ખબર

ગોંડલની આ માતાએ માતૃત્વને શર્મસાર કરે એવું કર્યું કામ, બીજા લગ્ન માટે પોતાના 3 વર્ષના બાળક સાથે એવું કર્યું કે વાંચીને તમારું પણ હૈયું કંપી ઉઠશે.

સમાજની અંદર લૂંટેરી દુલ્હનના ઘણા કિસ્સાઓ આપણે સાંભળ્યા હશે, ઘણા લોકો લગ્નની લાલચમાં ફસાઈ જઈને છેતરપિંડીનો ભોગ પણ બનતા હોય છે. આવો જ એક કિસ્સો ગોંડલમાંથી સામે આવ્યો છે. જે સાંભળીને માનવતા પણ શર્મસાર થઇ જાય તેમ છે.

ગોંડલ આવાસ ક્વાર્ટરમાં રહેતા અને રાજકોટ મજૂરીકામ કરતા અજયભાઈ બટુકભાઈ ધરજીયાએ વચેટિયા મારફતે એક કન્યા સાથે 2.40 લાખ રૂપિયા આપીને લગ્ન કર્યા હતા. શરૂઆતમાં તેમનું લગ્ન જીવન ખુબ જ સારું ચાલી રહ્યું હતું. લગ્નના એક વર્ષ બાદ તેમના ઘરે દીકરો પણ આવ્યો અને પરિવાર ખુશ ખુશાલ જીવન વિતાવી રહ્યો હતો.

ત્યારબાદ થોડા સમય પહેલા જ વચેટિયાઓએ કન્યાને બીજા લગ્ન કરવાની લાલચ આપી અને તેને બીજે લગ્ન કરવા માટે તેના 3 વર્ષના દીકરા સાથે પરિવારની જાણ વગર જ મુંબઈ લઇ ગયા હતા. જ્યાં બીજા લગ્નની અંદર બાળક અડચણ રૂપ થતું હોય તેને માત્ર 40000 રૂપિયામાં મુંબઈમાં જ વેચી દીધું હતું.

આ ઘટનાની જાણ અજયભાઈને થતા તેમને ગોંડલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદની હાઇકોર્ટમાં મેટર થતાં સિટી પી.આઈ એસ એમ જાડેજા દ્વારા તપાસના ચક્રોગતિમાન કર્યા હતા. પોલીસ તપાસમાં લૂંટેરી દુલ્હને રાજકોટના એક યુવાન સાથે લગ્ન કર્યા હોવાનું માલૂમ પડતા પોલીસે લુટેરી દુલ્હન અને તેની પાસેથી વચેટિયાના સગડ મેળવી બંનેને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી.

આ ઘટનાની અંદર પોલીસ તપાસ કરવા માટે પોલીસની એક ટીમને મુંબઇ રવાના કરી હતી અને ત્યાં પોલીસને જાણવા મળ્યું કે માસુમ બાળક તમિલનાડુના કોઇમ્બતુરથી ૯૦ કિલોમીટર દૂર રહેતા એક પરિવાર પાસે મોકલી દેવામાં આવ્યું છે.  ત્યારે પોલીસ પણ સમય વેડફ્યા વિના તરત જ પ્લેન મારફત તમિલનાડુ પહોંચી બાળકનો કબજો લઇ લીધો હતી અને માસુમ બાળકને તેના પિતાને સોંપી દીધું હતું.