Mother And Son Died In Separate Accidents : ગુજરાત સમેત દેશભરમાં અકસ્માતના ઘણા મામલો અસામે આવી રહ્યા છે. જેમાં રોજ કેટલાય લોકોના મોત પણ નિપજતા હોય છે. ત્યારે કેટલાક એવા અકસ્માતની ઘટનાઓ પણ સામે આવે છે જે હચમચાવી દેતી હોય છે. હાલ એક એવા જ અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એક માતાના અંતિમ સંસ્કાર કરવા માટે જઈ રહેલા દીકરાને પણ અકસ્માત નડ્યો હતો અને આ અકસ્માતમાં દીકરાનું પણ મોત નિપજતા માતા અને દીકરાની એક સાથે અંતિમ યાત્રા નીકળતા જ કરુણાંતિકા સર્જાઈ હતી.
માતાના મૃત્યુના સમાચાર સાંભળી ઘરે આવી રહ્યો હતો દીકરો :
માતાના મૃત્યુના સમાચાર સાંભળીને પુત્ર માતાના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે કારમાં આવી રહ્યો હતો, પરંતુ કિસ્મતને કંઈક બીજું જ મંજુર હતું. માતાના અંતિમ દર્શન માટે પુત્ર પહોંચે તે પહેલા જ રસ્તામાં કારનું ટાયર ફાટી ગયું અને કારને અકસ્માત નડ્યો જેમાં પુત્રનું મોત નીપજ્યું અને ત્યારબાદ માતા અને પુત્રની અર્થી એકસાથે નીકળી. આ હૃદયદ્રાવક ઘટના મધ્યપ્રદેશના રીવા જિલ્લાની છે, જ્યાં માત્ર 12 કલાકમાં જ માતા-પુત્રના મોતથી પરિવારમાં શોક છવાઈ ગયો છે.
બાઈક અકસ્માતમાં થયું હતું માતાનું મોત :
મળતી માહિતી મુજબ, રીવા જિલ્લાના જટારી ગામની રહેવાસી 55 વર્ષીય રાની દેવીના પતિનું ઘણા વર્ષો પહેલા અવસાન થયું હતું. તેના પતિના મૃત્યુ પછી, રાણીએ તેના ત્રણ પુત્રો અને પુત્રીઓને ખૂબ જ મુશ્કેલીથી ઉછેર્યા. રાણી દેવી તેના મોટા પુત્ર પ્રકાશ અને નાના પુત્ર સની સાથે ગામમાં રહેતા હતા જ્યારે વચ્ચેનો પુત્ર સૂરજ ઈન્દોરમાં રહેતો હતો. રાની તેના મોટા પુત્ર પ્રકાશ સાથે તેના મામાના ઘરે જઈ રહી હતી, તે દરમિયાન રસ્તામાં ડભૌરા ગામ પાસે તેની બાઇક સામેથી આવી રહેલી બાઇક સાથે અથડાઈ હતી. આ ઘટનામાં રાની દેવીનું મોત થયું હતું જ્યારે પુત્ર પ્રકાશ ઘાયલ થયો હતો.
કાર અકસ્માતમાં દીકરાએ ગુમાવ્યો જીવ :
માતાના મૃત્યુના સમાચાર મળતા જ ઈન્દોરમાં રહેતો પુત્ર સૂરજ પોતાના ગામ આવવા માટે બેચેન થઈ ગયો. દુખની ઘડીમાં મિત્ર સાથે વાત કરીને પોતાની કારમાં ગામ જવા માટે કહ્યું, પરંતુ બંનેને ગાડી કેવી રીતે ચલાવવી તે આવડતું ન હતું, તેથી ડ્રાઇવરની નિમણૂક કરવામાં આવી અને સૂરજ અને તેનો મિત્ર ગામ જવા રવાના થયા. જો કે, નિયતિને કંઈક બીજું જ મંજુર હતું. ગામથી લગભગ 100 કિ.મી. પહેલા કારનું ટાયર ફાટતા કાર અકસ્માતનો ભોગ બની હતી.
માતા-પુત્રની અર્થી એકસાથે નીકળતા સર્જાયો કલ્પાંત :
આ અકસ્માતમાં સૂરજ અને તેના મિત્ર અને કારના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમને રીવા રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સુરજનું મોત નીપજ્યું હતું. અહીં માતાનું અર્થી પણ શબઘરમાં રાખવામાં આવ્યું હતું, આ દરમિયાન જ્યારે સૂરજના મૃત્યુના સમાચાર ઘરે પહોંચ્યા ત્યારે પરિવારના સભ્યો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો અને પછી એકસાથે માતા-પુત્રની અર્થી ઘરના આંગણામાંથી નીકળતા જ હૃદયદ્રાવક દૃશ્યો પણ સર્જાયા હતા.