દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

“એક કન્ડકટર” – આજે વાંચો મુકેશ સોજીતરાની કલમે મોજીલા કન્ડકટર વિષેની અદભૂત સ્ટોરી, ખૂબ જ શબ્દોમાં આલેખાયેલ આ વાર્તા વાંચવાની ચૂકતા નહી…

“ હાલો ભાવનગર ભાવનગર ભાવનગર!! સરકારી બસ લોકલ બસ!! સાવ ખાલી સાવ ખાલી એ હાલો એ હાલો… ભાવનગર ભાવનગર… પ્લેટફોર્મ નંબર ૪ પર… બસ મુકાઈ ગઈ છે..હાલો હાલો .. ભાવનગર ભાવનગર!!!”
ત્રીસેક વરસનો એક ફાંકડો અને છટાદાર યુવાન કે જે પહેરવેશ પરથી કંડકકટર હોય એમ લાગ્યું. એ બસ સ્ટેન્ડ પર ઉભેલા પેસેન્જરો વચ્ચે આંટા મારીને લોકોને ભાવનગરની બસમાં બેસવા માટે આમંત્રણ આપી રહ્યો હતો. એમની બસ લગભગ ફૂલ ભરાઈ ગઈ હતી. ૧૪ નબરની સીટ પર બેસેલા એક યુવાનને રીતસરની નવાઈ લાગી. યુવાનનું નામ હતું આકાશ. એ એક સેલ્સમેન હતો. આ વિસ્તારમાં એ સહુ પ્રથમ વાર આવી રહ્યો હતો. તાલુકા મથકે અને જીલ્લા મથકે એ મસાલા બનાવતી એક કંપનીની બનાવટોની જાહેરાતો માટે સેમ્પલ લઈને એ છેલ્લા બે માસથી સૌરાષ્ટ્રના તાલુકાઓ અને જીલ્લાઓ ઘૂમી વળ્યો હતો. આજ એને નવાઈ એટલા માટે લાગી એક એક એસ ટી નો કંડકટર ખાનગી બસ હોય પોતાની માલિકીની બસ હોય એમ બુમો પાડી પાડીને બસમાં બેસારવા માટે એ કોશિશ કરી રહ્યો હતો.બસ હવે લગભગ આખી ભરાઈ ગઈ હતી. નીચે તોય દસેક પેસેન્જરો ઉભા હતા. પેલો કંડકટર હવે બસની બે ય બાજુ બારીઓ પાસે જઈને હાથ જોડીને પેસેન્જરને પાછળ જવા માટે વિનંતી કરતો હતો..

“એ કાકા સહેજ સહેજ સો સો ગ્રામ પાછળ જાવ એટલે બાકીના લોકો અંદર આવી શકે… શાબાશ કાકા તમને ભગવાન સો વરસના કરે કાકા…. એય માજી… એ ય મોટી બહેન પ્લીઝ..થોડા પાછળ..અરે વાહ જોયું..કેટલી જગ્યા થઇ ગઈ..ચાલો ભાઈ હવે ઉપર ચડો.. એય ભાઈ… એ હીરો રસ્તા માં મુકેલી સુટકેશ લઇ લ્યો પ્લીઝ .. સુટકેશ માટે એસટી એ સરસ મજાના માળિયા બનાવ્યા છે.. એ ખાલી જ છે..મુકો એને માળીયામાં.. અરે વાહ જોયું કેટલી જગ્યા થઇ ગઈ’’ સરસ હજુ બીજા દસ આવી જાય એટલી જગ્યા છે.. ચાલો બહેન આ બાબો બારીએથી હાથ બહાર કાઢે છે એને ખોળામાં બેસાડો.. ચાલો થોડા થોડા પાછળ ચાલો.. જીવનમાં આગળ વધવું એટલું જરૂરી છે તેના કરતા પણ વધુ જરૂરી ક્યારેક પાછળ જવું પણ હોય છે.. અરે વેરી ગુડ..જોયું.. ત્રણની સીટમાં ચાર બેઠા છે.. આ ને કહેવાય માણસાઈ.. જીવનમાં હમસફર તો કેટલાય મળે પણ હમદર્દ બહુ ઓછા મળે છે. ખરા હમદર્દ તો એ કહેવાય કે બે ની સીટમાં ત્રણ બેસે અને ત્રણની સીટમાં ચાર બેસે.. ચાલો પાછળ પાછળ”

આકાશ આ બધું જોઈ રહ્યો હતો. લોકો પણ મોજથી આ કન્ડકટરની વાણી અને વર્તન જોઈ રહ્યા હતા. આકાશ માટે આ નવું હતું.. એને એસટી માં બેસવું ફરજીયાત હતું. કારણકે મસાલાની જે કંપની હતી એ એને રોજનું એસ ટી નું જેટલું ભાડું થાય એ એક્સ્ટ્રા ચુકવતી હતી.. એસ ટીનો બહુ સારો અનુભવ તો આકાશ ને હતો નહિ. ખાલી બસ હોય લગભગ.. સીટો તૂટેલી હોય..ગંદકીનો પાર ના હોય.. રાજકુમારોની જેમ ડ્રાઈવર અને કંડકટર આવે.. રસ્તા પર બસ જાણે એવી રીતે ચલાવે કે તમારા પાંસળા અને હાડકા ખોખરા થઇ જાય!! પણ આ અનુભવ એના માટે સાવ નવો હતો.. એનાથી અનાયાસ બોલી જવાયું..

“ગજ્જબ છે આ!! માની શકાતું નથી કે આવા પણ કંડકટર હોય છે”

“સાચી વાત છે જુવાન તારી.. અમને પણ શરૂઆતમાં નવાઈ લાગતી..પણ હવે ટેવાઈ ગયા છીએ” બાજુમાં બેઠેલા એક મોટી ઉમરના ભાઈ બોલ્યા. આકાશની સામું જોઈએ વળી તે બોલ્યાં.

“ આમ તો ભાવનગર જવાની બસ કલાકે કલાકે મળે.. બહુ ગર્દી પણ ના હોય પણ તોય લગભગ રોજ ભાવનગર જવા વાળા આ બસમાં જ બેસે છે.. આ બસ કોઈ દિવસ ખાલી ના હોય ગર્દી હોય..પણ આમાં બેસવાની એક મોજ જ હોય છે.. એક વખત આ બસમાં બેસે એ લગભગ બીજી વાર પણ આ જ બસમાં બેસવાની આશા રાખે છે. કંડકટર જ જુદી તાસીરનો છે..ઘણા એની ઠેકડી ઉડાડે.. નવો નવો ડ્રાઈવર પણ ક્યારેક એને ઘચકાવે પણ આને કોઈ અસર જ નહિ બસ એની એ જ ધૂનમાં એ અખો દિવસ હોય..રોજ ભાવનગરના બે ફેર કરે છે..પણ ફૂલ બસ જ હોય”

“ અડધો ગાંડો છે… મૂળ તો પેલા આજ રૂટમાં ટેમ્પો હાંકતો એમાં વળી કન્ડકટરની નોકરી મળી ગયેલ એટલે જૂની ટેવ જાતિ નથી.. આમ તો આ રૂટ પર પાર વગરના ટેમ્પા હાલે છે. પણ આ બસ ઉપડવા ટાણે લગભગ ટેમ્પા ખાલી થઇ જાય છે.. મેં તો વાત સાંભળી છે કે એક બે વાર ટેમ્પા વાળાએ આને બે ત્રણ ઝાપટ પણ આંટી દીધી પણ તો ય આ સુધર્યો નહિ.. બુમો પાડી પાડીને બસમાં બેસાડ્યે રાખે છે..સાવ શરમ વગરનો છે..” બીજા ભાઈએ પોતાનો અભિપ્રાય આપ્યો.

આકાશ વળી આ બેય વ્યકતીઓની વાત સાંભળી રહ્યો હતો.. એવામાં ડ્રાઈવર આવ્યો અને બસ ઉપાડવાની તૈયારી કરી. એણે ડોકું પાછળ કરીને વ્યંગમાં કહ્યું..

“હજુ થોડી જગ્યા છે.. હજુ બસ સ્ટેન્ડમાં આંટો મારવો છે.. અમુક પેસેન્જરોને ખબર ના હોય તો આ બસમાં આવી જાય.. નહીતર બિચારા ક્યાં જશે????” એમની સામે હસીને હાથ જોડીને કંડકટર બોલ્યો.

“ ના પાઈલોટ સાહેબ હવે બસ ફૂલ થઇ છે.. સાત આઠ જણા ત્રિકોણીયે ઉભા હશે એને લઇ લેજોને.. બાકી તમે મારી મુકો.. હું ટિકિટ કાપી લઉં” બસ ઉપડી. કંડકટર ટીકીટો કાપી રહ્યો હતો. ટિકિટ કાપતા કાપતા પણ તેમની વાકધારા સતત ચાલુ હતી..!! અમુક કાયમી પેસેન્જરોને તો એ સીધી ટિકિટ જ વળગાડી દે..પૂછવા પણું પણ નહીં કે ક્યાં જાવું છે..કો વળી રાજપરા ખોડીયારની ટિકિટ માંગે તો એનું અનુમાન કદી ખોટું ના પડે એમ વળી પાછો કહે પણ ખરો.

“માતાજી ના દર્શન કરજો અને વળતા આ જ બસ આટલા વાગ્યે રાજપરા આવશે..મારા માટે પ્રસાદ લેતા આવજો પણ વળતા પાછા આમાં આવજો..”

બસમાં ઘણા વિધાર્થીઓ પણ અપ ડાઉન કરતા. એમની પણ એ સંભાળ રાખે.

‘કેમ આજે તમે ત્રણ જ તમારો પેલો ઉંચો ભાઈ બંધ કેમ બે દિવસથી આવતો નથી?? આજ કેમ એમ ને એમ બસમાં ચડ્યા છો તમારા થેલા ક્યાં છે ભણવાના…??? મારા સોગંદ ખાઈને બોલો આજ ટોપ થ્રીમાં ફિલ્મ જોવા તો નથી જતા ને?? આ તો આજ શુક્રવાર છે એટલે પૂછ્યું.. ભણજો હો!! બાપા ભણવા મોકલે છે..ફિલ્મ જોવા નહિ!!.. હાલો આગળ!!!”

બધા એની સામે જોઈ રહે અને ફટાફટ બધી ટિકિટ કાપીને એ પોતાની સીટ પાસે આવીને ઉભો રહે..એની સીટ પર બીજું કોઈ બેઠેલું હોય એ પણ કોઈ મોટી ઉમરનું.. આકાશની બાજુમાં બેઠેલા ભાઈ ફરીવાર બોલ્યા.

“બસ માં કોઈ પણ ઉભું હોય તો એ એની સીટ એને આપી જ દે!! લગભગ ક્યારેય એ પોતાની સીટે નહિ બેઠો હોય!! ખબર નહિ કે કઈ માટીમાંથી ભગવાને આ કંડાકટર બનાવ્યો છે, થાકનું નામ જ નહિ..તમે જુઓ ક્યારેય એનું મોઢું સોગીયું નહિ હોય!!.. બસ અમુક તો આ માટે જ આ બસમાં બેસે છે.. સારા સારા માણસો પણ ક્યારેક આ બસમાં આ માટે જ મુસાફરી કરે છે”

બસ આગળ વધતી રહી કંડકટર મુસાફરોની વચ્ચે ઉભો ઉભો આજુબાજુનું વાતાવરણ હળવું બનાવી રહ્યો હતો.
“ચાલો દસ મિનીટ… ફ્રેશ થવા માટે.. સરસ મજાનો છાયંડો છે..સરસ મજાનું પાણી પણ છે.. ચાલો દસ મિનીટ માટે બસ હોલ્ટ કરે છે”

કંડકટર બોલ્યો.. એક મોટી ટેકરી જેવું હતું.. બાજુમાં એક રેસ્ટોરન્ટ હતું..લીમડાના ચાર પાંચ ઝાડ હતા.. એ ઝાડના છાંયડા હેઠળ પાણી ની છ મોટી માણ્ય હતી. બીજી બે ત્રણ બસ પણ ત્યાં ઉભી હતી..!!

સહુ નીચે ઉતર્યા.. ફ્રેશ થયા.. આકાશના મનમાં શું ય પ્રશ્ન જાગ્યો કે એ સીધો પેલો કન્ડકટર જ્યાં બેઠો હતો ત્યાં ગયો અને સીધી જ વાત ચિત આરંભી.!!

“સેલ્સમેન છું.. આખું ગુજરાત એસટીમાં જ રખડું છું.. આ બાજુ પેલી વાર આવું છું..તમને જોઇને નવાઈ લાગી!! આનું ખાસ કોઈ કારણ??? હજુ પણ વિશ્વાસ નથી બેસતો કે આવા સમયમાં પણ આવા વફાદાર અને ફરજપરસ્ત માણસો છે..ખરેખર ધન્યવાદને પાત્ર છો તમે”??

“લ્યો સજ્જન ચા પીઓ પહેલા.. પછી બીજી વાત” કંડકટરે પોતાના માટે આવેલ ચામાંથી થોડી ચા આકાશને આપી. પછી કંડકટરે વાત શરુ કરી.

“નાનો હતો ત્યારથી રજાના દિવસોમાં હું મારા પિતાજી સાથે ટ્રકમાં જતો.. મારા પિતાજી એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરતા હતા. ટ્રક લઈને તેઓ મોટા મોટા શહેરોમાં જતા હતા. પાછા વળતી વખતે ઘણીવાર ટ્રાન્સપોર્ટ કંપની તરફથી કોઈ ભાડું ન હોય તો પણ મારા પિતાજી એની મેળે ભાડું શોધી લે અને આવીને કંપનીમાં જમા કરાવી દે..અરે કોઈ મુસાફરને બેસાડયા હોય અને એના પચાસ રૂપિયા આવ્યા હોય તો પણ એ જમા કરાવી દે..હું મોટો થતો ગયો થોડું થોડું સમજતો ગયો..ટ્રાન્સપોર્ટ કંપનીમાં બીજી પણ ટ્રકો હતી.. એમાં પણ ડ્રાઈવર્સ અને કલીનર્સ હતા.. એ વધારાનો પૈસો પોતે હજમ કરી જતા પણ મારા પિતાજીએ આવું કશું કરેલ નહિ.. ટ્રાન્સપોર્ટ કંપનીમાં પિતાજીની એક અલગ જ છાપ હતી.. એ મને એક વાક્ય કહેતા કે બેટા તમે કોઈ પણ જગ્યાએ કામ કરો!! તમારા શેઠને તમે માથે ના પડવા જોઈએ..!! હું આખા મહિનાનો હિસાબ કરું છું તો મને આનંદ થાય છે કે મારો પગાર જે મને મળે છે એના કરતા તો હું વધારે રકમ દર મહીને આવા નાના ભાડા શોધીને કંપનીમાં જમા કરાવું છું!! કંપની માટે તો આ વધારાની રકમ જ છે . કદાચ હું ના જમા કરાવું તો પણ એ મને પગાર તો આપવાની જ છે . હા આને કારણે બીજા ટ્રક ડ્રાઈવરોને હું આંખના કણાની જેમ ખૂંચતો હોઈશ!! પણ મારી નજરમાં હું હમેશા એક વેંત ઉંચો રહું છું!! આવા હતા મારા પિતાજીના વિચારો !! હું દસમાં ધોરણમાં હતો અને એક અકસ્માતમાં મારા પિતાજીનું અવસાન થયું. રાતે એ માલ ભરીને આવતા હતા. સામેથી આવતા પુરપાટ એક ટ્રકે મારા પિતાજીના ટ્રકને ટક્કર મારી અને તેનું ત્યાંજ અવસાન થયું.!! નિયમાનુસાર વીમાના પૈસા આવ્યા.. ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક ૧૨ દિવસ સુધી અમારે ત્યાં રોકાયા. મારા પિતાજીની વિધિ પૂરી થઇ એટલે એણે મારા કુટુંબીજનો સમક્ષ કીધું કે મારા પાપા પ્રત્યે એને આજીવન માન રહેશે.. જ્યાં સુધી એમની ટ્રાન્સપોર્ટની કંપની છે ત્યાં સુધી દર માસે એમને જે પગાર મળતો હશે એ જ મળશે!! એમનો પગાર ક્યારેય બંધ નહિ થાય!! આજે પણ મારા પિતાજીનો પગાર દર મહીને મારા ઘરે આવી જાય છે.”
કન્ડકટર થોડી વાર અટકયા. પાણી પીધું અને કહ્યું.

“પછી તો મારા લગ્ન થયા અને મને આ નોકરી મળી.. મારા પિતાજી પાસે સંપતિ તો ખાસ નહોતી પણ વારસામાં એ મને એના યુનિક વિચારો આપી ગયા હતા.. મેં નક્કી કર્યું કે એના રસ્તા પર ચાલવું.. જ્યાં નોકરી કરું છું તે લોકોને હું માથે નહીં પડું.. જેટલા વધારે મુસાફરો મારી બસમાં બેસી શકે એમ હોય એટલા ને હું બેસાડીશ.. એટલા માટે જ હું બસ સ્ટેન્ડમાં સાદ પાડી પાડીને મુસાફરો લાવું છું. આખા દિવસના ભાડાનું હું કલેક્શન હું જયારે એસ ટી ડેપોમાં જમા કરાવું છું ત્યારે મને આનંદ એ વાત નો હોય છે કે મને જે માસિક પગાર મળે છે એના કરતા હું એસટીને બમણો નફો કરાવી આપું છું. હા સાથી કર્મચારીઓનો ઉપાલંભ, ધૃણાનો પણ ભોગ બનું છું..કોઈ મને વધારે પડતો વાયડો અને આ બધું નાટક કે પબ્લીસીટી માટે કરું છું એવું પણ કહે પણ મને પરવા નથી.. મારા પિતાજીના સિદ્ધાંતને કારણે આજે હું અને મારો પરિવાર સંપૂર્ણ સુખી છીએ એવી રીતે મારા આ કાર્યથી મારા પુત્રનો પરિવાર સુખી રહે એટલો જ સ્વાર્થ છે.. બાકી કોઈ અબળખા કે એષણા નથી..પગાર સિવાય કશું ઘરે ના લઇ જવું એ મારો નિયમ મારા પિતાજી પાસેથી મેળવ્યો છે.. અહી આ હોટેલ પર બસ ઉભી રહે વરસે દહાડે બધા ને મળે એમ આ હોટેલ વાળા બોનસ આપે છે દરેક ડ્રાઈવર અને કન્ડકટરને એટલે એ નો પણ મેં રસ્તો કાઢ્યો છે.. આ પાણી ની માણ અને આ લીમડા ફરતા જે ઓટલા ચણ્યા છે મુસાફરોને બેસવા માટે એનો ખર્ચ મેં એ પેલી બોનસ વાળી રકમમાંથી કરું છું. પણ હિસાબ ચોખ્ખો.. એક રૂપિયો પણ વધારાનો નહિ લેવાનો”

બસમાં મુસાફરો ગોઠવાઈ ગયા હતા…

“ એ હાલો કોઈ બાકી રહી જતું નથી ને. આજુબાજુની સીટમાં જોઈ લ્યો ભાઈ કોઈ નીચે રહી તો નથી ગયુંને.. બસ ઉપડે છે ચાલો.. આ હોટલ થી કોઈ બેઠું હોય અને ટિકિટમાં કોઈ બાકી હોય તો કહી દેજો ભાઈ””!!

વળી પાછો એ જ શ્રદ્ધા અને આત્મવિશ્વાસથી છલકતો અવાજ બસમાં ગુંજી ઉઠયો. બસ ભાવનગર તરફ ચાલતી હતી. કંડકટર પોતાની સીટ પાસે ઉભો હતો અને વિદ્યાર્થીઓ સાથે હસી મજાક સાથે વાતાવરણને હળવું બનાવી રહ્યો હતો.
જ્યાં સુધી તમે જે જગ્યાએ જોબ કરો છો ત્યાં તમે જ્યાં સુધી એ કંપનીની માથે ના પડો ત્યાં સુધી જ તમારી જોબ સલામત છે.. આ પહેલો નિયમ !! તમે જે પગાર મેળવો છો એના કરતા વધારે તમારે આપવું જ રહ્યું એ બીજો નિયમ છે. અઘરું છે અશક્ય નથી!! શું કહેવું છે તમારું???

લેખક :- મુકેશ સોજીત્રા
૪૨ , “હાશ” શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ , મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.