દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે વૈવાહિક-જીવન

“ખુલાસો” – વિચારોથી વ્યક્તિત્વ વિશે ક્યારેય ખોટા ખ્યાલ બાંધવા ન જોઈએ…લાગણી અને પ્રેમ સમજવા એટલા જ જરૂરી છે…વાંચો મુકેશ સોજીત્રા ની કલમે

“રામ રામ ઓધાકાકા!! રામ રામ મંજુ કાકી!!” કહીને રાજેશે  ઓધાકાકા અને મંજુ માસીને  પગે લાગ્યો.

“આવ્ય આવ્ય દીકરા!! ક્યારે આવ્યો ?? પરમ દિવસે જ હું તારા બાપાને  મનાની દુકાને મળ્યો ત્યારે જ પૂછ્યું હતું કે રાજેશ ક્યારે આવવાનો છે?? એ કહેતા હતા કે એનું નક્કી નહિ..રજા મળશે તો દિવાળીના દિવસે આવી જશે” કહીને ઓધાકાકાએ અને મંજુબેને સો સો ની નોટ રાજેશને આપી. રાજેશ ઓધાકાકાની સામે રાખેલ ખાટલામાં બેઠો.

“કાલ્ય રાતે જ આવ્યો કાકા.. માંડ માંડ રજા મળી છે.. હજુ પ્રોબેશન પર છું. પાંચ વરસ પુરા થાય પછી શાંતિ!! અમારી નોકરી જ એવી કપરી કે તહેવાર અને વહેવાર બેયની સાથે બારમો ચંદ્રમાં!! ના તો તમે કોઈ સગા સંબંધીના લગ્નમાં જઈ શકો કે ના તમે તહેવાર કુટુંબ સાથે ઉજવી શકો. ભાગ્યમાં હોય તો રજા મળે નહીતર બેસતા વરસના દિવસે પણ ફરજ ચાલુ જ હોય” રાજેશ બોલતો હતો.

“ તોય સરકારી નોકરી એટલે સરકારી એની તોલે કોઈ ના આવે.. અને વળી તારી નોકરી પણ વટ્ટવાળી!! માભાવાળી!! ધીમે ધીમે ટેવાઈ જઈશ.. તારા  બાપાએ તારી પાછળ જે ખર્ચ કર્યો એ લેખે છે. અને ભગવાન પણ સારા માણસની સામું જોવે જ ને!! પણ એક વાત કહું કે ગામ આખામાં તારા વખાણ બહુ થાય છે. બધા કહે કે રાજેશ પીએસઆઈ થયો છે પણ અભિમાનનો છાંટો પણ નથી. બાકી બીજા કોઈ હોય અને  સામાન્ય હવાલદાર થાય ત્યાંજ  હવા આવી જાય..!! નકર તારી હારે તો ઘણા ભણતા પણ ઈ રહી ગયા અને તું નોકરીએ ચડી ગયો.. આજે પણ મને એ દિવસો યાદ છે કે તું  ભણતો ને વેકેશનમાં આવતો ત્યારે મારી વાડીએ થોરના છાંયા નીચે તું વાંચવા આવતો. ગામના ઘણાખરા દાંત પણ કાઢતા કે મનજીનું ફટકી ગયું છે. છોકરાને ભણાવ્યે જ જાય છે તે એને જાણે મોટી ફોજદારની નોકરી ના લેવી હોય!! પણ ઈનું ઇજ ગામ છે અત્યારે કહે કે રાજેશ તો ફોજદારનો ય ફોજદાર થઇ ગયો છે. ગામ આખામાં તારી જેવી નોકરી કોઈને નથી”  ઓધાકાકા બોલતા હતા.

“ માવતર અને ભગવાનની દયા છે ઓધાકાકા.. ભગવાનનો ખાસ આભાર..!! બાકી મારા કરતા બમણી મહેનત કરવાવાળા હતા. પણ થોડા ગુણ માટે રહી ગયા.!! વિમલ તો સહેજ માટે રહી ગયો નહિ!! નહીતર એ તો મારા કરતા પણ વધારે હોંશિયાર છે!! કાયમ એનો પહેલો નંબર જ આવતો.. પણ તોય એ બાજુના ગામની હોસ્પીટલમાં કલાર્ક તરીકે રહી ગયો છે એવું સાંભળ્યું છે. મહીને દસ હજાર આપે છે એમ મને એ કહેતો હતો. હજુ એને બે વરસની તક છે. મેં એને કીધું કે મહેનત ચાલુ રાખજે તું નક્કી કોઈ મોટા હોદ્દા પર લાગી જઈશ!!!” રાજેશ પણ ઓધાકાકા સાથે વાતે મંડાયો!!
“ ઈ વિમલાનું તો તું નામ જ ના લેતો મારી આગળ!! એને કોઈ ભોજિયો ભાઈ પણ નોકરીએ નહિ રાખે!! દેખાવમાં સાવ ભોળો ભલો લાગતો વિમલો આટલો ખારીલો અને ઝેરીલો હશે એ તને ખબર ના પડે બેટા!! જો એને તારી સાથે જ પીએસઆઈમાં વારો આવી ગયો હોતને તો એ વળી સાતમા આસમાનમાં ઉડતો હતો.. અત્યારે તો છે એ ખાલી ક્લાર્ક પણ ચકલી નાની ને ફૈડકો મોટો!! હવાનો જ પાર નહિ!! સિદ્ધાંતનું પૂંછડુ!! માપબારની વાયડાઈ કરે!! જાવા દે ને એની બધી વાતો!! આ નવા વરસમાં એનું નામ લઈને મારે વરસ નથી બગાડવું!! બાકી રાજેશ તું આખા ગામને પૂછી જો કોઈ એના વિષે સારી વાત કરે તો તારું ખાસડું અને મારું માથું!! ગામનો છે પણ ગામનાને કોઈ દિવસ કામમાં ના આવ્યો!!  તારી જેવા વિવેકી અને સમજુ બહુ ઓછા હોય કે ગમે એટલા મોટા હોદા પર હોય ગામને ના ભૂલે!! અને વિમલો તો મોટો દાકતરનો દીકરો હોય એમ ગામમાં કોઈને ના બોલાવે.. ગામ પણ એને નથી બોલાવતું.” બેસતા વરસના દિવસે જ ઓધાકાકા એ પોતાની હૈયા વરાળ ઠાલવી. જેની અપેક્ષા રાજેશે નહોતી રાખી.

ઓધાકાકાને ઘરેથી નીકળીને રાજેશે બીજા ચાર પાંચ ઘર લીધા. વડીલોને પાય વંદના કરીને રાજેશે એના આશીર્વાદ લીધા પણ મગજમાં વિમલ વિશેની ઓધાકાકાએ કરેલી વાત ઘુમરાતી હતી.એકદમ સાલસ અને ડાહ્યો વિમલ ગામની નફરતનો ભોગ બને એ વાત એ માનવા એ હજુ તૈયાર નહોતો!!
રાજેશના પગ વિમલના ઘર તરફ ઉપડ્યા. વિમલ કાલ આવશે એમ એના બાપુજી અને બાએ કીધું. ત્યાંથી આવીને રાજેશ ગામને છેવાડે આવેલ હનુમાનજીની દેરીએ બેઠો. વિમલ વિશેની  આવી વાત સાંભળીને એનું મન ખિન્ન થઇ ગયું હતું!!

રાજેશ અને વિમલ ભણવામાં પહેલા ધોરણથી જ સાથે. વિમલ હંમેશા પહેલો નંબર જ લાવતો. વિમલના પિતાજીની સ્થિતિ સાવ સાધારણ જયારે રાજેશના પિતાજીની ઠીકઠાક કહી શકાય તેવી હતી. બને એ બારમાં ધોરણની પરીક્ષા સાથે જ આપી હતી. પછી બને કોલેજ કરવા માટે અલગ અલગ જગ્યાએ ગયા હતા. વિમલ ગામમાંથી જ અપ ડાઉન કરતો જયારે રાજેશ પોતાના મામાને ઘરે જઈને ભણ્યો હતો. બને વેકેશનમાં મળતા અને આખું વેકેશન સાથે ગાળતાં હતા. કોલેજ પૂરી કર્યા પછી રાજેશે પીએસઆઈની પરીક્ષા પાસ કરીને ટ્રેનિંગમાં ચાલ્યો ગયો. વિમલ સહેજ માટે રહી ગયો એની રાજેશને પણ નવાઈ લાગી.  વરસ દિવસ પછી એને સમાચાર મળ્યા કે વિમલ પરિક્ષાઓની તૈયારી કરે છે અને સાથોસાથ ગામથી વીસેક કિલોમીટર દૂર આવેલ એક સેવાભાવી સંસ્થાએ શરુ કરેલ હોસ્પીટલમાં કલાર્ક તરીકેની નોકરી કરે છે. સમાચાર સાંભળીને રાજેશને આનંદ થયો કે આછી પાતળી એને આવક તો શરુ થઇ. બે વરસ સુધી તો રાજેશ વતનમાં આવ્યો નહોતો. આજે આવ્યો હતો અને એમાય વિમલ વિશે આવું ઘસાતું સાંભળીને એના મગજમાં ગડમથલ શરુ થઇ ગઈ હતી.

થોડી વાર બેસીને એ ઘરે ગયો રાતે એના પપ્પાને વિમલ વાળી વાત કરી.

“ઓધાકાકા વિમલાના  અવગુણ ગાતા હતા. એવું તે શું બન્યું કે તેઓ વિમલ વિશે આવી વાત કરે છે. ઓધાકાકાએ એમ પણ કીધું કે ગામમાં તું કોઈને પણ પૂછી જો મારી વાત ખોટી નીકળે જ નહિ”.. જવાબમાં રાજેશના બાપા મનજીભાઈ બોલ્યા.
“હવે એ વાત આમ સાચી છે ને આમ ખોટી પણ છે. એ હોસ્પીટલમાં નોકરી કરે છે એ વાત તો તને ખબર જ છેને?? એનું કામ ત્યાં સવારમાં આઠ વાગ્યાથી દર્દીઓના કેઈસ કાઢવાનું છે. ગામના ચાર થી પાંચ જણાને આવો આનુભવ થયો છે.આપણી આજુબાજુ ક્યાય હોસ્પિટલ તો છે નહિ!! વળી ગામમાં કોઈ ડોકટર પણ આવતો નથી. સાજુ માંદુ થાય એટલે એ હોસ્પિટલ જ બધાનો આધાર છે. હવે વિમલ રહ્યો આ ગામનો એટલે આપણા ગામના લોકો ત્યાં જાય એટલે એને પહેલા વારો આવે એવા પ્રયત્નો કરે. વિમલને વાત કરે પણ એ તો બધાને એમ જ કહે કે વારાફરતી લાઈનમાં આવે એનો જ કેઈસ પહેલા નીકળશે. કોઈનો વારો એ પહેલા ના લે. એટલે એ વધારે અળખામણો બની ગયો છે. આમ જોવા જઈએ તો વિમલ કશું જ ખોટું નથી કરતો. એ એની ફરજ સમજીને જ આ બધું કરે છે. જો એ ગામવાળાને પહેલા વારો આવે એવું ગોઠવે તો બીજા ગામ વાળાને શું સમજવું?? અને ઓધાકાકાને તો એની સામે બીજો વાંધો છે. એના ઘરના રાતે સખત તાવ આવેલો એટલે એણે રાતે વિમલ ને ફોન કરેલો કે તું એક કામ કર સવારમાં સહુ પ્રથમ મારો કેઈસ લખી લેજે એટલે ઝટ વારો આવે પણ વિમલે ચોખ્ખી ના પાડી કે ફોન ઉપર કેસ કાઢવાની હોસ્પિટલવાળા એ ચોખ્ખી ના પાડી છે. ફોન પર કેઈસ કાઢવા બેસું તો બીજા ગામ વાળાનો વારો મોડો જ આવે એટલે તમે જેટલા વહેલા આવશો એટલા વહેલો વારો આવી જશે. હવે એ હોસ્પીટલે કાયમ ભીડ જ હોય અને ઓધા પાસે કાર પણ નહિ એટલે એ મૂંઝાયો. પછી એણે તરત જ દાસ ભાઈને ફોન કર્યો.આપણા ગામના દાસ ભાઈ એ હોસ્પીટલમાં ટ્રસ્ટી છે. એણે જ વિમલને ત્યાં નોકરીમાં રખાવ્યો છે. દાસભાઈએ કીધું કે કાલ હું હોસ્પીટલે જ જાવાનો છું તમે મૂંઝાતા જ નહિ. તમે આવશો એટલે તમારો વારો પહેલા!! અને એવું જ થયું. ઓધાભાઈ એની પત્નીને લઈને ગયા હોસ્પીટલે એટલે દાસભાઈ સીધા જ એને ડોકટર પાસે લઇ ગયા.કેઈસ પણ ના કાઢવો પડ્યો અને તરત સારવાર શરુ થઇ ગઈ.!! બસ ત્યારથી ઓધાકાકાની નજરમાંથી વિમલ ઉતરી ગયો એનું એક જ કહેવાનું છે કે ગામનો આગેવાન ટ્રસ્ટી પણ જો મારું કામ કરતો હોય તો આ બે બદામનો એક સામાન્ય ક્લાર્ક થઇ બેઠેલો વિમલો મારું કામ શા માટે ના કરે!!?? બસ પછી તો બધા હોસ્પીટલનું કામ હોય એટલે દાસ્ભૈને મળે અને દાસભાઈ ફોન કરે એટલે એ દર્દીનો વારો પહેલા આવી જાય!! બાકી વિમલ આજે પણ નિયમબદ્ધ ચાલે છે. એ ગમે તેવો નજીકનો સંબંધી હોય નિયમ મુજબ જ વારો લે. ખુદ એના બાપા એક વાર ગયા હતા તોય ઈ અડધી કલાક લાઈનમાં ઉભા રહ્યા હતા અને પછી જ એનો કેઈસ વિમલે કાઢ્યો હતો. બસ લગભગ આખું ગામ વિમલને હવે બોલાવતું નથી.અમુક તો વળી મભમમાં બોલે છે કે જે પોતાના બાપને કામ નથી આવતો એ ગામને શું કામ આવવાનો??? આવું છે બધું. મનજીભાઈએ વાત પૂરી કરી અને રાજેશ વિચારમાં પડી ગયો.
હવે આમાં વિમલ નો વાંક પણ નથી. તેમ છતાં એ પ્રેકટીકલ બન્યો હોત તો આ  ગામમાં એની વાહ વાહ થતી હોત એવા વિચારમાં ને વિચાર એ સુઈ ગયો. સવારે એ ઉઠ્યો અને દસેક વાગ્યે વિમલના ઘરે ગયો. વિમલ રાતે મોડો આવી ગયો હતો. માંડ માંડ બે દિવસની રજા એને મળી હતી. વિમલ ને મળીને રાજેશને સારું લાગ્યું. પરિક્ષાની તૈયારી વિષે ઔપચારિક વાતો થઇ અને બને  ગામમાં ફરવા નીકળ્યા. રાજેશે નિરિક્ષણ કર્યું કે લોકો તેને માનથી બોલાવતા હતા. જયારે વિમલ ને જોઈને ઘણા લોકો મોઢું  બગાડતા હતાઅથવા ચુપ થઇ જતા હતા. ગામને પાદર આવેલ એક પીપળાના ઝાડ નીચે બને ભાઈબંધો બેઠા. રાજેશે મૌન તોડ્યું.

“જો વિમલ ખોટું ના લગાડતો. હું તને એક સલાહ આપું છું. સલાહ એટલા માટે કે આ જ ગામમાં તારા વિશે મેં થોડી અણછાજતી વાતો સાંભળી છે. નીતિમતા એક બાજુ છે અને વહીવટી કુશળતા એક બાજુ છે. જીવનમાં ડગલે અને પગલે સમાધાન કરવું પડતું હોય છે. તારી જ હોસ્પીટલમાં તું એક નિયમ પકડીને બેસે એ ન ચાલે. દાસભાઈને લોકો ફોન કરે અને એનું કામ થઇ જતું હોય તો તારે કરવામાં શું વાંધો??? હું તો કહું છું કે તારે પણ ફોન પર કેઈસ લખી લેવાય ને?? અથવા આપણા ગામનું કોઈ મોડું આવ્યું હોય તો વારો વહેલો લઇ લેવાય!! આખા દિવસમાં ગામમાંથી મૂળ ચાર કે પાંચ દર્દીનો સવાલ છે!! એનો કદાચ વારો પહેલો આવી જાય તો એમાં ક્યાં આભ તૂટી પડવાનું છે?? અને આ ક્યાં તારી કાયમી નોકરી છે?? હું તો જમાના પ્રમાણે ચાલવાની વાત કહું છું..  બધા કરે છે આવું એટલે તને કહું છું . થોડી ઘણી બાંધ છોડ તો કરવી પડે !!!ખાલી ખોટું શું કામ ગામની આંખે થવું???” જવાબમાં વિમલ ફિક્કું હસ્યો અને થોડી વાર પછી એ બોલ્યો.
“ આ તો મારે નોકરીની જરૂર છે એટલે હું આ બધું કરું છું. તને ખબર છે ને મહીને દસ હજાર એ મારા માટે ખુબ જ મહત્વની રકમ છે. તને શું લાગે છે કે મને ગામના લોકો માટે નફરત છે??? તું એવું માને છે કે મને બાંધછોડ કરતા નથી આવડતું??? મને પણ પવન હોય ત્યાં જ ઘોડી મંડાય એવી સમજણ છે જ પણ લાચાર છું દોસ્ત!! હું પણ બાંધછોડ કરું જ છું પણ એ જરા જુદી રીતની છે!!

“ આમાં ક્યાં લાચારી આવી?? મને વિગતે ખુલાસો કરીશ… હોસ્પીટલના ટ્રસ્ટી અને આપણા ગામના આગેવાન દાસભાઈ તો આ કામ કરે જ છે એ તને ક્યાં ના પાડવાના છે”?? રાજેશે વિમલને કહ્યું અને પછી વિમલે ખુલાસો કર્યો.

“ એ જ વાત છે. દાસભાઈ ટ્રસ્ટી છે એણે જ મને આ હોસ્પીટલમાં રાખ્યો છે. બીજા ઘણા લોકો આ પોસ્ટ માટે આવ્યા હતા. પણ દાસભાઈ ના કહેવાથી મને આ નોકરી મળી છે. હવે તારી આગળ જ આ ખુલાસો કરું છું. દાસભાઈએ જ મને ના પાડી છે કે તારે આ ગામના કોઈ પણ દર્દી આવે એનો વારો પહેલો લેવાનો નથી કે ફોન પર કોઈ કેઈસ લખાવવાનો નથી. એ બધા મારી ભલામણથી આવે તો એનું કામ ડોકટર કરી દેશે. આ વાત કોઈને કહેવાની પણ નથી. જો કોઈને કહીશ તો બીજા દિવસે જ તારે ઘરે બેસી જવાનું છે. ગામમાં મારું માન રહેવું જોઈએ.. લોકોને લાગવું જોઈએ કે દાસ ભાઈ એટલે પારકી છઠ્ઠીનો જાગતલ માણસ!!  એક કલાર્ક  કામ ન  કરે એ દાસભાઈ કરી દે..!! બસ અને એ પ્રમાણે જ થઇ રહ્યું છે.. દાસભાઈ પૈસાવાળો માણસ છે. હોસ્પીટલમાં એણે દાન પણ આપ્યું છે.. પણ માનવ સ્વભાવ છે..!! એ ઈચ્છે છે કે એની વાહ વાહ થવી જોઈએ..!! એની કીમત ગામ સમજે એમાં એને રસ છે..!! તો મેં પણ બાંધછોડ કરી લીધી!!  અને મારે તો શું?? મારું લક્ષ્ય ફક્ત દસ હજાર રૂપિયા છે ને જેનાથી મારા પિતાજીને રાહત રહે!! મેં આ બાંધછોડ કરેલી જ છે..!! પણ સમાજ અને ગામને આ નહીં દેખાય!! ઘણું દુખ થાય છે કે ગામના લોકોને હું ના પાડી દઉં છું. લોકો મારી ખરાબ વાતો કરે છે. મને હવે કોઈ બોલાવતું નથી!! પણ બીજો ઉપાય પણ શું?? જ્યાં સુધી કોઈ સારી જોબ ના મળે ત્યાં સુધી આ બોજ સહન કરીશ.. મારા માટે આ જોબ નથી એક બોજ છે!! પણ કોઈ જ ઉકેલ નથી આનો” વિમલની આંખના ખૂણા ભીના થયા એ રાજેશ જોઈ રહ્યો.
કોઈ પણ માણસ ક્યારેક આપણું કામ ન કરી શકે ત્યારે એના વિશે ખોટા ખ્યાલો ના બાંધવા જોઈએ. એ કામ ન કરવાની પાછળ એની ખોરી દાનત ના પણ હોય. શક્ય છે કે વિમલ જેવી મજબૂરી જ હોય!!  સમાજમાં ભિન્ન ભિન્ન પ્રકારના માણસો વસે છે. આપણી  માપપટ્ટીથી સમાજને માપવા બેસીએ તો લગભગ એક ફૂટે બાર ઈંચનો ફેર પડે છે!! સરવાળે મને એ સમજાયું છે કે કોઈ માણસને સમાજથી અણમાનીતું થવાનું ક્યારેય ગમતું હોતું નથી. બસ મજબુરી આગળ એ લાચાર હોય છે!!

લેખક :- મુકેશ સોજીત્રા
૪૨ , “હાશ” શિવમ પાર્ક સોસાયટી. સ્ટેશન રોડ, મુ.પો. ઢસાગામ તા. ગઢડા જી. બોટાદ પીન :-  ૩૬૪૭૩૦

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.