મુકેશ સોજીત્રા લેખકની કલમે

જ્યારે પોતાનાં જ ઓળખવામાં થાપ ખાઈ જાય, ત્યારે જ વ્યક્તિ એનું વ્યક્તિત્વ ખોઈ બેસે છે, વાંચો આ હૃદયસ્પરશી વાર્તા ને વિચારો કે તમે પણ તમારા અંગત સાથે આવું તો નથી કરતાં ને ?

 “એક કલાકારનું મોત ”

“ચંદુ કાલે ઘાટકોપરમાં આવેલા સંઘરાજકાના બંગલામાં કલરકામ શરુ કરવાનું છે, આપણી પાસે ત્રીશ દિવસનો સમય છે. પૂરું તો થઇ જ જશેને” વેલજી એ પૂછ્યું.

‘જી શેઠ જી થઇ જશે” ચંદુએ ખુરશી પર બેઠા બેઠા જવાબ આપ્યો. વેલજીની દીકરી નયના આવી અને ચંદુને જમવાનું પીરસ્યું. ચંદુ જમવા બેઠો. જમીને ઉભો થયો અને ઉપર આવેલાં પોતાના રૂમમાં જતો રહ્યો. જતી વખતે એ અંદરથી સાંકળ બંધ કરતો ગયો. મતલબ કે એ હવે સવારમાં જ ખુલશે. છ વાગ્યે એ નાહી ધોહીને તૈયાર થઈને નીચે ઉતરશે.ચા અને નાસ્તો તૈયાર જ હશે. એ ખાઈને એ પોતાના નિયત સ્થળે પહોંચી જશે. ક્યારેય કોઈ ફરિયાદ નહિ કે ખોટી લમણાઝીંક નહિ.

વેલજી ધરમશીનું રંગ રોગાન કરવામાં મોટું નામ. આખું બોરીવલી એના કામ પર આફરીન. મૂળ તો એ ગુજરાતી કેશોદ બાજુનો વતની પણ મુંબઈ નસીબ અજમાવવા ગયેલ. આમ તો કલાકારનો જીવ હતો. ગામની પ્રાથમિક શાળામાં હતો ત્યારથી જ નાટક કરતો. ફિલ્મમાં હીરો બનવાનો ગાંડો શોખ હતો. ભાગીને મુંબઈ આવેલા ત્યારે ઉમર હશે માંડ વીસ વરસની આસ પાસ. શરૂઆતમાં ઘરેથી થોડા ઘણા પૈસા સાથે લાવેલ એટલે ફિલ્મી સ્ટુડીઓના ચક્કર કાપવાના શરુ કરી દીધેલા. પણ કોઈએ હાથ ના ઝાલ્યો અને કહેવાય છે કે પેટ એ સહુથી મોટું કારણ છે જીવન જીવવા માટે એટલે ફિલ્મના પોસ્ટર બનતાં એમાં રહી ગયો. શરૂઆતમાં દિવસના દસ રૂપિયા મળતાં. રેલવે સ્ટેશન પર આવેલા બાંકડા પર સુઈ જવાનું.

વડા પાઉં કે ઈડલી સંભાર ખાઈ લે. ધીમે ધીમે એનો હાથ ઘડાતો ગયો. પૈસા મળવા લાગ્યાં. કળાની જયારે કદર થાય ને ત્યારે માણસને કામ કરવાની ધગશ ઉપડે એમ એક બે ફિલ્મના પોસ્ટર એવા અદ્ભુત બનાવેલા કે ખુદ હીરો અને હિરોઈને એની પીઠ થાબડેલી. અને પછી તો મોટા બેનરની ફિલ્મોના બેનર એને જ બનાવવા પડતા. આ એ જમાનાની વાત છે કે મનોરંજનમાં એક માત્ર દુરદર્શન હતું. એ મુંબઈથી દૂર આવેલા લોકોને દેખાતું જ નહિ. ફિલ્મના પોસ્ટર ઉપર જ ફિલ્મ હાલતી. વેલજીનો ધંધો હવે ધમધોકાર ચાલવા લાગ્યો. એની નીચે હવે સંખ્યાબંધ લોકો કામ કરતાં. એક હીરો જેટલું એને માન મળતું. ક્યારેક પન વેલ, તો ક્યારેક મહાબળેશ્વર તો વળી ક્યારેક ઉટી જવાનું હીરો અને હિરોઈન ના અલગ અલગ સ્કેચ બનાવે પેન્સિલથી અને ફિલ્મ બને ત્યાં સુધીમાં લગભગ ૨૦૦ જેટલા પોસ્ટરો બની ગયાં હોઈ અને મહિનો અગાઉ એ પોસ્ટરો અલગ શહેરમાં લાગી જાય.

પૈસો બનતો ગયો. ફિલ્મોની પાર્ટીઓમાં પણ એને આમંત્રણ મળતું અને નામી હીરો અથવા હિરોઈન એને વેલજી કહે એમ ઉભી રહીને પોઝ આપે અને વેલજી ધરમશી એનો સ્કેચ બનાવી નાંખે. સમય સમયનું કામ કરે છે એમ પ્રિન્ટીંગ ટેકનોલોજી આવી એટલે વેલજી ધરમશીના ભાવ ગગડી ગયાં. અને એમાય કોમ્પ્યુટર અને ચેનલોના જમાનામાં તો કોઈ પોસ્ટર સામે જોતું જ નહીં એટલે એ ફિલ્મી પોસ્ટર ચીતરવાના ધંધામાં વેલજીના વળતાં પાણી થયા પણ ગમે તે સમયમાં સાચા અને બહાદુર માણસો જેમ રંગ ના બદલે એમ વેલજી ધરમશી એ રંગ ના મુક્યો તે ના જ મુક્યો. હવે એ પોતાના હાથ નીચેના માણસો દ્વારા મુંબઈમાં બંગલામાં કલર કામ કરતો અને સારા એવા પૈસા રળી લે. ચાલીશ વરસના મુંબઈના વસવાટ દરમ્યાન વેલજી પરણ્યો. એક દીકરો અને એક દીકરીનો પિતા પણ બન્યો. દીકરો કોલેજ કરીને ઉચ્ચ અભ્યાસ માટે ન્યુજીલેન્ડ ગયો હતો અને ત્યાજ પરણીને સેટલ થઇ ગયો હતો. ઘરે એમની પત્ની શાંતા એક દીકરી નયના અને પોતે અને આ ચંદુ એ ચાર જ જણા હતા.

ચંદુ!!!

ચંદુ આજથી દસ વરસ પહેલાં એક વેલજી ધરમશી ને જેલમાંથી મળેલ. એક વખત લોકલમાં મુસાફરી કરતાં કરતા વેલજી ધનજીનું ખિસ્સું કપાઈ ગયું અને આવ્યું ચેકિંગ !! હવે એને ઘણું સમજાવવાનો પ્રયત્ન કર્યો કે એક જમાનો નો પેઈન્ટર છે, ઘરે ફોર વ્હીલ પણ છે. ખિસ્સું કપાઈ ગયું એમાં લીધેલી ટિકિટ પણ હતી . એ વગર ટીકીટે ક્યારેય મુસાફરી નથી કરતો , મોટા મોટા દિગ્દર્શકને ઓળખે છે પણ સામે જે રેલવે પોલીસ અને ટીટીઈ હતા એ બધા રાજા હરિચંદ્રનું પાણી પી ગયેલા એટલે એક પણ વાત ના સાંભળી ને કર્યા એક ડબ્બામાં ભેગા અને લઇ ગયા રેલવે કોર્ટમાં અને બધાને એક એક દિવસની જેલ થઇ અને એક જેલમાં મોકલી દેવામાં આવ્યા. વેલજી ધનજીએ કાંડા પર પહેરેલી અને એ વખતના સમયમાં કીમતી ગણાતી રાડો ઘડિયાળ આપવાની તૈયારી બતાવી પણ પથ્થર પર પાણી!! જેલના કપડા પહેરવવામાં આવ્યા. શેઠ પાસેથી ઘડિયાળ લઇ લીધી. એક હોલમાં બધા બેઠા. લગભગ આખા મુંબઈમાંથી બસો જણા રોજ પકડાતા આવી રીતે વગર ટીકીટે મુસાફરી કરતા.

સાંજે જમવાનું આપે દાળ અને રોટી. સવારે દસ વાગ્યે છોડી મુકે. જેલના કપડા કઢાવીને ઓરીજનલ કપડા આપી દે. બાકી ખિસ્સામાંથી જે મળ્યું હોય એ પરત સોંપી દે અને સજા પૂરી!! વળી જ્યાં એને જવું હોય ત્યાં સુધીની ટિકિટ પણ મફત આપે. કારણકે જો એમ ના કરે તો અડધા તો સાંજે પાછા આવે..!! વગર ટીકીટે ફરીથી પકડાય. આ ચંદુ પણ વેલજી ધરમશીની સાથે વગર ટીકીટે પકડાયેલો. અહી એમનો પ્રથમ પરિચય. સાંજે સુતી વખતે અલપ ઝલપ વાતો થયેલી. બીજે દિવસે જેલમાંથી છૂટીને વેલજી ધનજી ઉતાવળે ને ઉતાવળે ઘર તરફ જતા હતા. કારણકે એને ચિંતા હતી કે ઘરવાળા શું વિચારતા હશે?? ત્યાં જ પાછળ થી અવાજ સંભળાયો.

“એ શેઠ આ તમારી ઘડિયાળ તો ત્યાં ટેબલ પર જ રહી ગયેલી, હું લેતો આવ્યો છું તમને દેવા માટે” વેલજી ધનજીએ પાછળ ફરીને જોયું તો એની સાથે હતો એ જ ચંદુ હતો. જેલમાંથી છૂટતી વખતે એના કપડા અને ઘડિયાળ ટેબલ પર મુકેલા અને વેલજી કપડા બદલાવીને તરત જ ભાગેલો અને ઘડિયાળ લેતા ભૂલી ગયેલો અને આ ચંદુ ભાળી ગયેલો એટલે એણે લઇ લીધી. મોંઘા ભાવની ઘડિયાળમાં માં આનો જીવ ના પડ્યો એટલે વેલજીને લાગ્યું કે માણસ છે ખાનદાન અને પોતાની જેમ જ વખાનો માર્યો મુંબઈ આવ્યો લાગે છે… મુંબઈ માટે એવું કહેવાય છે કે પહેલાના જમાનામાં બે જ પ્રકારના માણસો મુંબઈ જતા એક વખાના માર્યા !! અને બીજા ડખાના માર્યા!!!

“શું કામ કરે છો અહી મુંબઈમાં?” વેલજીએ પૂછ્યું.

“કશું જ નહિ કામ ગોતું છું , ટીકીટના પૈસા આપું તો ખાવાનું ખૂટે એમ છે. એટલે વગર ટીકીટે કામની તલાશમાં રખડ્યા કરું છું.” ચંદુએ જવાબ આપ્યો.

“કલર કામ ફાવશે?, આવડશે??” વેલજીએ વળતો પ્રશ્ન કર્યો.

“થોડું થોડું આવડે છે બાકીનું શીખી લઈશ” ચંદુની આંખમાં ચમક આવી ગઈ. એ ચમક વેલજી પારખી ગયો. બસ એને પોતાની સાથે રાખી લીધો. ઘરથી થોડે દૂર વેલજીનો એક વર્કશોપ હતો. ત્યાં ચંદુને રહેવાનું અને શેઠ કહે ત્યાં કલર કરવા જવાનું. વર્કશોપમાં એક ગાદલું પાણીનું માટલું , ગોદડું ફાટલું!! નાનું એવું ખાટલુ ગોઠવાઈ ગયું. બસ આખો દિવસ કામ કરીને વર્કશોપમાં આવી જવાનું. રાતે બાજુના ભોજનાલયમાં જમી લે અને દરરોજ ૧૦૦ રૂપિયાની રકમ ચંદુને આપવામાં આવતી.સવારનો નાસ્તો અને બપોરનું ભોજન બધાજ કારીગરોની જેમ શેઠ તરફથી આપવામાં આવતું.

થોડા જ વખતમાં વેલજી કળી ગયો કે પીંછીનું કામ ચંદુ માટે અજાણ્યું નથી . મોટા મોટા શેઠિયાના બંગલામાં ચિત્રો દોરવાનું કામ ચંદુને સોંપી દીધું. ચંદુ અદ્ભુત ચિત્રો દોરવા લાગ્યો. વેલજીનો ધંધો હવે ચંદુને કારણે વધ્યો. ચંદુના ચિત્રમાં એક જીવંતતા હતી જે બીજા કારીગરોમાં ભાગ્યે જ જોવા મળતી હતી. પણ ચંદુ કોણ હતો ?? ક્યાંથી આવ્યો હતો ? એ પ્રશ્નોના જવાબ હજુ વેલજીને મળ્યા નહોતા. આમ તો એ સારા ઘરનો છોકરો હોય એમ એને એના વાણી અને વર્તન પરથી લાગતું હતું. એની નજર કદી આડા અવળી નહોતી. પીવાનું એને વ્યસન નહોતું. કામ કરવું એ જ એનું વ્યસન હતું. જે પૈસા આવે એ બચાવી રાખતો હતો. ખાવામાં પણ કોઈ દિવસ સાઢુડાઇ કે આડોડાઈ ક્યારેય નહોતી. એ પોતાનું કામ ટાઈમસર કરતો. એક દિવસ વેલજીએ પૂછ્યું. આમ તો ચંદુ બહુજ ઓછું બોલતો.અને જે ઓછું બોલતું હોયને એનું કામ પુષ્કળ બોલતું હોય છે.

“તારું ગામ કયું ?? તારા માતા પિતાનું નામ શું ?? આ બધી જ વિગત તું મને કહે તો હું તને મારા ઘરે ઉપરની ઓરડી જે ખાલી છે ત્યાં રહેવાનું ગોઠવી દઉં. બાકી આમ તો તારું કામ સારું છે પણ અજાણ્યા ને કેમ મારી ઘરે રાખું. અહિયાં વર્કશોપમાં એકલું રહેવું અને સાંજે હોટલનું ખાવું એના કરતાં હું ઈચ્છું છું કે હું તને મારા ઘરે તને રાખું પણ એ માટે તારે તારી પૂરી ઓળખાણ મને આપવી પડે”

“ એ હું નહિ આપી શકું શેઠ , હું અહિયાં બરાબર છું , અમુક માણસો એવું લખાવીને જ આવ્યાં હોય કે એને ઘરમાં રહેવાનું સુખ નથી સાંપડતું. હું અહિયાં વર્ક શોપમાં બરાબર છું “ કહીને ચંદુએ હાથ જોડ્યા અને આંખમાં આંસુ આવી ગયાં.” વેલજી જમાનાનો ખાધેલ માણસ હતો . એ ચંદુની મનોવ્યથા પામી ગયો. બીજે જ દિવસે એ ચંદુને પોતાની ઘરે આશરો આપી દીધો ઉપરની ઓરડીમાં. પોતાની પત્ની અને પુત્રીને કહી દીધું કે ચંદુને કોઈ વયક્તિગત સવાલ ના કરતાં .કોઈ એને કશું જ પૂછતાં નહિ. ભલે એ અજાણ્યો છે .પણ તોય એની આંખો કહે છે કે એ ખુબજ જાણીતો છે.

બસ આ રીતે ચંદુ એમની સાથે રહેવા લાગ્યો. સવારથી સાંજ એ બહાર પોતાના કામમાં મશગુલ હોય. સાંજે આવીને એ પોતાની ઓરડીમાં જ હોય. જમીને ક્યાય એ બહાર જતો નહિ.ક્યારેક રજાના દિવસે વેલજી બહાર ફરવા જાય તો એ પરાણે ચંદુને સાથે લઇ જાય. સાથે વેલજીની પત્ની શાંતા અને દીકરી નયના પણ સાથે હોય .પણ ચંદુ એની દુનિયામાં મગ્ન જ હોય.. જુહુના દરિયા કિનારે એ અલગ જગ્યાએ ઉભો હોય શાંત ચિતે એ દરિયો નીરખતો રહે. શેઠ જે ખાય એ ખાઈ લે. કામ સિવાય ચંદુની દુનિયામાં બીજો કોઈ વિકલ્પ જ નહોતો. કપડાં પણ સાદા જ પહેરે. હવે તો શેઠ એને રોજના ૧૦૦૦ રૂપિયા ચુકવતા . એને જયારે જરૂર પડે ત્યારે જ એ પૈસા માંગી લેતો . બાકી શેઠ પાસે એના પૈસા જમા રહેતા હતા.

રવિવારની એક સવારે છાપામાં એક વિચિત્ર સમાચાર છપાયા. જુનાગઢના એક વેપારી લાંબા સમયથી બીમાર હતા . બીમારી ખુબ વધી ગઈ. એટલે એણે પોતાની દુકાન હરરાજીથી વેચવા કાઢી. એ દુકાનના માળિયામાંથી ચાર્ટ પેપર પર દોરાયેલા અદ્ભુત ચિત્રનો બંચ મળી આવ્યો હતો. કલાના એક કદરદાને એ ચિત્રો જ દસ લાખમાં ખરીદી લીધાં. શેઠને દુકાન વેચવી ના પડી પણ એ ચિત્રોની રકમમાંથી જ એનો ઈલાજ શરુ રહ્યો.શેઠને આ ચિત્રો વિષે પૂછતાં કહ્યું કે એમનો એક આગલા ઘરનો દીકરો હતો કે જે ઘર છોડીને ચાલ્યો ગયો હતો એના બનાવેલા ચિત્રો હતાં. અત્યારે એ ક્યાં હશે એનો પતો નથી પણ જો એને એ મળી જાય તો એનો ભવ સુધરી જાય!! શેઠે પોતાનું સરનામું પણ આપ્યું હતું. અને આજીજી કરી હતી કે કોઈને પણ પોતાના દીકરા વિષે જાણ હોય તો એ આ સરનામે સંપર્ક કરે!! છાપામાં એ ચિત્રો છપાયેલા હતા. શેઠનો ફોટો પણ હતો. અને એક ઝાંખી ઝાંખી એ ચિત્ર દોરનાર છોકરાની તસ્વીર હતી. વેલજીએ સમાચાર વાંચ્યા. ચિત્રો ધ્યાનપૂર્વક નિહાળ્યા અને ખાસ તો એ છોકરાની ઝાંખી ઝાંખી તસ્વીર જોઈ રહ્યા. એની આંખમાં ચમકારો આવ્યો.

“નયના ચંદુને બોલાવી લાવ તો” વેલજીએ કહ્યું અને નયના ઉપર ગઈ અને ચંદુને બોલાવી લાવી.

“ આવો આવો ચંદ્રકાંત ઉજમશી શાહ, આવો આવો” વેલજી એ ચંદુ આવ્યો કે તરત જ છાપું એમની તરફ ફગાવ્યું અને કહ્યું. સાંભળીને ચંદુએ છાપું હાથમાં લીધું . પોતાના પિતાજીનો ફોટો જોયો ચિત્રો જોયા. પોતે દસમાં ધોરણમાં હતો ત્યારે જે ફોટો બોર્ડની પરિક્ષાની રસીદમાં લગાવ્યો હતો એ ઝાંખો ફોટો એણે જોયો. બાજુમાં પડેલી ખુરશી પર બેઠો અને આંખો મીંચી ગયો.

“ તમારા પાપા ઉજમશી ભાઈ આતુરતા પૂર્વક રાહ જોવે છે , ક્યારે જવું છે હવે જુનાગઢ?? થોડીક સોખમણ થતી હોય તો હું સાથે આવું .. આખરે એ આપના પિતાશ્રી છે. બીમારીનો સામનો કરી રહ્યા છે. જે કઈ બન્યું હોય એ જાણતો નથી કે તમારે ઘર છોડવું પડ્યું. પણ હું ઈચ્છું કે આપ જુનાગઢ જાવ.” વેલજી હવે ચંદુને માનાર્થે બોલાવતો હતો. એક સારા ઘરનો છોકરો ગમે તે કારણસર આટલો સમય પોતાની સાથે રહ્યો. એનું એને ગૌરવ હતું.

‘ મારે ક્યાય જવું નથી હું કોઈને પણ ઓળખતો નથી. હું પાછલુ કઈ પણ યાદ કરવા માંગતો નથી, પ્લીઝ મને અહી રહેવા દો “ ચંદુ એ હાથ જોડયા.

“એનું મન શા માટે કોચવો છો એ ભોળો છે” શાંતા એ કહ્યું.

“ અરે હું ક્યાં એને બીજું કહું છું, હું તો એને એના પરિવાર સાથે જવાનું કહું છું , એ એના પરિવાર સાથે રહે , સારી કન્યા ગોતીને લગ્ન કરી લે , પછી ભલે ને એને અહી ગમતું હોય તો ફરીથી કામ કરવા આવી જાય .હવે થી એ મારો કારીગર નથી પાર્ટનર છે પાર્ટનર!!” વેલજીએ કહ્યું.

“અરે હવે વાત નીકળી જ છે તો કહી જ દઉં , આપણી નયના એને ખુબ જ પસંદ કરે છે એટલે એ ક્યાય જવા નથી માંગતો , નયનાએ મને બધી જ વાત કરી છે , એ બધું જ ભૂલવા માંગે છે. શાંતા એ કહ્યું. અને નયના જે બારણા પાસે ઉભી હતી એણે પોતાના પિતાજીની સામે જોયું અને હાથ જોડ્યા. વેલજી કશું જ ના બોલ્યો.

“ ઓહો તો વાત એમ છે ચંદુ કુમાર !! ચાલો તો હવે તમને નયના ના સોગંદ આખી વાત કરી જ દો કે શા માટે ઘર છોડીને તમારે અહી આવવું પડ્યું, નયના તમને પસંદ જ હોય તો તમે નયનના સોગંદ જરૂર પાળશો.” વેલજીએ આખી વાત ને સિફતપૂર્વક વણી લીધી. અને ચંદુ ઉર્ફે ચંદ્રકાન્તે પોતાની કહાની કીધી.
ચંદ્રકાંત ઉજમશી શાહ!!

ઉજમશી શાહનો એકમાત્ર દીકરો. પિતાને કરીયાણાની દુકાન અને જમીન પણ હતી. ચંદ્રકાંતને જન્મ આપીને જ એની મા સુલક્ષણા ભગવાનને પ્યારી થઇ ગઈ હતી. શેઠ ઉજમશીને કરિયાણા ની મોટી દુકાન હતી. માં વગરના દીકરાને ઉજમશી શેઠ સાચવવા લાગ્યાં. બાજુના ઘરે આવતી કામવાળી ઉજમશી શેઠના ઘરે આવવા લાગી. ચંદ્રકાંત જ્યારે પાંચમા ધોરણમાં હતોને ત્યારે જ ચિત્રો દોરતો અને અદ્ભુત દોરતો. દુકાને બેસે ને નવરાઈ હોય ત્યારે પણ ચિત્ર દોર્ય રાખે. કામવાળી એ ઉજમશી શેઠ પર કામણ પાથર્યા અને શેઠને જાળમાં લઇ લીધાં. કામવાળી પરણિત હતી. બે છોકરાની મા હતી. આગલા પતિને છુટા છેડા આપીને શેઠ ને પરણી ગઈ અને ચંદ્રકાન્તની મા બની ગઈ હતી. હવે ચંદ્રકાંત પર ત્રાસ ગુજારવાનું શરુ થયું. ત્યારે ચંદ્રકાંત આઠમા ધોરણમાં હતો. પોતાના આગલા ઘરના બે છોકરાઓને બધો વારસો મળે જો ચંદ્રકાંત અહીંથી જતો રહે તો એવી એમની મનની ઈચ્છા હતી. સાચા ખોટા બહાના ભરાવીને એ ચંદુ ને માર ખવરાવતી અને શેઠને પણ આંખો નહોતી ખાલી કાન જ હતા. પછી તો ચંદુ ખાઈ પી ને રાતે પણ દુકાને જતો રહેતો અને ત્યાં સુઈ જતો. રાતે મોડે સુધી એ ચિત્રો દોર્ય રાખતો. એના પાપા જયારે ભાળી જાય ત્યારે એ કહેતા કે ચિત્રો દોરવાથી પેટ ના ભરાય છાનો માનો ધંધામાં ધ્યાન આપ્યને તો સારું. પરંતુ રાતના એકાંતમાં એ અદ્ભુત ચિત્રો દોરતો ગયો અને સંગ્રહ કરતો ગયો . દસમાની પરીક્ષા માંડ માંડ આપી અને આ બાજુ એક ઘટના બની ગઈ. એક દિવસ શેઠ બહાર ગયા હતા. અને ચંદુ પણ ભાઈબંધના ઘરે જમવા ગયો હતો ત્યાં એને મોડું થઇ ગયું હતું. એટલે મોડી રાતે એ દુકાનની ચાવી લેવા ઘરે ગયો ને ત્યાં એણે જોયું , અને જે સાંભળ્યું એ જોઇને એના પગ તળેથી જમીન સરકી ગઈ.

પોતાની માતાનો આગલો પતિ એના ઘરે હતો. એ કહેતો હતો.

“ એ હવે દસમું પાસ થઇ જશે, આમ ને આમ જો એ અઢાર નો થઇ ગયો તો પછી અઘરું થઇ જશે.. એક છોકરાને પતાવતા નથી આવડતું તને??”

“પણ કોઈ મેળ જ નથી ખાતો એમાં હું શું કરું , તમે જ કૈંક કરો , છોકરો પતિ જાય પછી શેઠ ને તો હું પતાવી દઈશ.” એની માતા આવું બોલતી હતી ને ચંદુ દુકાને પાછો આવ્યો. દુકાનના બાંકડા પર બેસી રહ્યો.આખી વાત એના સમજમાં આવી જ ગઈ હતી. માતાનો આગલો ધણી એ છૂટાછેડાનું નાટક કર્યું હતું. મૂળ તો એની પોતાના પિતાજીની સંપતિ પર હતી. એને ભાગી જવાનું મન થયું, પણ પોતાના પિતાજીનું શું?? પિતાજી ને ચેતવવા જોઈએ એમ એને લાગ્યું. સવારે એ ઘરે જઈને ચાવી લાવીને દુકાન ખોલી. બપોરે પિતાજી આવ્યાં ને એણે વાત કરી. પિતાજી એને લઈને ઘરે ગયાં. એમની પત્નીને વાત કરી અને એની પત્ની અને ચંદુની કહેવાતી મા એ નાટક આદર્યું અને ઉલટાનું કીધું કે આ તો મારે વાત કરવી હોય ને તો પણ શરમ આવે છે કે કાલે તમે નહોતા અને ચંદુ દારુ પીને આવ્યો અને મારો હાથ પકડીને પલંગ પર લઇ ગયો આ જુઓ મારા બરડા પર ઉજરડા પણ છે. ચંદુની માતાએ ઉજરડા બતાવ્યા. હકીકતમાં એ ઉઝરડા એના આગલા ધણીના હતા જે ગઈકાલે રાતે આવ્યો હતો. ઉઝરડા સાચા હતા પણ બીજી વિગત ખોટી હતી. છોકરાના સત્ય આગળ એની માનું અસત્ય દબાઈ ગયું ,અને ચંદુને એના પાપાએ ઢોરમાર માર્યો!! ખુબ જ માર્યો!! ચંદુ પર એક એવું આળ આવી ગયું હતું કે જેનો સામનો એ ગામમાં રહીને કરી શકે એમ નહોતો. અને ચંદુ એ રાતે જ ઘર છોડીને સ્ટેશન પર જતી એક ગાડીમાં બેસીને મુંબઈ આવી ગયો હતો.

મુંબઈ આવીને ચંદુએ બે વરસ પછી એક ખાસ વિશ્વાસુ ભાઈ બંધને ટપાલ લખીને વાત જાણી લીધી હતી કે અ ઘટના બન્યા પછી વરસ દિવસ પછી શેઠને સાચી વાત ની જાણ થઇ અને એક દિવસ ઘરમાં હતી એ બધી સંપતિ એમની સાવકી મા એના ભૂતપૂર્વ પતિ સાથે લઈને ભાગી ગઈ હતી અને એના પિતાજીને હાર્ટ એટેક આવી ગયો હતો અને બીમાર હતા. દુકાન માં જે કઈ વસ્તુ હતી એમાંથી એ ગુજરાન ચલાવતા. થોડી ઘણી જમીન હતી એ પણ વેચાઈ ગઈ હતી. વરસ દિવસે ચંદુ એ ભાઈ બંધ પાસે સમાચાર મંગાવતો. અને છેલ્લા આ છાપાના સમાચાર મુજબ દુકાન વેચવા કાઢી હતી એમાં એણે દોરેલા ચિત્રો ભારે કીમતે વેચાયા એના પિતાજીને ઉપયોગી થયા હતા.
ચંદુએ વાત પૂરી કરી અને છેલ્લે બોલ્યો.

“મારા ચિત્રોએ એમની સારવારના પૈસા આપી દીધા છે, પિતાજીએ મારા માટે જે કઈ કર્યું હતું સોળ વરસ સુધી એમની ભરપાઈ થઇ ગઈ છે .એમનું ઋણ મેં ચૂકવી દીધું છે. પણ મારા પર જે આળ લગાવ્યું એ કોઈ કાળે હું માફ નહિ કરી શકું.. મારી મા પારકી હતી બાપ ક્યાં પારકો હતો??. એને મારા પર ભરોસો કર્યો હોત તો આ દશા ના આવત, સહુ સહુના કરમ સહુ ભોગવે, હું એમને માફ નહિ કરી શકું એટલે જ ત્યાં હું ક્યારેય નહિ જાવ”.

“પણ તું ચિત્રો દોરવાનું ફરીથી શરુ કરને ફરીથી તારી પીંછીમાં ગજબનું કામણ છે” વેલજી એ કહ્યું.

“ એ ચિત્ર દોરતો હતો એ ચંદુ તો ત્યારે જ મરી ગયો હતો જયારે મેં ઘર છોડયું હતું!! બસ હવે મને એમાં રસ નથી, અને મારે કોઈ નામ જોઈતું નથી કે નથી જોઈતા પૈસા!! પૈસાને કારણે જ મારા પર ભયંકર આળ આવી ગયું. વધારે પડતી સંપતી તારવાને બદલે મારવાનું કામ કરે છે , બસ અત્યારે આ ઘર રંગવાનો ધંધો બરાબર છે , પેટ પુરતું મળી જાય ને એટલે ઈશ્વરનો આભાર માનું છું , વધારે કોઈ જ આશા નથી. સંપતિનો નશો વિનાશ જ નોતરે છે” ચંદુ અદ્ભુત ફિલોસોફી બોલતો હતો. સહુની આંખ ભીની થઇ ગઈ.

વેલજીએ ચંદુને બાથમાં લીધો. ચંદુ એમને ભેટીને ખુબ જ રડ્યો. ચંદુ ત્યાં જ રોકાઈ ગયો ને વરસ દિવસ પછી નયના સાથે ચંદુના લગ્ન થયા. આજે નયના અને ચંદુ અલગ રહે છે. પોતાનો અલગ પેઈન્ટીંગ નો ધંધો શરુ કર્યો છે અને સારું અને જરૂર પુરતું જ કમાય છે.

લેખક :- મુકેશ સોજીત્રા

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.