હાલ દેશભરમાં લગ્નની સિઝન ચાલી રહી છે અને ઘણા લોકો લગ્નના બંધનમાં બંધાઇ રહ્યા છે. ત્યારે લગ્ન સિઝનમાં દુલ્હનને એકદમ હિરોઇન જેવો લુક આપવા માટે બ્યુટિશિયનની ડિમાન્ડ ઘણી વધી જાય છે. ત્યારે હાલમાં મધ્યપ્રદેશના જબલપુરમાં રહેતી દુલ્હનના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં એક એવો કેસ નોંધાવ્યો છે, જે તમે આજ સુધી ક્યારેય નહિ સાંભળ્યો હોય. એવો આરોપ છે કે મેકઅપ આર્ટિસ્ટે દુલ્હનનો મેકઅપ બગાડ્યો હતો. જેના જવાબમાં બ્યુટિશિયને કહ્યું કે હું 3000 રૂપિયામાં ઐશ્વર્યા રાય નહીં બનાવી દઉ.
મધ્યપ્રદેશના જબલપુર જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવતિના 3 ડિસેમ્બરે લગ્ન થવાના હતા. આ લગ્ન માટે દુલ્હનને તૈયાર કરવા પરિવારના સભ્યો દ્વારા એક બ્યુટિશિયનને બુક કરવામાં આવી હતી. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર બ્યુટિશિયને ઘરે આવીને દુલ્હનને તૈયાર કરવાની હતી. આ માટે તેને એડવાન્સ પૈસા પણ આપવામાં આવ્યા હતા. પરંતુ દુલ્હનની બ્યુટીશીયન ઘરે ન આવતા અને મજબૂરીમાં દુલ્હનને પાર્લર જવું પડ્યું. દુલ્હનનો આરોપ છે કે ત્યાં જઈને બ્યુટિશિયને તેનો મેકઅપ બગાડ્યો,
જે બાદ દુલ્હન હાસ્યને પાત્ર બની ગઈ હતી. દુલ્હનના ખરાબ મેકઅપ બાદ પરિવારના સભ્યો ગુસ્સે થઈ ગયા. તે ગુસ્સામાં પોલીસ સ્ટેશન પહોંચ્યા અને બ્યુટિશિયન વિરુદ્ધ કેસ નોંધાવ્યો. પરિવારના સભ્યોનો આરોપ છે કે પાર્લરમાં દુલ્હનનો મેકઅપ એક નવા આર્ટિસ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો જે પૂરી રીતે ટ્રેઇન નહોતી. આ સાથે તેણે બ્યુટિશિયન પર અભદ્રતા અને ખોટા શબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આ કેસ મહિલા અધિકારીને સોંપવામાં આવ્યો છે. પરિવારના સભ્યોના કહેવા પ્રમાણે,
તેઓએ 500 રૂપિયા એડવાન્સ આપીને બ્યુટિશિયનનું બુકિંગ કરાવ્યું હતું. પરંતુ લગ્નના દિવસે તેને ફોન કર્યો તો તેણે ફોન એટેન્ડ ન કર્યો અને આ પછી યુવતીના પરિવારજનોને મેસેજ આવ્યો કે તે ઘરે નહીં આવી શકે. બ્યુટિશિયને કહ્યું કે તમે દુલ્હનને પાર્લરમાં લઇ આવો, ત્યાં તેનો મેકઅપ કરવામાં આવશે. પરંતુ પાર્લર પહોંચ્યા બાદ પણ દુલ્હન પોતાની ઈચ્છા મુજબ મેકઅપ ન કરાવી શકી. યુવતીના આરોપો પર બ્યુટિશિયન મોનિકાએ કહ્યું કે તે ઈચ્છતી હતી કે હું 3000 રૂપિયામાં ઐશ્વર્યા રાયની જેમ તેનો મેકઅપ કરુ, જે શક્ય નથી. ત્યાં યુવતીએ પોલીસને મેક-અપ આર્ટિસ્ટ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું.