ગુજરાત જીવનશૈલી દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે વૈવાહિક-જીવન

“બાકી દાદાને કાઈ થવું ન જોઈએ” – વૃદ્ધ થાય એટ્લે મા- બાપ પણ ભારે પડતાં હોય છે…..વાંચો આજે એવી જ એક હૃદયસ્પર્શી કહાની…..મુકેશ સોજીત્રાની કલાને કલમે …

“બાકી દાદાને કાઈ થવું ન જોઈએ”

નિકુંજ  પોતાના દવાખાને બેઠો હતો. ગામના ચોકમાં સેવા સહકારી મંડળીના ગોડાઉનમાં ખૂણામાં એક જગ્યાએ દીવાલો ચણીને આ દવાખાનું બનાવેલ હતું.  બહાર બે લાલ ચોકડી સાથેનું એક બોર્ડ લટકતું હતું તેમાં લખેલું હતું.

+ દવાખાનું +

ડો.નિકુંજ પી. પટેલ

BHMS   સમય ૩ થી ૫

એટલામાંથી સામેની શેરીમાંથી એક બારેક વરસનો છોકરો દોડતો દોડતો આવ્યો.દોડવાના કારણે એ હાંફી રહ્યો હતો. આવીને સીધો ડોકટર ને કહે.
“એ સબ હાલો.. મારા બાપા બોલાવે છે મારા દાદાને વધારે પડતો તાવ છે.. એ ફટાફટ આવો” નિકુંજે પોતાની નાનકડી એવી એટેચી બંધ કરી. સ્ટેથોસ્કોપ હાથમાં લઈને બાજુમાં મંડળીના મંત્રી કનુભાઈને દવાખાનાનું ધ્યાન રાખવાનું કહીને એ  આવેલ છોકરા સાથે ઝપાટાબંધ સામેની શેરીમાં જઈ રહ્યો. શેરીમાં છેલ્લે એક બે માળનું મકાન હતું. નિકુંજ ને યાદ આવ્યું કે આ તો લખમણભાભાનું મકાન છે. ઘણીવાર એ આ શેરીમાં બીજાના ઘરે વિઝીટે આવ્યો હતો. મકાન ઉપરથી જ નક્કી થતું હતું કે ખાધે પીધે સુખી પાર્ટી હતી..!!

“આવો આવો ડોકટર સાહેબ” એક પાંત્રીસેક વરસના યુવાને નિકુંજને આવકાર્યો. ઓશરીમાં ખાટલો ઢાળેલ હતો. એમાં લખમણ ભાભા સુતા હતા. ભાભાએ આંખો મીંચેલી હતી.પાણીયારા પાસે એક રસોડું અને પડખે જ એક ઓરડો.ઓરડાની ઉંબર પાસે એક સ્ત્રી ઉભી હતી. ઘરના બીજા સભ્યો હતા. સહુના મોઢા ચિંતાગ્રસ્ત હતા!!

“શું થાય છે” લખમણ ભાભાનો હાથ હાથમાં લઈને નિકુંજ બોલ્યો.

“બે દિવસ થી તાવ આવતો હતો. આતાને આમ તો સાવ સારું જ હતું. પેલા પણ તાવ આવે પણ એક જ દિવસમાં ઉતરી જાય..પણ આ વખતે તાવ વધી ગયો છે અને કાલ રાતના આતાને બકવા ઉપડી ગયો છે.. બસ આડા અવળું બોલ્યા કરે છે..ડોકટર સાહેબ ગમે ઈ દવા કરો આતાને કઈ થવું ના જોઈએ”!!

નીકુંજે સ્ટેથોસ્કોપથી ધબકારા ચેક કર્યા. થર્મોમીટરથી તાવ માપ્યો. ચહેરો થોડો ગંભીર કરીને બોલ્યા.

“૧૦૪ ડીગ્રી તાવ છે. મગજમાં તાવ ઘૂસવાની કોશિશ કરે છે પણ તાવ હજી મગજમાં ઘુસ્યો નથી. પણ હવે હું આવી ગયો છું એટલે તાવ મગજમાં તો જાણે નહિ ઘૂસે પણ એક બે બાટલા ચડાવવા પડશે. હવે આતાની અવસ્થા થઇ છે એટલે અશક્તિ આવી ગઈ છે. પણ આતાને કઈ થાશે  નહિ એ આપણી જવાબદારી”

“જે કરવું હોય ઈ કરો પણ આતાને કઈ થવું ના જોઈએ… બે દિવસમાં આતા સાવ સાજા સારા થઇ જવા જોઈએ” બારણામાં ઉભેલી સ્ત્રી બોલી. નીકુંજે એની સામે જોયું. એની આંખોમાં આતા પ્રત્યેની લાગણી ઝળકતી દેખાતી હતી.

“એ બહેન ચિંતા કારોમાં કઈ નહિ થાય.. તમે એક તપેલી પાણી ગરમ કરો.. આતાને બે ઇન્જેક્શન આપવા પડશે અને એક બાટલો ચડાવવો પડશે” નિકુંજ બોલ્યો અને એણે પોતાનું કામ શરુ કર્યું. બાજુમાં એક ખાટલો હતો એ ઉભો કર્યો અને ત્યાં ટીંગાડયો એક બાટલો..  લાલ અને પીળા રંગના બે ઈન્જેકશન નાંખ્યા બાટલામાં.  ગરમ પાણીની તપેલી આવી ગઈ એટલે એમાં ઇન્જેક્શનની સિરીંજ ધોઈને બે  ઇન્જેક્શન લખમણ ભાભાને દાબ્યા. ધીમે ધીમે બાટલો શરુ કર્યો. રોગ ગમે ઈ હોય પણ ગામડામાં ડોકટરો બાટલા તો ચડાવી જ દે એ વાત નક્કી !! અને નિકુંજ હવે વાતે વળગ્યો . હવે એક કલાક સુધી એ ક્યાય જવાનો નહોતો.બાટલો અને આજનો ટાર્ગેટ પૂરો કરીને જ એ દવાખાને જવાનો હતો.

“ તમે આ ત્રણ મહિનાથી આવો છો તે આ ગામ માટે સારું છે. બાકી આ ગામડામાં કોણ ડોકટર આવે..વરહ દિવસ પહેલા એક ડોકટર આવતો. પણ એક વખત એક ડોશીને બાટલો નહોતો ચડતો તે ડોકટરે બાટલો ચમચીએ ચમચીએ પાઈ દીધો અને ડોશીને શરદી થઇ ગઈ. જીલ્લામાં મોટા દવાખાને ગયા ત્યાં મોટા  ડોકટરે કીધું કે બાટલો એ ચડાવવાની ચીજ છે એ થોડો પવાય??? અને પછી તો એ ડોશીના છોકરાએ ઈ ડોકટરને માર્યો. જોકે એની પાસે કોઈ ડીગ્રી નહોતી એ તો અમને પાછળથી ખબર પડી.. પણ પછી ઈ ડોકટર આ બાજુ ડોકાણો પણ નહિ અને વળી ત્રણ મહીનાથી તમે આવો છો એ ગામ માટે સારું જ કહેવાય ને ભલે ને બપોર પછી તમે આવો છો..પણ તોય આટલી સગવડ કાઈ ઓછી ના ગણાય.” લખમણ ભાભાનો દીકરો બોલતો હતો અને નિકુંજ બાટલા સામું જોતો જોતો સાંભળતો હતો.

નિકુંજ હજુ આ વિસ્તારમાં નવો હતો. આ બાજુનો હતો પણ નહિ. આ તો વખાનો માર્યો અને આમ કહો તો પરાણે આ બાજુ આવ્યો હતો.પણ ત્રણ મહિનામાં જ એની પ્રેકટીશ ધમધોકાર ચાલવા લાગી હતી. સવારમાં એક ગામ અને બપોર પછી બીજું ગામ એ બે ગામમાં એ પ્રેકટીશ કરતો  હતો. આમ તો પંચમહાલના વીરપુર તાલુકાનો હતો. દવાખાનું પણ ત્યાં જ નાંખવાનું હતું. એની પત્ની આ બ્જુના ગામડામાં નોકરી કરતી હતી લગ્ન પછી એની પત્નીએ કીધું કે હું નોકરી કરું છું ત્યાં કોઈ ડોકટર નથી. આજુ બાજુમાં બે મોટા ગામ છે ત્યાં તમે પ્રેકટીશ કરો તો સારું ચાલશે. નીકુંજે વરસ દિવસ હા ના કરી પછી જોયું કે એની પત્નીની બદલી થતા તો ભવ વીતી જાશે એના કરતાં ત્યાં જ જતો રહું તો. એની શિક્ષિકા પત્નીએ એક સર્વે કરીને બેય ગામના ટાઈમ ટેબલ ગોઠવી દીધા. બે ય ગામમાં વળી ભાડે દવાખાના માટે જગ્યા પણ ગોતી દીધી. આ ત્રણ માસ દરમ્યાન જ એની પત્ની કરતા હવે નિકુંજ વધારે કમાવા માંડ્યો હતો!!

“ડોકટર સાબ ચા પીશો ને”

“ હા પણ ખાંડ ઓછી નાંખજો..  આ બાજુ ગળી સાકર જેવી ચા બનાવે છે!!” નીકુંજે કહ્યું.

“ હા ઈ ખબર્ય છે કે તમારી બાજુ બધા ઓછા ખાંડની પીવે પણ ઈ તો બાર ગાઉએ બોલી બદલાય એમ ખોરાક પણ બદલાય.. તમે પંચમહાલ બાજુના છોને..પેલા આ જ ઘરમાં બે શિક્ષિકાઓ રહેતી  પંચમહાલની હતી.. તે એ બેય બપોર અને સાંજ ભાત અને મકાઈ જ ખાય બોલો!! અમે મકાઈ તો ખાઈએ જ નહિ.. આ બધું એવું છે!! બે વરસ એ અહિયાં રહી પછી બાજરાનો રોટલો અને ઘઉંની રોટલી ખાતી થઇ.. તમે ખોટું ના લગાડતા હો ડોકટર સાહેબ..આ તો બહુ જૂની વાત છે.. પણ ઈ બાજુ નોકરી વાળા બહુ નહીં.. આ બાજુ ના એક એક ગામ જોઈ લ્યો..તમારા વાળા જ નોકરી કરે છે..અમારા વાળા હીરા ઘસે સુરત.. બાર ગાઉએ ધંધા પણ બદલાય એના જેવું છે”” ચા આવી એટલે વાત અટકી ગઈ.

બાટલો પૂરો થવામાં આવ્યો. લખમણ આતા એ આંખો ખોલી. એના મોઢા પરથી એને રાહત હોઈ એમ લાગતું હતું. નીકુંજે એટેચી ખોલી અને રંગે રંગની ટીકડીઓના ડબ્બા કાઢ્યા.

“ આ લાલ સાંજે લેવાની.. આ વાદળી બપોરે અને સાંજે લેવાની.. આ સફેદ ત્રણેય ટાઈમ પાણી સાથે લેવાની.. આ લીલી છે ને એ સુતા પહેલા દૂધ સાથે લેવાની.. અને જો માથું ભારે લાગે તો અ સહુથી મોટી ટીકડી છે એ અડધી લઇ લેવાની” નીકુંજે દવાઓ ના પડીકા વાળતા બોલ્યો.

“ પણ આતાને   કઈ થવું ના જોઈએ.. બે દિવસમાં આતા  હરતા ફરતા તો થઇ જશે ને?? “ પાણીયારા પાસે ઉભેલી સ્ત્રી સાડીનો છેડો સરખો કરતા બોલી.

“ના બહેન તમે ચિંતા ના કરો.. દાદાને સાવ સારું થઇ જશે.. તાવ તો સાંજે ગયો જ સમજો.. કાલ નો દિવસ સહેજ અશક્તિ રહેશે બાકી પરમદિવસ આતા ધોડતા થઇ જશે” ત્રણ મહિનામાં જ નિકુંજ પુરેપુરી કાઠીયાવાડી બોલતા શીખી ગયો હતો.

ચારસોને પાંત્રીશ રૂપિયાનું બિલ લઈને નિકુંજ દવાખાને આવ્યો. બે શરદીવાળા અને એક કાનના દર્દીને સારવાર કરીને એ સાંજના સાતેક વાગ્યે પોતાના ઘરે જવા તૈયાર થયો. માનસિક ગણતરી કરી તો આજની કમાણી ચાર  આંકડામાં હતી.સામેની દુકાનેથી એક ૧૩૫નો માવો બનાવીને ગલોફામાં ચડાવ્યો. જે માવો  એ ઘરે પહોંચે એ પહેલા જ પૂરો કરી નાંખવાનો હતો. નહિતર ઘરે જો ખબર પડે તો એને તમાકુના ગેરફાયદા વિષે મોટો નિબંધ સાંભળવો પડે એમ હતો.

બીજે દિવસે એણે લખમણ આતાને ત્યાં આંટો માર્યો.આતા હવે  ખાટલા માં બેઠા હતા.ડોકટર આવ્યા એટલે લખમણ આતાએ પોતે ઉભા થઈને પાણી નો કળશ્યો ભરી દીધો. એટલે હવે આજ કાઈ દવા કરવી પડે એમ હતી નહિ. અડધો કલાક ગપ્પા મારીને નિકુંજ દવાખાને આવ્યો. પછીના દિવસે એમની પત્ની સાથે તાલુકામાં ગયો હતો. કંઇક ખરીદી કરવાની હતી. એટલે એ દિવસે એ ના આવ્યો. એ પછીના ત=દિવસે એણે દવાખાનું ખોલ્યું ને થોડી વાર પછી યાદ આવ્યું કે લાવ ને લખમણ ભાભા ને મળતો આવું.એના દીકરા અને વહુઓ ખુબ જ ચિંતા કરતા હતા. લખમણ આતાને ઘરે તાળું હતું. બાજુમાં પૂછતા જાણવા મળ્યું કે લખમણ આતા અને એનો દીકરો સુરત ગયા છે. વહુ ખેતરે ગઈ છે.

કદાચ કોઈ પ્રસંગ હશે ને જવું પડ્યું હોય.એના દીકરાની વહુના શબ્દો નિકુંજને યાદ આવ્યા!!

“ આતાને કાઈ ના થવું જોઈએ બે દિવસમાં તો સાજા થઇ જવા જોઈએ” તેમને લખમણ આતા ભાગ્યશાળી લાગ્યા. આ જમાનામાં પણ આવા સંતાનો અને વહુઓ છે કે જેને સસરા પ્રત્યે કેટલી લાગણી છે. આવા વિચાર કરતા હતા ત્યાં જ દવાખાનામાં એણે જેઠાબાપા ને જોયા.

“ડોકટર સાહેબ લખમણ ને ત્યાં ગયા હતા ને ?? ધક્કો થયોને?? હવે લખમણ આઠ મહિના આ ગામમાં નહિ હોય!! બરાબર આઠ મહિના પછી લખમણ આવશે આ ગામમાં..તમે નવા નવા એટલે તમને ખબર ન હોય ને?? મેં તો આ બાજુમાં મંડળીના મંત્રીને પૂછ્યું કે દવાખાનું ખુલ્લું છે ને તે ડોકટર સાહેબ ક્યાં ગુડાણા છે એણે કીધું કે લખમણ આતાની વિઝીટે”

“ હા ઈ સુરત ગયા છે એમ બાજુવાળા એ કીધું.. પણ આઠ મહિના કેમ રોકાશે” નીકુંજે દવાખાના માં પોતાની ખુરશી પર બેસતા કહ્યું.

જેઠાબાપા અંદર આવ્યા. એના મોઢા પરથી ડો.નિકુંજને લાગ્યું કે એ કોઈ મોટી વાત કહેવાના છે. આમેય જેઠાબાપા આખા ગામની છઠ્ઠી જાણતા હતા. અને જેઠાબાપાએ શરુ કર્યું.

“ડોકટર એમાં એવું છે ને આ લખમણનું ખોરડું ગામમાં મોટું..એનું કુટુંબ પણ મોટું.. એને ત્રણ દીકરા છે એક સુરત રે… એક મુંબઈ રે.. અને એક આહી ગામડામાં રે… લખમણ બોલીનો થોડો કોબાડ એટલે કોઈ દીકરો એને કાયમ સંઘરવા તૈયાર નહિ.. હવે ચાર ચાર મહિનાના વારા કર્યા છે.. ચાર મહિના ઉપર એક દિવસ પણ કોઈ એને રાખવા તૈયાર નહિ.. ઈ હવે ચાર મહિના સુરત રેશે..પછી સુરત વાળા મુંબઈ મોકલી દેશે..પછી મુંબઈ વાળા એને અહી મૂકી જશે..આમ છે વાત”

“પણ મને તો એના ઘરે અલગ અનુભવ થયો લખમણ આતા ને તાવ હતો ત્યારે એના દીકરા અને દીકરાની વહુ કેટલી ચિંતા કરતા હતા..વાત વાતમાં કહેતા હતા કે આતાને કાઈ થાશે તો નહીને??? બે દિવસમાં આતાને સારું તો થઇ જશે ને????” ડોકટર નિકુંજ બોલ્યો.

“ એમાં પણ રાજકારણ જ ડોકટર..પ્યોર રાજકારણ છે. લખમણભાભાએ ગામ આખામાં બધા પાસે બારમાની વિધિઓ પરાણે કરાવેલી.. નાનું કુટુંબ હોય કે મોટું..કોઈના ઘરે મરણ થાય એટલે દહાડો કરાવેલો. ઘણા એ તો બિચારા વ્યાજે પૈસા લાવીને પણ કારજ કરેલું..અને એ બધા વાટ જોવે છે કે આ ભાભો જાય એટલે એની પાછળ પણ ખર્ચો કરાવવો જ છે.. લખમણ ભાભાની ચાર ચાર મહિનાની વહેંચણી થઇ ત્યારે ત્રણેય છોકરાએ નક્કી કરેલું કે આતા જયારે મરે ત્યારે એ જે ભાઈની ઘરે હોય એણે કારજનો તમામ ખર્ચો કરવાનો.. બાકીના કોઈ એક રૂપિયો પણ નહીં આપે..!! આ બધી અંદરની વાતો છે એ તમને ખબર ખબર ના હોય ડોક્ટર!!! હવે ચાર મહિનામાં બે દિવસ બાકી હોય અને જો ભાભો અવસાન પામે તો ખરચ બધો એને ડેબે આવે ને એટલે બધા ભાભાની સારવાર કરતા હતા.. બાકી વાતમાં માલ નહિ.. હું લખમણ =ને અને એના ત્રણેય છોકરાને નાડે નાડે ઓળખું છું!! જેઠાબાપા એ વાત પૂરી કરીને અને નિકુંજને પેલા શબ્દો યાદ આવ્યા!

“ આતા ને કઈ થશે તો નહિ ને??? જે કરવું હોય ઈ કરો પણ આતાને કઈ થવું ના જોઈએ… બે દિવસમાં આતા સાવ સાજા સારા થઇ જવા જોઈએ”

લેખક :- મુકેશ સોજીત્રા
૪૨ , “હાશ” શિવમ પાર્ક સોસાયટી. સ્ટેશન રોડ, મુ. પોસ્ટ ઢસાગામ તા.ગઢડા  જિ.બોટાદ પીન ૩૬૪૭૩૦

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.