અંગ મેળવનાર મહિલાએ ‘માતા’ બની સ્વર્ગવાસી મહિલાની પુત્રીનું કન્યાદાન કર્યું, તસવીરો જોઇને આંખો છલકાઇ જશે
દરેક માતા પિતા માટે દીકરીના લગ્નમાં કન્યાદાન કરવું એ ખુબજ સૌભાગ્યની ક્ષણ માનવામાં આવે છે. પરંતુ હાલ સુરતમાંથી એક એવી લાગણીસભર ઘટના સામે આવી કે જાણી કોઇની પણ આંખમાંથી આંસુ આવી જાય. સુરતની મહિલાના અંગ ચાર વર્ષ પહેલાં એક અન્ય મહિલાને દાનમાં આપવામાં આવ્યા હતા અને કેટલાક દિવસ પહેલા જ સ્વર્ગવાસી થયેલ મહિલાના દીકરીનાં લગ્ન યોજાયાં,
આ લગ્નમાં મૃતક મહિલાનું અંગ મેળવનાર મહિલાએ ‘માતા’ બની સ્વર્ગવાસી મહિલાની પુત્રીનું કન્યાદાન કર્યું. આ દરમિયાન ઘણા ભાવવિભોર દ્રશ્યો સર્જાયાં હતાં. ચાર વર્ષ પહેલાં ન્યૂ સિટીલાઈટમાં રહેતા કલ્પેશભાઈ લાકડાવાળાનાં પત્ની રાધેકિરણબેનને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. તેઓ 16 જૂન 2019ના રોજ રાત્રે બાથરૂમમાં પગ લપસતા ગંભીર રીતે ઇજાગ્ર્સ્ત થયાં હતાં અને તે બાદ તેમને 20 જૂને તેમને બ્રેઇનડેડ જાહેર કરાયાં હતા.
જો કે, પરિવારે દુખની ઘડીમાં પણ માનવતા દેખાડી અને રાધેકિરણબેનના હૃદય, ફેફસાં, કિડની અને આંખોનું દાન કરી 6 વ્યક્તિને નવું જીવન આપ્યું. ત્યારે હાલમાં જ થોડા દિવસ પહેલા રાધેકિરણબેનની દીકરી ક્રિષ્નાનાં લગ્ન હતા અને આ લગ્નમાં રાધેકિરણબેનની કિડની જે મહિલાને આપવામાં આવી હતી તે બાયડનાં જ્યોત્સનાબેન અને તેમના પતિએ આ લગ્નમાં દિલથી હાજરી આપી અને દીકરીના કન્યાદાનની વિધિ કરી.
જ્યારે દીકરીના પરિવારે જ્યોત્સનાબેનને લગ્નની પૂજાવિધિ માટે બેસવાનું કહ્યુ તો તેમણે તરત હા પાડી અને ક્રિષ્નાના કન્યાદાનની વિધિ કરી. માતાની કિડની જ્યોત્સનાબેને મેળવી હોવાથી તેમનું કન્યાદાન કરતાં દીકરી ક્રિષ્નાને પણ જાણે કે તેની માતા જ લગ્નપ્રસંગમાં હાજર છે તેવી અનુભૂતિ થઈ હતી.
ક્રિષ્નાએ કહ્યુ કે, મારી માતા તો નથી પણ તેના શરીરનું અંગ જેમા હતુ તેમણે માતા બનીને મારું કન્યાદાન કર્યુ અને મને લાગ્યું કે, મારી મમ્મી મને કશેને કશે જુએ છે અને એમના આશીર્વાદ મારી સાથે છે. તેણે આગળ કહ્યુ કે, જ્યોત્સના માસીએ મારી માતાની ખોટ પૂરી કરી છે.
જણાવી દઇએ કે, ક્રિષ્નાની માતા રાધેકિરણબેનનું હૃદય અને ફેફસાં મહારાષ્ટ્રના સતારાની 25 વર્ષીય રૂપાલીમાં તેમજ એક કિડની બાયડનાં જ્યોત્સનાબેન અને એક કિડની વડોદરાના રમેશભાઈમાં ટ્રાન્સપ્લાન્ટ કરાઇ હતી.આ ઉપરાંત બંને આંખોનું ચક્ષુબેન્કમાં દાન કરવામાં આવ્યું હતું.