ટ્રેક્ટર-ટ્રોલી વચ્ચે દર્દનાક અકસ્માત : 13ના મોત, 2ની હાલત ગંભીર

જાનૈયાઓથી ભરેલ ટ્રેકટર-ટ્રોલી પલટી, 13ના મોત, 2ની હાલત ગંભીર- જુઓ દર્દનાક તસવીરો

મધ્યપ્રદેશના રાજગઢમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો. જાનૈયાઓથી ભરેલ ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતાં 13 લોકોના મોત થયા છે. જેમાં ચાર બાળકોનો પણ સમાવેશ થાય છે. જ્યારે આ દુર્ઘટનામાં 15 લોકો ઘાયલ થયા હોવાનું પણ કહેવાય છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે આ ઘટના અંગે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

અહેવાલ મુજબ, આ દુર્ઘટના રાજગઢ જિલ્લા મુખ્યાલયથી 30 કિલોમીટર દૂર પીપલોદી પાસે બની હતી. ટ્રેક્ટર-ટ્રોલીમાં મોતીપુરાથી રાજગઢના કુમાલપુર તરફ લગ્નની જાન જઇ રહી હતી. આ દરમિયાન ટ્રેક્ટર-ટ્રોલી કાબુ બહાર જઈને પલટી મારી ગઈ. અકસ્માત દરમિયાન નજીકમાં હાજર લોકોના જણાવ્યા અનુસાર અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રોલી સંપૂર્ણ રીતે પલટી ગઈ હતી. આ દરમિયાન ઘણા લોકો ટ્રોલી નીચે દટાઈ ગયા હતા. અકસ્માત સમયે ટ્રેક્ટર-ટ્રોલીમાં 30 થી 40 લોકો સવાર હતા.

અકસ્માતની જાણ થતા જ પોલીસ તાત્કાલિક દોડી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. વહીવટીતંત્રની મદદથી ટ્રોલી ઉપાડવા માટે જેસીબી બોલાવવામાં આવ્યુ હતુ. રેસ્ક્યુ ટીમ અને નજીકમાં હાજર લોકોની મદદથી ટ્રોલી નીચે દટાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ ઘટના અંગે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

જ્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, “રાજગઢ કલેક્ટર હર્ષ દીક્ષિત, પોલીસ અધિક્ષક અને મંત્રી નારાયણ સિંહ પંવાર ઘટનાસ્થળે છે. અમે રાજસ્થાન સરકાર અને પોલીસના સંપર્કમાં છીએ. રાજગઢની જિલ્લા હોસ્પિટલમાં ઘાયલોની સારવાર ચાલુ છે. કેટલાક ગંભીર રીતે ઘાયલ દર્દીઓને ભોપાલ રેફર કરવામાં આવ્યા છે. બાબા મહાકાલને વિનંતી છે કે તેઓ દિવંગત આત્માઓને તેમના ચરણોમાં સ્થાન આપે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદનાઓ.

Shah Jina