દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

બાકી બાપુ ભારે ચમત્કારિક હો!! – આખા ગામની ઘરે ઘરની વાત જાણતા અંતર્ધ્યાન ને ચમત્કારી બાવાની રહસ્યમયી વાત, વાંચો મુકેશ સોજીત્રાની કલમે …

“એલ્યા રઘલા બાકી બાપુ છે ચમત્કારી એમાં ના નય, હું તો પેલેથી જ કેતોતો કે એનાં કપાળે તેજ છે, અને જટામાં જાદુ છે!! મારી સંભારણમાં આપણે આવા બાપુ જોયા નથ્ય!! ગામને ગોંદરે હોકામંડળના સરદાર એવા કરમશી આતાએ વાત વેતી મૂકી અને ભાભલા મંડળે સૂરમાં સુર પુરાવ્યો.

“ઈ અછતું જ ના રહ્યે!! બાકી તો બાવા સાધુ અને બાપુમાં ઘણો ફેર!! ફેર એટલે ઘી અને ઘાસલેટ જેટલો ફેર, ભલે ને બધાયના લૂગડાં સરખા હોય પણ કહેવતમાં કીધું છેને કે પીળું એટલું એટલું સોનું ના હોય એની જેમજ!! આમાં ત્રણ વકલ આવે, આ તો જાણતલ હોય ઈને ખબર પડે બાકી વાતમાં માલ નહિ હો અને આપણે તો નાનપણ થી જ આ લેનના માણસ એટલે જોઇને ત્યારે જ ઓળખી જાઈ કે આ કઈ ટાઈપનો માણસ છે. આ કઈ એમને એમ ધોળા નથી આવ્યાં. હમણા હમણા મે મારા દીકરા રાકલા ના છોકરા ચીમનાની ચોપડીમાં એક વાક્ય વાંચ્યું હતું કે વાળ કાળા કરવા હોય તો દસ મિનીટ થાય પણ ધોળા કરવા હોય તો વરસોના વરસ લાગે” હોકલી પીતા પીતા ખીમો બોલ્યો. ખીમાના બાપા પાસે પેલા રાજાશાહી વખતની પટલાઈ હતી.રાજાઓ વહ્યા ગયાં પણ ખીમાએ પટલાઈ વગર કીધે જાળવી રાખેલી. આમ તો ખાધે પીધે સુખી એ એની બોલી ઉપરથી જ વરતાઈ આવે પણ થોડોક ખેપાની આખું ગામ એને ખીમો ખેપાની કહેતા હતા!!
“ આ તો વળી નવું સાંભળ્યું કે ત્રણ વકલના આવે ઈ વળી ત્રણ વકલ કઈ ઈ તો કહે” ત્રિકમ આતાએ ચલમ ઓલવીને સુરેશ તમાકુ ચોળવા લાગ્યાં.

“એ પેલી વકલ ના બાવા કહેવાય.. એણે ખાલી સાધુતાનો વેશ લીધો હોય, બાકી એ લખણના પુરા હોય.. આવા જાજા બાવા યુ પી અને બિહાર અને મધ્યપ્રદેશમાંથી આવતા હોય..ત્યાની પોલીસ વાહે પડી હોય ને એટલે આ મારા બટા જટા વધારીને બાવા થઇ જાય ગામે ગામ માંગી ખાય. તમે ઢસા જાવને તો આવા બાવા ઢસા ના રેલવે સ્ટેશન પર પડ્યા પાથર્યા હોય. મફતમાં ગાડીમાં બેસે અને સતાધાર ઉતરી ને બે દિવસ નયા ખાઈ પીને જલસા ઠોકડે અને વળી પાછા ગાડીમાને ગાડીમાં સોમનાથ જાય!! માંગી ખાવાનો ધંધો એટલે એને કંટાળો ના આવે..ન્યાંથી વીરપુર જાય બે દિવસ રોકાઈને વળી સાયલામાં લાલજી ભગત નો શેરો ખાઈ લે આમને આમ ચક્કર કાપતા કાપતા બગદાણા ને ત્યાંથી મહુવા અને મહુવા થી રેલગાડીમાં ઢસા અને વળી આમ એનું એક ચક્કર પૂરું થાય. આવા રેલગાડીમાં પણ જુગાર રમતા હોય અને ચાળા લખણા પુરા માપના!! તમે એના હાથ પગ બાંધી દયોને તો મારા બટા મોઢેથી ચાળા કરી લે એવી લખણવંતી જાત!! બીજી વકલમાં સાધુ આવે, પોતાનું કલ્યાણ કરવા માટે ઘર બાર ત્યાગી દીધો હોય. બસ આખો દિવસ માળા જપ્યા કરે..કોઈ ખાવાનું આપે તોય ઠીક અને ના આપે તોય ઠીક.!! ઈ કોઈ જગ્યાએ રોકાય નહિ!! બસ હાલ્યા જ કરે .. પણ જ્યાં કુંભ મેળો હોય ન્યા ઈ પોગી જાય..અહીંથી હરદ્વાર ઈ ચાર વરહે પોગે!! પછી ચાર વરહે ઈ હાલીને નાસિક પોગે!! હું તો કુભ મેળામાં એક વાર ગયોતો ન્યા આવા સાધુ જોયેલા ઘણાં!! અને ત્રીજી અને છેલ્લી વકલ એટલે આ બાપુ માયલા.. પોતાનું કલ્યાણ થઇ જાય એટલે એ જગતનું કલ્યાણ આદરે!! ગામે ગામ ફરે પણ કોઈ ગામ એને ફાવી જાય તો ત્યાં ધામા નાંખી દે અને લોકોની તકલીફનું સમાધાન કરી નાંખે!! વળી એની પાસે જે તેજ હોય ઈ આ બાવા પાસે નામ માત્રનું ના હોય!! ખીમો તમાકુ થૂંકી બોલ્યો. છેલ્લે પાછા કરમશી આતા બોલ્યા.
“ખીમાની વાત સાચી છે. સોળ વાલને માથે એક રતિ સાચી છે. આ આપણા ગામમાં આવ્યા છ ને ઈ બાપુ વકલનાં જ છે, અને આ બાપુને સપનામાં ભગવાન આદેશ આપે કે આ ગામમાં રોકાઈ જા!! આ ગામ તારે સુધારવાનું છે. અને આવા બાપુનું બોર્ડ પૂરું થાય ને એટલે છેલ્લે છેલ્લે એ સંત બને!! ખીમલો એ ચોથી વકલ કહેવાનું ભૂલી ગયો છે બાકી આમા તો ચોથી વકલ પણ આવે. પણ ઈ મરી ગયા પછી માણસ ને સાચું સમજાય અને પછી એની મૂર્તિ સંત તરીકે પૂજાય!! બોલ વાલા મારી વાત સાચી કે ખોટી?? અને વાલો ભાભો ક્યારેય કરમશી ભાભાની વાત કાપતો નહિ કારણકે વાલા ને હમેશા તમાકુ ખાવી હોય કે ચલમ પીવી હોય બધું જ કરમશી આતા જ પૂરી કરતાં બાકી વાલાના ખિસ્સામાં તમે તમે શોધી શોધીને મરી જાવ એક પાવલીય તમને નો મળે!!

“ઈ વાત સાચી હો કરમશી આતા, તમારી વાત ક્યારેય ખોટી ના હોય!! સપનામાં પણ મને એવું મોળું ઓહાણ પણ ના આવે કે કરમશી આતા ખોટું બોલ્યા હોય” અને આ સાંભળીને કરમશી આતા રંગમાં આવી ગયા અને વાલાના ખિસ્સામાં ચાર ભાઈ બીડીનું બંડલ નાંખી દીધું અને ડાયરો વીંખાણો!!

ગામ પંદર દિવસ થી ચકરાવે ચડી ગયું હતું. ચકારવાનું કારણ આઘેરી એક નદીના કાંઠે એક અપૂજ શિવાલય હતું. ત્યાં કોઈ પણ સાધુ કે બાપુ આવે ઈ ટકતા નહિ. બે દિવસમાં ભાગી જ જાય અને પંદર દિવસ પહેલા એક બાપુ આવ્યા ને ટકી ગયાં!! એટલે ગામનો વિશ્વાસ બાપુ ઉપર ટકી ગયો.!!
ગામની આથમણી ઓર્ય એક નદી હતી. ઉનાળામાં પણ થોડુક પાણી ટકી રહે એવી નદી. એની બાજુમાં એક વરસોથી અપૂજ શિવાલય હતું. મહા શિવરાત્રીએ અહિયાં પૂજા થતી.પછી કોઈ રખડતું રખડતું સાધુ મહાત્મા આવી ચડે પણ કોઈ રોકાઈ જ નહિ. અઠવાડિયામાં તો ઉછાળા ભર્યા જ હોય. પણ છેલ્લા પંદર દિવસથી એક બાપુએ ધૂણી ધખાવી હતી. અને ગામ લોકો અચરજમાં આવી ગયા હતા અને ગામ ચગડોળે ચડી ગયું હતું. ચાલીશેક વરસની હશે ઉમર.. એયને ઝગારા મારતું ટાલકુ અને મોટી મોટી વળ ખાઈ ગયેલી જટા.. આખા શરીરે ભસ્મ ચોપડેલી.. પહેરવામાં તો એક મેલું દાટ કધોણીયું થઇ ગયેલું ધોતિયું.!! ગાળામાં ત્રણ ત્રણ રુદ્રાક્ષની માળા!! શિવાલય ની આજુબાજુ ચારેક બીલીના વૃક્ષ અને તેની નીચે જ બાપુએ ધામા નાંખેલા. શરૂઆતમાં ચાર દિવસ સુધી તો જાતેજ ખોરાક બનાવી લે. ગામમાંથી કોઈ માણસ પાસે પણ ફરક્યું નહિ. પણ પાંચમા દિવસે કાનજીએ હિમત કરી અને બાપુ પાસે જઈને “જય ભોળા નાથ “ કહીને દુધનો લોટો આપ્યો. થોડી વાતચીત થઇ. અને બાપુ બોલ્યા.

“કાનાજી મુજે ત્રિકમ ઓર પાવડા ચાહિયે, ગર હો સકે તો ઇતની મદદ ચાહિયે” અને કાનજી તો છક થઇ ગયો. બાપુ એમનું નામ પણ જાણતા હતા અને ગામ આખું કાનિયો નકામીયો કહેતા અને બાપુએ તો “કાનાજી” કીધું એટલે એ તો ગેલમાં આવી ગયો. ત્રિકમ અને પાવડો લાવીને આપ્યાં અને બાપુને ત્યાં જવા લાગ્યો. ગામમાં ખબર પડી અને જુવાનો મંડ્યા વાતો કરવા.

“ત્યાં છે ને માયા દાટેલી છે..વરસો પહેલા એ મંદિરની આજુબાજુ સોનું અને માયા દાટેલી છે.પણ કોઈ લઇ શકતું નથ્ય. કારણકે ત્યાં માયા સંઘરતી વખતે કૈંક મંત્ર બોલ્યા છે એટલે ઘણા સાધુ બાવાને સપનમાં આ મંદિર આવે અને પેલો લાલચેને લાલચે એ સોનું લેવા આવે પણ ત્રણ ચાર દિવસમાં જ એને શેરણીયું થઇ જાય છે અને તરત જ એ ભાગી જાય છે તમે જોજોને અઠવાડીયામાં તો આ બાપુનેય ભાગવું ભારે પડવાનું છે” જેનું પેન્ટ પાંચ જગ્યાએથી ફાટી ગયું છે અને શર્ટ ચાર જગ્યાએથી અને ભારોભાર રાંકાઈ ભરડો લઇ ગઈ છે એવાં અરજણીયા એ બીડી પીતા પીતા કહ્યું.

“એટલે જ કાનીયા પાસે જ એણે ત્રિકમ અને પાવડો મંગાવ્યો છે. અને બાપુનેય કોઈ નો મળ્યો અને આ એક જ નકામીયો કાનિયો જ મળ્યો” ગભા એ કહ્યું. અને વચ્ચે જ શિવા ગોરનો મનીયો બોલ્યો.

“ ભૂતને પીપળો મળી જ રહે એ આનું નામ!! આમ તો ગામની વછાળ આ એક શિવાલય તો છે જ ને?? તો પછી અહી ગુડાવાને બદલે એ વળી દુધનો લોટો લઈને ન્યા ધોડ્યો.. જાણે બાપુ એને ન્યાલ નો કરી દેવાના હોય.. બાકી એ શિવાલય છે જ નહિ.. અમારા બાપદાદા ગામના શિવાલયની પૂજા કરતા હતા અને સાચું શિવાલય તો આજ છે પણ વરસો પહેલા એક પટેલ ને મારા દાદા ના દાદા સામે વાંધો પડેલો.. એટલે મારા દાદાના શિવાલય સામે પણ વાંધો પડેલો એટલે એ ભાઈએ પોતાનું પ્રાઈવેટ શિવાલય ત્યાં બનાવ્યું.પણ મારા દાદાએ કીધેલું કે તારું ધનોત પનોત નીકળી જશે… મારો શંકર તારા શંકરના ભુક્કા કાઢી નાંખશે અને બન્યું પણ એવું જ એ ભાઈની જમીન વેચાઈ ગઈ અને રોડ પર આવી ગયા. ઈ બાજુ જે જમીન આહીરો પાસે છે એ બધી જ જમીન એ ભાઈ ની હતી.અત્યારે પણ એ જમીન પણ પટેલ વાળું તરીકે ઓળખાય છે. પછી તો ગામ પણ માની ગયું. અને આ શંકરને પૂજવા લાગ્યા. તોય હજુ પણ કેટલાક રસના ઘોયા ન્યા દોડ્યા જાય છે પણ જેદી આ શિવાલયની આંખ ફરીને તે દી એ બધાય મારા બટા રાતા પાણીએ રોવાના છે હો” શિવા ગોરનો મનીયો હવે મોટો થઇ ગયો હતો અને ગામની અંદર આવેલા મંદિરની સેવા પૂજા કરતો હતો. ગામ આખામાંથી એમને દાન દક્ષિણા મળી રહે પણ જો કોઈ સાધુ અભ્યાગત ગામમાં કોઈના ઘરે આવે ને તો એમની ડાગળી છટકી જાતિ અને જે મળે રસ્તામાં એને ઉભા રાખી રાખીને કહેતો.

“અલ્યા સોંડા સાંભળ્યું કે રત્નાને ઘેર કોઈ સાધુ આવ્યા છે ને રાતે સત્સંગ થાય છે.. તે રત્નો એમાં શું ભાળી ગયો છે?? એને સમજાવી દેજે હો કે જલદી વળાવી દે બાકી આ મારો શંકર ભગવાન કેવાય ભોળિયો પણ જો એ બગડ્યોને ને તો રતનાની દીકરીએ દીવો પણ નહિ રહેવા દે !! આ તો શું કે ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાય ને આટો એવું થયું એટલે મારે બોલવું પડ્યું ,, બાકી આપણ ને કાઈ ના ફેર પડે હો” આ આપણને કાઈ ફેર ના પડે એમ બોલેને એને જ સહુથી વધારે ફેર પડતો હોય છે સમાજમાં!!

વીસેક દિવસમાં તો ત્યાં નાનકડી ઝુંપડી જેવું બની ગયું. બાપુ આખો દિવસ ત્રિકમ લઈને ખોદી ખોદીને સમથળ કરી દીધું. કાનીયા એ એક ડોલ આપી હતી એમાંથી પાણી ભરી ભરીને બાપુ તો ઝાડવા પાવા લાગ્યા. આજુ બાજુના ખેતરો વાળા એ બાવળિયા ના ઠોન્ગા આપ્યા અને આપી થોડી કડબ અને બાપુની મઢુલી તૈયાર!!
પણ ગામ ત્યારે માની ગયું કે કોઈ દેવ મંદિરે ન જનાર પરશોતમ મુખી પણ એકાદ વાર બાપુ પાસે ગયાંને જાણે શુંય ચમત્કાર ભાળી ગયેલા ને તે ઈ હવે પોતાના કાફલા સાથે દરરોજ રાતે બાપુને ત્યાં હાજર હોય..!! પરશોતમ મુખીના કાફલામાં તો એકાદ બે ભાગિયા હોય બે ત્રણ એના પાગિયા હોય!! અને બાકીના ત્રણ ચાર જણને રસ્તામાંથી બોલાવી લે અને ઉંડી ધારે આવેલ એની વાડીના પાળાના ટેકરા પર બેસીને હાહા હીહી કરે!! આમ તો ગર્ભ શ્રીમંત અને એમાય ત્રણ વરસ ઉપરાઉપરી કાળ પડ્યાને એટલે એણે ગરીબ માણસો પાસેથી જમીન સસ્તા ભાવે ખરીદી લીધેલી અને પછી ઉપરવાસ બંધાણો ડેમ એટલે પાણી ના બખ્ખા બોલ્યાં અને પરશોતમ મુખી ના ઘરે લક્ષ્મીની રેલમ છેલમ થઇ એટલે સહુ કોઈ એમની દોસ્તી રાખતું.. મુખીનો કાફલો રાતે બાર બાર વાગ્યા સુધી બાપુને ત્યાં રોકાવા લાગ્યો.. મઢુલીની આગળ મુખીએ સંડાસ બાથરૂમ બનાવી આપ્યાં. ઉપર સીનટેક્ષનો ટાંકો મુક્યો. હવે બાપુ આગળ ફ્રુટનો ઢગલો થવા લાગ્યો..!! અને પછી કોઈક વાત લાવ્યું કે પેલી જ વારમાં બાપુએ મુખીને એનો ઈતિહાસ કહી દીધોને મુખી એના પગમાં પડી ગયાં છે. ઈ ગયા હતા તો બાપુની મશ્કરી જ કરવા પણ બાપુએ એને મિયાની મીંદડી જ બનાવી દીધા છે!! અને પછી ગામ હળી ગયું ઝુંપડીએ.. જે લોકો માંદા પડે તો જ સફરજન ખાય એ પણ બાપુ માટે સફરજન લઇ જાય!! અમુક તો કાજુ બદામ અને કીસમીસ લઈને જાય!! બાપુનું નામ પણ હવે બધાએ જાણી લીધું હતું.. વિશ્વાનંદ બાપુ!! પછી એક દિવસ બાપુ ગામમાં પધાર્યા અને મુખીના ઘરે જમ્યા.. ઘણા બધાં માણસો હાજર હતા જમીને બાપુ ફળિયામાં આંટો મારતા હતા અને અધવચ્ચે રોકાઈને એ બોલ્યાં.

“મુખી મુજે માલુમ પડતાં હૈ કી યહા બરસો પહલે એક બાદામ કા ઝાડ હુઆ હોગા.. મુજે બાદામ કી ખુશ્બુ આ રહી હૈ , ઔર યહાં ઉતર દિશામે એક નીમકા ઝાડ યાની કી લીમડા ભી હોગા!! વો દોનો પેડ તેરી સુખ સમૃદ્ધિ કે લિયે જરૂરી હૈ અગર કોઈ દિક્કત ના હોતો ફિરસે લગા દેના” અને બધાજ અચંબામાં પડી ગયાં કે નક્કી આ ત્રિકાલ જ્ઞાની જ બાપુ છે બાવીશ વરસ પહેલા દીકરા દીકરીના લગ્ન વખતે જમણવારમાં નો નડે એટલે મુખીએ એ બને ઝાડવા કપાવી નાંખ્યા હતા. ત્યારે મુખીના બાપા જીવતા એણે ઘણો વિરોધ કર્યો કે આ શુકનના ઝાડ નો કપાય પણ મુખી નોતા માન્યા.. પણ આજ એના બાપા જે બોલ્યા એ જ આ બાપુ બોલ્યા એટલે એ તો બાપુના પગમાં પડી ગયો!!

“બાપુ વિશ્વાનંદની જય” મુખી જોરથી બોલ્યાં અને પાછળ ઉભેલાં માણસોએ ઝીલી લીધું. અને પછી તો રીતસરની લાઈન જ લાગી નમસ્કાર કરવાની.. બાયું એ ખોળો પાથર્યો કે બાપુ અમારું આંગણું પાવન કરો!! પણ બાપુએ કહી જ દીધું.
“દેખો મૈ કોઈ ઐસા વૈસા સાધુ બાબા તો હું નહિ!! મૈ સભીકે ઘર આઉંગા!! મેરી મરજીસે આઉંગા !! ઔર મુજે જો ભી કુછ પ્રસાદ મેં ખાને કી ઈચ્છા હોગી વો મૈ આપકો બતા દુંગા.. લેકિન એક બાત કા ખ્યાલ રહે કી અગર કોઈ મુજ્હે કુટિયામેં આકર મુજે આમંત્રણ દેગા ઉસ કે ઘર મેં મૈ કભી નહિ જાઉંગા!! જિસકે દિલમે સચ્ચી લગ્ન હોગી વો મૈ પહચાન જાઉંગા ઔર ઉસકે ઘરમે મૈ જલદી આઉંગા” કહીને બાપુ વિશ્વાનંદ ચાલી નીકળ્યા. બસ પછી તો આશ્રમમાં ગામના તો ઠીક આજબાજુના માણસો પણ આવવા લાગ્યા. એક બે દિવસ થાય એટલે બાપુ ગામમાં આંટો મારવા નીકળે. ગામના છોકરા બાપુની પાછળ પાછળ હોય.બાપુ એને ટીકડા અને ચોકલેટ આપતા જાય અને ગામની બજારમાં ફરતા જાય મનને ગમે એવ્ય મકાન હોય ત્યાં ઉભા રહે અને કહી દે. અને એક દિવસ એણે દેવાના ઘરે જઈને કહ્યું.ઘરમાં દેવો એની પત્ની બે દીકરી અને દેવાની બા ચંપા મા જ હતા

“ભગત આજ શામકો તુમ્હારે ઘરમેં પ્રસાદ લુંગા ઔર હા રસોઈ આપકી બીવી નહિ આપકી માતાજી બનાયેગી ઔર હા વો ગોળ કી કઢી ઔર જવાર કે રોટી બનાયેંગે..દૂધ ઔર છાસ!! ઔર કુછ ભી નહિ!!” અને આ સાંભળીને ચંપામા નો તો હરખ જ નહોતો મહાતો. એ બાપુ વિશ્વાનંદજીના પગમાં પડ્યા અને કહેવા લાગ્યા કે.

“બાપજી હું પંદર દિવસ થી મનમાં બાધા રાખતી હતી કે બાપુને એક વખત હું મારા હાથની ગોળની કઢી અને રોટલો ખવડાવું જો મારે ઘરે આવે તો.. આજ તો મારે ઘરે ભગવાન પધાર્યા” અને આ ઘટના પછી હજુ ગામમાં એક બે કળ નોતા માનતા એ પણ માની ગયા. અને પછી તો બાપુ વિશ્વાનંદજી ના પાડે એમ ડબલ પૈસા આવવા લાગ્યા.અને આમેય કાઠીયાવાડની આ એક ખાસિયત કે તમે જેમ દાન લેવાની ના પાડો ને એમ ડબલ આપે.. અને ફાળો કરવા નીકળોને તો મોટાભાગના માણસો લખાવે ખરા પણ વાયદા સિવાય કાઈ જ ના આપે. પછી તો ગામના નવરા માણસો આખો દિવસ બાપુની મઢીએ જ હોય.. આજુબાજુની જગ્યા સાફ થઇ ગઈ.. એકદમ ચોખ્ખી ચણાક!! લોકોએ સ્લેબવાળી જગ્યા બનાવવાનું કીધું પણ વિશ્વાનંદજી ખીજાયા અને કીધું કે “અગર પક્કા મકાન બનાઓગે તો હમ ચલે જાએંગે ઔર વાપસ કભી નહિ આએંગે” અને લોકોને આ પોસાય તેમ નહોતું એટલે એ વિચાર માંડી વાળ્યો. શ્રદ્ધા મજબુત થતી ગઈ. અને અમુક તો એટલી શ્રદ્ધા ધરાવતા હતા કે ગામમાંથી એનો સગો બાપ જતો હોય તો ભલે જાય પણ આ વિશ્વાનંદજી બાપુ ના જવા જોઈએ. અને બાપુ પણ જેની ઘરે જમવા જાય એનું દુખ દૂર કરવાના ઉપાય બતાવે.. એનો અમુક ભૂતકાળ કહી બતાવે..એવા એવા એંધાણ આપે કે લોકો ચકરી ખાઈ જાય..

ગામને છેવાડે જમકું ડોશી રહે. દીકરો સુરત અને ડોશી અહી એકલા રહે. એ પણ ડોશીઓ ભેગા ભેગા આશ્રમે જાય અને કામકાજ કર્યા કરે.. ડોશી પોતે એકલ પંડે એટલે શિયાળામાં બોર વીણી આવે અને ગામની નિશાળ પાસે વેચતા હોય.. ઘરની પડખે જ સરકારી પડતર અને પડખે નદી એટલે ડોશીએ વળી જમરૂખના ઝાડ અને થોડું બકાલું વાવે અને પોતાનું ગુજરાન ચલાવે જાય… જમકું જયારે બાપુ વિશ્વાનંદજી ની ઝુંપડીએ જાય ત્યારે બસ બાપુ સામે જોઈ જ રહે અને એક દિવસ બાપુએ સામેથી કીધું.

“માઈ કલ તુમ્હારે ઘરમે પ્રસાદ લેનેકા મન હુઆ હૈ, જો તુજે અચ્છા લગે વો બના દેના ” બધી જ ડોશીઓ જમકુને ઘેરી વળી અને કીધું કે ડોશીનો તો ભવ સુધરી ગયો. હજુ ગામના સારા સારા ઘર હજુ બાકી છે ત્યાં તો આ ડોશીનો વારો આવી ગયો..આનું નામ સાચી ભક્તિ કેવાય ભક્તિ!!

બીજે દિવસે બપોરે વિશ્વાનંદજી પધાર્યા. જમકુએ તાંદળીયા ની અને કણઝડાની ભાજી બનાવી. કાકડી અને ટામેટાનું સલાડ બનાવ્યું. રોટલી અને લીંબુનું અથાણું આપ્યું. બાપુ બધું જ ભરપેટ ખાઈ ગયા. થાળીમાં કાઈ વધવા જ ના દીધું… સાવ સફાચટ જ !! બાર ઉભેલા નિરાશ થયા . કારણ કે દર વખતે બાપુ જ્યાં જમતા ત્યાં ઘણું બધું થાળીમાં વધારતા અને આ વધેલું સહુ થોડું થોડું પ્રસાદ તરીકે આરોગતા.. પણ આજ તો બાપુએ ભારે કરી.. આજ વિશ્વાનંદબાપુએ બરાબરનું ખાધું અને કઈ વધવા ના દીધું… !! લોકો ડોશીના ભાગ્ય પર ઈર્ષ્યા કરવા લાગ્યાં.. ચોરે પાછું ભાભલા મંડળ ગેલમાં આવી ગયું અને માંડ્યું વાતો કરવા કે!

“ આપણે તો ખાલી સાંભળ્યું જ હતું કે રામે શબરીના બોર ખાધા હતા પણ આજ પેલી વાર જોયું કે ખરેખર રામે શબરીના ઘરે બોર ખાધા જ હોય!! આ વિશ્વાનંદજી બાપુએ આ જ શબરી વાળી કરી હો” ખીમો બોલ્યો..

“ વિદુરને ઘરે કૃષ્ણે ભાજી નહોતી ખાધી?? એનાં જેવું જ થયુંને?? ગામમાં સારા સારા ઘર વાટ જોતા રહી ગયા ને નબળા ઘરની જમકુ ફાવી ગઈ!! બાકી દલા તું માન કે ના માન હવે આ બાપુ ટૂંક સમયમાં જ સંત ની વકલમાં ગણાય જશે..” કરમશી આતા બોલ્યા. અને આતા બોલે એટલે કોઈ એનો વિરોધ ના કરે કે સહુને આ કરમશી આતા જ ચલમ અને બીડીયું પાતા.

અને બરાબર બીજે દિવસે બપોરે ત્રણ વાગ્યે ખરો ધડાકો થયો.!!!

વિશ્વાનંદ બાપુની મઢુલીએ ગામના લોકો બેઠાં હતા અને જમકું મા જઈ ચડ્યા અને સીધું જ પૂછી નાંખ્યું.

“હે બાપુ તમારું મૂળ ગામ કયું?? તમારું સાચું નામ શું??” અને બાપુ જમકું મા સામું જોઈ જ રહ્યા અને બધાં ગોટે ચડ્યા.. ભેગા ભેગા બાપુ ય ગોટે ચડી ગયા. પરશોતમ મુખીએ વાતને વાળી લીધી અને એના સાગરીતોએ પણ ટાપશી પુરાવી.

“બાપુનું કૂળ અને નદીનું મૂળ ના જોવાય”

“એ શું કામ ના જોવાય?? બે વરસ પહેલા તું ચારધામ ની યાત્રાએ ગયો હતો તઈ ઠેઠ ગંગાજી અને જમુનાના મૂળ સુધી ગયો તો કે નહિ અને આવીને ગામ આખામાં ઢંઢેરો પીટતો હતો કે નહિ કે હું ઠેઠ ગૌમુખ સુધી જઈ આવ્યો. કાઈ વાંધો નહિ હું બાપુનું મૂળ અને કુળ બધું જ જાણી ગઈ છું.. બાપુ નહિ બોલે તો પણ હું તો કહેવાની જ!! તમને કોઈને શેનો વાંધો છે!! આ કોઈ બાપુ કે સાધુ નથી આ તો આપણા ગામમાં વીસ વરસ પહેલા રેતો તો એ ઉજીનો ભાણીયો છે ભાણિયો!! ઉજી મરી ગઈ પછી એની પાછળ કોઈ નહોતું એટલે ભાગી ગયો હતો એ ભાણીયો ભીખલો છે!! સાચું બોલજે ભીખલા મારી વાત સાચી છે કે ખોટી?? ભલે તે બધા પાસેથી પૈસા લીધા છે..પણ તું ભાણેજડું કેવાય એટલે બીતો નહિ..આ ગામમાંથી તને કોઈ કાઈ નહિ કરે એની ખાતરી હું તને આપું છું.. જે હોય ઈ હાચનાવાટી કહી દે મારા દીકરા!! તું જરાય શરમાતો નહિ હો” અને વિશ્વાનંદ બાપુ ઉર્ફે ભીખલાની આંખમાંથી દડદડ મંડ્યા આંસુડા પડવા.
“ હા જમકું મા ઉજીનો ભાણીયો ભીખલો જ છું”

ભીખલો!!

આજ ગામમાં ત્રીસ વરસ પહેલા આવેલો. ઉજીમાની દીકરી મંજુનો એકનો એક દીકરો. ભીખલો દસ વરસનો હતો ત્યારે ઉજીમાં એને તેડી લાવેલા આ ગામમાં. એની મા અવસાન પામી હતી અને બાપાએ બીજા લગ્ન કરેલા. જમકું માની પડખે જ ઉજીનું ઘર એટલે ભીખલો જમકુંમાના ઘરે જ પડ્યો પાથર્યો રહેતો. આજ ગામની નિશાળમાં ભણેલો.. ગામ આખામાં એ રખડ્યા કરે.મૂળ પાંચ ચોપડી ભણીને ગામ આખાના ખેતરમાં મજુરી કરે. ઉજીને ભાણીયાને પરણાવવાનો જબરો શોખ હતો. પણ ભીખલાને નાનપણથી જ સંસારમાં રસ નહિ. ગામને પાદર કોઈ સાધુ બાવા આવે તો એની ભેળો પડ્યો રહે. એમને એમ વીસ વરસનો થયો અને ઉજીમાં પણ અવસાન પામ્યા. હવે ભીખલાને છૂટો દોર મળી ગયો. એ એક રાતે ગાડીમાં બેસીને હરદ્વાર ગયો તે છેક આટલા વરસે પાછો આવ્યો હતો!! ભીખલાએ વાત માંડી અને સહુ સાંભળતાં રહ્યા.

“ અહીંથી હું હરદ્વાર ગયો.ચાર વરસ ત્યાં રહ્યો પછી ગંગાસાગર ગયો.કલકતામાં ત્રણ વરસ રહ્યો. મનને કાઈ શાંતિ ના મળે.. સાધુ અને બાવા, બાપુ અને મહાત્માને નજીક થી જોયા.. !! મને જે જોઈતું હતું એ ઈશ્વર ભજન ક્યાય ના મળ્યું. આમને આમ ભારત આખામાં છેલ્લા વીસ વરસથી રખડું છું. છેલ્લે છેલ્લે રામેશ્વર હતો અને ત્યાંથી ગાડીમાં હું મુંબઈ આવતો હતો અને એક ભાઈ મળ્યા. વાતચીત થઇ એણે મને કહ્યું કે બાપુ તમે જેનાથી છુટકારો મેળવવા માંગો છો એ મન તો તમારી સાથે જ છે.જ્યાં સુધી મન ને જીતી નહિ શકો ત્યાં સુધી રખડ્યા કરો કાઈ વળવાનું નથી.એની વાતો અદ્ભુત લાગી. મને થયું કે એક જ જગ્યાએ મને શાંતિ મળશે.અને એ આ ગામનું શિવાલય.એટલે હવે ગામમાં જ પાછો જાઉં. મને એમ હતું કે આ ભગવા કાઢી નાંખું અને પેન્ટ શર્ટ પેરી લઉં.પણ ભગવા એવા તો ફાવી ગયા કે પેન્ટ શર્ટ પછી નો ફાવ્યા ઈ નો જ ફાવ્યા. અહી આવીને હું મારી રીતે જ રેવા માંગતો હતો. ગામમાં દસ વરસ રહેલો છું એટલે એ વખતની બધાની કુંડળી જાણતો હતો. એટલે તમે બધા મને જ્ઞાની સમજી બેઠા . હું ના પાડું તો પણ મને ફળ ,દૂધ અને પૈસા આપતાં હતા. પછી મેં વિચાર્યું કે આમને આમ હાલવા દઈએ જ્યાં સુધી હાલે ત્યાં સુધી બાકી મારી પાસે કોઈ જ્ઞાન નથી કે નથી કોઈ વિદ્યા કે હું તમને ન્યાલ કરી દઉ.. વરસોની ભૂખ હતી ખાવાની એટલે ગામમાં ઘરે ઘરે જઈને ખાવાનું શરુ કર્યું .અને આશ્વાસન આપતો એટલે બધાને રાજીપો થતો અને મને પણ મજા આવતી. બાકી હું તો ભાણેજડું કહેવાવ અને તમે બધા મારા મામા કહેવાવ એટલે મામા નો ધર્મ છે કે ભાણેજડું ભૂલ કરે તો મામા એને માફ કરી દે.. હું આખા ગામની માફી માંગું છું” આટલું કહીને ભીખલાએ હાથ જોડ્યા. બધાએ ભીખલાને બાથમાં લીધો. સહુએ દાંત કાઢ્યા અને પરશોતમ મુખી બોલ્યા.

“પણ જમકું મા હવે તમે ઈ તો કયો કે તમે આને ઓળખી ગયા કેવી રીતે??”

“ઈ જ તો ખૂબી છે ને!! ગામ આખું ભોળવાઈ ગયું પણ મને અણસાર તો આવતી જ હતી કે આ દેખાય છે તો ઉજીના ભાણીયા જેવો ભીખલો જ!! જટા વધારે કે દાઢી વધારે લખણ થોડાં જાય!! ઈ નાનો હતો ને ત્યારે કાચું શાકભાજી ખાવાનો શોખીન હતો. હું મકાન ની બાજુમાં અને બાજુના પડતર નહેરામાં જે શાક વાવું એ ખાઈ જતો.દુધી અને રીંગણ પણ કાચા ખાઈ જાય. એને કાકડી ભાવતી .પણ કડવી કાકડી જ ખાતો. હું બકાલું વેચું અને કોઈ કાકડી કડવી નીકળે ને તો આ ભીખલાને આપી દેતી અને ભીખલો ઉભા ગળે એ કડવી કાકડી દાબી જાતો. ઈ મારી ઘરે જમવા આવ્યોને ત્યારે મેં સલાડમાં કડવી કડવી કાકડી જ રાખી હતી. બીજો કોઈ હોત તો એ ના ખાત અને આ તો કડવી કાકડી ખાઈ ગયો અને મારો વહેમ સાચો પડ્યો કે આ કોઈ બાપુ કે મહાત્મા નથી આ તો ભીખલો છે ભીખલો !! એના વગર મોઢામાં પણ ના જાય એવી કડવી કાકડી બીજું કોણ ખાય???!!!” સહુ હસી પડ્યા. અને ગામમાં વાયુવેગે પાછી વાત ફેલાણી કે બાપુ તો ગામના ભાણીયા નીકળ્યાં!! અને સંધ્યા ટાણે ભાભલા મંડળ પાછું જમાવટ કરતુ હતું ગામના ગોંદરે!! કરમશી આતા બોલ્યા.

“અલ્યા નાનજી પૂછ આ વાલાને મેં ચાર દિવસ પહેલા જ એના કાનમાં કીધું હતું કે આ બાપુ નથી પણ કોઈ ગામનો જાણભેદુ છે એટલે ગામ આખાની વાતું સહુને કેશે.. એને કોની જમીનમાં વરસો પહેલા ક્યાં શેરડી વાવી હતી. કોની વહુ માથાભારે હતી એ બધીય ખબર છે..અને ગામ એના પગમાં પડે છે પણ એક દિવસ ભાંડો ફૂટવાનો જ છે.. પૂછ આ વાલાને મેં કીધું હતું કે નહિ”??!! અને વાલો થોડો ના પાડે કરમશી આતાની વાત!!! કારણકે વાલાને તમાકુ અને બીડી બધુય આ કરમશી આતા જ પૂરી પાડતા હતા. વાલો બંધાણ સિવાય કાઈ પોતાની પાસે રાખતો જ નહિ.!!

લેખક : મુકેશ સોજીત્રા
૪૨ , “હાશ” શિવમ પાર્ક સોસાયટી સ્ટેશન રોડ મુ.પો. ઢસા ગામ તા ગઢડા જી. બોટાદ
Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.