દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

આજે વાંચો મુકેશ સોજીત્રાની કલમે લખાયેલી બે જોડિયા ભાઇઓની રસપ્રદ વાર્તાનો અંત વાંચવાનું ચૂકતાં નહી…

“ધનજી અને ધરમશી – બે જોડિયા ભાઈઓ”

ધનજી સવારમાં પોતાના ઘરને ઓટલે બેઠો બેઠો છાપું વાંચી રહ્યો હતો. લુંગી અને ગંજી પહેરેલી હતી. બાજુમાં જ એક મોટું ડબલું પડ્યું હતું. હમણા જ એ કુદરતી હાજતે જઈને આવ્યો હતો. ધનજીને આ ટેવ વરસોથી હતી. પોતાની ઘરે ચાર ચાર સંડાસ હતા તો ય નજીકમાં જ આવેલી પોતાની ખેતરની પડખે આવેલી વેણકીમાં એને રોજ સવારે મોઢામાં લીમડાનું દાતણ નાંખીને બહાર જવાની ટેવ હતી. પોતે ગામનો સરપંચ હતો. ત્રણ ત્રણ ટર્મથી ચૂંટાતો હતો. ગામડામાં લગભગ દરેક ઘરે સંડાસ બાથરૂમ થઇ ગયા હતા. !!! પણ ધનજીની આ નાનપણની ટેવ છૂટતી નહોતી. કોઈ એને વળી ટપારતું તો એ કહેતો.

“આ ટેવ પડી ગઈ છે ભાઈ અને એ બહાને સવાર સવારમાં વોકિંગ પણ થઇ જાય અને ખેતરમાં કોઈ ઢોર ઢાંખર હોય ને તો તગડતું પણ અવાય. અને સહુથી મોટી વાત સવાર સવારમાં ગામમાં આંટો પણ મરાઈ જાય કોઈ દુખી તો નથી ને..!!! બાકી મારા ઘરે ચાર સંડાસ છે પણ એમાં મને ફાવે જ નહિ..પેલ્લેથી જ આપણે રહ્યા ખુલ્લા ખેતરમાં ફરવા વાળા અને બંધીયારમાં તો ના જ ફાવે ને!! ખબર છે કે આ ખોટું છે પણ મૂકી શકતો નથી!! સવાર સવારમાં તાજી હવા ના મળેને તો બાદી થઇ જાય બાદી!! આપણા ઘરડાં હતા એ પણ ખુલ્લામાં જ જતાને તો ય મારા બટા કેવા તનકારા કરતા હતા. હવે મારે એનો વારસો જાળવવો કે નહિ??” અને ખીખીખી ધનજી હસી પડતો.. ગોવિંદ ભાભાને વસ્તારમાં બે મોટી દીકરીઓ અને પછી બે દીકરા!! મોટો દીકરો ધનજી અને નાનો દીકરો ધરમશી !! બે ય દીકરા વચ્ચે આઠ મિનીટ નો જ ફરક!! ધનજી અને ધરમશી બેય બેલડાના હતા. પણ ધનજી જન્મથી જ હૃષ્ટપૃષ્ટ પણ ધરમશીનો બાંધો સાવ નબળો!! જન્મ વખતે કોઈ માની જ ના શકે કે આ બને ભાઈ જોડિયા ભાઈઓ હશે.. બેય ભાઈના જન્મ વખતે ડોકટર કાનાણી એ કીધેલું ગોવિંદભાભાને

“ આ મોટો છે એનું ધ્યાન રાખજો..!! આ નાનાનું એ બધું જ દાબી જ જશે..!! આ નવ મહિના પેટમાં રહ્યોને એમાં પણ એ નાનાનો ખોરાક પણ દાબી ગયો છે એના ભાગે કશું આવવાજ નથી દીધું. આ મોટો તમારો વારસો જાળવશે અને રાજકારણમાં આવશે. અને નાનો ભગત જેવો જ રહેશે આજીવન!!”

અને થયું પણ એવું જ બને ભાઈ સાથે મોટા થવા લાગ્યા. પણ ધનજી ધરમશી કરતા ડબલ ખાઈ જતો. બે ય ભાઈ પાંચ વરસના થયા એટલે ગોવિંદભાભા બને માટે નાનકડી સાયકલ લાવેલા પણ બેય સાયકલ ચલાવે તો ધનજી જ!!ધરમશીના ભાગમાં તો પાછળ થી ધક્કા મારવાનું જ આવતું. ક્યારેક નબુમાં જોઈ જાય એટલે ધનજીને ખીજાય અને પરાણે ધરમશી ને સાયકલ પર બેસાડે અને આંટા મરાવે. નબુમાં ધનજીને ખીજાતા પણ ખરા.

“ એય ખાવા ટાળ, એ ય ચામડ તોડ, આ તારો સગો ભાઈ છે એનો તો ક્યારેક વારો આવવા દે અને એય તુય કાંઇક સમજ અત્યારથી જ જો પોચો પડ્યોને તો આ મોટો તને ઠોલી ખાશે ઠોલી અસલ એના બાપ પર ગયો છે” અને જવાબમાં ધનજી હસી પડતો ખીખીખીખી… અને ધરમશી ખાલી સામું જોઈ રહેતો!!

અને નબુમાની વાતેય ખોટી નહોતી. એ જે કહેતા એ પ્રમાણે જ થયું. પ્રાથમિક શાળામાં પણ ધનજીની રાડ હતી. એ પોતાના પૈસા તો વાપરી જ જાય સાથોસાથ અડધા પૈસા ધરમશીના પણ વાપરી જાય..!! મન થાય તો લેશન કરે બાકી એનું લેશન કાયમ ધરમશી જ કરતો હોય..!! ગોવિંદભાભા સરપંચ એટલે નિશાળમાં ધનજીને કોઈ વતાવતું નહિ. પણ તોય શિક્ષકો અંદરોઅંદર વાતો તો કરતા જ કે બે ય ભાઈઓ જોડિયા છે પણ ઘી અને ઘાસલેટ જેવો ફરક છે..!! ક્યાં ડાહ્યો ધરમશી અને ક્યાં દાંડ ધનજી!! ક્યારેક ધનજીના તોફાન વધી જાય અને કોઈ શિક્ષક એને ઉભો કરે ત્યાં તો ધરમશી ઢીલો પડી જાય અને મંડે રોવા અને શિક્ષક્ને દયા આવી જાય અને ધનજીને બેસારી દે અને કહે.

“ આ તારા ભાઈની દયા આવે છે બાકી તને તો સબોડવો જ જોઈએ. તારા ભાઇમાંથી તો કાંક શીખ એ કેટલો ભણવામાં હોંશિયાર છે?? છે એના મોઢામાં જીભ?? ભણવા સિવાય એને કોઈનામાં જ રસ નથી અને તને ભણવા સિવાય બધામાં જ રસ છે” અને આવું સાંભળીને ધનજી ખીખીખી કરીને હસી પડે!!

અને વાત પણ સો ટકા સાચી જ હતી. ભણતર તો ધનજીને ના ના ચડ્યું પણ જીવનનું ગણતર ચડી ગયું. પ્રાથમિક શાળા માંડ માંડ પૂરી કરીને ધનજી પોતાના આતા ગોવિંદઆતાની સાથે રહીને રાજરમતમાં એક્કો બની ગયો. ધરમશી દસ ધોરણ ભણીને પોતાના પિતાની ખેતી સંભાળી લીધી. બને વીસ વરસના થયા ત્યારે ગોવિંદભાભાએ પરણાવી દીધા બનેની બેનો તો ક્યારનીય પરણી ચુકી હતી. ધરમશીને વહુ પણ એના જેવી જ મળી હતી. પતિને પૂછીને પાણી પી એવી જયારે ધનજીને પણ પોતાના જોગ પત્ની મળી ગઈ!! ધરમશી અને એની વહુ ખેતીમાં ગળાડૂબ આખો દિવસ વાડીયે જ હોય જયારે ધનજી આખો દિવસ વહીવટ પતાવે કાંતો તાલુકામાં હોય અથવા જીલ્લામાં હોય!! અધૂરામાં પૂરું ભાઈ તે સસ્તા અનાજની દુકાન મેળવી લીધી અને બે વરસ પછી થયો ગામનો સરપંચ અને પાંચ વરસ પછી મંડળી નો પ્રમુખ પણ બની ગયો. સંપતિ એના ઘરે રેલમછેલમ કરવા લાગી. બે ય ભાઈઓ સાથે રહેતા. બને ને બે બે છોકરા થયા અને એક એક દીકરી થઇ!! સમય વીતતો ચાલ્યો. ગોવિંદ ભાભા અને નબુમાં એ લાંબુ ગામતરું કર્યું. હવે ધનજીએ મોટર પણ લીધી હતી. પોતાના ગામના તો ઠીક પણ આજુબાજુના ગામના કજિયા કંકાસ પણ ધનજી બે ય બાજુ તોડ કરીને પતાવવા લાગ્યો. બસ વેવાર બધો જ ધનજી કરતો અને ખેતીકામ ધરમશી કરતો. ક્યારેક ધરમશીની વહુ મુકતા કહેતી.
“તમે મોટાભાઈ ને કાંઇક કહેતા હો તો.. હવે ઈ ઘરમાં જાજુ ટકતા પણ નથી નકરા પોલીસ વાળા હારે હોય છે.. મેં તો વસન ભાભીને પણ કીધું કે તમે મારા જેઠને ટપારતા હો તો પણ ઉલટાનું એ કહે કે તમારા જેઠ તો આવતી ચૂંટણીમાં જીલ્લા નું ફોર્મ ભરવાના છે એટલે એને બધાયને સાચવવા જ પડે ને આમેય અમુક માણસો ઘરની બાર જ સારા..!! ઘરમાં હોય તો ખોટે ખોટી લમણાઝીંક કર્યા કરે!! મને તો કોઈ ફરક ના પડે એ ઘરે રે કે બાર્ય!!!”

“મોટો પેલેથી જ એવો છે એમાં હું શું કહું!! સમાજમાં આગેવાન થવું હોય તો આવું બધું તો રેવાનું જ!! ઘરમાં બાકી તો શાંતિ છે અને ભાભીને તકલીફ પડે તો હું કહું.. પણ ભાઈ અને ભાભી બે ય સરખા જ છે ને!! આપણે આપણું કામ કરવાનું એ એનું કામ કરે!! સહુ સહુનું કામ કરે એમાં વાંધો શું છે!!?? ધરમશીએ એની પત્ની મુક્તાને કહ્યું. પણ તો એક દિવસ રાતે ધરમશીએ લાગ જોઇને ધનજીને કીધું તો ખરું જ!!

“મોટા આ અમુક વસ્તુ આપણને પસંદ નથી..!! આ તો મારી પાસે વાત આવી એટલે કહું છું કે બાજુના ગામમાં તમે એક ભાઈનું છુટું કરવામાં પચાસ હજાર લીધા છે..!! આતા કહેતા કે કોઈનો સંબંધ થાતો હોય તો ઘરના હજાર વપરાય તો પણ વાંધો નહિ પણ કોઈના છૂટાછેડા કે લખાણ થતું હોય ત્યાં હાજર પણ નહીં રહેવાનું..!! એના બદલે તમે પૈસા

લઈને આવા કામ કરો એમાં આતાની મેળવેલી આબરુનું ધોવાણ થાય છે!!”

“નાના…. તને અમુક વસ્તુમાં ખબર ના પડે.. આપણે બધાને સાચવવા પડે.. આ રાત દિવસ તું જોતો નથી આપણે કેટલાને ઘરે જમાડવા પડે છે..?? કોઈને કોઈ અધિકારી કે આગેવાન આવ્યો જ હોય!! આ તો આપણા દી છે એટલે સહુ આવે છે..!! આવા ને આવા દિવસ કાયમ નથી રહેવાના એટલે અત્યારે તો ખુલ્લું ખેતર છે.. ખુલ્લું ખળું છે તકનો લાભ લઇ લેવાનો.. બાકી આપણી વાડીની કમાણીમાંથી હું કોઈને ના ધરવું હો..!! સમાજમાંથી આવે એ સમાજમાં જ વાપરવું અને વધારામાં આપણી વાહ વાહ થાય એ નફામાં” કહીને ધનજી ખીખીખીખી કહીને હસી પડ્યો!!!
અને સવારમાં ધનજી પોતાના મકાનની બહાર ઓટલે બેઠો બેઠો છાપું વાંચી રહ્યો હતો અને એવામાં મનકો આવ્યો. નામ તો એનું મનજી હતું પણ બધા જ એને મનકો જ કહેતા. મનકો એટલે ધનજીનો પીએ!! વાયરમેનનું પણ કામ કરે અને ગામની પાણી ની વ્યવસ્થા પણ કરે.. ધનજી ની સસ્તા અનાજની દુકાને ઘાસલેટ ભરવાનું કામ કરે અને ઉનાળામાં મંડળીના ગોડાઉનમાંથી ખેડૂતોને ખાતર પણ ભરી આપે..

“એ રામ રામ સરપંચ સાહેબ.. સવાર સવાર માં શું છાપામાં ખોવાઈ ગયા છો??” મનકા એ બાજુમાં બેસતા કહ્યું. ધનજી એ એની સામે જોયું અને કહ્યું.

“શું સમાચાર લાવ્યો છે કારીગર??? સવાર સવારમાં પધાર્યા છો એટલે નક્કી કાઈ સમાચાર તો હશે જ!! ધનજીએ છાપું બાજુમાં મુકતા કહ્યું. ધનજી હમેશા મનકાને કારીગર જ કહેતો. અને મનકો હતોય કારીગરજ ને!!

“ ઊંડી શેરીમાં રાતે બાર વાગ્યે જીવન અને એનો ભાઈ વિઠ્ઠલ બાંધ્યા. વાતમાં તો કઈ હતું નહિ પણ તોય બાયુંની ચડામણી થી બે ય ભાઈ લાકડીએ લાકડીએ આવી ગયા અને એક બીજાના માથા ફોડ્યા છે. હમણા વિઠ્ઠલ આવશે તમારી પાસે.. વિઠ્ઠલની વહુ વનિતા કેતી તી કે કેસ કરવો છે જીવન ઉપર એટલે તમે બરાબર લાગ લેજો.. ગઈ ચૂંટણીમાં વિઠ્ઠલ અને જીવને વાતાવરણ બગાડવાનું કામ કર્યું હતું તે આ વખતે લાગમાં આવ્યા છે બે ય સોરાઇ જાય એવું જ કરજો” ધનજીએ બધી જ વિગત જાણી લીધી અને અઠવાડિયામાં બેય ભાઈ પાસે સામે સામા લાકડા જેવા કેઈસ કરાવી નાંખ્યા. બેયની ધરપકડ થઇ. બે ય પાસે તોડ કરાવીને બેયના જામીન ગોતી દીધા. હવે ભલે બે ય લડ્યા કરે અને કોર્ટના ધક્કા ખાધા કરે.. આઉટ પોસ્ટના જમાદાર ને પણ દસ હજારનો ફાયદો કરાવી આપ્યો. ધનજીએ પોતાના ભાગના કાઢી લીધા. આ ઘટના પછી ગામમાં ગણગણાટ વધવા લાગ્યો. ચૂંટણી હજુ આઠેક મહિના પછી ઉનાળામાં આવવાની હતી. પણ ગામમાં છાને ખૂણે ધમધમાટ વધવા લાગ્યો. ગામમાં એક મીની કેજરીવાલ ગેંગ સક્રિય થઇ. રોજ સાંજ પડે ને હિફલીની વાડીમાં અમુક માણસો ભેગા થાય અને ચર્ચા થાય!!.“પંદર વરસથી ધનજી સરપંચ છે. એના બાપા ગોવિંદ ભાભા પચીસ વરસ સરપંચ રહ્યા પણ ગામ નો ઉકળ્યું એ નો જ ઉકળ્યું.. આખું ગામ બાપનું હોય એમ વાપરી ખાધું. હવે આ ના પોસાય” તમાકુ મોઢે ચડાવીને કેતન બોલ્યો..
“સંગઠન નહીને એટલે એને લાધું ફાવી ગયું છે.. આપણે નકરી વાતું કરી જાણીએ છીએ બાકી ધનજી સામે લડવામાં આપણામાંથી કોઈને પણ છાણ જ નથી.. આમાં તો જીગર જોઈએ.. ખાલી વાતું કર્યે કાઈ ના વળે.. વળી ધનજીનું કુટુંબ કેટલું એ બે ભાઈ અને એની નાતના બીજા આઠ ઘર થાય.. વધુમાં વધુ એને સાઈંઠ ઉપર મત ના મળે.. અને આપણા કેટલા ખોરડા દોઢસો ખોરડા છે તોય ચાળીશ વરસથી આપણો કોઈ સરપંચ થયો. સભ્યોમાં પણ આપણા છાપેલા કાટલાં જેવા ચાર ભાભલા જ હોય..!! ધનજી એને સાચવી લે અને ચૂંટણી વખતે આંબા આંબલી બતાવે એટલે આપણે ગધેડાની લાદ ની જેમ વેરાઈ જઈએ. બાકી આ ગામમાં આખી પેનલ આપણી આવે બોલો છે ત્રેવડ આ વખતે??” ચશ્માં ના કાચ સાફ કરતો કરતો રવિ બોલ્યો. રવિ તાજો તાજો કોલેજ ભણીને આવ્યો હતો.

“ પરચૂરણ જેમ દડી જાય એમ છેલ્લી ઘડીએ આપણા વડીલો ફસકી જાય છે બાકી સહુ ગામ કંટાળ્યુ તો છે જ.. ઠેઠ ગળા લગણ આવી ગયા છે.. રેશનીંગ માં પણ ગોટાળા થયા છે.. મહિનાની આખર તારીખે ઘાસલેટ આપે અને બીજા મહિનાનું કેરોસીન મહિનાની શરૂઆતમાં ઉપાડીને સીધું જ પેટ્રોલપંપ વાળા ને ત્યાં વેચી નાંખે.. મંડળી માં પણ ગોલમાલ કરે છે.. પણ કોઈ માઈનો લાલ ઉહંકારો કરતો નથી.. બધા જ મિયાની મીંદડી જેવા કરી દીધા છે.” ઝીણી આંખો કરીને અરજણ બોલ્યો.

“ એના લોહીમાં જ રાજકારણ છે..!! એક બે હતા સામે પડે એવા એને કાંઇક ને કાંઇક પ્રલોભન આપીને પોતાના સાણસામાં લઇ લીધા..!! યાદ છે પેલો રમણીયો એની સામે પડ્યો હતો સાત આઠ અરજી કરી હતી.. તે એને બાજુના ગામની મંડળીમાં મંત્રી બનાવી દીધો એટલે એ પણ ચુપ થઇ ગયો.. ખોડુભા ને પંચાયતમાં લઇ લીધા અને એક પોતાની વાડી સોંપી દીધી..!! મહીને પાંચ હજારનો દટ્ટો આપી દે એટલે એ પણ કઈ બોલતા નથી..!! બાકી તો ચૂંટણી ટાણે ગામ આખાને ભજીયા ખવડાવે ને પછી પાંચ વરસ સુધી તેલ પાઈને એરંડિયું કઢાવે તો ય બધાય ચુપ છે!!” નટુ બાવાજી બોલ્યો..

રોજ સાંજ પડે ને ચર્ચાઓ થાય.. હિફલીમાં બેસવા વાળાની સંખ્યા વધી ગઈ. ધનજી વિરુદ્ધ વાતાવરણ રચાવા માંડ્યું. મનકો કારીગર બધા સમાચાર પોગાડે ધનજી ને અને ધનજી પણ આ બધાને તોડવા દાવ અજમાવે પણ સંગઠન વધતું ચાલ્યું કોઈ જ કારી આ વખતે ધનજીની નો હાલી. ગામમાં એક ધીમું પણ મક્કમ વિરોધનું વાતાવરણ થઇ ગયું.
એમાં આવ્યો શિયાળો અને ગામમાં લગ્નની સીઝન જામી. અત્યાર સુધી સરપંચ તૈયાર ભાણે જમવા જ આવતા..!! ગામના લગ્ન પ્રસંગના વહેવારના તમામ કામ ધરમશી જ કરે..!! સરપંચ મોટે ભાગે જાનમાં જાવાનું જ પોતાના ભાગે રાખતા પણ હવે તો વા હોય એમ ઘોડી મંડાયનેર!! .. ધનજી સરપંચ ગામના લગ્ન પ્રસંગમાં રસોડે હાજરી પુરાવા લાગ્યા. લોકો તેનાથી બને એટલું છેટું અંતર રાખતા થઇ ગયા હતા..!! કારીગર મનકો અને સરપંચ કળી તો ગયા કે આ વખતે લોઢાના ચણા છે..!! વાયરો જ કાઈ અલગ વાય છે..!!

પુના હરજી ડાભીની બે છોકરીઓના લગ્ન નજીક આવી ગયા. માંડવા ના બે દિવસ અગાઉ પુનો નજીકના ગામમાંથી સોની પાસે નાંખેલ ઘરેણા લઈને ઘરે પાછો આવતો હતો અને રાતના આઠેક વાગ્યાનો સમય. મોટી સીમના રસ્તે ચાર બુકાની વાળા આડા પડ્યા. પુના ને માર્યો અને ઘરેણા લુંટી લીધા. સામાન્ય કુટુંબ અને મહેનતની કમાણીમાંથી દીકરીના લગ્નના ઘરેણા કરાવ્યા એ લુંટાઈ ગયા અને ગામમાં હાહાકાર થઇ ગયો. બીજે દિવસે અડધું ગામ પુનાની ઘરે આવી ગયું. પુનાને અને એની ઘરવાળીને તાવ આવી ગયો. કાલ માંડવો હતો અને પરમ દિવસે જાન આવવાની હતી.
“સરપંચ ને બોલાવો કોઈ..!! એને પોલીસવાળા સાથે સારા સંબંધો છે..!! પોલીસ સાચી થાય તો ઘરેણા આવી જાય” લોકો વાતો કરતા હતા.

“ઈ આવા માં આવે..?? હા કાઈ તોડ કરવાનો હોય તો આવે!!” એક યુવાન બોલ્યો પણ તરત જ શરમાઈ ગયો સામે જોયું કે સરપંચ નો ભાઈ ધરમશી એની સામું જોતો હતો. ..!! ધનજી આવ્યો બધી વિગત જાણી આશ્વાસન આપ્યું. સહુ આડા અવળી વાતો કરતા હતા.. કોઈ કહેતું હતું કે આવું પેલી વાર બન્યું છે. નક્કી કોઈ જાણભેદુ હોવો જોઈએ…!!!
“મોટા આનું કંઇક કરવું પડશે!! આમાં ગામની આબરૂ જાય!! ગામ આપણા ભરોસે બેઠું હોય ને આપણા ગામમાં સમી સાંજે ચોરી થાય તો તો થઇ રહ્યું.ગમે એમ કર્ય મોટા પણ આ પુના ભાઈની દીકરીયું ના લગ્ન ઘરેણા સાથે ક થવા જોઈએ!! આ તો હરખનો પ્રસંગ કહેવાય એને બદલે આહી માતમ છે!! કૈંક કર્ય મોટા પણ કાલ સાંજ સુધીમાં ઘરેણા આવવા જોઈએ” ધરમશી આજ બોલતો હતો.. ધનજી ને પણ નવાઈ લાગી કે લગભગ ઘરમાં પણ જેના મોઢામાં જીભ નહોતી એ આજ જાહેરમાં આવું બોલે છે!!

“હવે ઈ તો બધુય કાયદેસર થાય.. ઘરેણા ગોતવાનું કામ પોલીસનું છે.. સરપંચની ફરજમાં ક્યાય ઘરેણા ગોતી દેવા એવું નથી લખ્યું.. બાકી તો આ બધી ભાગ્યની વાત છે.. ઘરેણા માણસો દિવસે લેવા જાય!! પુનાએ રાતે લેવા શું કામ જવું જોઈએ?? બેદરકાર રહો તો તમે લુંટાઈ જ જાવ પછી રોવો એ નકામું!!” ધનજી બોલતો હતો અને પુના હરજી ને સંભળાવતો હતો. મૂળ વાત એમ હતી કે મનકા એ ધનજીને અઠવાડિયા પહેલા જ ખબર આપ્યા હતા કે હિફલીએ જે અસંતુષ્ટો ભેગા થાય છે એમાં પુના હરજી પણ હોય છે”!!

“ કઈ વાંધો નહિ પુના તું હવે રોવાનું બંધ કર્ય તારી બે દીકરીયુ એ ગામ આખાની દીકરી ગણાય..ગામ આખું આવા ટાણે તારી ભેળું જ છે!! તું રોવાનું બંધ કર્ય !! કાલ સવારે આપણે જઈને તૈયાર ઘરેણા લઇ આવીશું.. તું તારે વાજતે ગાજતે તારી દીકરીયું ને વળાવજે.. આ ધરમશી હજુ જીવે છે હો!! તું જરાય મોળો પડ્યમાં” ધરમશી બોલ્યો અને પુના હરજીના જીવમાં જીવ આવ્યો!!

“ એમ કાઈ ઘરેણા રેઢા પડ્યા છે કે તમને કાલ સવારે કોઈ સોની આપી દે એના માટે રોકડા ગડગડીયા જેવડા ફદિયા આપવા પડે” ધનજી બોલ્યો.

“ ઈ તો બધું હું ભોગવી લઈશ ને મોટા… આમેય આપણે હજુ ક્યાં ભાગ પાડ્યા છે મિલકતના?? આટલા વરસ સુધી હું જ ખેતીમાં રળ્યો છું..બાકી તને તો રજકા અને મેથીમાં ય ખબર નથી પડતી!! આજ રાત્યમાં જ બધું આપણે વહેંચી લઈએ!! મને મારો ભાગ મળી જાય ને એમાંથી હું પુનાને ઘરેણા લઇ દઈશ મોટા!! ખરા સમયે મદદ કરે એ જ માનવી બાકી તો બધાય હરાયા ઢોર” ધરમશી બોલતો હતો અને એની આંખમાં આજ અનેરી ચમક હતી!! અને ગામ આભું બની ગયું ધરમશીની વાત સાંભળીને!!

અને એ રાત ગામ લોકો માટે જાગરણ જેવી બની ગઈ!! ધનજી અને ધરમશીની ઘર બહાર રસ્તા પર લોકો બેસી ગયા હતા. અંદર બે ભાઈઓ અને કુટુંબ બે ય ભાઈની મિલકત વહેંચવા બેઠા હતા. રાતના ત્રણ વાગ્યે તમામ મિલકત , જમીન જાયદાદ, ઘર ખોરડા વહેંચાઇ ગયા. ત્યાં લગણ ગામ જાગતું હતું. એક જ પ્રસંગમાં ધરમશીનું કદ ગામમાં બમણું થઇ ગયું!!

બીજે દિવસે સવારે પુના ને લઈને ધરમશી તાતકાલીક નવા તૈયાર ઘરેણા લઇ આવ્યો. પુના હરજીએ દીકરીયુંને વાજતે ગાજતે વળાવી અને આ બાજુ ધનજી એ પોતાના મકાન અને ધરમશીના મકાન વચ્ચે એક મોટી વંડી ચણાવી દીધી.. વરસોથી સાથે રહેતા બે જોડિયા ભાઈઓ મન જુદા થઈ ગયા!! સહુ સહુનું કામ કરવા લાગ્યા. બે ભાઈઓ વચ્ચે બોલવાનો વહેવાર પણ ના રહ્યો.રસ્તામાં ભેગા થયા હોય તો પણ એક બીજાને કાતર મારે!!

થોડા સમય પછી આવી ચૂંટણી!! જાહેરનામું બહાર પડ્યું ને રાબેતા મુજબ ધનજી એ વરસોથી ચાલતી આવતી પરમ્પરા પ્રમાણે ગામને ચોરે મીટીંગ બોલાવી. એના સાથીદાર એવા ચાર પાસ પાગિયા સાથે ધનજી એ વાત રજુ કરી.

“આપણા ગામની એક અલગ છાપ છે. ગામ સંપીને રહે છે. ચૂંટણી માં મનદુઃખ થાય એટલે ગામમાં લડાઈ ઝઘડાનું કાયમી સલાડ ઘુસી જાય એના કરતા આપણે સહુ સાથે મળીને બિન હરીફ કરી દઈએ”

“સાચી વાત છે તમે કહો એ પ્રમાણે જ કરીએ..પણ પંચાયતની જે જૂની બોડી છે એમાંથી એક પણ સભ્ય કે સરપંચ ના જોઈએ.. એના ઘરમાંથી પણ નહિ.. સાવ નવા એટલે સાવ નવા જ આવવા જોઈએ કે જે કયારેય પંચાયતના સભ્યોમાં પણ નો હોય!! બોલો છે મંજુર નહિતર આ વખતે અમે તો બોડી અને સરપંચ તૈયાર જ કરી દીધા છે!! નટુ બાવાજી બોલ્યો.“ એમ કાઈ આ રમત છે કે તમે તૈયાર કરો અને અમને પૂછો પણ નહિ?” જેરામ આતા બોલ્યા.

“તમે જેરામ આતા મૂંગા જ રેજો..તમને તો તમારા ઘરે તમારા છોકરાની વહુઓ પણ ગણકારતી નથી અને મોટા લાટ સાહેબ થઇ ને નીકળ્યા છો..રોજ સવાર સાંજ પોલાની દુકાને થી તમને ચાર ભાઈની જુડી અને એક બાકસ સરપંચ લઇ દે એટલે તમારે તો ભયો ભયોને!! તમારી જેવા ડોહલા એ જ ગામની પથારી ફેરવી છે.. નો કોઈ દિવસ સારો માણસ સરપંચ બનાવ્યો કે નો કોઈ દી સરપંચને સાચા વેણ કીધું. ભરતા આ તારા દાદા ને સમજાવી દે જે કે આ વખતે જરાય વનાન ના કરે નહીતર ગોળા ભાંગી જશે અને પછી મોટી ઉમરે ગોળાનું ઓપરેશન સકસેસ નથી જાતું” અરજણ બોલ્યો કે તરત જ ભરત બોલ્યો.

“ મેં એને કેટલીય વાર કીધું પણ સરપંચનો છાલ જ નથી છોડતા તમે એના બોલ્યા સામું ના જોતા.. આ વખતે જો ઈ અમારી શેરીમાંથી ફોર્મ ભરે ને તો એની સામે હું ફોર્મ ભરવાનો છું. મારા ઘરમાંથી જ મારા દાદા ને એક મત નથી મળે એમ લ્યો હવે કઈ કેવું છે!!” દાદા સામે દીકરો પડ્યો!!

પછી તો બહુ બધી ચર્ચા થઇ પણ ગામના યુવાનો આ વખતે અલગ જ મુડમાં હતા. ધરમશી પણ આ મીટીંગમાં હાજર હતો એ ચુપચાપ બધું સંભાળતો હતો. છેલ્લે ધનજી બોલ્યો!!

“ઘરના જધે ત્યાં કાઈ નો વધે!! આ કહેવત કાઈ અમથી નથી કીધી.. વિભીષણ ફૂટ્યો એટલે જ રામ જીત્યા.. એમ મારો સગો નાનો ભાઈ સામે પડ્યો છે એટલે આ બધા કોળ્યમાં આવી ગયા છે.સામી છાતીએ તો એને લડવાની ત્રેવડ નથી એટલે ગામને ખંભે બંદુક ભરાવીને મને પાડવા નીકળ્યો છું..પણ રાજકારણમાં એ છોકરું કહેવાય છોકરું!!”

“જો મોટા આ લોકો તો વરસ દિવસથી તૈયારી કરતા હતા!! મારે સરપંચ નથી થવું!! ગમે તેમ તોય તું મારો મોટો ભાઈ અને તને અહી કોઈ ધોલ થાપલી ના કરી જાય એટલે હું આવ્યો છું.તનેય ખબર છે કે તે પાંચ વરસમાં કાઈ ઉકાળ્યું નથી. ભલે આપણી વચ્ચે બોલવા વ્યવહાર નથી પણ આપણે એકજ માના દીકરા છીએ એટલે હજુ કહું છું કે માયા સંકેલી લે!! આ વખતે તું ગમે એમ કર્ય જીતવાનો નથી.ગામ આખું તારી વિરુદ્ધમાં છે એટલે માન સોતો આ બધું આ લોકોને સોંપી દે!! આપણે ઘણા વરસો સુધી સરપંચ પણું ભોગવ્યું. હવે ખાઈ પીને લ્હેર કર્ય મોટા! બાકી તારા મનમાં વહેમ હોય કે મેં આ બધાને ચડાવ્યા છે એ વાત મુળીયામાંથી ખોટી છે” ધરમશી એ ઊંચા સાદે કહ્યું અને ધનજી તાડૂકી ઉઠ્યો.
“તું મને ના શીખવાડ નાના !! આ ધનજી છે ને ગળથુથીમાં જ રાજકારણ શીખીને આવ્યો છે. આ બધા તારા કામા છે. સરપંચ બનવું એ નાની માના ખેલ નથી પણ મને તારી જેમ પીઠ પાછળ ઘા કરતા નથી આવડતું. હું જે કાઈ બોલું એ ઉઘાડેછોગે બોલું અને જે કઈ કરું એ સામી છાતીએ કરું!! બાકી તારી જેમ પીઠ પાછળ ઘા કરવાના નારદવેડા મને નથી આવડતા. ચૂંટણી ગઈ તંબુરે માર્યે પણ તને હું જોઈ લઈશ નાનડીયા” ધનજી હવે બરાબરનો ધગી ગયો હતો.

“માપ બહાર નહિ મોટા..!! બોલતા તો મને પણ આવડે છે ને રહી વાત જોઈ લેવાની તો તું જરાય ઓછો ના ઉતરતો પણ હજુ આ બધાયને પૂછી જો મેં કોઈને તારી વિરુદ્ધ એક શબ્દ નથી કહ્યો. હવે તું જોઈ વિચારીને બોલજે મોટા” ધનજી નો અવાજ ધ્રુજી રહ્યો હતો.“હવે જોઈ વિચારીને બોલવાનો દીકરો થામાં એક તો સગા ભાઈને પછાડવાના ભૂંડા કામ કરશો અને પાછો શાહુકારનો દીકરો થાશ” ધનજી હજુ બોલતો હતો ત્યાંજ ધરમશીએ દોટ મૂકી. ધનજીની આગળ ચાર પાંચ જણાએ જો ધરમશીને પકડ્યો ના હોત તો ધનજીની આજ સર્વિસ થઇ જાવાની હતી!! પછી તો બેય ભાઈઓ રીતસરના ઝઘડ્યા. અને છેલ્લે ધરમશીએ પણ ઠેકીને કહી દીધું.

“મારે સરપંચ સાત ખોટેય નહોતું થાવું પણ હવે બાપના બોલથી સરપંચ થવું છે. કાલ જ હું ફોર્મ ના ભરુને તો મારા બાપનું ખાનદાન લાજે. હવે તુય જોઈ લે મોટા કે કોણ જીતે છે??” ધરમશી બોલતા બોલતા ધ્રુજી રહ્યો હતો.એના નસકોરા ફૂલી રહ્યા હતા!!

અને પછી તો ધરમશીએ ફોર્મ પણ ભરી દીધું. ગામ આખું ધરમશી કોર્ય થઇ ગયું. પેલી નવી પેનલમાંથી પણ અર્ધા એ ધરમશી બાજુથી ફોર્મ ભર્યા.ગામ કહેતું હતું કે નવો સરપંચ કાઈ ના કરે તો પણ વાંધો નથી પણ આ વખતે તો આને પાડી દેવાના છે. ધનજી અને ધરમશી સામે સામે થઇ ગયા. પણ આ વખતે ધનજીની સાથે સાત આઠ છાપેલ કાટલાં જેવા પાગિયા સિવાય કોઈ જ ના વધ્યું. અને સામી બાજુ ધરમશી બાજુ આખું ગામ ઝુકી ગયું.!! ચૂંટણીનો દિવસ આવ્યો. ચૂંટણી થઇ. ધરમશી બાજુ સ્વયંભૂ જુવાળ હતો. પેનલ સાવ નવી પણ વિશ્વાસપાત્ર હતી. પરિણામ આવ્યું.ધરમશી અને તેની પેનલનો ભવ્ય વિજય!! ધનજીને એક પણ સીટ ના આવી અને ગામલોકોએ ધનજીની ડેલી પાસે જઈને ફટાકડા ફોડ્યા. ધનજી ડેલી બંધ કરીને અંદર ભરાઈ ગયો. બે દિવસ સુધી ઘરની બહાર પણ ના નીકળ્યો!! ગામ કહેતું કે ધનજીને આઘાત લાગ્યો છે!!

પંદર દિવસ પછી ધરમશી વહેલી સવારમાં બસમાં બેસીને અમદાવાદ આવ્યો. ઇસ્કોન પાસે બસમાંથી ઉતર્યો અને એક ફોન કર્યો. થોડીવારમાં જ ધનજીની મોટર આવી!! ધરમશી એમાં બેસી ગયો. મોટર સોની બજારમાં ઉભી રહી. બને ભાઈઓ એક સોનીની દુકાનમાં ગયા. ધનજીએ એક થેલીમાંથી ઘરેણા કાઢ્યા!! જે ઘરેણા પુના હરજી પાસેથી ધનજીના ભાગિયા બુકાની બાંધીને લુંટી ગયા હતા ધનજીના કહેવાથી જ!!

“આ ઘરેણા વેચવાના છે?? કેટલા આવે આના??” ધરમશી બોલ્યો.

સોનીએ ઘરેણા ને ગાળવા નાખ્યા. ઘરેણા ઓગળીને એક સોનાનું બિસ્કીટ બની ગયું હતું. ભાવતાલ કરીને સોનીએ પૈસા આપ્યા. પૈસા હાથમાં લઈને ધરમશી અને ધનજી પાછા મોટરમાં બેઠા અને ધનજી બોલ્યો.“ચાલીશ હજારની ખોટ ગઈ પણ રાજકારણમાં ચાલ્યા કરે!! મૂળ સરપંચની ખુરશી ના જાવી જોઈએ!! તું સરપંચ થા કે હું થાવ શું ફેર પડે નાના!!?? આપણે બે ય ભાઈઓ છીએ અને એ પણ જોડિયા એ થોડા મટી જાવાના છીએ!! સતા મૂળ તો આપણી પાસે રહેવી જોઈએ એ સાચી વાત!! હવે તને ક્યાય તકલીફ પડે તો ફોન કરીને પૂછી લેવાનું બાકી જાહેરમાં તો આપણે એક બીજા સામે બોલવાનું પણ નહિ અને કાતર જ મારવાની!! કોઈને ખબર ના પડવી જોઈએ કે આ બેય એક જ છે””

“અત્યાર સુધી પડી ખબર મોટા?? ઓલી ગેંગ ને તો એમ જ છે કે હવે ગામના ભાગ્ય ખુલ્યા. અને હજુય ગામમાં કેવા વાળા તો કે જ છે કે આ નવો સરપંચ ભલે કાઈ નો કરે પણ જૂનાને તો ઘર ભેળો કરી દીધોને એ બિચારાને ક્યાં ખબર છે કે આ વાલ અને વટાણા બે ય ગુણમાતો સરખા જ હોય!! બાકી મારા બટા ખરા ઉલ્લુ બની ગયા!! આપણે આવું નો કર્યું હોત તો આ વખતે સરપંચની ખુરશી ગયેલી હતી” ધરમશી બોલતો હતો અને મૂછે હાથ ફેરવતો હતો. ઇસ્કોન આવ્યું અને ધરમશી ઉતરી ગયો અને ધનજી એ ગાડી મારી મૂકી. ધરમશી હવે બસમાં પાછો આવવાનો હતો.
હકીકતમાં તો ધરમશી અને ધનજી બેય ચૂંટણી જીતી ગયા હતા. અને દર વરસની જેમ ગામ ચૂંટણી હારી ગયું હતું!!
સુરેન્દ્ર શર્માની એક કવિતા છે જે મને ખુબ જ ગમે છે.!!

કોઈ ફર્ક નહિ પડતા, ઇસ દેશમે રાજા રાવણ હો યા રામ!! જનતા તો બેચારી સીતા હૈ , રાવણ રાજા હુઆ તો વનવાસ સે ચોરી ચલી જાએગી ઔર રામ રાજા હુઆ તો અગ્નિ પરીક્ષા કે બાદ ફિર વનવાસ મેં ભેજ દી જાયેગી!!

કોઈ ફર્ક નહિ પડતા ઇસ દેશમે રાજા કૌરવ હો યા પાંડવ!! જનતા તો બેચારી દ્રૌપદી હૈ!!
કૌરવ રાજા હુએ તો ચીર હરણ કે કામ આયેગી ઔર પાંડવ રાજા હુએ તો જુએ મેં હાર દી જાએગી!!
કોઈ ફર્ક નહિ પડતા ઇસ દેશ મેં રાજા હિંદુ હો યા મુસલમાન!! જનતા તો બેચારી લાશ હૈ!!
હિંદુ રાજા હુઆ તો જલા દી જાએગી ઔર મુસલમાન રાજા હુઆ તો દફના દી જાએગી!!

લેખક:- મુકેશ સોજીત્રા
૪૨ ,”હાશ” શિવમ પાર્ક સોસાયટી ઢસા ગામ તા .ગઢડા જી બોટાદ
Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.