આખરે વડોદરામાં માતા-પુત્રીની મોતનુ ઉકેલાયુ રહસ્ય, પરિણીતા અને દીકરીને આ વ્યક્તિએ મારી નાખી

વડોદરામાં મા-દીકરીના મૃત્યુનો કોયડો ઉકેલાયો, જેને હત્યા કરી એના વિશે જાણીને હચમચી જશો

હાલમાં જ વડોદરામાં એક પરિણિતા અને તેની દીકરીની મોતનો મામલો સામે આવ્યો હતો અને પોલિસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી નાખ્યો છે. પતિએ જ પત્ની અને દીકરીની હત્યા કરી હોવાનું પોલિસ તપાસમાં સામે આવ્યુ છે. પતિએ પત્નીનું ગળુ દબાવીને હત્યા કરી હતી, જયારે દીકરીને ઝેર પીવડાવ્યુ હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલિસ તપાસમાં માતા-પુત્રીની હત્યા  એટલા માટે કરવામાં આવી કારણ કે પતિના આડા સંબંધ અને ઘરજમાઇ તરીકે રહેવાની મજબૂરી અને પત્નીની અજુગતી માંગણીઓ જેવા અનેક કારણો હોવાનું સામે આવ્યુ છે.

વડોદરાના ન્યૂ સમા રોડ ઉપર આવેલી ચંદન પાર્ક સોસાયટીમાંથી ગત દિવસોમાં જ એક  મહિલા અને તેની દીકરીના રહસ્યમય મોતની ઘટના સામે આવી હતી. જેનો પોલિસે ગણતરીના દિવસોમાં જ પર્દાફાશ કરી દીધો છે. બેવડી હત્યા મહિલાના પતિ દ્વારા જ કરવામાં આવી હતી. પોલિસ અનુસાર, આ પરિવાર પંચમહાલના નાંદરવાનો છે અને તેજસનું વતન 15 કિમી અંતરે આવેલ એરંડી ગામ છે. લગ્ન બાદ તેજસ ઘરજમાઇ તરીકે રહેતો હતો.

તેજસની પત્ની શોભનાના ભાઇએ તેજસને નોકરી અપાવી હતી. તેને ઘર જમાઇ તરીકે રહેવુ ન હતુ અને શોભનાની જીદને કારણે રહેવુ પડતુ  હતુ. પત્નીની કેટલીક માંગણીઓ તેમજ તેના ખર્ચાને કારણે વારંવાર ઝઘડા પણ થતા હતા. પોલિસ તપાસમાં એ વાત સામે આવી છે કે તેજસના અન્ય મહિલાના સાથેના સંબંધ હતા અને તેની જાણ થતા ઝઘડા શરૂ થયા હતા.

પોલિસની આકરી પૂછપરછ દરમિયાન તેજસ ભાંગી પડ્યો હતો અને તેણે પત્ની અને દીકરી કાવ્યાની ગળુ દબાવી હત્યા કરી ઉંદર મારવાની દવા પીવડાવી હોવાની કબૂલાત કરી હતી. માતા અને દીકરીની શંકાસ્પદ મોતને પગલે બંનેની લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી અને ઇજાના નિશાનને કારણે વીસેરા પણ લેવામાં આવ્યા હતા. પીએમ રીપોર્ટ અને વીસેરા રીપોર્ટમાં ગળુ દબાવી અને ઝેર પીવડાવી હત્યા કરી હોવાનું ખુલ્યુ હતુ.

શું હતો મામલો 

વડોદરાના ન્યૂ સમા રોડ પર આવેલ ચંદનપાર્ક સોસાયટીમાં  36 વર્ષિય શોભનાબેન તેમના પતિ તેજસભાઇ પટેલ અને તેમની 6 વર્ષિય દીકરી કાવ્યા રહેતા હતા. શોભનાબેન અને કાવ્યા બંને લગભગ 10 ઓક્ટોબરના રોજ રાત્રે 12 વાગ્યા આસપાસ ગરબા રમીને ઘરે આવ્યા હતા અને ત્યારબાદ તેમની તબિયત બગડતા પતિ સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઇને ગયો હતો, જયાં હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

પોલિસને ઘટનાની જાણ થતા જ તેઓ દોડી ગયા હતા અને બંનેની લાશને સયાજી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે મકોલી આપી હતી. હવે પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ જ તેમની મોતનું સાચુ કારણ ખબર પડશે. પોલિસ એમ માની રહી હતી કે, મહિલાના ગળાના ભાગે નિશાન હતા અને છોકરીને કંઇક લિક્વીડ પીવડાવવામાં આવ્યુ હતુ. શોભનાબેનના પતિ તેમને રાત્રે 2.30 વાગ્યે હોસ્પિટલ લઇને ગયા હતા.

એટલા માટે રાત્રે 12 વાગ્યાથી લઇને 2.30 વાગ્યાના સમયમાં કંઇક થયુ હોવાની પોલિસને શંકા હતી, જેને કારણે પોલિસે પતિ તેજસ પટેલની અટકાયત કરી હતી. મૃતકના પરિવારને આ વિશે જાણ થતા તેનો ભાઇ સયાજી હોસ્પિટલ આવી પહોંચ્યો હતો અને પોલિસે તેની બહેન, બનેવી અને ભાણી બધાની માહિતી લીધી હતી. મૃતકના ભાઇએ તેની બહેનની હત્યાની આશંકા જતાવી હતી.

Shah Jina