ઓટોમાં સવાર થઇ બાગેશ્વર ધામ જઇ રહ્યા હતા 13 લોોકો, ભીષણ અકસ્માતમાં 7ના મોત-6 ઘાયલ
મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં મંગળવારે સવારે એક ઓટો-રિક્ષા પાછળથી પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ. આ ઘટનામાં એક વર્ષના બાળક સહિત 7 લોકોના મોત થયા અને 6 લોકો ઘાયલ થયા છે. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, ઘાયલોને હોસ્પિટલમાં રિફર કર્યા અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા. રિપોર્ટ અનુસાર, આ દુર્ઘટના 20 ઓગસ્ટના રોજ સવારે લગભગ 5 વાગ્યે થઈ હતી. તમામ શ્રદ્ધાળુઓ બાગેશ્વર ધામ જઈ રહ્યા હતા.
આ અકસ્માત છતરપુર સિવિલ લાઇન પોલીસ સ્ટેશન વિસ્તારના કાદરી ગામ પાસે થયો હતો. તમામ ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ લોકો છતરપુર રેલવે સ્ટેશનથી ઓટોમાં બાગેશ્વર ધામ જઈ રહ્યા હતા. ત્રણ લોકો બેસે એવી ઓટોમાં 13 લોકો બેઠા હતા. સવારે 5 વાગ્યે ઓટો ઝાંસી ખજુરાહો હાઈવે NH 39 પર પહોંચી, ઓટોની ઝડપ વધુ હોવાને કારણે તે એક ટ્રક સાથે અથડાઈ અને 7 લોકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો.
અકસ્માતની જાણ થતા પોલીસે પહોંચી મૃતદેહોનો કબજો લીધો અને એમ્બ્યુલન્સ મારફતે તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. અકસ્માત એટલો ગંભીર હતો કે ઓટોના પરખચ્ચા ઉડી ગયા હતા. મૃતકોની ઓળખ ઓટોરિક્ષા ચાલક પ્રેમ નારાયણ (46), એક વર્ષિય આસમા, જનાર્દન યાદવ (45), મનુ શ્રીવાસ્તવ (25), ગોવિંદ શ્રીવાસ્તવ (35) અને નન્ની બુઆ (42) અને લાલુ તરીકે થઈ છે.