ કરપ્શનનો વાયરસ નાબુદ થઇ શકે” વાસુદેવ ભટ્ટ કાઈ ના બોલ્યા. એ સારી પેઠે સમજતા હતા કે દેવાંગી સાથે ચર્ચા કરવી એટલી આસન નથી હોતી એની પાસે એટલા સચોટ તીર હોય કે સામેવાળો હારી જ જાય.. એટલે જ તો બી કોમ કર્યા પછી એ મેનેજરની પરિક્ષામાં ગુજરાતમાં પ્રથમ નંબરે પાસ થઇ હતી.. ખુબજ શાર્પ માઈન્ડ અને બોલી પણ એવી જ!! એક ઘાને બે કટકા.. વાસુદેવ ભટ્ટ ને પોતાની દીકરીની આ કાબેલીયતનો ગર્વ હતો.

વાસુદેવની કાર પોલીસ સ્ટેશન પર પહોંચી ગઈ હતી. પોલીસ સ્ટેશનની બહાર ત્રણ થી ચાર બ્રેકીંગ ન્યુઝ વાળા આવી ગયા હતા.વાસુદેવે એમની સાથે વાત કરીને કહ્યું.

“મકવાણા તમે લોકો ત્રીસ મિનીટ રાહ જુઓ ભાઈ.. જે ઘટના બની છે એ ચોક્કસ કોઈ સાઝીશ છે મામલો પતે તો પતાવી દેવો છે.. તમારું પણ સમજી લેવાશે..તમારો ધક્કો તમને માથે નહિ પડે.. પત્રકારો પણ વાસુદેવ ભટ્ટની જબાન ને બરાબર ઓળખી ગયા હતા. ઘણાય કિસ્સામાં જીલ્લા પંચાયતની અંદરની વાતો એ ખાનગીમાં મીડિયા પ્રમુખ મકવાણા ને કહેતા અને પછી સારી એવી રકમનો તોડ કરવામાં આવતો.. જીલ્લા પંચાયતમાં એવી ચર્ચાઓ થતી કે વાસુદેવ ભટ્ટ તોડ કરવામાં બેજોડ છે!!!

પોલીસ સ્ટેશનની અંદર ડી વાય એસ પી શર્મા આવી ગયા હતા. એસીબીના પી આઈ વાઘેલા રાઈટર વણઝારા પણ પોતાના સ્થાને બેઠા હતા . સાથે એના બે કોન્સ્ટેબલ અને ડ્રાઈવર મુળુભા પણ હતા. સામેની ખુરશી પર દેવાંગ બેઠો હતો!! આવી કપરી પરિસ્થિતિમાં પણ દેવાંગે સ્વસ્થતા જાળવી હતી!! દેવાંગની બાજુમાં જ શર્મા કન્સ્ટ્રકશન કંપનીના માલિક અને સર્વે સર્વાં પીયુષ શર્મા બેઠા હતા એના ચહેરા પર એક વિજયી મુસ્કાન હતી. વાસુદેવ ભટ્ટને જોઇને ડી વાય એસ પી બોલ્યા.

“ભટ્ટજી તમારો કોલ આવ્યો એટલે તરત જ દોડી આવ્યો.આમેય અત્યારે શ્રાવણ ચાલે છે એટલે મને થયું કે ભૂદેવને ક્યાં નારાજ કરવા..તમારે બેઠું પતાવવું હોય તો ત્રીસ મિનીટ નો સમય છે.. ત્રીસ મિનીટ તમારી અને એકત્રીસમી મિનીટ મારી”

“ શું થયું પીયુષ ભાઈ શાહ.. તમે આમ ઉઠીને એક સજ્જન અધિકારી ના પેટ પર લાત મારો એ તો બરાબર નથી જ. અત્યાર સુધીમાં તમે જેટલું કમાયા છો બાંધકામમાં એમાં અમારો પણ હાથ કહ્રો કે નહિ.. માની લઈએ દેવાંગ ભાઈ નિષ્ઠાવાન છે તમારું નબળું કામ એણે ના ચલાવ્યું.ડીડીઓ એ પણ એમને હુકમ કર્યો કે એમનું બાકીના પેમેન્ટ નો ચેક કાઢી આપો પણ ડીડીઓ ને પણ કહી દીધું કે સાહેબ તમે મને લેખિતમાં આપો કે રોડનું જે કામ થયું છે એ ભવિષ્યમાં નબળું માલુમ પડે તો જવાબદારી મારી રહેશે.. બાકી જ્યાં સુધી ગાઈડ લાઈન મુજબ કામ ના થાય ત્યા સુધી આ પાર્ટીને પેમેન્ટ ના કરવું એ હું નોંધમાં લખી ચુક્યો છું.. તમે આખરે ગટર જેવું કર્યું પીયુષ ભાઈ.. ગટર એક દિવસ ના નીકળે તો ગંધાઈ જાય.. તમારા સારા મોળા અસંખ્ય કામ કર્યા છે આ એક કામ બરાબર ના થયું એમાં તમે સીધા જ એના રોટલા પર ગયા એ બરાબર તો નથી જ” પીયુષ ભાઈ સાહેબને વાસુદેવ ભટ્ટે બરાબરના ઘઘલાવી નાંખ્યા.

“ વાસુદેવ સાહેબ મારું પેમેન્ટ ના મળે ને તો પણ વાંધો નથી. કાનખજૂરાને કદાચ એક ભાંગી જાય તો શું ફેર પડે હે??? પણ આ સમાજમાં સતવાદી થઈને ફરે ને બે લાખ આપો તો તમારો ચેક કાઢું એમ મને ચોખ્ખું કહે તો મારે શું કરવું?? ચાલો એનોય વાંધો નથી.. આ કામમાં કદાચ હું એને બે લાખ આપી દઉં પણ પછી બીજા કામમાં એ રકમ વધારે માંગે તો એના કરતા મને થયું કે પેલો ઘા રાણા નો આને હજુ શરૂઆતની નોકરી છે એટલે શરૂઆતમાં ધડ મૂળમાંથી ઉડાવી દઉં તો આ સમાજને પણ ભાન થાય એટલે ના છૂટકે આ પગલું ભરવું પડ્યું છે. આજે જ હું ઓફિસમાં ચેક બાબત આવ્યો હતો મેં એને કહ્યું કે ચેક આપી દો પૈસા કાલ મળી જશે પણ એને ઓન ધ સ્પોટ માંગ્યા હતા. આમ તો કાલે જ મે પી આઈ વાઘેલા ને કીધું હતું કે છટકું ગોઠવવાનું છે.. એટલે મેં સાડા ચારે માણસ ને ફોન કરીને બોલાવ્યો. એ પી આઈ વાઘેલા પાસેથી બે લાખની પાઉડર વાળી નોટ મારી કમ્પની ના પરબીડીયામાં લાવ્યો.મારો માણસ ઓફિસમાં આવ્યો અને એના હાથમાં પરબીડિયું હતું એ પણ તમે સહુએ જોયું છે. એ પૈસા મેં આ દેવાંગને આપ્યા . દેવાંગે મારી રૂબરૂમાં એ પરબીડિયું ખોલ્યું. બે બે હજારની નોટ હાથમાં લઈને ખરાઈ કરી અને જોઈ પણ લીધી કે ખોટી નોટ તો નથીને પછી એ નોટો એણે પોતાના કાળા પાકીટમાં નાંખી અને કહ્યું કે આજે હિસાબ ક્લોઝ થઇ ગયો છે.વળી ચેક બુક પણ ખલાસ થઇ ગઈ છે કાલે નવી ચેક બુક આવે એટલે તમારું પેમેન્ટ કરી દઉં” પીયુશે પોતાની વાત પૂરી કરી.

“પણ એ વખતે રેડ પાડવી હતી ને આ તો ઓફીસ બંધ થઇ ગઈ અને બધા ઘરે જતા રહ્યા. મારી કારમાં જ દેવાંગ મારી સાથે આવ્યો જેમ કાયમ આવે છે. મેં એના ઘરના ખૂણે ઉતાર્યો અને હું ઘરે આવ્યો.. એના ઘરની આગળ એને પકડવાનો શો મતલબ??” વાસુદેવ ભટ્ટે કહ્યું.

“ અમે ગમે ત્યાં છટકું ગોઠવી શકીએ.. એવો કોઈ નિયમ નથી કે ઓફિસમાં લાંચ લે તો જ એ આરોપી ગણાય અને બીજી વાત પીયુષ ભાઈ શાહે મને કીધું હતું કે બાંધ કામની ઓફિસમાં રેઇડ પાડીશું તો વાસુદેવ ભટ્ટ સાહેબને ખોટું લાગશે.બાંધકામ ખાતું અમારા માટે મોસાળ ગણાય. દેવાંગ સિવાય બધા જ કર્મચારીઓ સાથે ઘર જેવો સંબંધ છે એટલે ત્યાં રેઇડ પડે તો સાક્ષી તરીકે તમને બધાને લેવા પડે.. અમે વાસુદેવ ભટ્ટની નારાજગી ના વહોરી શકીએ એટલે દેવાંગ એકલો હોય ત્યારે જ રેઇડ પાડવી અને પકડવો એટલે પૈસા સ્વીકાર્યા પછી અમે એકલો પડે એની રાહ જોઈ.અમને એ પણ માહિતી હતી કે એ દરરોજ તમારી જ કારમાં ઓફિસે આવે છે અને એમાં જ એ પરત ફરે છે. એટલે એના ઘર પાસે જ છટકું ગોઠવ્યું. તમે એના ઘરના ખૂણે ઉતાર્યો ત્યાં પણ એક હવાલદાર રાખ્યો હતો.તમારી કારમાં એ પૈસા બારોબાર બીજા કોઈને ના આપી દે એ માટે અમારો એક કોન્સ્ટેબલ ઓફીસ થી તમારી કારની પાછળ પાછળ હતો. રસ્તામાં શંકરના મંદિરે એ રોજ પાંચ મિનીટ જાય છે. 

આજે પણ એ ત્યાં ગયો હતો પણ એકલો ગયો હતો.પૈસાનું પાકીટ પણ એને એમની આગળની સીટમાં રાખ્યું હતું. એ પણ પીછો કરનાર કોન્સ્ટેબલે જોયું હતું” પી આઈ વાઘેલા એ જવાબ આપ્યો.

“સાહેબ તમારે કહી કહેવું છે આ બાબતમાં” વાસુદેવ ભટ્ટે દેવાંગ ને પૂછ્યું. જવાબમાં દેવાંગ સહેજ હસ્યો. અને પછી મક્કમતાથી બોલ્યો.

“આજે પીયુશભાઇ આવ્યા હતા એ સાચી વાત છે. સ્ટાફના પણ બધા જ માણસો હતા. ચેમ્બરમાં હું અને એ બે એકલા હતા. એમણે એ ભૂલ સ્વીકારી કે રોડના બાંધકામમાં નિયમો જળવયા નથી ડામરનું જે લેયર હોવું જોઈએ એના કરતા અડધું છે. વળી રોડની સાઇડમાં જે કપચીના બે લેયર હોવા જોઈએ એ એક જ છે. બસ ચાર દિવસમાં એ બધું હું શરુ કરાવી દઉં છું અને વીસેક દિવસમાં એ પૂરું થઇ જશે. તમારી જેવા પ્રામાણિક અધિકારી મેં જીંદગીમાં નથી જોયા કે જે ડીડીઓ ને પણ કહી દે કે નિયમ બારું હું કશું નહિ કરું.. નોકરી જાય તો ભલે જાય.. બ્રાહ્મણ છું ભીખ માંગી લઈશ પણ કોઈ ચમરબંધીને તાબે નહિ થાવ. એમ કહીને એણે એના માણસ ને ફોન કર્યો. અને કીધું કે બે લાખ લઈને આવ ને આપણે આજે એક જમીનના માલિકને બાનું આપવાનું છે. એનો માણસ આવ્યો બે લાખનું પરબીડિયું લઈને પિયુષભાઈ એ પરબીડિયું એના ખિસ્સામાં મુક્યું અને થોડી વાતો કરીને એના માણસ ને લઈને ચાલી ગયા અને આમેય ઓફિસનો સમય પૂરો થઇ ગયો હતો. પછી હું વાસુદેવ ભાઈ સાથે ઘરે જવા નીકળ્યો. રસ્તામાં શિવ મંદિરે મારે દર્શન કરવાનો કાયમી નિત્ય ક્રમ છે. વાસુદેવ ભાઈ એમની કારમાં જ બેઠા રહ્યા હું દર્શન કરીને આવ્યો.મારા ઘરના ખૂણે ઉતર્યો.ઘરના દરવાજે આ બધા માણસો સાદા ડ્રેસમાં હતા. હું તો જેવો ઘરના દરવાજા પાસે ગયો.આ લોકોએ કાર્ડ બતાવ્યું.અને મારા પાકીટમાંથી વસ્તુ બહાર કાઢવાનું કહ્યું. મેં અંદર હાથ નાંખ્યો તો બે લાખની નોટ્સ નું બંડલ નીકળ્યું એની નીચે ખાલી પરબીડિયું નીકળ્યું. પાઉડર વાળી નોટ્સ પર મારી જે આંગળા ની છાપ છે એ એ વખતની છે. બસ મને બે ત્રણ થપાટ આ લોકોએ મારી. મારી એક નાની બહેન અને મારા માતા પિતા બહાર આવ્યા. શેરીના માણસો ભેગા થઇ ગયા. પંચ રોજકામ થયું. મારા માતા પિતાને તમે જાણો છો ને!! મારા પિતાજી એક નિવૃત શિક્ષક છે એણે ત્યાંજ કીધું આ લોકોને કે સાહેબ કદાચ ભગવાન આવીને કહેને કે તમારા દેવાંગે લાંચ લીધી છે તો હું ભગવાનને પણ કહી દઉં કે ભાઈ તું નીકળ મને મારા સંતાન પર ભરોસો છે. બસ અને મને કહ્યું કે જા બેટા જરાય મુંઝાતો નહિ કરી કરી ને આ શું કરશે સસ્પેન્ડ કે જેલમાં નાંખશે.. આપણે બધું સહન કરી લઈશું પણ તું ક્યાય કોમ્પ્રોમાઇઝ ના કરતો.સાચું જ બોલજે”
વાતાવરણમાં એક સન્નાટો છવાઈ ગયો.કોઈ કશું બોલી શક્યું નહિ.

“ હવે એક કામ કરીએ આ જે રકમ પકડાણી છે એ આપણે આ પોલીસ ને આપી દઈએ. પીયુષ ભાઈ ને હું મનાવી લઉં છું. તમારે એના કોઈ બીલમાં કે કામમાં ક્યાય અડચણ નહિ નાંખવાની એટલું કરવાનું..જે થયું એ ભૂલી જાવ..બહાર મીડિયા વાળા ઉભા છે એની પાસે પ્રકરણ જશે તો તમને કોઈ નહિ બચાવી શકે..બોલો મને વચન આપો દેવાંગભાઈ.. જુઓ એક વાત સમજો કે વાવાઝોડામાં જે વ્રુક્ષો ઝુકતા નથી એ બટકી જાય છે.. પણ જે ઝુકી જાય છે એ બચી જાય છે. આ જગતનો વણલખ્યો નિયમ છે હું તો તમને કહી કહીને થાક્યો કે નિષ્ઠાવાન કરતા પ્રેક્ટીકલ બનો. બે પૈસા તમે રળો અને બીજાને રળવા દો.. પણ ઘણી વખત સિદ્ધાંતના દીકરા થવા જઈએ એટલે આવી તકલીફો અવારનવાર આવે.. આના કરતા પણ વધારે તકલીફો આવે.. ઘણી વાર એવું બને કે રેશન કાર્ડમાંથી પણ નામ નીકળી જાય અને છાપામાં શ્રદ્ધાંજલિ આવે..તમારે હજુ નાની બહેન છે ઘરડા માં બાપ છે.પાપાનું પેન્શન આવે છે એટલે વાંધો નહીં પણ માની લો કે દુનિયામાંથી તમારી અણધારી વિદાય થાય તો તમારા પરિવારનું શું?? તમારી નાની બહેનનું શું?? કુટુંબ પહેલા પછી સમાજ એ સાચી વિચાર ચરણી રાખો.તમેય બ્રાહ્મણ અને હુય બ્રાહ્મણ એટલે પેટમાં દાઝે એટલે તમારી ચિંતા મને થાય છે.. પેટમાં બળે છે એટલે કહું છું.. કદાચ મારા શબ્દોમાં તમને ખોટું પણ લાગે..પણ મને એની કોઈ જ તકલીફ નથી.. વાસુદેવ ભટ્ટ કહે એ જીલ્લા પંચાયતમાં ગીતામાં કહેલું છે એમ કહેવાય છે!!!”

“તમારી વાત હું માની લઉં પણ એક તકલીફ છે ભટ્ટ સાહેબ.. મારા પિતાને મારા પર વિશ્વાસ છે એ હું કેમ તોડું…??? એવો વિશ્વાસ કે ખુદ ભગવાન આવીને કહે તો પણ એનું ના માને.. એને ગળા સુધી વિશ્વાસ છે કે મારો દેવાંગ પગાર સિવાયનો એક પણ રૂપિયો ઘરે લાવે જ નહીં ને!! અત્યાર સુધી મેં એ જાળવ્યું છે અને હવે એ કોમ્પ્રોમાઈઝ કરું ને તો મારા બાપનો વિશ્ચાસ લાજે ભટ્ટ સાહેબ!! મને જયારે નોકરી મળીને ત્યારે જ એણે કહેલું કે તું જે ખાતામાં જા છો એ બાંધકામ ખાતામાં સહુ ખાતા શીખી જાય છે..જેવી જેની કેપેસીટી સહુ ગળચે છે પણ મને વચન અને વિશ્ચાસ આપીને જા કે નિયમ બહારનું અને તારા અંતરાત્માની અવાજના વિરુદ્ધમાં તું કશું નહિ કરે અને એ વચન હું આજીવન નિભાવું છું.તમારે બધાએ જે કરવું હોય એ કરો. હું વચનથી બંધાયેલ છું.. હું કોઈ એવું કામ નહિ કરું.. કેઈસ કરવો હોય તો કરો ના કરવો હોય તો ના કરો..બાકી હું એ ઓફિસમાં કોઈ જ ખોટું કામ નહિ થવા દઉં.. જે રસ્તાઓ પુલ નાળા કે કોઈ પણ બાંધકામ હોય એ નિયમ પ્રમાણે નહિ હોય તો આ દેવાંગ એક રૂપિયોય નહિ ચુકવે!! જેને જે કરવું હોય એ કરી લે ભટ્ટ સાહેબ અને રહી વાત મારી ગેરહાજરીની તો ભટ્ટ સાહેબ તમને એક વાત કહી દઉં કે જ્યાં સુધી મહાદેવે મારા આ શ્વાસ દુનિયામાં રાખ્યા હશે ને ત્યાં સુધી તો હું જીવવાનો જ.. કોઈ માઈનો લાલ મારું આયુષ્ય ખતમ નહિ કરે.. મારી પાંચમ માંડી હશે તો છઠ નહિ થાય.. એટલે મને મરણનો ભય નથી.. મારી નાની બહેનનું શું થશે એમ તમે કહેતા હતા ને તો સાહેબ એ પણ એના ભાગ્યનું લઈને આવી હશે ને!! ભાગ્ય એવી વસ્તુ છે કે સાહેબ તમે ડીલીટ પણ ના કરી શકો!!”

વળી વાતાવરણમાં સોપો પડી ગયો. આમ તો પોલીસવાળાને જોઇને બીજાને પરસેવો છૂટી જાય પણ આજ પોલીસ સ્ટેશનમાં રહેલા તમામ પોલીસવાળાને દેવાંગની વાત સાંભળીને પરસેવો છૂટી ગયો હતો. પી આઈ વાઘેલા અને ડી વાય એસ પી પાંડેના નોકરીના કાર્યકાળ દરમ્યાન આવા અસંખ્ય લાંચના છટકા આવ્યા હતા. એમાં આરોપી રીતસર ના ફફડતા હોય પગ પકડતાં હોય!! આજ ઊલટું હતું. અહી આરોપી મક્કમ હતો અને બીજા ફફડતા હતા પણ અંદરથી!! સત્યની તો આ તાકાત છે!!

વાસુદેવ ભટ્ટે ઘણા પ્રયત્નો કર્યા. પણ દેવાંગ ના માન્યો. એને સમાધાનની કોઈ શરતો મંજુર નહોતી. સહુ થાક્યા અને છેલ્લે વિધિવત એફ આઈ આર થઇ. દેવાંગને લોક અપમા નાંખી દેવામાં આવ્યો. બહાર ઉભેલા મીડિયા કર્મીને જાણ થઇ કે અંદર કશો જ તોડ નથી થયો એટલે એમને પણ કશું મળે એમ નથી..ખાલી ખોટો કલાક બગડ્યો એટલે એ લોકોએ રિપોટિંગમાં પણ બળતરા કાઢી. ગુજરાતી સમાચાર ચેનલોમાં આ પ્રમાણે હેડલાઈન અને બ્રેકીંગ ન્યુજ આવતા હતા.

“ એસીબી ની મોટી સફળતા!! બાંધકામ ખાતાના એન્જીનીયર બે લાખની લાંચ લેતા ઝડપાયા”

“ શ્રાવણ મહિનામાં લાંચ નો પ્રથમ બનાવ “ આરોપીની ધરપકડ .. બે લાખ ની રકમ સાથે દેવાંગ ઝડપાયો”
અમુકે તો કાલ્પનિક સ્ટોરીઓ પણ બનાવી નાંખી. દેવાંગ નો આખો ખરડાયેલો ઈતિહાસ પણ બનાવી દીધો.. અને પછી કહ્યું કે આ માહિતી બિનસતાવાર સૂત્ર દ્વારા મળી છે..!! ચારેય બાજુ એક જ સમાચાર આવી રહ્યા હતા.. અમુક બળતરા બ્રાંડ ચેનલો એ તો પેનલ પર આની ચર્ચા પણ ગોઠવી દીધી એમાં એક દાઢીધારી નેવું ટકા મગજ મેટ રેવાણી અટકધારી યુવાને તો ત્યાં સુધી કહી દીધું કે

“આ છે ગુજરાત મોડેલ.. આ નહિ ચાલે… શું આજ છે અચ્છે દિનની પરાકાષ્ઠા.. મોદીએ રાજીનામું આપવું જોઈએ અને પ્રજાની માફી માંગવી જોઈએ.. હજુ એક વરસ પણ નથી થયું આ એન્જીનીયર નોકરીએ લાગ્યો એને.. અને એનામાં આટલી બધી હિંમત આવી ગઈ!! મોદી ના રાજીનામાંથી મને કશું જ ઓછું નહિ ખપે!!”

વાસુદેવ ભટ્ટ ઘરે આવ્યા એને લગભગ સાંજના નવ વાગી ગયા હતા. દેવાંગી હજુ આવી નહોતી. એ ઘરે એમ કહીને ગઈ હતી કે એક બહેનપણીને મળવા જાઉં છું. દમયંતી બહેન કશું ના બોલ્યા. વગર કહ્યે બધું જ સમજી ગયા. ત્યાં દેવાંગી આવી અને બોલી.

“સીસ્ટમ જ સડી ગયેલી અને આખે આખી કરપ્ટ છે ત્યાં આવા જ હાલ થાય.?? બાકી દેવાંગ તો આવું કરેજ નહિ” સોફા પર બેસતા બેસતા અને પગની મોજડી કાઢતા કાઢતા દેવાંગી બોલતી હતી. વાસુદેવ ભાઈએ વળતો જવાબ આપ્યો.

“ સાચી વાત છે દીકરા.. પણ મેં આ દેવાંગ ને અનેક વાર સમજાવ્યો હતો કે તું માપ માં રહેજે..પ્રામાણીકતા સારી વસ્તુ છે પણ એનો નશો ના હોવો જોઈએ.. દેવાંગને પ્રામાણીકતા નો નશો છે અને એટલે જ એને આ શાહ અડી ગયો.. મેં એને એટલું જ કહ્યું હતું કે આ શાહ થી આઘો રેજે. એનું કામ ચેક કરવા જેવું નથી. તને એટલા પૈસા આપશે કે તું સામેથી ના પાડીશ કે આટલા બધા ના હોય પીયુષ ભાઈ!! પણ આને તો સામા શીંગડા ભરાવ્યા. ચેક ના આપ્યા એટલું જ નહીં મારા બેટા એ નોંધ પણ કરી કે આ કંપની ને બ્લેક લીસ્ટમાં મુકો.. વળી આ નોંધની નકલો એને મીડિયામાં પણ આપી. ગાંધીનગર સેક્શન અધિકારીઓને મોકલી!! શાહ નો રોટલો અભડાવવા ગયો હતો. પણ એનો જ રોટલો અભડાઈ ગયો”

“પણ એ તો ઉલટાનું સારું કાર્ય કરતો હતો ને એના આવવાથી આ એક વરસમાં જે કામ થયા એ જડબેસલાક થયા પાપા.. આ ચોમાસા માં આ વખતે એક પણ રોડ તુટ્યો નથી.. જ્યાં નબળું કામ હતું ત્યાં એણે ઉપર રહીને કરાવ્યું છે..પીયુષ શાહને તો હું ઓળખું છું એકદમ ઊતરતી ક્ક્ષાનો અને હલકટ માણસ છે.. પોતાના કામ ના થાય એટલે બીજા ને આમ ખોટે ખોટા સલવાડી દેવાના” દેવાંગીનો ગુસ્સાનો પારો આજ સાતમાં આસમાને હતો!!

બીજે દિવસે છાપાઓમાં પણ સમાચાર આવી ગયા. બીજે દિવસે જ એમને કોર્ટમાં રજુ કર્યો હતો. અને ત્યાં જ શહેરના પ્રખ્યાત ધારા શાસ્ત્રી પંડ્યા એ દેવાંગ ને કોર્ટમાં જામીન અપાવી દીધા હતા!! વાસુદેવ ભટ્ટે આ સમાચાર સંભાળ્યા એટલે એને નવાઈ લાગી એક દેવાંગનું આ પંડ્યા સાથેનું કનેક્શન સમજાયું નહિ??? પંડ્યા વકીલ દેવાંગ બાજુ હોય તો પછી સામી પાર્ટીએ નાહી જ નાંખવાનું!! કહેવાતું કે યમરાજા તમને છોડી દે ખરા પણ આ પંડ્યા કોઈને ના છોડે!!
ત્રીજે દિવસે દેવાંગ રાબેતા મુજબ ઓફિસે આવ્યો જાણે કશું જ ના બન્યું હોય એમ!! એમના સામે ખાતાકીય તપાસ શરુ થઇ ચુકી હતી.. ખાતાકીય તપાસ એટલે સામેવાળા ને જેટલો નીચોવવો હોય એટલો નીચોવી નાંખવાની એક કુર રમત!! ડીડીઓ એ ચેમ્બરમાં બોલાવ્યો. એનો ટ્રાન્સફર ઓર્ડર હતો. એમને છેક દૂર ડાંગના અંતરિયાળ વિસ્તારમાં ટ્રાન્સફર થઇ હતી!! બરાબર નો ફસાવી દીધો હતો. એક તો એની પોસ્ટ ડી ગ્રેડ કરી હતી. વળી ત્યાંથી કેસ માટે અહી ધક્કા ખાવાના રજા મુકવાની અને નોકરી ત્યાં કરવાની. દેવાંગે પોતાનો ટ્રાન્સફર ઓર્ડર વાંચ્યો. ડીડીઓ સામે જોયું. પછી એની સામે જ ઓર્ડર ફાડીને ફેંકી દીધો.

“કેમ મારી સામે ઓર્ડર ફાડીને ફેંકી દીધો” ડીડીઓ લાલ પીળા થઇ ગયા.

“ઓર્ડર મેં વાંચી લીધો છે.. એને રાખવાની કોઈ મને જરૂર નથી લાગતી. હું સત્ય માટે લડીશ. છેલ્લા શ્વાસ સુધી પણ અહીંથી ક્યાય નહિ જાવ .. જેને થાય એ કરી લે.. ડીસમીસ કરવાની છૂટ પણ છે જ!! ઓકે કહીને દેવાંગ જતો રહ્યો.” વાસુદેવભાઈ ડીડીઓ ની ચેમ્બરની બહાર જ ઉભા હતા. એ બધું જ સાંભળતા હતા.પછી તો રાબેતા મુજબ થયું દેવાંગ નિમણુક ના સ્થળે હાજર ના થયો. મુલ્કી સેવા ના નિયમોની આંટી ઘુટી કલમો લગાવાઈ. મહિનાનો ટાઇમ અપાયો. ત્રણ વાર નોટીસો ઘરે મોકલવામાં આવી. અને એને ડીસમીસ કરી દેવાયો. એક બાજુ કેસ શરુ થઇ રહ્યો હતો. વાસુદેવ ભટ્ટે સાંભળ્યું હતું કે દેવાંગ એક ઇન્સ્ટીટયુશનમાં વિધાર્થીઓને ભણાવવા માટે રહી ગયો હતો.
ઓફિસમાં ચર્ચા ચાલી.

“ આમેય એ શિક્ષકમાં જ ચાલે એવો હતો.. ભાયડા હોયને એજ બાંધકામમાં ચાલે આવા રેંજી પેંજીનું કામ નહિ.. અહી તમારામાં તાકાત હોય એટલા પૈસા બની શકે એમ છે!! સમય વીતતો ચાલ્યો હવે વાત વિસરાઈ ચુકી હતી. વાસુદેવ ભાઈ સમાધાન માટે એક બે વખત દેવાંગ ને મળી ચૂકયા હતા.!! દેવાંગનું ઘર રાબેતા મુજબ ચાલતું હતું!!
વાત ને સાત મહિના વીતી ગયા હતા.. એક દિવસ ની સવારે દેવાંગી વહેલા જાગીને તૈયાર થઇ ગઈ હતી, હોળીની આડે માંડ ચાર પાંચ દિવસ બાકી હતા. આમ તો રવિવાર હતો અને રવિવારે દેવાંગી મોડી ઉઠતી અને એ લગભગ ફોર્મલ કપડામાં જ હોય જીન્સ ટી શર્ટ કે લેગીસ માં જ પણ આજે એને ફૂલગુલાબી યલો શેઇડ વાળી સાડી પહેરી હતી. દેવાંગી સાડી ઓછી પહેરતી પણ જયારે પહેરતી ત્યારે નીખરી ઉઠતી!! દેવાંગી આજ સોળે કળાએ નીખરી હતી.સુંદરતાની સાથે સ્ત્રી સહજ એનામાં દેખાતી હતી. સુંદરતા જયારે શરમ વગરની બને ત્યારે ભયંકર પરિણામ આવે પણ જયારે સુંદરતામાં શરમ ભળે ત્યારે એ સુંદરતા હમેશા માણવા જેવી જ હોય છે!! દેવાંગી એ એક સુટકેશ તૈયાર કરી હતી.એના પિતા વાસુદેવ ભાત ફળિયામાં હિંચકે બેઠા હતા.હજુ બ્રશ કરીને ફ્રેશ થયા જ હતા.એને સુટકેશ લઈને આવતી દેવાંગી ને જોઈ!! પાછળ દમયંતી બહેન પણ હતા. દેવાંગી અત્યારમાં ક્યાંક જઈ રહી હતી.

“ ક્યાં જાય છે બેટા આટલી વહેલી સવારમાં તૈયાર થઈને એ પણ સાડીમાં?? શું વાત છે?? “ વાસુદેવ ભાઈ બોલતા હતા પણ એને ખબર નહોતું કે તોફાન હવે શરુ થાય છે.

“મારા ઘરે જાઉં છું બાપુજી કાયમ માટે!!! મમ્મા સાથે મે રાતે જ વાત કરી લીધી છે. રજા લઇ લીધી છે બસ તમારા આશીર્વાદ આપો એમ કહીને દેવાંગી એના પિતાના ચરણોમાં ઝુકી!! વાસુદેવ ભટ્ટે આશીર્વાદ તો આપ્યા પણ એને કશું જ સમજાતું નહોતું. એ બોલ્યા.

“પણ તું માંડીને વાત કર તો ખબર પડે!! તું ક્યાં ઘરની વાત કરે છે”

“દેવાંગીએ લગ્ન કરી લીધા છે દેવાંગ સાથે!! અને એ પણ છ મહિના પહેલા.. એની નોકરી જતી રહી પછી પંદર દિવસ પછી જ લગ્ન કરી લીધા છે બને એ કોર્ટમાં!! દેવાંગી એના પગારમાંથી એ ઘર ચલાવે છે. દેવાંગ જે ઇન્સ્ટીટયુશનમાં માં જોડાયો છે એ દેવાંગીની બહેનપણીનું છે.. હવે એને સારો એવો પગાર ત્યાં આપવામાં આવે છે. એને ત્યાં છ મહિનામાં જ પ્રમોશન આપવામાં આવ્યું છે. દેવાંગ નો જે વકીલ છે એ પણ એ ઇન્સ્ટીટયુશન વાળા એ જ ગોતી દીધો હતો. બસ હવે આપણી દેવાંગી કાયમ માટે એના ઘરે જઈ રહી છે!! દમયંતી બહેન બોલ્યા. વાસુદેવભાઈ ને ઉધરસ ચડી. આંખે સહેજ ઝાંખપ આવી એમ લાગ્યું આજુબાજુ બધું ગોળ ફરતું હોય એમ લાગ્યું.
હવે દેવાંગી બોલી.

“તમે શું માનો છો પાપા?? મને કશી જ ખબર નથી કે દેવાંગ ને કોણે ફસાવ્યો છે?? પાપા એમાં તમારો હાથ નહિ પણ આખેઆખા તમે જ સામેલ હતા. આખો પ્લાન તમે જ ગોઠવેલ હતો. હું અને દેવાંગ શનિ રવિ મહાદેવના મંદિરે મળતા એ તમને ખબર નહોતી. આપણા ઘરે તમે પહેલી વાર એને એટલા માટે જ જમવા લાવ્યા હતા ને કે કદાચ હું એને પસંદ પડી જાઉં. પણ પછી તમે તમારા વિચારોને રોકી રાખ્યા કારણકે તમને એવો જમાઈ જોઈએ કે જે પૈસા માટે બધું જ કરી છૂટે!! જે દિવસે એની પર આફત આવી કે તરત જ હું મહાદેવના મંદિરે જઈને બેસી ગઈ. રાતના આઠેક વાગ્યા સુધી એ બાંકડા પર આંખો મીંચીને બેસી રહી કે જ્યાં હું અને દેવાંગ સાથે બેસતા. ઘરેથી હું એવું કહીને ગઈ હતી કે એક બહેનપણી ને ત્યાં જાવ છું. પણ એજ મંદિરે મેં તમને કાર લઈને જોયા. અંધારું હતું અને હું ઝાડ નીચે હતી તમે મને ના જોઈ પણ મેં તમારી અને પીયુષ શાહની બધી જ વાત સાંભળી લીધી. તમે કઈ રીતે ચાલાકીપૂર્વક એ બે લાખ એના પાકીટમાં નાંખી દીધા હતા એ પણ સાંભળ્યું મેં..!! એ મહાદેવના દર્શન કરવા ગયો અને તમે એના પાકીટમાં પૈસા નાંખી દીધા.. અને એના બદલામાં તમે ત્રણ લાખ રૂપિયા લેતા મેં એ રાતે સગી આંખે જોયા.. મને કોયડાનો ઉકેલ મહાદેવના મંદિરે જ મળી ગયો હતો.. તમે ત્યાંથી ગયા પછી હું થોડી વાર રહીને પાછી ઘરે આવી હતી!!” કહીને દેવાંગી એ આંસુ સાફ કર્યા. આજ પહેલી વાર વાસુદેવ ભટ્ટનું મો જમીન તરફ હતું અને આંખમાંથી આંસુઓની ધાર જમીન તરફ થઇ રહી હતી. દેવાંગી આગળ બોલી.

“ બસ બીજે દિવસે હું દેવાંગ ના ઘરે ગઈ. એક દમ સાદું અને સિમ્પલ ઘર હતું. પણ પ્રામાણિકતા નો આનંદ ઘરના ખૂણે ખૂણે દેખાઈ આવે. એની નાની બેને રાતથી કશું ખાધું નહોતું. મેં એને બાથમાં લીધી અને એ બોલી પડી કે ભાભી ભાઈને બચાવી લેજો..મારો ભાઈ કોઈનો રૂપિયો પણ ના લે!! આમેય અમે બને એ લગ્ન કરવાનું તો નક્કી જ કરી લીધું હતું.. મારી નણંદ ને કદાચ દેવાંગે વાત કરી હોય એટલે જે એણે મને ભાભી કહ્યું. બસ પછી તો મેં એને બધી જ વ્યવસ્થા ગોઠવી આપી. પાપા તમે એના ઘરનો રોટલો છીનવ્યો ને તે દિવસ થી હું એના ઘરનો આધાર બની શું!! દેવાંગ બધું જાણતો હતો કે પાકીટ માં પૈસા કોણ મૂકી શકે?? પોલીસ સ્ટેશનમાં એ બધું બતાવી શકે એમ હતો?? પણ એ મારા કારણે ચુપ રહ્યો હતો પાપા?? એ મીડિયામાં તમને ઉઘાડા પાડી શકત!! અને લોકો તમને તો ઓળખે છે જેટલો તમારા શરીરમાં શ્વાસ જરૂરી છે એટલો જ તમારા જીવનમાં કરપ્શન જરૂરી છે પાપા.. કરપ્શન એ તમારો નશો થઇ ગયો છે એટલે એટલે લોકો દેવાંગની વાત માની પણ લેત!! પણ એને એવું કશું જ ના કર્યું. અને પછી મેં એના માતાપિતાને મનાવીને એની સાથે દસ જ દિવસમાં લગ્ન કરી લીધા ગુપચુપ!!

“ ગુપચુપ કરવા પાછળ કારણ એટલું જ કે તમે પાછા પડમાં ના આવો કે મારી છોકરીને લલચાવી ફોસલાવી ભગાડી ગયો છે દેવાંગ… એટલે જ આ છ મહિના જવા દીધા માથે.. હવે તમે કશું જ ના કરી શકો આમેય હું તો પુખ્ત છું ને સારી જોબ કરું છું!! અમે બને છ મહિના ઉપરથી પતિ પત્ની જ છીએ અને મને મારા પતિ પર ગર્વ છે પાપા!! તમને ખબર છે પાપા કોઈ પણ કંપની અમુક વસ્તુઓ લીમીટેડ સંખ્યામાં બનાવે છે એ ઉચ્ચ ગુણવતાની હોય અને સેમ્પલ તરીકે મફત આપવાની હોય એની પર લખેલું હોય કે “નોટ ફોર સેલ “!! પાપા બધીજ વસ્તુની કીમત નથી હોતી એમ અમુક માણસો ભગવાને “નોટ ફોર સેલ” બનાવ્યા હોય છે! જે ક્યારેય નથી વેચાતા!! એ ગુણવતા વાળા હોય પણ એની સંખ્યા ઓછી હોય છે” “નોટ ફોર સેલ” ની એક અલગ જ વેલ્યુ હોય છે!!દેવાંગી બોલતી હતી. આજે પહેલી વાર દમયંતીબેન દીકરીની બાજુમાં ઉભા હતા એક અડીખમ ટેકો લઈને!! દેવાંગી બોલી.

“તમને એમ થતું હશેને કે દેવાંગે નોકરી ગુમાવી પણ ના પાપા તમે છોકરી ગુમાવી દીધી છે. જોકે ઈશ્વર એનો બદલો આપી જ રહે..આજે એ દેવાંગ નીચે કલાસીસમાં ક્લાસ ટુ અને ક્લાસ વન અધિકારીઓ ઘડાઈ રહ્યા છે. જનરલ નોલેજની સાથે દેવાંગ એને જનરલ પ્રામાણીકતા પણ શીખવે છે.. ભવિષ્યમાં આ દેશમાં એ સેંકડો દેવાંગ તૈયાર કરી દેશે… છ મહિનામાં એનું સન્માન ઓર વધી ગયું છે. એમની પાસે શીખવા આવતો દરેક વિદ્યાર્થી આજે જતી વખતે એને પગે લાગીને જાય છે!! બસ મને મારા પતિ પર આજ ગર્વ છે!! દીકરી જન્મે ને ત્યારથી જે એને એના પિતા પ્રત્યે ગર્વ હોય છે અને મરતા સુધી એ જાળવી રાખે છે. દીકરી એ પિતાનું સન્માન મગજમાં જાળવી રાખે છે. પણ મારા ભાગ્યમાં એ નથી.. મને મારા પિતાજી પ્રત્યે ગર્વ હતો પણ હવે જરાય નથી!! માય હસબંડ ઈઝ માય પ્રાઉડ!! વાસુદેવ ભટ્ટ યુ નો માય હસબંડ ઈઝ રીયલ હીરો!!”

કહીને ગર્વથી દેવાંગી ચાલી. વાસુદેવ ભટ્ટ એમને જતા જોઈ રહ્યા છેલ્લે એટલું બોલ્યા.
“સ્કુટર તો લેતી જા દીકરા ચાલીને જઈશ તું એટલું બધું”?
દરવાજે થી દેવાંગી બોલી.

“આપનું આપેલું બધું અહીંજ છોડતી જાઉં છું, બસ આંખોમાં ભવિષ્યના સપના લઈને જાઉં છું” અહીંથી ઘણું આપ્યું છે હવે મારે કશું જ નથી જોઈતું.. બસ હવે મારી માથે નાની નણંદની જવાબદારી સાથે દેવાંગ પાઠકના ઘરની પણ જવાબદારી છે. અત્યાર સુધી હું દેવાંગી ભટ્ટ હતી , જિંદગી માણી લીધી પણ હવે હું દેવાંગી પાઠક છું!! જિંદગી સામે લડવા જઈ રહી છું!! આ ઘરે હું ક્યારેય પાછી નહિ આવું!!” કહીને ફટાક દઈને દરવાજો બંધ થયો. દમયંતીબેન દીકરીની સામે જોઇને હાથ હલાવતા હતા. વાસુદેવ ભટ્ટ આંખો મીંચીને પડ્યા હતા. જીવનમાં અંતે આવી રીતે સમયનું ચક્ર ફરશે એતો એને ખબર જ નહોતી. તેઓ કાયમ માટે દીકરી ગુમાવી બેઠા હતા!!

પ્રમાણિકતા એક એવું પરફ્યુમ છે કે જેનાથી જીવન હમેશા મઘમઘી ઉઠે છે!! અને રહી વાત ભાગ્યની તો ભાગ્યને કોઈ ડીલીટ ના કરી શકે!!

લેખક :- મુકેશ સોજીત્રા

૪૨, “હાશ” શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ.

મુ.પો. ઢસા ગામ , તાલુકો ગઢડા , જિલ્લો બોટાદ પીન ૩૬૪૭૩૦

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.