દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

“આશીર્વાદ” – ક્યારેય જો કોઈનાં અંતરથી આતરડી ઠરી હશે તો આશીર્વાદ એનાં જરૂર ફળતા જ હોય છે, વાંચો આજે એવી જ વાર્તા મુકેશ સોજીત્રાની કલમે …..

અને માડી દવાખાનામાં દાખલ થયા કે સફેદ વસ્ત્રોમાં પરિધાન થયેલી સાતેક છોકરીઓ હસી પડી અને એક ચબરાક અને તાફાની છોકરી બોલી પણ ખરી કે

“તેજલ તારા સાસુમાં આવી ગયા છે હવે કલાક સુધી તારો છાલ નહિ છોડે એ નક્કી!! તું ખરેખરી ભાગ્યશાળી છો કે લગ્ન પહેલા જ તને આવા સુપર ડુપર સાસુમા મળ્યા છે તો લગ્ન પછી તો તને આના કરતા જોરદાર સાસુમા મળશે , ચલ હવે કોલેજ જવાના સમયે મળીયે કહીને હસતું હસતું રમતિયાળ છોકરીઓનું ટોળું વીંખાઈ ગયું!!

તેજલ ઝડપથી પોતના નીચેના મસાજ રૂમમાં આવી . અને કાચના ચાર પાંચ વાસણમાં થોડા થોડા અમુક ઔષધ નાંખ્યા અને તૈયાર કર્યાકે તરત જ પેલા ડોશી અંદર આવી ગયા. ઉમર સીતેર વરસની હશે. એ રોજ શરીર પર માલીશ કરાવવા આવતા .હવે જોકે સારું હતું.પક્ષાઘાતની અસર હેઠળ બે વરસ પહેલા આવી ગયેલા.આશરે આઠ માસ થી એ લગભગ રોજ સવાર અને સાંજ આ ડોશીમાં હળવા હાથે મસાજ કરતી અને એનું ડોશી જ્ઞાન સાંભળતી!!

તેજલ વરસ દિવસ પહેલા જ શહેરની એક ફિજીયોથેરાપી કોલેજમાં ભણવા માટે આવી હતી. બાર સાયન્સમાં એટલા પૂરતા ટકા જ નહોતા કે એમબીબીએસ કે ડેન્ટલ કે આયુર્વેદમાં જઈ શકે. કારણકે હવે પાર વગરની પરિક્ષાઓ વધી ગઈ હતી અને ટકાવારી મંકોડાના દરની જેમ ઉભરાઈ રહી હતી. તેજલના પાપાની સ્થિતિ કાઈ સારી નહોતી. પણ આ તો ગામના એક પ્રાથમિક શિક્ષક્ના સહયોગથી ધોરણ બાર સુધી ગાડું ગબડ્યું હતું . અને પછી એ શિક્ષક્ના સહયોગથી જ એણે અહી શહેરમાં ફિજીયોથેરાપીસ્ટ સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં એડમીશન તો લઇ લીધું પણ રહેવા અને જમવાની સમસ્યા ઉભી થઇ. તેજલના શિક્ષકે શહેરમાં તપાસ કરી તો ડોકટર માવાણી એમને મળી આવ્યા. શિક્ષકે સાંભળ્યું હતું કે ડો .માવાણી એમની હોસ્પીટલમાં આવી દીકરીઓને રાખે છે જે મેડીકલ કે અન્ય તબીબી શાખામાં ભણતી હોય. હોસ્પીટલમાં જ સહુથી ઉપરના માળે આ દીકરીઓ રહે . રહેવા જમવાનું મફત અને ઉપરથી આવડત પ્રમાણે વેતન પણ આપે . બસ કોલેજ સિવાયના સમયમાં હોસ્પિટલ પર ડોકટર જે કામ સોંપે એ કરવાનું!! ડો. માવાણી એ શિક્ષક્ને સાંભળ્યા પછી કહ્યું.

“કોઈ વાંધો નહિ તેજલ દીકરી ને ફાવે તો અહી રહી શકે છે .એમનો વિષય ફીજીયોનો છે એટલે સવાર સાંજ જે પેશન્ટ આવે એને હું માલીશ નું કામ સોંપીશ, મહિનાના અંતે હું એને કેટલો પગાર આપવાનો એ મારી જાતે નક્કી કરીશ” અને તેજલ ત્યાં બીજી સાતેક છોકરીઓ સાથે રોકાઈ ગઈ. કોલેજ થી ડો. માવાણીની હોસ્પિટલ અને ડો. માવાણીની હોસ્પિટલ થી કોલેજ … બસ આ બે રસ્તા સિવાય તેજલે આ શહેરમાં કશું જ જોયું નહોતું. બે જ માસમાં ડો.માવાણી પારખી ગયા કે આ અસલ રત્ન છે રત્ન અને બધા કરતા એનો પગાર પણ ડબલ કરી દીધેલો. અને સવાર સાંજ માલીશ કરવાનું આ સિવાય એને બીજું કશું પણ નહીં કરવાનું. તેજલ પાસે સ્ત્રી દર્દીઓ જ આવતા.અને બહુ થોડા દિવસોમાં દર્દીઓ એના ખુબજ વખાણ કરતા કે તેજલ નો હાથ ફરે એટલે દુખાવો ગાયબ થઇ જાય છે .આ દીકરીના હાથમાં જાદુ છે જાદુ!! દર્દી ખુશ તો ડોકટર પણ ખુશ!! સમય વીતતો ચાલ્યો!!

છેલ્લાં આઠ મહિનાથી તેજલ સવાર સાંજ એક ડોશીની માલીશ કરતી હતી. આમ તો જયારે પહેલી વાર એ ડોશી માલીશ કરાવવા આવવાના હતા ત્યારે જ ડોકટર માવાણી એ તેજલને કહી દીધું હતું.

“નામ છે એનું જમના મા !! સુખી છે બધી જ રીતે.. છોકરાની ઘરે છોકરા છે.. અને એ પણ બધાજ આજ્ઞાંકિત છે.. પણ જમના માં ને અહી જ રહેવું છે. પેરેલીસીસનો આંચકો આવી ગયો છે. બે વરસ પહેલા એટલે છોકરા એને પરાણે સુરત લઇ ગયા હતા .ઘરે ફૂલ ટાઇમ મસાજ વાળા રાખી લીધા હતા . હવે એને સારું છે એટલે જમના માં અહી આવી ગયા . અહી એને મોટી હવેલી જેવડું મકાન છે . એમના ઘરવાળા ત્રણ વરસ પહેલા અવસાન પામ્યા છે.સુરત મોટો કારોબાર છોડીને એક દીકરો ફક્ત અને ફક્ત જમનામાં આહી રહે એટલા માટે જ અહી આવ્યો છે .ઘણા એ સમજાવ્યા કે હવે બધી જ બળતરા મૂકી દ્યો પણ જમના માં એક ના બે ના થયા.. એ સ્વભાવે થોડાં હઠીલા અને વાતોડિયા ખુબ જ છે. તને હું સ્પેશ્યલ કેસમાં એનો મસાજ કરવાનું સોંપું છે સવારે અને સાંજે એક એક કલાકે તારે મસાજ કરવાનો રહેશે

.. જમનામાં ની કંપની થી તને મજા આવશે” બસ આ રીતે છેલ્લા આઠ મહિનાથી તેજલ જમનામાં નો મસાજ કરી રહી હતી અને કલાક કલાક એનો સત્સંગ સાંભળી રહી હતી. તેજલ ને ધીમે ધીમે એવું લાગતું હતું કે જમનામાં એના મગજનો મસાજ કરી રહી છે!! જમના માં મસાજ કરાવવા નહિ પણ મસાજ કરવા આવતા હોય એવું લાગે છે!! આજે પણ તેજલને એ શરૂઆતના દિવસો યાદ આવી ગયા કે જયારે એ મસાજ કરતી અને જમના માં ની જીભ વહેવા માંડતી!!
“ શું વાત કહું તેજલી જમાનો જ એવો આવ્યો છે કે આમ જોઇને બળતરા થાય ને આમ જોઈ ને રાજી થવાય!! તારી જેવડી છોડીયુંને કેટલી છૂટછાટ હાશું કહું છું હો તેજલી કે મને એમ થાય કે હું પચાસ વરસ વહેલા જન્મી ગઈ છું આના કરતા પચાસ વરસ મોડી જન્મી હોત ને તો અત્યારે તારી જ ઉમરની હોત ને એય મોબાઈલમાં આખો દિવસ સળી કરતી હોત!! અમારા જમાના માં ભૂખે બળ્યું કે આવું કાઈ નહોતું!! અત્યારે તો મારી બટીયું ઉગીને ઉભી થઇ કે ના થઇ આ એકટીવા હાંકી ને વાંહે કોઈ મનગમતા ને બેસારીને આ ફરવા હાલી નીકળે!! અને ભેળ પૂરી , પાણી પૂરી અને સેવ પૂરી મને તો રોયા નામ પણ ના આવડે એવું એવું ખાય અને મોજ કરે બાકી શું જમાનો આવ્યો છે સાચું કહું તેજલી મને તો બળતરા જ થાય છે…!!!

તેજલ પોતાનું કામ કરતી જાય વચ્ચે ટાપશી પુરાવતી જાય અને પોતાના અદ્ભુત કસબ વડે માલીશ કરતી જાય!! વળી જમના માં થોડી વાર પછી ખીલે!!

“અમારા વખતમાં તો ભૂખ સિવાય કાઈ નહોતું.. આ તો તારા દાદા ધરમશી દાદા ને હું પરણીને ત્યારે પેલી વાર જોયેલા!! બોલ્ય ત્યાં લગણ અમે એક બીજાને જોયેલા પણ!! જુવાનીમાં તારા દાદા એકદમ હીરો જેવા લાગતા હું એને ખાનગીમાં ધરમેન્દર કહેતી એ તારા દાદા ને ખુબ ગમતું. પરણીને અમે દસ વરહ પછી સુરત ગયેલા ત્યાં પેલી વાર તારા દાદા એ મને ખમણ અને સબરસ ની કઢી ખવરાવેલી બોલ્ય અને પછી જોયું ફિલ્મ!! ધર્મેન્દ્ર નું ફિલ્મ હતું..!! તારા દાદા મને સુરતમાં ખુબ જ ફેરવી છે. રોજ રાત પડે ને તારા દાદા ગરનાળા થી ચોક બજારમાં સાયકલ પર જાય અને મારા માટે કોકો લાવતા. બસ પછી તો એણે હીરાનું કારખાનું કરેલું અને એ વખતે એણે મને કહેલું.. જમું તું સારા પગલાની છો . તું આવ્યા પછી મારી પ્રગતિ થઇ!!” તેજલ પોતાનું કામ કરતી જાય અને રોજ દિવસમાં બે વાર બે કલાક જમના ડોશીનું ભાષણ સાંભળતી જાય!!

મહિના પછી તો તેજલ લગભગ કંટાળી ગઈ.. પણ ડોકટર માવાણી સાહેબનો ભરોસો એને નહોતો તોડવો એટલે એ ચુપચાપ થાય એટલી જમના માં ની સેવા કરતી ગઈ.પછી તો રવિવારે રજાના દિવસે પણ જમના માં ને એના દીકરાની વહુ મૂકી જાય અને રવિવારે પણ તેજલની માલીશ ની ડ્યુટી ચાલુ જ રહેતી. વચ્ચે કોઈ કામ સબબ તેજલ ને ઘરે આવવાનું થતું એક કે બે દિવસ તો એ દિવસોમાં જમના માં પણ માલીશમાં રજા રાખતા અને કહેતા કે તેજલી સિવાય મને કોઈ ના ફાવે!!
તેજલની સાથે કામ કરતી છોકરીઓ પણ તેજલ ને ચીડવતી કે આવી સાસુ જો મળી ગઈ તેજલી તો સમજજે તારા તો ભાગ્ય જ ખુલી ગયા!!
ક્યારેક જમના માં તેજલને સલાહ પણ આપતા.. એક બાજુ માલીશ શરુ હોય અને બીજી બાજુ સલાહ શરુ હોય!!
“ જો તેજુ શરીર તો થોડું જાડું અને સારું જ જોઈએ!! તારું શરીર માપે છે બાકી તારી બેનપણી ઓ સુકી ડાળખી જેવી કાયા ધરાવે છે.. આવા સાંઠીકડા જોઇને મને તો ચીતરી ચડે ચીતરી.. શરીર મોટું અને જાડું હોય ને તો લગ્ન પછી વાંધો ના આવે. બધા કામ ઘરના ને ખેતીના થઇ શકે બાકી રસ્તામાં સારો ખટારો નીકળે ને એની હવાથી ઉડી જાય એવું શરીર શું કામ કરી શકે!! તું ભલે ડોકટરનું ભણતી પણ આ શરીરમાં તું ખુબજ સારી લાગે છો!! હું પણ આવી જ હતી જયારે તારી ઉમરની હતીને ત્યારે. એક હારે બે ભારા લઈને ખેતરેથી આવતી.સુરત આવ્યાને પછી અમે ઘનશ્યામનગર ના ગાળામાં ત્રીજા માળે રહેતા .એક અંધારું હોય .પગથીયા તૂટેલા હોય તોય બરોડામાંથીએક તેલનો ડબ્બો અને એક કોથળીમાં એક મણ ઘઉં લઈને હું સડસડાટ ઘનશ્યામનગર ના ત્રીજા માળે પહોંચી જતી.. આટલો ફેર પડે!! બાકી તારી બેનપણી પાણીની એક બોટલ હાથમાં લઈને હોસ્પિટલ ના દાદરા ચડેને ત્યાં હાંફી જાય બોલ્ય!! આવિયું શું કામની તેજલી મારી વાત સાચી કે ખોટી!! જે જે આવિયું ને લઇ જાશે ને એ મરવાના થયા છે મરવાના” રોજ રોજ નવા વિષય આવે જમના માં પાસે ક્યારેક તો તેજલને પણ થતું કે આ ડોશીના મોઢે ટેપ મારી દઉં!! ક્યારેક તો એ હદે કંટાળી જતી કે આને ના પાડી દઉં!! પણ ઘડીક જ એવો વિચાર આવતો!!

ધીમે ધીમે જમના માં એ એની યુવાની એના સંતાનો એની સાયબી વિષે બધું જ જણાવી દીધું. તેજલ પાસે થી પણ એણે બધીજ માહિતી કઢાવી લીધી . એના માતા પિતા એનું મોસાળ અને પછી તો રોજ રોજ શિખામણ નો દોર શરુ થયો!! જેમ કે લગ્ન માટે કેવો છોકરો ગોતવો … સાસરિયામાં કેમ રહેવું … દેરીયા જેઠિયા હોય તો બધાને કેમ સાચવવા .. પાડોશીને કેમ ઓળખવા ..પતિને કેમ ખુશ રાખવા .. પહેલા ખોળે જ દીકરો થાય એ માટે શું શું ખાવું ..સંતાનો કેમ ઉછેરવા.. ઝગડો થાય તો કેમ સુલજાવવો..ઘરમાં કોઈ અવસાન પામે તો શું શું કરવું .. સગા સંબંધીને ઘરે જઈએ તો શું ધ્યાનમાં રાખવું.. ભારતમાં કઈ કઈ જગ્યાએ ફરવા જવું!! અનેક વિધ વિષયો પર જમના માં તેજલ ને જ્ઞાન આપતા ગયા. વળી છેલ્લા બે મહિનાથી જમના માં નવું શીખ્યા હતા!! રોજ સવાર અને સાંજ મસાજ પૂરો થાય એટલે કહેતા!!

“તેજુડી અહી આવ્ય અહી આજ તો શરીર હળવું ફૂલ થઇ ગયું છે” એમ કહીને તેજલને પાસે બેસારીને માથા પર હાથ મુકીને આશીર્વાદ પણ આપે!!

“ એ ભણી ગણી ને ડોકટર થજે.. સાસુ સસરાનું ગઢપણ પાળજે.. આ ગાયકવાડી જમના ના આશીર્વાદ છે તારું સારું થશે” તેજલ ને હસવું અને ગુસ્સો સાથોસાથ આવતા હતા ,પણ તોય એ નિષ્ઠા પૂર્વક અને ખંત પૂર્વક પોતાનું કામ કર્યે જતી હતી. જમના માં એ વખતમાં સાત ધોરણ પાસ હતા એ વાત પણ એ તેજલ ને ગર્વથી કહેતા.

બળ્યું આ આજનું ભણતર.. અમારા જમાનામાં મફત જ શિક્ષણ હતું . ભણવા નો જાય એને આઠ આના દંડ થતો. મને અંગ્રેજી પણ આવડે હો એમ કહીને જમના ડોશી વળી ભાંગ્યું તૂટ્યું અંગ્રેજી પણ બોલી લેતા!! બધા થાકે!! તેજલના હાથ માલીશ કરી કરીને થાકે પણ જમના માં ની જીભ ના થાકે!! હવે એની સ્થિતિ ખુબજ સારી હતી..માલીશ ની જરૂર હતી જ નહિ તો ય એ રોજ સવારમાં માલીશ કરાવવા આવી જતા.. હવે તો એ પગે ચાલીને હોસ્પીટલે પહોંચી જતા!!
આઠેક માસ વીતી ગયા પછી ડોકટરે જ કીધું.

“જમના માં કાલ થી પંદર દિવસ નહીં આવે, એના છોકરા સુરત એક કથા બેઠી છે ને ત્યાં તેડી ગયા છે કાલ રાતે જ એટલે પંદર દિવસ સુધી તારે વેકેશન!! તારે મસાજ કરવાના નથી .આમેય તે અત્યાર સુધીમાં કોઈ રજા પણ નથી લીધી એટલે પંદર દિવસ આરામ કર!!” તેજલ ને સાંભળીને સારું લાગ્યું. ચાલો પંદર દિવસ સુધી તો કકળાટ ગયો!!

પણ વગર જમના ડોશી એ તેજલ ને બે દિવસ પણ અકારા થઇ પડ્યા. સવાર અને સાંજે એ ઉદાસ રહેવા લાગી. જમના માની વાતો એને યાદ કર્યા કરતી. એમાં એક વાત યાદ આવીને એની આંખમાંથી આંસુ આવી ગયા!! હજુ અઠવાડિયા પહેલા જ જમના માં એ કહેલું.

“તારા લગ્ન થઇ જાય ને પછી તું તારા ઘરવાળા સાથે રોટલો ખાવા આવજે!! આટલું કરજે આ ડોશી માટે!! એ ય ને તને મારા આશીર્વાદ છે કે કલૈયા કુંવર જેવો ઘરવાળો મળશે તને તેજુડી!!” જમના માં ક્યારેક તેજલ તો ક્યારેક તેજલી અને જયારે ફૂલ આનંદમાં હોય ત્યારે તેજુડી કહેતા!!

ચાર દિવસ તો માંડ નીકળ્યા .. ભલે કંટાળો આવતો તેજલ ને પણ જમના માં ની સાથે એક ટેવ પડી ગયેલી એ પુરાતી નહોતી.!! ડોશીની કચ કચ સાંભળ્યા વગર એને હવે મજા પડતી નહોતી!! જીવનમાં એક ખાલીપો સર્જાયો હતો.આ નવ મહિના દરમ્યાન જમના માં સાથે જાણે અજાણ્યે એક લાગણી નો સેતુ બંધાઈ ગયો હતો!! પણ હવે તો જમના માં પંદર દિવસ પછી આવવાના હતા!! આવશે એટલે વળી પાછી સુરતની આજ ની અને પેલા જમાનાની વાતો માંડશે!! પેલાના જમાનાની સપ્તાહ અને આજની સપ્તાહ ની વાર્તાઓ માંડશે એવી કલ્પના તેજલ કરવા લાગી!! એનું મન ક્યાય લાગતું નહોતું એટલે ડોક્ટર માવાણી ની રજા લઈને એ પોતાના ગામડે આવી ગઈ અને દસ દિવસ રોકાઈ ગઈ!! દસ દિવસ સુધી ઘરે એની બા સાથે બેસીને જમના માં ની જ વાતો કરતી!!

દસ દિવસ પછી ઉત્સાહ ભેર તેજલ પાછી શહેરમાં આવી ને હોસ્પિટલ પર હાજર થઇ ગઈ. આજે જમના માં કદાચ આવશે એમ ધારીને દરવાજા સામું રાહ જોતી હતી. અડધી કલાક પછી ડોકટર માવાણી એ એને ચેમ્બરમાં બોલાવી અને કહ્યું.

“ તું ઘરે ગઈ પછી ત્રીજા જ દિવસે સુરત થી ફોન આવ્યો કે જમના માં અવસાન પામ્યા છે!! આજે એમનું બારમું પણ પતી જશે. મરતી વખતે તને યાદ કરતા હતા એમ જમના માંના છોકરાઓ કહેતા હતા. કાલ એક તારા નામનો ચેક આવ્યો છે. અને આ એક પત્ર જમના માં એ તારા માટે લખેલો છે.ઘણા દિવસ પહેલા લખાયેલો આ પત્ર છે એમ એના છોકરા કહેતા હતા. જમના માંની છેલ્લી ઘડીમાં એવું કહેવું હતું કે તેજલ માટે મેં એક ટપાલ લખી છે એ એને પહોંચાડી દેજો અને મારા ખાતામાં જે પૈસા છે એપણ બધા તેજલ ને આપી દેજો ઈ બધુય મેં ઈ ટપાલમાં લખ્યું છે!! તેજલ ની આંખોમાંથી આંસુઓ નીકળી પડ્યા!! ધ્રુજતા હાથે એણે ચેક લીધો!! વીસ લાખ કરતા પણ વધારે રકમ હતી ચેકમાં!! તેજલે પત્ર ખોલ્યો અને વાંચવા લાગી!!

“દીકરી તેજુડી”

ઘણું જીવજે દીકરા!! તું મારા માટે વિશેષ છો . મેં તને ઘણી વાતો કરી પણ એક વાત નથી કરી!! મારે પહેલા ખોળાની એક દીકરી હતી . નામ એનું આશા હતું બસ તારી જ જેવી હતી. અમે ખુબ લાડ કોડથી ઉછેરી હતી. તારા જેવી જ ઉમરની હશે અને એ અમને છોડીને ચાલી ગઈ સદાયને માટે!! હું અને તારા દાદા અને મારી દીકરી આશા અમે અમદાવાદ જઈ રહ્યા હતા. આશાને અમદાવાદમાં મેડીકલમાં એડમીશન મળી ગયું હતું .એ ખુબ જ ખુશ હતી એનું ડોકટર બનવાનું સપનું પૂરું થઇ રહ્યું હતું. પણ કુદરતે કૈંક અલગ જ ધાર્યું હતું. વડોદરા પછી અમારી કાર ને અકસ્માત થયો. હું બેભાન થઇ ગઈ હતી. અઠવાડિયા પછી હું ભાનમાં આવી .મને સમાચાર આપવામાં આવ્યા કે મારી દીકરી કાયમ માટે જતી રહી છે ભગવાન પાસે. મને પણ ગંભીર ઈજાઓ થઇ હતી. મારું ગર્ભાશય કાઢી નાંખવામાં આવ્યું છે. તારા દાદા ને પણ સારું એવું વાગેલું. બસ ત્યારથી હું મારા ત્રણ છોકરા સાથે જીવતી રહી . દીકરીની ઈચ્છા હતી પણ તે શક્ય નહોતી બને એમ!! તને જોઈ અને મને મારી આશા યાદ આવતી. આશાની જેમ જ તું મારી વાતો સાંભળતી અને કંટાળતી નહીં!! એક વાત કહું તેજુ દીકરી!! આશા મારી દીકરી જ નહોતી પણ એક બહેનપણી હતી!! એક મિત્ર પણ હતી!! તને જોયા પછી એ ખોટ પુરાઈ ગઈ!! પણ કોણ જાણે હમણા હમણા મને એવો ભાસ થાય છે કે બસ હવે મને તારા દાદા અને આશા ઉપર બોલાવી રહ્યા છે!! એટલે આ પત્ર લખીને રાખું છું . જે મારી ગેહાજરીમાં તને મળશે. મારા ખાતામાં ઘણાય રૂપિયા પડ્યા છે એમ મારો મોટો દીકરો સુમિત અને તારા દાદા કહેતા હતા. તો હું મારા દીકરાને એક આવી જ ટપાલ અલગથી લખતી જઈશ અને એમાં લખીશ કે એ બધાજ રૂપિયા મારી દીકરી આશા એટલે કે તેજુડી ને મળે!! ના ન પાડતી હો તેજુ!! અત્યાર સુધી તે મારી કચકચ સાંભળીને તો અ છેલ્લી કચકચ પણ સાંભળી લેજે!! બસ તારા લગ્ન થાય પછી હું મારા મોટા દીકરા સુમિતને કહીશ કે તને ઘરે રોટલો ખાવા બોલાવશે અને હા તને મારા આશીર્વાદ છે કે તને સારો અને કહ્યાગરો ઘરવાળો મળશે!!

બસ છેલ્લી એક વિનતી કે મારી જેમ કોઈ ડોશી આવે તો તું એને પ્રેમથી મસાજ કરી દેજે!! આવજે દીકરી!! સુખી થજે!!
લિ . તારી જમાના માં ના જે શ્રી કૃષ્ણ

આંખમાંથી આંસુનો ધોધ છૂટ્યો!! તેજલ પહેલી વાર આટલું રોઈ!! ડોકટર માવાણી એ પણ ચિઠ્ઠી વાંચી!! એની આંખોમાં પણ આંસુ હતા!! સમય પસાર થતો ગયો.. તેજલે ભણી લીધું . એક એમ ડી ડોકટર સાથે પરણી ગઈ!! શહેરમાં જ એક દવાખાનું ખોલ્યું. દવાખાનાના બોર્ડમાં જમનામાં નો ફોટો છે અને લખ્યું છે.
“જમનામાં હોસ્પિટલ”
ડો. તેજલ પટેલ ફિજીયોથેરાપીસ્ટ.. પચાસ વરસ કરતા વધારે ઉમર ધરાવતી સ્ત્રીઓની તદન મફત સારવાર કરવામાં આવે છે!! જમનામાં એ આપેલા આશીર્વાદ પૂરી રીતે ફળ્યા છે!!

લેખક મુકેશ સોજીત્રા……

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.