ઝરણાની નીચે બોટનો આનંદ માણી રહ્યા હતા પ્રવાસીઓ ત્યારે જ પહાડની એક ચટ્ટાન તૂટીને બોટ ઉપર પડી, 10 લોકોના મોત

આજે જમાનો ખુબ જ આગળ વધી ગયો છે, ટેક્નોલોજી પણ ઘણી આગળ વધી ગઈ છે, પરંતુ હજુ સુધી માણસનું મૃત્યુ અને જીવન ઈશ્વરના હાથમાં જ છે. કાળ કોને આવીને ક્યારે ભરખી જાય તે કોઈ નથી જાણતું. જેના ઘણા વીડિયો પણ આપણે જોયા હશે, હાલ એવો જ એક હચમચાવી દેનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં ઝરણાં કિનારે તળાવમાં બોટની મજા માણી રહેલા લોકો ઉપર પર્વતની ચટ્ટાન આવીને પડે છે અને 10 લોકોના મોત આ દુર્ઘટનામાં નીપજે છે.

આ ઘટના બની છે બ્રાઝિલના સુલ મિનાસમાં જ્યાં 8 જાન્યુઆરીએ ધોધની નીચે બે મોટરબોટ પર પથ્થરની ચટ્ટાન ધરાશાયી થતાં 10 લોકો માર્યા ગયા હતા અને બીજા ઘણા લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માતનો ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પથ્થરની એક ચટ્ટાન લોકોથી ભરેલી મોટરબોટ પર પડતા જોઈ શકાય છે. પથ્થર પડતાની સાથે જ લોકો બૂમો પાડવા લાગ્યા હતા અને અફરા-તફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં હજુ ત્રણ લોકો ગુમ છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો તળાવમાં ધોધ પાસે મોટર બોટમાં મસ્તી કરી રહ્યા છે. અચાનક તેમની ઉપર ચટ્ટાન પડે છે. આ અચાનક બનેલી ઘટનાથી બધા ચોંકી જાય છે અને ચીસો પાડવા લાગે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઘણા લોકો મોટર બોટ પર ઉભા રહીને અહીં-ત્યાં ફરતા હોય છે અને અચાનક આ  ખડક નીચે પડી જાય છે.

આ અકસ્માત ફર્નાસ તળાવમાં  સર્જાયો હતો. આ તળાવ બ્રાઝિલના મિનાસ ગેરાઈસ રાજ્યમાં આવેલું છે. જે વિસ્તારમાં અકસ્માત થયો તે બ્રાઝિલનું પ્રખ્યાત પર્યટન કેન્દ્ર છે. ઇન્ટરનેશનલ ન્યૂઝ એજન્સી રોઇટર્સના રિપોર્ટ અનુસાર, 8 જાન્યુઆરીએ પણ લોકો અહીં આવ્યા હતા. ધોધની સામે પાણીમાં અનેક લોકો મોટરબોટની મજા માણી રહ્યા હતા.

કેટલાક લોકો તેનો વીડિયો પણ રેકોર્ડ કરી રહ્યા હતા. ધોધની નજીક અચાનક ખડકનો એક ભાગ પડવા લાગે છે. પર્વતને પડતા જોઈને ત્યાં હાજર લોકો બૂમો પાડવા લાગ્યા. કેટલાક લોકો મોટરબોટમાં બેઠેલા લોકોને ભાગવાનું કહે છે. લોકો ત્યાંથી નીકળી શકે તે પહેલા ખડકનો મોટો ભાગ પડી ગયો. જેની ચપેટમાં બે બોટ આવે છે.

Niraj Patel