ઝેરને કોલ્ડ ડ્રિંક સમજી આ નાના બે ભૂલકા પી ગયા, બાળકોના મોતથી આઘાતમાં સરી પડેલી માતાએ પણ પીધુ ઝેર

કોલ્ડ ડ્રિંક સમજી કીટનાશક પીવાને કારણે દીકરી અને દીકરીનો ગયો જીવ, આઘાતમાં માતાએ પણ ખાઇ લીધુ ઝેર

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર ઘણા ચોંકાવનારા કિસ્સા સામે આવતા રહે છે. ત્યારે હાલમાં ખૂબ જ હ્રદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે, જેમાં બે બાળકોએ ઠંડા પીણા તરીકે જંતુનાશક દવા પી લીધી. બગીચા સિંહના બે બાળકો પૈકી સારવાર હેઠળની પુત્રીનું પણ 16 દિવસ બાદ મોત થયું હતું. આ ઘટના 14 માર્ચની છે, શાળાએથી પરત આવેલા બંને બાળકોએ કોલ્ડ ડ્રિંક સમજીને જંતુનાશક દવા પી લીધી હતી. બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સાત દિવસ પછી પુત્રનું મોત થયું, જયારે 16 દિવસ પછી પુત્રીનું પણ મોત થયું. બાળકોના મોત બાદ આઘાતમાં માતા લખવિંદર કૌરે પણ ઝહેર ખાઇ લીધુ હતુ.

તેમને અમૃતસરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક છે. તતલા ગામના રહેવાસી બગીચાસિંહે જણાવ્યું કે તેમની નવ વર્ષની દીકરી મન્નતપ્રીત કૌર, છ વર્ષનો દીકરો જગરૂપ સિંહ સ્કૂલમાં ભણતા હતા. 14 માર્ચે બંને શાળાએથી ઘરે પરત ફર્યા હતા. પત્ની માર્કેટ ગઈ હતી. બંને બાળકો તરસ્યા હતા. ઘરના ખૂણામાં પ્લાસ્ટિકની બોટલમાં જંતુનાશક દવા રાખવામાં આવી હતી. બાળકો તેને કોલ્ડ ડ્રિંક સમજી પી ગયા હતા. જ્યારે પત્ની ઘરે પરત આવી ત્યારે બંનેની હાલત ખરાબ થઈ ગઈ હતી.

બંનેને અમૃતસરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે સ્થિતિમાં સુધારો ન થયો, ત્યારે હોસ્પિટલ બદલવામાં આવી. 20 માર્ચે પુત્ર જગરૂપનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે પુત્રીને લુધિયાણાની ડીએમસી હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. મન્નતનું પણ મોડી રાત્રે 29 માર્ચે અવસાન થયું હતું. બંને બાળકોના મોતના સમાચાર સાંભળીને માતાને આઘાત લાગ્યો હતો. આ જ આઘાતમાં તેમણે પણ બુધવારે ઝેર પી લીધું, તેમની હાલત નાજુક છે. આ ઘટનાથી ગ્રામજનો પણ ચોંકી ઉઠ્યા છે.

ખેડૂત બગીચાસિંહે જણાવ્યું કે તે એક ખેડૂત પરિવારમાંથી છે. તે માખીઓ અને મચ્છરોને ભગાડવા માટે જંતુનાશક દવાઓ લાવ્યો હતો. તેઓને થોડી ના ખબર હતી કે બાળકો શાળાએથી પાછા ફર્યા પછી તેને પી લેશે. તેમણે કહ્યું કે તેમનો પરિવાર બરબાદ થઈ ગયો છે. ડીએસપીએ કહ્યું કે પોલીસ પાર્ટીને સ્થળ પર તપાસ માટે મોકલવામાં આવી હતી, પરંતુ પરિવારે કાનૂની કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો હતો.

Shah Jina